અલખના આરાધક ભજન સમ્રાટ નારાયણ સ્વામી

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
અલખના આરાધક ભજન સમ્રાટ નારાયણ સ્વામી 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- આઠે પ્રહર ભાવથી ભજનો ગાયા હોય તેવા લોકકલાકારો અને સંતોની નોંધ સાહિત્ય ક્ષેત્રે જોઈએ તેટલી નથી લેવાઈ

હે જી વા'લા અખંડ રોજી હરિના હાથમાં,

વા'લો મારો જુએ છે વિચારી... હે જી વા'લા અખંડ...

કો ઈ મહિનાની અજવાળી રાતે તમે કાઠીયાવાડનાં કોઈ ગામમાં સૂતા હો અને અડધી રાત્રે આવું કોઈ ભજન સાંભળવા ન મળે તો જ નવાઈ !! 'ભજન કરે તે જીતે' અને 'ટુકડો ત્યાં હરિ ઢૂકડો' એ ન્યાયે સૌરાષ્ટ્રમાં ભજન અને ભોજનની પરંપરા આજે પણ અખંડ છે. ગોરખનાથથી આરંભાયેલી આ ભજન પરંપરાને કંઠોપકંઠ રીતે જાળવવાનું અને એક પેઢીથી બીજી પેઢી સુધી લઈ જવાનું કામ આપણા લોકગાયકો અને સંતવાણીના આરાધકોએ કર્યું છે. આ લોકગાયકો જીવતા હોય ત્યારે તો જૂનાગઢનો અડધો મેળો તેમની પાછળ-પાછળ ફરતો હોય તેમ લાગે. પરંતુ સંસ્કૃતમાં કહેવાયું છે કે વિસ્મૃતિ એ માનવીની પ્રકૃતિ છે. તેમ આ મહાન સાધકો દુનિયા છોડીને જાય તે પછી વિસ્મૃત થતા રહે છે. 

જે લોકગાયકો કે સંતોએ આ સંતવાણીને પેઢીઓ સુધી જીવંત રાખી, આઠે પ્રહર ભાવથી ભજનો ગાયા હોય તેવા લોકકલાકારો અને સંતોની નોંધ સાહિત્ય ક્ષેત્રે જોઈએ તેટલી નથી લેવાઈ, તેમના જીવન-કવન વિશે લગભગ કશું લખાયું નથી. જીવનભર અલખની આરાધના કરનાર આવું જ એક સંતવાણીનું ગૌરીશિખર એટલે નારાયણ સ્વામી. ગુજરાતમાં ચાલીસી વટાવી ગયેલા ભાગ્યે જ કોઈ એવા જણ મલે કે જેમણે નારાયણ સ્વામીનાં ભજનો ન સાંભળ્યા હોય. નારાયણ સ્વામીએ ગુજરાતી ભજન પરંપરાને નવા શાસ્ત્રીય ઢાળના વાઘા પહેરાવ્યા. આ રીતે લોક અને શ્લોકનો સમન્વય કર્યો અને ગુજરાતનાં સમૃદ્ધ ભજન વારસાને જીવંત રાખવાનું કાર્ય કર્યું. એમનું જીવન અત્યંત રોમાંચક રહ્યું. મહીદાનજી અને જીવુબાલાંગાવદરાને ત્યાં ૧૯૩૮માં અષાઢી બીજના રોજ તેજસ્વી પુત્ર જન્મ્યો જેનું નામ રાખ્યું શક્તિદાન. શક્તિદાનના નાનપણથી દુહા છંદ ગાતા. એક તો દેવીપુત્ર ચારણ એટલે સરસ્વતી તો કંઠમાં હોય જ, પણ કુદરતે શક્તિદાનને કંઠમાં કામણ આપેલું. ગાવા બેસે ત્યારે અનેક લોકો આવીને સાંભળવા બેસી જાય. શક્તિદાન બે ચોપડીથી વદારે ભણી શક્યા નહીં, કારણ કે તેમનો જીવ ભણવા કરતા સંતસમાગમ, સાધુ સંતોની સેવામાં અને ભજનમાં જ ચોંટેલો. 

