સલમાનની આયુષ્ય રેખા લાંબી લાગે છે !
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- કેવો વિચિત્ર જોગસંજોગ છે. જે માણસ કાયદાની દ્રષ્ટિએ હિટ એન્ડ રન કેસનો શંકમંદ અપરાધી છે એને પોલીસ ચોવીસે કલાક રક્ષણ આપે છે
દી પોત્સવ જેવો હિન્દુ ધર્મનો સૌથી મોટો અને ઝળહળતો ઉત્સવ ઊજવાઇ રહ્યો છે. આવતી કાલે દિવાળી. આજકાલમાં લગભગ બધી ભારતીય ભાષાનાં દૈનિકો આખા વર્ષનું રાશિ ભવિષ્ય પ્રગટ કરશે. બારેબાર રાશિના જાતકોનું આગામી વર્ષ કેવું નીવડશે એની આગાહી વિદ્વાન જ્યોતિષીઓ કરશે. જ્યોતિષ વિદ્યામાં સૌથી વધુ રસ ફિલ્મ સ્ટાર્સને હોય છે. દરેક ફિલ્મ સ્ટારના પોતાના માનીતા જ્યોતિષી હોય છે. એ લોકો સતત સ્ટારને સલાહ આપતા રહ્યા છે. જો કે ક્યારેક જ્યોતિષ વિદ્યામાં રસ નહીં ધરાવનાર કલાકાર પણ ધારી સફળતા મેળવે એવું બને ખરું. અત્યારની વાત કરીએ તો સતત સુપરહિટ ફિલ્મો આપનારો અક્ષય કુમાર છેલ્લા થોડા સમયથી નબળો સાબિત થઇ રહ્યો છે. બીજી બાજુ સલમાન ખાન ભલે સતત સુપરહિટ ફિલ્મો ન આપી શક્યો હોય, નસીબનો બળિયો તો છે' . છેલ્લાં ચાર પાંચ વર્ષોમાં એની હત્યાના પ્રયાસો નિષ્ફળ નીવડયા.
તિહારની જેલમાં સજા કાપી રહેલા લોરેન્સ બિશ્નોઇએ જેલમાં બેઠાં બેઠાં બિનધાસ્ત સલમાનને પતાવી નાખવાની ધમકી આપેલી. એ ધમકીનું પાલન પણ કરી જોયું. ઓછામાં ઓછા ત્રણેક વાર સલમાન પર કે એની આસપાસ ગોળીબાર થયા પરંતુ સલમાન બાલ બાલ બચી ગયો. જો કે આ બંને વચ્ચે કોઇ અંગત દુશ્મની નથી. સલમાનને એનું એક પરાક્રમ પજવી રહ્યું છે. વાત બહુ જૂની છે. છેક ૧૯૯૮-૯૯માં એક ફિલ્મના શૂટિંગ નિમિત્તે સલમાન અને અન્ય કેટલાક કલાકારો રાજસ્થાનના પ્રવાસે હતા. સહકલાકારોએ સલમાનને ઉશ્કેર્યો કે પછી સલમાનને પોતાની બહાદૂરી દેખાડવાની ઇચ્છા જાગી, જે હોય તે, એણે એક કાળિયારને ઠાર કર્યું. એ કાળિયારનું માંસ રાંધીને સ્થાનિક રસોઇયાએ આ લોકોને જમાડયા.
જો કે કાળિયારની હત્યાના સમાચારથી વાત વણસી. આપણે ત્યાં દરેક દેવદેવીનાં વાહન રૂપે એક યા બીજા પશુપંખીનાં નામ સંકળાયેલા છે. વિષ્ણુનું ગરૂડ, અંબા માતાનો સિંહ, બહુચરાજીનો કૂકડો, દશામા કે મોમાઇ માની સાંઢણી વગેરે. રાજસ્થાનમાં સારી એવી વસતિ ધરાવતા બિશ્નોઇ જાતિના લોકો પોતાના ઇષ્ટદેવ સાથે કાળિયારને સાંકળે છે. એમને માટે કાળિયાર પવિત્ર છે. સલમાને કાળિયારને વિના વાંકે હણી નાખ્યું એટલે બિશ્નોઇ સમાજ નારાજ થયો.
રસપ્રદ વાત એ છે કે તિહારની જેલમાં સબડી રહેલો લોરેન્સ બિશ્નોઇ કોઇ ભગત બગત નથી. એ તો રીઢો ગુનેગાર છે. એનો જન્મ કે ઊછેર પણ રાજસ્થાનમાં થયો નથી. એ તો પંજાબમાં જન્મ્યો અને મોટો થયો. સગીર વયથી જ એ અપરાઘ તરફ વળી ગયો. લૂંટફાટ, ખૂન અને ખંડણી ઊઘરાવતો થયો. સલમાને કાળિયારને હણ્યો એ પહેલાંથી લોરેન્સ અપરાધી આલમમાં જાણીતો થઇ ગયો હતો. સલમાને કાળિયારને હણ્યાના અખબારી અહેવાલો વાંચીને એ ઉશ્કેરાયો. એણે સલમાન ખાનને પતાવી દેવાનો મનસૂબો સેવવા માંડયો. જેલમાં બેઠાં બેઠાં સલમાનની હત્યા કરવાનું કાવતરું ઘડયું. બે ત્રણ વખત હુમલાના પ્રયાસો પણ કરી જોયા. જો કે આ લખાતું હતું ત્યાં સુધી તો એને સફળતા મળી નહોતી. કલ કી કિસ કો ખબર ?
અહીં ઔર એક રસપ્રદ વાત. કાયદાની દ્રષ્ટિએ સલમાન ગુનેગાર છે. ૨૦૦૨ના સપ્ટેંબરની ૨૮મી તારીખે પરોઢિયે મુંબઇના વાંદરા ઉપનગરમાં અમેરિકન એક્સપ્રેસ બેકરીની બહાર ફૂટપાથ પર સુતેલા પાંચ જણને સલમાનની કારે કચડી નાખ્યા હતા. એક વ્યક્તિ મરણ પામી હતી અને બીજા ચારને નાની મોટી ઇજા થઇ હતી. એ લેન્ડ રોવર કાર સલમાન ચલાવતો હતો અને શરાબના નશામાં હતો એવા આક્ષેપો થયા હતા. એ કેસ હજુ ઊભો છે. કોર્ટમાં તારીખ પે તારીખ પડયે જાય છે.
આમ છતાં સલમાનને લોરેન્સ બિશ્નોઇ ગેંગથી બચાવવા મુંબઇ પોલીસે રક્ષણ આપ્યું છે. કેવો વિચિત્ર જોગસંજોગ છે. જે માણસ કાયદાની દ્રષ્ટિએ હિટ એન્ડ રન કેસનો શંકમંદ અપરાધી છે એને પોલીસ ચોવીસે કલાક રક્ષણ આપે છે. બિગ બોસ જેવા ટીવી પ્રોગ્રામના એપિસોડ દીઠ પાંચથી સાત કરોડ રૂપિયા મહેનતાણું લેનારો કલાકાર ધારે તો પોતાના પૈસે પોતાનું રક્ષણ કરી શકે. એની પાસે દોમદામ સાહ્યબી અને સંપત્તિ છે. તો પછી પ્રજાના પૈસે એને પોલીસ રક્ષણ શા માટે આપે એવો પ્રશ્ન પણ કોઇ કરતું નથી. એટલે કહ્યું કે સલમાનની જન્મકુંડળી ખૂબ પાવરફૂલ હોવી જોઇએ. એની આવરદા પણ ખાસ્સી લાંબી હોવી જોઇએ.