Get The App

સુશાસનના પ્રતીકઃ ગોંડલ નરેશ શ્રી ભગવતસિંહજી

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
સુશાસનના પ્રતીકઃ ગોંડલ નરેશ શ્રી ભગવતસિંહજી 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- મહારાજાએ બહોળા લોકસમુદાયમાંથી અરૂઢ - નવતર શબ્દો મેળવવા, નવો શબ્દ લાવનારને 4આના આપવાનું નવતર પગલું ભર્યું હતું.

ભારતનો ઇતિહાસ મુઠ્ઠીઊંચેરાં માનવીઓની ગાથા છે. ગોંડલ નરેશ  ડો. ભગવતસિંહજીનું નામ આજ શ્રેણીમાં મૂકવું પડે. આ માણસનું હૃદય હિમાલયકાલીન પ્રાચીનતામાં રંગાયેલું રહ્યું છે, જેમાં માણસાઈ, તપસ્યા, સંશોધન અને સુપ્રશાસનનું સુંદર સાયુજ્ય દેખાય છે. ડો. ભગવતસિંહજીને તેમની પ્રજા આજે પણ ગોંડલબાપુ તરીકે યાદ કરે છે. બહુ ઓછા એવા રાજવીઓ હોય છે જેમને પ્રજા ભગવાનનો દરજ્જો આપી પૂજે છે. ગોંડલબાપુ આ કક્ષાના રાજવી હતા. 

ડો. એસ. વી. જાની લિખિત 'સૌરાષ્ટ્રનો ઇતિહાસ પુસ્તક'માં થયેલી નોંધ પ્રમાણે વર્ષ ૧૮૬૯માં સંગ્રામજીના અવસાન પછી તેમના પુત્ર ભગવતસિંહજી ગાદીવારસ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર ચાર વર્ષ હતી. તેઓ સગીર હોવાથી ગોંડલ રાજ્યને બ્રિટિશ વહીવટ હેઠળ મૂકવામાં આવ્યું હતું. તેઓ વયસ્ક થતાં તેમણે સંપૂર્ણ સત્તા સાથે ગોંડલનો રાજવહીવટ સંભાળ્યો હતો. જીવનના આરંભથી જ ગોંડલબાપુને શીખવાની પ્રબળ ઉત્સુકતા રહેતી હતી. શિક્ષણપ્રાપ્તિની એમની અદમ્ય ઝંખના જ એમને દેશ અને વિદેશની શ્રે શૈક્ષણિક સંસ્થાઓ ભણી લઈ ગયેલી અને ગોંડલબાપુનો આત્મા નવા જ્ઞાન, નવી ચેતનામાં અવગાહન પામતો રહેલો. 

કદાચ એમના સમયમાં ડો. ભગવતસિંહજી પ્રથમ એવા રાજવી હશે, જેમણે તબીબી ડિગ્રી પ્રાપ્ત કરી હોય. આ જ્ઞાનપિપાસુ રાજવી તેમના જીવનકાળ દરમિયાન  ઇજનેરી, કાયદા સહિત કુલ ૧૧ પદવીઓનું ભાથું પોતાની મહેનત અને આવડતથી પામે છે. ગોંડલબાપુની ઉચ્ચ શિક્ષણયાત્રા રાજકોટની રાજકુમાર કોલેજથી શરૂ થઇ સ્કોટલેન્ડ સુધી જાય છે. સ્કોટલેન્ડમાં ગોંડલબાપુ તબીબી જ્ઞાનની સાથેસાથે અંગ્રેજી અને ફ્રેન્ચ સાહિત્યનો પણ બહોળો અભ્યાસ કરે છે અને આ ગાળામાં જ પોતાની પોતીકી ભાષા માટે કશુંક કરવાની તેમનામાં ખેવના જાગે છે. 

ગોંડલબાપુ પોતાના વતન પરત ફર્યા બાદ પ્રજામાં નવચેતનાની આહલેક જગાડે છે. તેઓ રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરે છે, જે તેમની જીવનગામી દ્રષ્ટિ અને પ્રગતિશીલ વિચારોની ચાડી ખાય છે. પોતાના રાજ્યની વધુમાં વધુ બાળકીઓ શાળાપ્રવેશ કરે તે માટે આ રાજવી દિવસરાત એક કરી દે છે, જેના પ્રતાપે તેમના રાજ્યમાં શાળાઓમાં વિદ્યાર્થીનીઓની સંખ્યામાં પાંચગણો વધારો થાય છે. 

