Get The App

સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે! ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટિ આ આપને નમે!

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે! ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટિ આ આપને નમે! 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

ક વિ કરસનદાસ માણેકની આ પંક્તિઓ ગાંધીજીના વ્યક્તિત્વ અને કૃતિત્વનું દર્શન કરાવે છે.

ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્ય પર જ નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્ય પર ખૂબ મોટી અને ઊંડી અસર જન્માવી છે. સામાન્ય જન માનસ સમજી શકે તેવી ભાષામાં લખવાની પ્રેરણા આપનાર ગાંધીએ પોતે વ્યવહારની ભાષામાં લખી એક ઉત્તમ  દાખલો બેસાડયો અને સાબિત કર્યું કે સરળ લખવું અઘરું છે. એમનું પુસ્તક 'સત્યના પ્રયોગો અથવા આત્મકથા' ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની તેમના જન્મ, બચપણ, બાળવિવાહથી આરંભી નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ થઇ છે. નિર્દંભ રજૂઆત, નિર્ભીક કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના મુકાબલાની સંઘર્ષકથા વહે છે. ગાંધીજીની આગવી સરળ બાની તેમજ તેમના આચાર અને વિચારના સમન્વયે આ જીવનકથાએ હજારો લોકોને પ્રેરણા આપી છે અને તેને જ કારણે ભારતીય ભાષાઓ ઉપરાંત અનેક વિદેશી ભાષાઓમાં પણ તેનો અનુવાદ થયો છે. પોતે અનેક  પુસ્તકો લખ્યા અને અનુવાદિત કર્યા હોવા છતાં તેમણે નિખાલસ કબૂલાત કરી. ૧૯૩૧માં કોઈએ ગાંધીજીને પૂછયું, તમે રાજકારણમાં આટલા બધા પરોવાયા છો એને લઈને જીવનમાં તમે શું ગુમાવ્યું?  તેમણે કહ્યું કે 'સાહિત્ય કે જેમાં મને ખૂબ જ રસ હતો તે રસ હું કેળવી ન શક્યો.' પોતે વિશ્વભરનું સાહિત્ય વાંચ્યું હોવા છતાં આવી નિખાલસ કબૂલાત કરનાર ગાંધી જ હોઈ શકે! ગાંધીજીનાં જીવનમાં સાહિત્ય- વાંચનનો અને દર્શનનો પ્રભાવ ખૂબ જોવા મળે છે. ઉત્તમ વાચક તરીકે વિશ્વભરના સાહિત્યનું વાંચન- ચિંતન અને મનન કરવું તે તેમનો સ્વભાવ થઇ પડયો. નાનપણમાં રાજા હરિશ્ચચંદ્ર નાટક જોયું તેની ખૂબ અસર થઇ. લંડન ગયા તો મોટા ભાગના પૈસાનો ઉપયોગ નાટકો જોવામાં કર્યો. દર અઠવાડિયે કોઈને કોઈ નાટક જુએ. ખાસ કરીને શેક્સપિયરના નાટકના મોટાભાગના સંવાદો તેમણે કંઠસ્થ કર્યા અને પછી તેને બોલતા રહેતા. એકલા હોય તો નાટકના સંવાદો બોલ્યે રાખે. તે દરમ્યાન જ વોલ્ટર સ્કોટ જેવા ઘણા લેખકોને વાંચ્યા અને પશ્ચિમી સાહિત્યનું પરિશીલન કરતા રહ્યા. તેમની વાંચનસૃષ્ટિ વિશાળ  અને અપરિમિત રહી. ગાંધીજીએ ટૉલ્સ્ટૉયનું 'ધ કિંગ્ડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુ' - 'વૈકુંઠ તારા હૃદયમાં છે' એ પુસ્તક વાંચ્યું અને તેમના મન ઉપર તેની ઊંડી છાપ પડી. વળી અબદુલ્લા શેઠના આગ્રહથી તેમણે ઇસ્લામનો અભ્યાસ કરવા કુરાનનો અંગ્રેેજી અનુવાદ પણ વાંચ્યો. જાહેર સેવામાંથી અને વકીલાતમાંથી બચતા સમયમાં ગાંધીજીએ ધાર્મિક સાહિત્ય વાંચ્યું. એમાં નર્મદાશંકરના 'ધર્મવિચાર' પુસ્તકની પ્રસ્તાવના, ભારતપ્રેમી જર્મન વિદ્વાન મૅક્સમૂલર રચિત : 'ઇન્ડિયા  વ્હોટ કૅન ઇટ ટીચ અસ' (હિંદુસ્તાન આપણને શું શીખવી શકે). થિયૉસૉફિકલ સોસાયટીએ પ્રસિદ્ધ કરેલા ઉપનિષદના અનુવાદ વાંચ્યા. ઇસ્લામનો અભ્યાસ વધારવા તેમણે અમેરિકન લેખક વૉશિંગ્ટન અરવિને લખેલું હજરત મહંમદનું જીવનચરિત્ર વાંચ્યું. 'જરથુષ્ટ્રનાં વચનો' પુસ્તક વાંચી તેમણે પારસી ધર્મનો પણ અભ્યાસ કર્યો. ભારતપ્રેમી એડવિન આર્નલ્ડનો ભગવદગીતાનો અંગ્રેેજી અનુવાદ 'ધ સાગ સિલેશિયલ' સાથે સંસ્કૃતમાં ભગવદગીતા વાંચી. તે ઉપરાંત, એક અંગ્રેજ પાદરીના કહેવાથી તેમણે બાઇબલ વાંચ્યું. તેના 'ધ ઓલ્ડ ટેસ્ટમન્ટ', અને 'ધ ન્યૂ ટેસ્ટમન્ટ' વાંચ્યા. 'ધ ન્યૂ ટેસ્ટમન્ટ'એટલે કે 'નવા કરાર' તરીકે ઓળખાતા ઈશુના ઉપદેશને લગતા બીજા ભાગમાં તેમને ખૂબ રસ પડયો. દક્ષિણ આફ્રિકામાં તેમના એક મિત્ર પોલાકે ગાંધીજીને એડલ્ફ જુસ્ટ નામના જર્મન લેખકના 'રિટર્ન ટુ નેચર' પુસ્તકની વાત કરી. એ પુસ્તક વાંચી ગાંધીજી આરોગ્ય માટે માટીના અને પાણીના પ્રયોગોનું મહત્વ સમજ્યા. તે પછી ૧૯૦૪ આક્ટોબરમાં ગાંધીજી કંઈ કામ પ્રસંગે જોહાનિસબર્ગથી ડરબન જતા હતા ત્યારે પોલાકે તેમને મુસાફરી દરમિયાન જૉન રસ્કિનનું 'અન્ટુ ધ લાસ્ટ' પુસ્તક વાંચવા આપ્યું. પછીથી આ પુસ્તકનો 'સર્વોદય' નામે અનુવાદ પણ કર્યો. સોક્રેટીસની કથા વાંચી ત્યારે તત્વચિંતક સોક્રેટીસથી પ્રભાવિત થયેલા ગાંધીજીના હૃદયમાં તેમના શબ્દો અને વિચારોની ઊંડી અસર પડી હતી એટલે ઇન્ડિયન ઓપીનીયનમાં એક સત્યવીરની જીવનકથા નામે શ્રેણી લખી અને પછીથી તે પુસ્તક સ્વરૂપે પ્રગટ થઇ. અનેક સામયિકો દ્વારા તેમણે સામાજિક, રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, કેળવણી તેમ જ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાધેલો. એમના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ 

અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે. ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં ભારેખમ સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમ મૂલ્યોને ઝીલનારા ગાંધી પ્રભાવિત સાહિત્યુગને 'ગાંધીયુગ' નામ અપાયું છે. કોશિયો સમજી શકે તેવી સરળ ભાષામાં લખવા છતાં સમગ્ર વિશ્વને આકર્ષણ જગાવનાર ગાંધી એક ઉત્તમ વાચક તરીકે નવી પેઢી સમક્ષ મૂકાય તો વાંચનમાં પણ ગાંધીયન ટેસ્ટ ડેવલપ થઇ શકે.

અંતે, 

બીજા દેશોમાં હું પ્રવાસી તરીકે જાઉં, પણ ગાંધીને કારણે ભારત મને તીર્થ લાગે !' 

- માર્ટિન લ્યુથર કિંગ


Google NewsGoogle News