Get The App

સ્વજનનો સ્નેહસેતુ સૌનો સમાન .

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
સ્વજનનો સ્નેહસેતુ સૌનો સમાન                                  . 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- જન્મ પછી પહેલું વર્ષ બાળવ્હેલ માટે જોખમી હોય છે. અન્ય જળચરો એેનો શિકાર કરવા થનગનતા હોય છે 

મા નવ જીવનમાં નીત નવી ઘટના બનતી હોય છે  જે ઘણીવાર આપણને આશ્ચર્યનો અનુભવ કરાવે છે. કેટલાક કિસ્સામાં માતાપુત્ર, પિતાપુત્રી કે અન્ય સ્વજન વચ્ચે એવો ગાઢ સ્નેહબંધ હોય છે કે બેમાંથી એકનું અવસાન થાય ત્યારે પાછળ રહી ગયેલી વ્યક્તિ એ મૃતદેહને સુદ્ધાં જતો કરતી નથી. અખબારોમાં અવારનવાર એવા કિસ્સા પ્રગટ થતા રહ્યા છે કે  સ્વજનના મૃત્યુ પછી એના મૃતદેહને કુટુંબીજને ઘરમાં રાખી મૂક્યો હોય. થોડા દિવસો વીતે અને મૃતદેહ ગંધાઇ ઊઠે ત્યારે આડોશીપાડોશી પોલીસને જાણ કરે. પોલીસ આવે. મૃતદેહ સાચવી રાખનાર વ્યક્તિને મનોચિકિત્સકની મદદથી સમજાવે કે આ વ્યક્તિ  મરણ પામી છે. હવે તમે એના અંતિમ સંસ્કાર કરી નાખવા દો.

છતાં કેટલાક કિસ્સામાં પોતાના સ્વજનના મૃતદેહને ઘરની બહાર સ્મશાન સુધી લઇ જવા દેવા અમુક વ્યક્તિ તૈયાર થતી નથી. એવા કિસ્સામાં પોલીસે ક્યારેક બળ પ્રયોગ કરવો પડે છે. ક્યારેક કોર્ટની મદદ પણ માગવી પડે છે. આવું માત્ર માણસ જોડે થાય એવું સામાન્ય રીતે આપણે માનીએ છીએ. પણ ના, અન્ય પશુપંખીમાં પણ માણસ જેવી જ લાગણી હોય છે. એક ગલૂડિયું મરણ પામ્યું હોય છતાં એની માતા કૂતરી તમને ગલૂડિયાના મૃતદેહને હાથ લગાડવા નથી દેતી એ તમે જોયું હશે. એનો અર્થ એ થાય છે કે માણસ હોય કે અન્ય પશુપંખી, સ્વજનનો સ્નેહ સૌ જીવોમાં સમાન હોય છે.

એક એવો અતિ વિરલ કિસ્સો જળસૃષ્ટિમાં નોંધાઇ ગયો છે. રાક્ષસી દાંત ધરાવતી અને વિરાટ કાયા ધરાવતી વ્હેલ માછલી વિશે આપણે સૌ જાણીએ છીએ. એક થપાટમાં આખી સ્ટીમરને ઊંધી વાળી દે એવી વ્હીલર માછલીથી સૌ ડરતાં હોય છે. કેટલીક વ્હીલર માછલીને જળચર સૃષ્ટિના અભ્યાસીઓ કીલર વ્હેલ (હત્યારી કે ખૂની વ્હેલ) તરીકે ઓળખે છે. એની શક્તિ એટલી બધી હોય છે કે હજારો કિલોમીટર સુધી આરામથી આવજા કરી શકે છે. 

એવી એક કીલર વ્હેલ માછલીનું નવજાત બચ્ચું કોઇ કારણે મરી ગયું. આ વાત છે ૨૦૧૮ની. આ કીલર વ્હેલ દરિયાઇ સૃષ્ટિના અભ્યાસીઓ માટે ધ્યાનાકર્ષક બની રહી હતી. એનું બચ્ચું મરી ગયું ત્યારે એ એટલાન્ટિક મહાસાગરમાં હતી. એ મૃતદેહને એની માતાથી દૂર લઇ જવા તટરક્ષક દળે ઘણા પ્રયાસો કરી જોયા પરંતુ પેલી વિરાટ કદની વ્હેલ માતા કોઇ કોસ્ટ ગાર્ડ કે અન્ય કોઇ જહાજને નજીક આવવા દેતી નહોતી. એ પોતાના મરેલા બચ્ચાને લઇને સતત ફર્યા કરતી હતી. મરીન એક્સપર્ટ્સ સતત એની ગતિવિધિનો અભ્યાસ કરી રહ્યા હતા.

