અલ સાલ્વાડોરની ક્રૂરતાભરી કટોકટી

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
અલ સાલ્વાડોરની ક્રૂરતાભરી કટોકટી 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- ત્રણથી પાંચ હજાર બાળકો અત્યારે કોઇ વાંકગુના વગર જેલ તરીકે ઓળખાતા ટોર્ચર કેમ્પમાં સબડી રહ્યાં છે. આ વાત લેટિન અમેરિકાના એક દેશ અલ સાલ્વાડોરની છે.

સ ર, મને તરસ લાગી છે. થોડું પાણી આપોને... સાત આઠ વરસનો એક ટાબરિયો સામે ઊભેલા લશ્કરી અધિકારીને કરગરે છે. પેલો અટ્ટહાસ્ય કરતાં કહે છે, તરસ લાગી છે, એમ? લે, મારો પેશાબ પી લે. પાણી કરતાં પણ વધુ ટેસ્ટી છે... પેલો છોકરો વધુ કરગરે છે એટલે ફૌજી અધિકારી એને ધડાધડ બે ચાર થપ્પડ મારી દે છે...

અહીં તમને જે દેશની વાત કરવાની છે ત્યાં ત્રણથી પાંચ હજાર બાળકો અત્યારે કોઇ વાંકગુના વગર જેલ તરીકે ઓળખાતા ટોર્ચર કેમ્પમાં સબડી રહ્યાં છે. કેટલાંક બાળકો તો રિબાઇ રિબાઇને મરી ગયાં. આ વાત લેટિન અમેરિકાના એક દેશ અલ સાલ્વાડોરની છે. ૨૦૨૨માં અહીં નયિબ બકેલી નામના પ્રમુખે શાસનધુરા સંભાળી ત્યારે શરૂઆતમાં લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. એનું કારણ પણ સમજી શકાય એવું છે. અગાઉ આ દેશમાં બે ખૂખાર બે ગેંગનું એકચક્રી શાસન હતું. કાયદો અને વ્યવસ્થા જેવું કશું નહોતું. છેક ૧૯૯૦ના દાયકાથી બેરિયો એઇટીન અને એમએસ થર્ટીન નામે બે ગેંગની આણ પ્રવર્તતી હતી. લૂંટફાટ, ચોરીચપાટી, ધાકધમકીથી પૈસા પડાવવા અને હત્યાઓ કરવી એ આ ગેંગનો રોજિંદો ધંધો હતો. બંને ગેંગ વચ્ચે પણ અથડામણ થતી જેમાં ઘણીવાર સાવ નિર્દોષ નાગરિકો હણાઇ જતા. પોલીસ અને ન્યાયતંત્ર આ હથિયારધારી ગેંગ્સ સામે મજબૂર હતાં. કોઇ પોલીસ અધિકારી સિંઘમ જેવું સાહસ કરવા જાય તો એની લાશ અંધારી રાત્રે કોઇ ગટરમાં મળી આવતી. આ બે ગેંગ મળીને કુલ સાઠ હજાર ગુંડાઓ રાતદિવસ ભય અને આતંકનું સામ્રાજ્ય ચલાવતા હતા.

આ સંજોગોમાં માત્ર આઠ લાખની વસતિ ધરાવતા દેશમાં લોકો ત્રાસી ગયેલા. એમને પળે પળે પરમાત્મા યાદ આવતા. ૨૦૨૨માં લશ્કર અને થોડા જાંબાઝ પોલીસ અધિકારીઓની સહાયથી નયિબ બકેલીએ શાસનભાર સંભાળ્યો. લોકોએ રાહતનો શ્વાસ લીધો અને બકેલીનો જયજયકાર પોકાર્યો. પરંતુ નાગરિકોનો આ આનંદ ક્ષણજીવી નીવડયો. ગેંગના ગુંડાઓ અને રીઢા અપરાધીઓને પકડવાને બહાને બકેલીએ આંતરિક કટોકટી જાહેર કરી. એ સાથે લશ્કરે અત્યાચારનો દોર છૂટો મૂકી દીધો. આઠ લાખની વસતિ ધરાવતા આ દેશમાં અત્યારે ૮૦ હજારથી વધુ લોકો જેલમાં છે. આ જેલ શબ્દ પણ અહીં ખોખલો લાગે. મુંબઇ મહાનગરની લોકલ ટ્રેન કરતાં પણ વધુ ગીચતા અહીંની જેલના ઓરડાઓમાં છે. પચાસ કેદીઓ માંડ સમાઇ શકે એવા ઓરડામાં પાંચસોથી સાતસો લોકોને ઠાંસી ઠાંસીને ભરી દેવાયા છે. ન પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા, ન બે સમયના ભોજનનો બંદોબસ્ત કે ન તો કુદરતી હાજતો સંતોષવાની કોઇ સગવડ. અનેક લોકો અહીં ભૂખ-તરસ અને અત્યાચારના પગલે કાં તો દમ તોડી દેતા અથવા આપઘાત કરી લેતા. 

સૌથી વધુ કરુણ પરિસ્થિતિ તો બાળકોની છે. કેટલીક સ્કૂલમાં ઓચિંતી લશ્કરી ટુકડી ધસી જાય. આ વર્ગના બાળકો ફલાણી ગેંગના ખબરી તરીકે કામ કરતા હતા એવા અનાડી આક્ષેપ હેઠળ બાળકોને ઉપાડી જાય. એમને પણ ટોર્ચર સેલમાં રાખે. હ્યુમન રાઇટ્સ વોચ નામની સંસ્થાના સ્વયંસેવકોએ ગૂમ થયેલાં બાળકોનાં માતાપિતા અને ભૂગર્ભ પ્રવૃત્તિ દ્વારા અખબારો પ્રગટ કરતા કેટલાક પત્રકારોને મળીને જે વિગતો મેળવી એ અમેરિકા અને યૂરોપનાં અખબારોએ ફોટોગ્રાફ્સ સહિત પ્રગટ કરી  છે. એ વાંચીને આપણા તો રૃંવાડાં ઊભાં થઇ જાય. હ્યુમન રાઇટ્સ વોચે દુનિયાભરની સરકારોને વિનંતિ કરી છે કે જેલના નામે ટોર્ચર કેમ્પમાં સબડતાં કોમળ કળી જેવાં બાળકોને ઊગારવા તમે કંઇક કરો. બકેલીની લશ્કરી ફોજે ગુંડાઓની ટોળકીનો નાશ ઓલરેડી કરી નાખ્યો છે. હવે દેશમાં આંતરિક કટોકટીની કશી જરૂર નથી. અત્યારે અલ સાલ્વાડોરમાં શાંતિ છે. એવા સમયે હજારો બાળકોને વાંકગુના વિના આ રીતે ટોર્ચર કેમ્પમાં ગોંધી રાખવા એ માનવતા વિરુદ્ધ છે. તમે કંઇક નક્કર કરો નહીંતર આ બાળકો અકાળે રિબાઇ રિબાઇને મરી જશે.


Google NewsGoogle News