દિવ્યાંગ તનથી, દેદિપ્યમાન મનથી....!

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
દિવ્યાંગ તનથી, દેદિપ્યમાન મનથી....! 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- તું વિજેતા થવા માટે જ જન્મી છે. ખબરદાર, હવે તે પારોઠનાં પગલાં ભર્યા તો... !

છે લ્લા કેટલાય મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશમાં ખુવારી થઇ રહી છે પરંતુ રાજનેતાઓના પેટનું પાણી હાલતું નથી.  આ યુદ્ધ તો કંઇ નથી. બહુ ઓછા લોકોને યાદ હશે કે ૧૯૮૬ના એપ્રિલની ૨૬મીએ રશિયામાં માનવસર્જિક એક ભીષણ દુર્ઘટના થઇ હતી. ચેર્નોબિલ વિસ્તારમાં આવેલા ચેર્નોબિલ ન્યૂક્લીઅર પાવર પ્લાન્ટની નંબર ચારના રિએક્ટર નંબર ચારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. અસંખ્ય લોકો રિબાઇ રિબાઇને મરી ગયા હતા. રશિયામાં પચાસ લાખ અને પાડોશમાં આવેલા યુક્રેનમાં ત્રીસ લાખ લોકોને અસર થઇ હતી. આજે પણ આ બંને દેશના કેટલાય લોકો કેન્સરથી પીડાઇ રહ્યાં છે.

ચેર્નોબિલ દુર્ઘટના પછી ત્રણ વર્ષ બાદ ૧૯૮૯ના જૂનની ૧૯મીએ યુક્રેનમાં એક બાળકીનો જન્મ થયો હતો. ચેર્નોબિલના કિરણોત્સર્ગ (રેડિયેશન)ના પગલે આ બાળકીનું શરીર એટલી હદે કુંઠિત હતું કે જનમતાં વેંત એનાં માતાપિતાએ એને ત્યજી દીધી. એક અનાથાશ્રમમાં એ ઊછરતી હતી. આ અનાથાશ્રમ એવો વિકૃત હતો કે ભોંયતળિયે અનાથાશ્રમ હતો અને ઉપલા મજલે કૂટણખાનું ચાલતું હતું. અનાથાશ્રમની પાંચ-છ વર્ષની બાળકીઓને થોડાક નાણાં  ખાતર વાસનાભૂખ્યા વરુઓને હવાલે કરી દેવાતી હતી. રેડિયેશનવાળી બાળકીને ભાગ્યેજ કોઇ રડયોખડયો ગ્રાહક પસંદ કરતો. એની એક બહેનપણી લૈનીને વારંવાર ઉપલા મજલે મોકલી દેવામાં આવતી. લૈની પાછી ફરે ત્યારે લગભગ બેહોશ જેવી અવસ્થામાં આવતી. એના શરીર પર કોઇએ બચકાં ભર્યાં હોય એવાં ચાંઠાં રહેતા. રડી રડીને એ અર્ધી થઇ જતી. એકવાર લૈનીએ ઉપર જવાની ના પાડીને જિદ કરી ત્યારે એને એટલો માર મારવામાં આવ્યો કે એ મરી ગઇ.

રેડિયેશનનો ભોગ બનેલી યુક્રેનિયન બાળકી આ બધું જોઇને એ આઘાતથી અંતર્મુખ બની ગઇ. એ ભાગ્યે જ કોઇ સાથે વાત કરતી, હસવું એટલે શું, ખુશ થવું એટલે શું એની એને જાણે ખબર જ નહોતી. આમ ને આમ એ બાળકી આઠ વર્ષની થઇ. આખરે વિધાતાને એના પ્રત્યે અનુકંપા જાગી. એક દિવસ એક અમેરિકી મહિલા આવી. એણે આ બાળકીને જોઇ. કોણ જાણે શી રીતે, એને આ બાળકી જ પસંદ પડી. અનાથાશ્રમના સંચાલકોએ એને બીજી ઘણી બાળકી દેખાડી. પરંતુ પેલી મહિલાએ તો આ બાળકી જ દત્તક લીધી. આ છોકરીને એ લઇને આવી અને એને સતત વહાલ કરતી થઇ. એ મહિલાની અને આ બાળકીની કસોટી હવે શરૂ થઇ. આ બાળકીના પગ રેડિયેશનને કારણે સડી ગયા. બંને પગ કાપી નાખવા પડયા.