નાનપણમાં જ ગુરુ હરિહરાનંદ મળ્યા. હરિહરાનંદના આશ્રમમાં શક્તિદાન મધુરા કંઠે અને એવા ભાવ સાથે ભજનો ગાતા કે હરિહરાનંદજી મંત્રમુગ્ધ બનીને સાંભળતા જ રહેતા. એકવાર ગુરૂએ બોલાવીને શક્તિદાનને કહ્યું, ''બચ્ચા હવે લગ્ન કરી લે, અમારી આજ્ઞાા છે'', ગુરૂની આ આજ્ઞાા સાથે ચડાવીને શક્તિદાને ૧૯૬૫માં પ્રભુતામાં પગલાં માંડયા, ત્યારે માતાપિતાના આનંદનો પાર ન રહ્યો, તેમને લાગ્યું કે હવે દીકરો ઘર સંસારનો ભાર ઉપાડીને ઘરમાં જ રહેશે, પણ શક્તિદાનની કુંડળીમાં કંઈક અલગ જ યોગ હતો. શક્તિદાનનો સંસાર સુખરૂપ શરૂ થયો, એક પુત્રી અને બે દીકરા થયા છતાં સંત સમાગમનું વળગણ ચાલું જ રહ્યું, સત્સંગ કરવો ભજન કરવું એ નિત્યક્રમ રહ્યો. ગુરૂ હરિહરાનંદની આજ્ઞાા હતી કે સંન્યાસ લેવો, તે ગુરૂની હયાતીમાં તો શક્ય ન બન્યું પણ ગુરૂ હરિહરાનંદના બ્રહ્મલીન થયા પછી સંન્યાસ લઈ શક્તિદાનમાંથી સ્વામી નારાયણાનંદ સરસ્વતી થયા. આઈમાસોનલમા એમ કહેતા કે ''તમે તો નરમાંથી નારાયણ થયા''. તે કથન નારાયણ સ્વામીએ પોતાની ભજન આરાધનાથી સાર્થક કરી બતાવ્યું. વિશ્વવંદનીય સંતશ્રી મોરારિબાપુએ નારાયણ સ્વામી સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે ''કલ્યાણજી આનંદજી એમ કહેતા કે ક્રિકેટમાં ઓલ રાઉન્ડર હોય તેમ સંતવાણીમાં નારાયણ સ્વામી ઓલ સાઉન્ડર છે''. નારાયણસ્વામીના કંઠની તાકાત, સૂરની સમજ અને અવાજની રેન્જને કોઈ આંબી શકે નહીં, એમની આંગળીઓ હારમોનિયમ પર વીજળીની માફક ફરતી. ક્યારેક તો સ્વરની આલાપચારીમાં હારમોનિયમ સ્વરો પમ ટૂંકા પડતા હોય એવું લાગે. ક્યારેક એક જ ભજન ચૌદ શાસ્ત્રીય રાગોમાં રજૂ કરી બતાવે એવી ઊંડી સમજ અને શક્તિ. 

તેમની ગાયકી ત્રણથી સવા ત્રણ સપ્તકની રેંજમાં રમતી ! મધ્યમથી શરૂ કરનાર બાપુ ચંદ્રસપ્તક (ખરજ) અને તાર સપ્તક - બંન્નેમાં મધુરા લાગતા. તે વખતે મુંબઈ એચ. એમ. વી. સ્ટુડીઓમાં ભજનનું રેકોર્ડીંગ થતું. એચ.એમ.વી.નો રિપોર્ટ કહે છે રેકોર્ડિંગ વખતે બે જણનું 'રીટેક' ભાગ્યે લેવાતું : એક લતા મંગેશકર અને બીજા નારાયણ સ્વામી ! કૈલાસ કે નિવાસી, હે જગજનની હે જગદંબા, મુઝે મેરી મસ્તી કહાં લે કે આયી જેવા ભજનો તેમના અવાજમાં ગુજરાતનાં ખૂણેખૂણા સુધી પહોંચેલા. તેમની કેસેટોની માંગ યુરોપ, અમેરિકા અને આફ્રિકામાં ખૂબ રહેતી. કચ્છના વિખ્યાત લોકગાયક વેલજીભાઈ ગજ્જર તેમને 'ભજનની યુનિવર્સિટી' કહેતા. 

સંતવાણીની સાધના માટે તેમને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર અને કબીર એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો. તેમની લોકપ્રિયતાની એ ચરમસમી હતી કે સૌરાષ્ટ્રના કેટલાયે કલાકારો તેમની નકલ કરી ભજનો ગાતા અને કાર્યક્રમો મેળવતા. તેમના અવસાન વખતે લતામંગેશકરે કહ્યું કે ''દુનિયા સે ઈક અચ્છા સૂરચલા ગયા, હમ સારે ગાયક સૂર કી ગંગા હૈ, પરબાપુ ગૌમુખી ગંગા થે જહાં સે સૂર બહેતા થા...'' લતા મંગેશકરજીની અંતિમ યાત્રામાં પણ નારાયણ સ્વામીએ ગાયેલ ભજન 'ઈતના તો કરના સ્વામી' વગાડવામાં આવેલું. બીબીસીલંડને જેમની વિશેષ સ્ટોરી કરેલી એવા ભજનાનંદી નારાયણ ્સ્વામી હવે આ દુનિયામાં નથી પણ તેમની સંતવાણીનાં અનહદનાં સૂર હજુ ગુજરાતી ભાવકોના કાનમાં ગૂંજી રહ્યા છે.

અંતે,

હોય ભલે, દુ:ખ મેરુ સરીખુ મા !

રંજ એનો ના થવા દેજે,

રજ સરીખુ દુ:ખ જોઈ બીજાનું મને,

રોવાને બે આંસુ દેજે...


Google NewsGoogle News