ગોંડલબાપુ માત્ર એક સારા શિક્ષણવિદ્દ જ નહીં પણ પર્યાવરણ પ્રેમી પણ હતા. એમણે વૃક્ષારોપણ માટે પ્રજામાં ઝુંબેશ ચલાવી અને પોતાના શાસનકાળ દરમિયાન જંગલમાં શિકાર પર પ્રતિબંધ મૂક્યો. ગોંડલ રાજ્યમાં જ્યારે દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયેલું ત્યારે તેમણે રાજ્યની તિજોરીમાંથી ડેમ અને તળાવોનું નિર્માણ કરીને સિંચાઇ માટે મજબૂત તંત્ર ઊભું કર્યું હતું, જે આજે પણ પ્રવર્તમાન છે. આ રાજવીએ ગોંડલમાં ટેલિગ્રાફ, ટેલિફોન, વિજળી અને ગટર વ્યવસ્થાની આધુનિક સુવિધાઓનો પ્રારંભ કરેલો. 'સૌરાષ્ટ્રનો ઇતિહાસ' પુસ્તકમાં થયેલ એક નોંધ અનુસાર ભગવતસિંહજીએ વહીવટતંત્રને પ્રજાકલ્યાણના હેતુ સાથે સક્ષમ બનાવ્યું હતું. 'પ્રજા સુખે સુખી રાજ'ની પ્રાચીન પ્રણાલિકાને તેમણે અમલમાં મૂકી હતી. તેઓ માનતા કે 'પ્રજાની જરૂરિયાતોનો વિચાર કરવો એ મારી ફરજ છે, કારણ કે તેમના સુખ અને સંતોષમાં જ મારો ખરો બદલો રહેલો છે.'

પ્રજાકલ્યાણના એકમાત્ર હેતુથી આ શાસકે પોતાના રાજ્યકાળમાં ૫૦ કર નાબૂદ કર્યા હતા. વર્ષ ૧૯૦૯માં કસ્ટમ ડયૂટી પણ નાબૂદ કરી હતી.ગોંડલમાં નગરપાલિકા સ્થાયી સ્થાનિક સ્વશાસનની સંસ્થાનો પ્રારંભ કર્યો હતો.ખેતીના વિકાસ માટે સિંચાઈની સગવડો ઊભી કરાઈ હતી. ગોંડલ અને પાનેલીમાં મોટાં તળાવ બાંધી તેમાંથી નહેરો કાઢી સિંચાઈ માટેની સગવડો કરાઈ હતી.કૂવા ખોદવા માટે ખેડૂતોને સહાય અપાતી હતી. પરિણામે કૂવાની સંખ્યા ૧૨૫૦થી વધીને ૭૫૦૦ થઈ હતી. છપ્પનિયા દુષ્કાળ વખતે ભગવતસિંહજીએ ખેડૂતોના મહેસૂલનો ચોથો ભાગ માફ કર્યો હતો અને ઘાસ ઉપરનો કર નાબૂદ કર્યો હતો. ગરીબો માટે રાહતકાર્યો શરૂ કરી ભૂખમરાથી એક પણ માણસનું મરણ ન થાય તેવી તકેદારી રાખી હતી.

ડો. ભગવતસિંહજી માત્ર એક ઉત્તમ રાજવી અને તબીબ બનીને અટકી જતા નથી, કેમ કે તેમનું લેખન, વાંચન અને ચિંતન તો સતત ચાલતા રહે છે. તેમનું પુસ્તક 'અ શોર્ટ હિસ્ટ્રી ઓફ આર્યન મેડિકલ સાઇન્સ' તેમના વૈજ્ઞાનિક અભિગમનું સાક્ષ્ય છે. આ ઉપરાંત તેમની ભાષા પ્રીતિનું ઉદાહરણ તો સર્વવિદિત છે, જેને આપણે 'ભગવદ્ ગોમંડલ' તરીકે ઓળખીએ છીએ. મહારાજાને શબ્દકોશનો મૂળ વિચાર ૧૮૮૩ના યુરોપ-પ્રવાસ તથા અભ્યાસ દરમિયાન સ્ફુર્યો. તેમણે જાતે જ શબ્દસંચયનું કામ ઉપાડયું. મહારાજાએ બહોળા લોકસમુદાયમાંથી અરૂઢ - નવતર શબ્દો મેળવવા, નવો શબ્દ લાવનારને ૪આના આપવાનું નવતર પગલું ભર્યું હતું. તેમના વિદ્વાન કારભારી ચંદુલાલ બહેચરલાલ પટેલ(૧૮૮૯-૧૯૬૪)ના સહિયારા ખંતીલા પુરુષાર્થથી તૈયાર થયેલી કોશ-શ્રેણી. તેના કુલ ૯ ખંડમાં રોયલ ૪ પેજી કદનાં અને ૩ કોલમવાળાં કુલ ૯,૨૭૦ પાનાંમાં સરવાળે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૯,૪૫૫ અર્થો અપાયા છે. ગોંડલબાપુ માત્ર ઉત્તમ રાજવી બનીને અટકી જતા નથી. કદાચ એટલે જ આ રાજવીના સુશાસનના પાંચ દાયકા પૂર્ણ થતા પ્રજા પોતે તેમના વજન જેટલું સોનુ એકઠું કરીને એને લોકસેવામાં ખર્ચવા તેમના પ્રિય રાજવીને અર્પણ કરે છે. ગોંડલબાપુનું જીવન આ ભારતી દ્રષ્ટિકોણનું જ પ્રતિબિંબ છે.

અંતે,

'દેશની સંસ્કૃતિ તેમના લોકોના હૃદય અને આત્મામાં રહે છે.' 

-મહાત્મા ગાંધી


Google NewsGoogle News