આપણે ત્યાં જયપુર ફૂટ બને છે એવા કૃત્રિમ પગથી એ ચાલતી થઇ. પરંતુ હંમેશ બને છે એમ સ્કૂલમાં બીજાં બાળકો એની મજાક ઊડાવતા. કૃત્રિમ પગથી ચાલનારી વ્યક્તિની ચાલ નોર્મલ બાળકો કરતાં અલગ તરી આવે. એટલે લગભગ દરેક બાળકનું ધ્યાન જાણે અજાણે આ છોકરી તરફ ખેંચાતું. જો કે એ ધીમે ધીમે વાતાવરણથી ટેવાતી થઇ. એવામાં કોઇએ એને બોટિંગ તરફ આકર્ષી. ધમારા જીવનનો એ પહેલો વળાંક. ગમે તેવો ગુસ્સો, ગમે તેટલું ટેન્શન અને ગમે તેટલી ઉપેક્ષા ભૂલતી થઇ. હું હલેસાં વડે બોટિંગ કરતી થઇ એ સાથે એ બધાં સંવેદનો અદ્રશ્ય થવા માંડયાં. પરંતુ હજુ મારી કસોટી પૂરી થઇ નહોતી' આ દિવ્યાંગ રમત વીરાંગના કહે છે. 

રેડિયેશનના પાપે ડોક્ટરોએ એના બંને હાથના અંગુઠા કાપી નાખ્યા.  યોગાનુયોગે એ જ સમયગાળામાં કોઇએ એને સ્કીઇંગ તરફ આકર્ષી. સાથોસાથ દિવ્યાંગ ખેલાડીઓ માટેની સાઇક્લીંગ તરફ એનું ધ્યાન ખેંચ્યું. એ ખડક જેવી અડગતાથી પહેલાં સ્કીઇંગ અને પછી સાઇક્લીંગ કરતી થઇ. કેટલીય વાર પછડાઇ. કોણીનાં હાડકાં ભાંગ્યાં. પરંતુ હવે એને જાણે પોતાની શારીરિક મર્યાદા કોઠે પડી ગઇ હતી. એ તરફ એનું ધ્યાન જતું નહોતું. એની પાલક માતા એને સતત પ્રોત્સાહન આપતી. એને કહેતી કે તું વિજેતા થવા માટે જ જન્મી છે. ખબરદાર, હવે તે પારોઠનાં પગલાં ભર્યા તો... !

દિવ્યાંગ ખેલાડીઓ માટેની આંતરરાષ્ટ્રીય રમતો પેરાલિમ્પીક્સમાં ઓક્સાના માસ્ટર્સ નામની આ યુવતીએ સત્તર વખત, રિપિટ સત્તર વખત મેડલ મેળવ્યા છે. ૨૦૧૪ના પેરાલિમ્પીક્સમાં એણે અમેરિકા માટે બે મેડલ મેળવ્યા. ૨૦૧૮ના પેરાલિમ્પીક્સમાં બે ગોલ્ડ મેડલ સહિત કુલ પાંચ મેડલ મેળવ્યા. ૨૦૧૨થી એ પેરાસાઇક્લીંગ તરફ વળી. આ રમતમાં ૨૦૧૬માં પહેલીવાર એણે પદાર્પણ કર્યું અને ૨૦૨૦માં પેરાસાઇક્લીંગમાં બે ગોલ્ડ મેડલ જીતી. ૨૦૨૨માં છ કિલોમીટરની બૈથલોન પેરાલિમ્પીક્સમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા. તાજેતરમાં એણે હાથની એક આંગળી કપાવવી પડી. છતાં આ વર્ષના જુલાઇ (આવતા મહિને) પેરિસમાં યોજાનારી પેરાલિમ્પીક્સમાં એ સહભાગી થવાની છે. 

એને એના જેવોજ એક પેરાલિમ્પીક બોયફ્રેન્ડ મળી ગયો છે. 

એની માતા સતત પ્રાર્થના કરતી હોય છે કે ઓક્સાના સતત ગોલ્ડ મેડલ જીતતી રહી છે. એને કારણે માનવસહજ અદેખાઇના પગલે બોયફ્રેન્ડ એને ભવિષ્યમાં દગો ન દે તો સારું. જો કે ૩૪ વર્ષની થવા આવેલી ઓક્સાના હવે એકાંતથી એવી ટેવાઇ ગઇ છે કે એ કહે છે, હું ક્યાં એકલી છું ? આટલી બધી રમતો તો મારી સાથે છે. આયમ સો લકી ગર્લ ! એકદમ સાચી વાત છે ઓક્સાના, યુ આર મોસ્ટ લકી ગર્લ. કેમ બરાબર ને ? તમે એની તસવીરો જુઓ તો કલ્પી પણ ન શકો કે એ દિવ્યાંગ છે !


Google NewsGoogle News