પ્રદૂષણની પરાકાષ્ઠા-દિલ્હી વર્સેસ લાહોર .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- વહેલી સવારે તો ઠીક બપોરે એક વાગ્યે પણ લાહોરમાં એક્યૂઆઇ ત્રણસોથી વધુ હોય છે
હ વે દિલ્હીવાસીઓ માટે એક બહુ મોટું આશ્વાસન એ છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ પાકિસ્તાનના લાહોર શહેરને વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર જાહેર કર્યું છે. એમાંય ઓક્ટોબરના અંતમાં આપણે દિવાળી ઊજવતા હતા ત્યારે પાકિસ્તાની મિડિયા કાગારોળ મચાવી રહ્યું હતું કે લાહોરવાસીઓ શ્વાસમાં કાતિલ ઝેર લઇ રહ્યા છે. પ્રદૂષણની વાત કરીએ ત્યારે એર ક્વોલિટી કન્ટ્રોલ (એક્યૂઆઇ)ના નોંધાતા આંકડા મહત્ત્વના બની જાય છે. ૨૭મી ઓક્ટોબરે રવિવારે સવારે સાત વાગ્યે ભારતના પાટનગર નવી દિલ્હીમાં એક્યૂઆઇ આશરે પાંચસો હતો ત્યારે એ જ દિવસે સવારે સાત વાગ્યે લાહોરમાં એક્યૂઆઇ ૭૦૭ (સાતસો સાત) હતો. જરા કલ્પના કરવા જેવી છે. એક્યૂઆઇ પાંચસો હોય ત્યારે પણ ભારતનાં અખબારો આઠ કોલમનાં મથાળાં સાથે સમાચાર પ્રગટ કરે છે તો સાતસો સાત એક્યૂઆઇ હોય ત્યારે પાકિસ્તાની મિડિયા તો ચીસાચીસ કરી મૂકે ને !
ખેડૂતો બધે સરખા. પાકિસ્તાનમાં પણ પંજાબ પ્રાંતના ખેડૂતો પોતાનાં ખેતરમાં ઊગી નીકળેલા નકામા ઘાસને સળગાવે છે. બીજી બાજુ ઔદ્યોગિક પ્રદૂષણે પણ પંજાબમાં માઝા મૂકી છે. પરિણામે વહેલી સવારે તો ઠીક બપોરે એક વાગ્યે પણ લાહોરમાં એક્યૂઆઇ ત્રણસોથી વધુ હોય છે. આવામાં નાગરિકોએ મિડિયા દ્વારા નારાજી વ્યક્ત કરવા સિવાય બીજું કરવું શું ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પાકિસ્તાનને પણ અગાઉ એક કરતાં વધુ વખત ચેતવણી આપી છે કે પ્રદૂષણને નાથવાના કડક પગલાં લો. પરંતુ એ ચેતવણી બહેરા કાને અથડાઇ છે. પાકિસ્તાનમાં તો લશ્કર સર્વેસર્વા છે. કોઇ પણ પક્ષની સરકાર હોય એ લશ્કરની કઠપૂતળી હોય છે. લશ્કર સામે પડનારની હાલત ઝુલ્ફીકાર અલી ભુટ્ટો જેવી થાય. અત્યારે ભુટ્ટો જેવી સ્થિતિ ક્રિકેટર કમ પોલિટિશ્યન ઇમરાન ખાનની થઇ છે.
બીજી બાજુ પાકિસ્તાની લશ્કરના મોટા ભાગના અધિકારીઓજ વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ઔદ્યોગિક પ્રદૂષણ માટે કોણ કોની સામે પગલાં લે ?
પ્રદૂષણ માપવા માટે અન્ય જે ગણતરી છે એ આ પ્રકારે છે- ફાઇન પરટીક્યુલેટ મેટર (પીએમ ૨.૫), કોએર્સ પરટીક્યુલેટ મેટર (પીએમ ૧૦), નાઇટ્રોજન ડાયોક્સાઇડ (એનઓ ટુ) અને ઓઝોન. માનવ આરોગ્ય માટે એક્યૂઆઇ ૧૦૦ જોખમી ગણાય છે, એક્યૂઆઇ ૧૫૦ વધુ ભયજનક ગણાય તો એક્યૂઆઇ ૩૦૦ તો જીવલેણ જ ગણાય ને ? ૨૭ ઓક્ટોબરે રવિવારે સવારે પીએમ ૨.૫ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશને નક્કી કરેલા એક્યૂઆઇ કરતાં પચાસ ગણો વધુ હતો. પછીના દિવસોમાં એટલે કે ઓક્ટોબરની આખરે લાહોરમાં એક્યૂઆઇ સરેરાશ ૩૦૦થી ઘણો વધુ નોંધાયો હતો. પાકિસ્તાનના શાસકોને અત્યારે એક જ ચિંતા છે. જમ્મુ કશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કેમ થઇ ? એટલે પાકિસ્તાન અત્યારે ભારતના જમ્મુ કશ્મીરમાં આતંકવાદી હૂમલા કરવા રઘવાયું થયું છે. પોતાના નાગરિકોનું જે થવાનું હોય તે થાય. એ તો સારું છે કે પ્રદૂષણથી છવાયેલા અને ગાઢ ધૂમાડા જેવા વાતાવરણમાં રોજ સવારે ગંભીર અકસ્માતો નથી થતા.
પાકિસ્તાની મિડિયાએ ૨૭ ઓક્ટોબરના એક જ દિવસના જુદા જુદા સમયે લાહોરના જુદા જુદા વિસ્તારમાં કેટલો એક્યૂઆઇ ક્યાં હતો એના આંકડા પ્રગટ કર્યા હતા. એ આંકડા ચોંકાવનારા હતા. ભારતના પાટનગર નવી દિલ્હી કે નોઇડા કરતાં લાહોરના લગભગ દરેક વિસ્તારની હવામાં ઝેરી વાયુઓ બેફામ હતા. લાહોરવાસીઓ કયા મોઢે કહે જિસ લાહોર નહીં દેખ્યા વો જમ્યાઇ નહીં...!