તમને જાણીને નવાઇ લાગશે પણ આ કીલર વ્હેલ એના બચ્ચાના મૃતદેહને લઇને એક હજાર માઇલ એટલે કે ૧૬૦૦ કિલોમીટરથી પણ વધુ અંતર સુધી ફરતી રહી. એ બચ્ચાને પોતાનાથી જરા ય અળગું કરતી નહોતી જાણે એ બચ્ચું જીવંત હોય. મરીન એક્સપર્ટ્સના એ બાળ મૃતદેહને અળગો કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા.

દરમિયાન, કોણ જાણે ક્યારે આ કીલર વ્હેલે અન્ય નર વ્હેલ સાથે સંવનન કરી લીધું, એ ફરી ગર્ભવતી થઇ. 

નિશ્ચિત સમયે એને બીજી વ્હેલ જન્મી. જેવી આ બીજી વ્હેલ જન્મી કે તરત કીલર વ્હેલે ૨૦૧૮માં મરણ પામેલી બાળ વ્હેલના મૃતદેહને ત્યજી દીધો. પોતાને બીજી બાળવ્હેલ મળી ગઇ છે એવી ભાવના હશે કદાચ પણ જે મૃતદેહને એ સતત એક હજાર માઇલ સુધી પોતાની સાથે ને સાથે ફેરવતી રહી હતી એને તરત એણે પડતો મૂકી દીધો.

આ કિસ્સો અમેરિકા યૂરોપના મિડિયા માટે અનેરું આકર્ષણ બની રહ્યો હતો. આપણે ત્યાં પણ કેટલાક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયાએ આ ઘટનાના સમાચાર પ્રગટ કર્યા હતા. પહેલું બાળ મરણ પામ્યું એ પછી ચાર વર્ષ બાદ આ કીલર વ્હેલ ફરી માતા બની હતી. દરિયાઇ સૃષ્ટિના અભ્યાસીઓએ આ ઘટના બની ત્યારે શેમ્પેઇનની છોળ ઊડાડીને તેમજ નાચગાનની પાર્ટી દ્વારા બીજી બાળવ્હેલના જન્મને આવકાર્યું હતું. સેન્ટર ફોર વ્હેલ રિસર્ચ નામની સંસ્થાના વિજ્ઞાનીઓએ સહર્ષ  જાહેર કર્યું હતું કે જે૩૫ (વિજ્ઞાનીઓએ આપેલો અંક)ને વધુ એક માદા બાળ વ્હેલ  જન્મી છે. આનંદો ! આ નવજાતને જે૬૧ નામ આપવામાં આવ્યું. જન્મ પછી ચોથા દિવસે આ બાળવ્હેલે પોતાની જાતે દરિયામાં ખોરાક શોધીને પહેલો કોળિયો ભર્યો એને પણ જળવિજ્ઞાનીઓએ સમર્થન આપ્યું. અત્યારે માતા અને બાળક બંને પર જળવિજ્ઞાનીઓ નજર રાખી રહ્યા હોવાનું યૂરોપીય મિડિયાએ નોંધ્યું હતું. 

આ વિષયના નિષ્ણાતો કહે છે કે જન્મ પછી પહેલું વર્ષ બાળવ્હેલ માટે જોખમી હોય છે. અન્ય જળચરો એેનો શિકાર કરવા થનગનતા હોય છે એટલે માતા વ્હેલે સતત પોતાના નવજાત બાળકની આસપાસ રહેવું પડે. જો કે આ નિષ્ણાતો કહે છે કે જ૩૫ અનુભવી માતા છે અને સતત પોતાની પુત્રી પર મમતાભરી નજર રાખી રહી છે. એ પુત્રીને મૂકીને બહુ દૂર જતી નથી. પુત્રીની આસપાસ ચકરાવા લે છે. જે૬૧ પણ માતાની નજરમાં રહે એ રીતે તરતી રહે છે અને પોતાનો ખોરાક જાતે શોધી લે છે.


Google NewsGoogle News