માગ્યો આશ્રય, મળ્યું અકાળે મોત...!

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
માગ્યો આશ્રય, મળ્યું અકાળે મોત...! 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- ઇંગ્લેંડના ગૃહ ખાતા પાસે પોતાનું એક ખાસ સેન્ટર છે. એ સેન્ટરમાં આશ્રય માગનાર સ્વમાનભેર રહી શકે છે

અ ત્યારે લગભગ આખી દુનિયામાં એક યા બીજા પ્રકારનો ઉત્પાત ચાલી રહ્યો છે. પરિણામે લોકો પોતાનો જાન બચાવવા દેશ છોડીને અન્યત્ર ભાગી જાય છે અને બીજા દેશમાં આશ્રય માગે છે. એકલા બ્રિટનમાં દર વરસે ૬૦થી ૬૫ હજાર લોકો રાજકીય આશ્રય માગવા પહોંચે છે. અહીં એક વાત સમજી લેવા જેવી છે. શરણાર્થી અને આશ્રય માગનારા લોકો, એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. એને વધુ સ્પષ્ટતાથી સમજી લઇએ. અત્યારે પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે લડાઇ ચાલી રહી છે. એમાંથી ઊગરવા જે લોકો દેશ છોડીને નાસી જાય અને બીજા દેશના સીમાડા પર જઇને ઊભા રહે એ નિરાશ્રિત ગણાય. બીજી બાજુ પોતાના દેશમાં પોતાના જાન પર હુમલો થવાના ડરથી કે અન્ય કોઇ કારણથી દેશ છોડીને અન્ય દેશમાં આશ્રય માગે એ કાયદેસર રીતે આશ્રય માગનાર ગણાય. 

ધારો કે અત્યારે આપણા દેશમાં રહેલા બાંગ્લા દેશના પદભ્રષ્ટ પ્રમુખ શેખ હસીના ઇંગ્લેંડ કે અમેરિકા પાસે રાજકીય આશ્રય માગે તો એ નિરાશ્રિત નહીં ગણાય. જો કે આ લખાતું હતું એ પહેલાંજ અમેરિકા અને ઇંગ્લેંડે શેખ હસીનાને આશ્રય આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

ઇંગ્લેંડમાં આશ્રય માગવા પાછળ એક ખાસ કારણ છે. ઇંગ્લેંડના ગૃહ ખાતા પાસે પોતાનું એક ખાસ સેન્ટર છે. એ સેન્ટરમાં આશ્રય માગનાર સ્વમાનભેર રહી શકે છે. જો કે અહીં પણ શ્વેત-શ્યામના ભેદભાવ તો છે. પરંતુ ગૃહ ખાતું અરજદારની અરજી વિશે નિર્ણય કરે ત્યાં સુધી અરજદાર અહીં રહી શકે છે અને એને દર સપ્તાહે ભરણપોષણ માટે ૪૯ પાઉન્ડ (એક પાઉન્ડના આશરે સો રૂપિયા થાય) ભથ્થું મળે છે. આશ્રય માગનાર અહીં વધુમાં વધુ પાંચ વર્ષ રહી શકે છે.

એનો અર્થ એ પણ નથી કે અહીં આશરો માગનાર દરેકની અરજી સ્વીકારી લેવામાં આવે છે.૨૦૨૩માં ૩૩ ટકા અરજીઓ રદ કરવામાં આવી હતી. તાજેતરના ભૂતકાળ પર નજર કરીએ તો ૨૦૦૪માં ૮૮ ટકા અરજીઓ રદ કરવામાં આવેલી જ્યારે ૨૦૨૨માં માત્ર ૨૪ ટકા અરજદારોની માગણીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. ૨૦૨૩માં સૌથી વધુ રાજકીય આશ્રય પાકિસ્તાન, બાંગ્લા દેશ, અફઘાનિસ્તાન, ઇરાન અને ભારતના નાગરિકો દ્વારા માગવામાં આવ્યો હતો. આશ્રય માગનારને છાપરું અને પેટ ભરવા માટે ભથ્થું મળી જાય એટલે નિરાંત એમ માનવાને કારણ નથી. એનું સૌથી મોટું કારણ સમજવા જેવું છે. ભારત-પાકિસ્તાન કે બાંગ્લા દેશની તુલનાએ ઇંગ્લેંડનું હવામાન તદ્દન અલગ છે. જૂન અને જુલાઇ એ બે માસ ઉનાળો ગણાય. વહેલી સવારે પાંચેક વાગ્યામાં દિવસ જેવું અજવાળું છવાઇ જાય. સાંજે મોડે સુધી અજવાળું રહે. પરંતુ બાકીના મહિનામાં હવામાન તમારી સાથે સંતાકૂકડી રમે. ગમે ત્યારે તડકો, ગમે ત્યારે વરસાદ. શિયાળામાં બરફ પડે. ઠંડી આખું વરસ વધતી ઓછી પણ રહે તો ખરી જ. આશ્રય માગનારાને જે સ્થળે ઊતારો મળે ત્યાં ઠંડી સામે રક્ષણની વ્યવસ્થાની કોઇ ગેરંટી નહીં. તમારી પાસે પૂરતાં ગરમ વસ્ત્રો ન હોય તો ખલાસ. તમારું આવી બને. 

દર વરસે આ આશ્રય કેન્દ્રમાં થોડાક લોકો મરણ પામે છે. આ વરસે જૂન સુધીમાં ૨૮ કમોત થયાં હતાં. ગયા વરસે ૨૦૨૩માં એજ સમયગાળામાં ૧૩ મૃત્યુ થયા હતા. એને માટે બ્રિટિશ સરકારને દોષિત ઠરાવી શકાય નહીં. તમારી અરજીનો અસ્વીકાર થાય તો તમારું નસીબ. પછી તમારે ક્યાં જવું, શું કરવું એ તમારી સમસ્યા બની રહે. જો કે હવે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પોતપોતાના દેશના લોકોને સહાય મળી રહે એવા પ્રયાસો કરતી રહે છે. છેલ્લાં પાંચેક વર્ષમાં બ્રિટને ૭૬ હજાર છસોથી વધુ અરજીઓ નકારી કાઢી હતી.

આ વરસે બ્રિટનમાં પ્રવેશેલા ૮૬ હજાર સાતસો લોકોમાં લગભગ ૬૯ હજાર બસો લોકો રાજકીય આશ્રય માગનારા અરજદારો હતા. પોતાની સરકાર સામે બળવો કરનારા કે કરોડો રૂપિયાની ગોલમાલ કરનારા આર્થિક ગુનેગારો આ રીતે વિદેશોમાં રાજકીય આશ્રય માગતા હોય છે. આપણા નીરવ મોદી કે માલ્યા જેવા લોકોનો પણ આવા અરજદારોમાં સમાવેશ થાય છે. એવા ઘણા અરજદારો પ્રતિકૂળ હવામાન અને અણગમતા આહાર-વિહારથી કમોતે માર્યા જાય છે. માગે આશ્રય અને મળે મોત એ આનું નામ.


Google NewsGoogle News