સ્વાદના લોભે શાર્કનો સંહાર..... .

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
સ્વાદના લોભે શાર્કનો સંહાર.....                                  . 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- જે ઝડપે એની વાનગીઓ બેફામ લોકપ્રિયતાને વરી રહી છે એ જોતાં થોડાં વરસોમાં બ્લુ શાર્ક માત્ર પાઠયપુસ્તકો કે ફિલ્મોમાં રહી જશે

માણસની સ્વાદેન્દ્રીય માઝા મૂકી રહી છે. એના પાપે કુદરતના સુંદર સંતાન સમી બ્લુ શાર્ક માછલી પૃથ્વી પરથી અદ્રશ્ય થઇ જાય એવી દહેશત ઊભી થઇ છે.

વાત બ્રાઝિલની છે. બ્રાઝિલના સાઓ પાઉલો શહેરની દક્ષિણે આશરે દોઢસો કિલોમીટર દૂર કેનેનૈયા નામે એક સુસ્તીભર્યું ગામ છે. અહીંના દરિયાકાંઠે દિવસે- રાત્રે, સવાર બપોર સાંજે ગમે ત્યારે જાઓ. સફેદ ગમબૂટ અને માથા પર ખાસ પ્રકારની ટોપી પહેરેલા શ્રમિકો દરિયામાર્ગે બહારથી આવતાં પાર્સલ ઊતારતા દેખાય. ચોવીસે કલાક શેનાં પાર્સલ આવતાં હશે એવો પ્રશ્ન કોઇ શ્રમિકને પૂછો તો તમારી સામે એવી રીતે જુએ જાણે તમે કોઇ બીજા ગ્રહ પરથી આવ્યા હો. બ્લુ શાર્કના પાર્સલ છે સાહેબ, બ્લુ શાર્કના, એવો જવાબ આપીને તરત ફરી પોતાના કામે લાગી જશે.

લગભગ દુનિયાભરમાંથી અહીં સતત બ્લુ શાર્કનાં પાર્સલ આવતાં રહે છે. 

આટલા મોટા જથ્થામાં બ્લુ શાર્ક અહીં કેમ આવે છે એવો પ્રશ્ન જાગે તો કેનેનૈયા શહેરમાં એક આંટો મારી જોવો. બ્રાઝિલના અન્ય શહેરોમાં પણ આંટો મારવો ઘટે. દરેકે દરેક હોટલની બહાર એક યા બીજી સ્વાદિષ્ટ વાનગીની જાહેરખબરનાં પાટિયાં વાંચવા મળે. શેની છે એ વાનગી ? બ્લુ શાર્ક માછલીની. બ્રાઝિલની પ્રજાને હવે બ્લુ શાર્ક માછલીના માંસનો ચટાકો લાગ્યો છે. સવાર સાંજ ભોજનમાં બ્લુ શાર્કની એકાદી વાનગી અનિવાર્ય ગણાય છે. દરિયાઇ સૃષ્ટિના ચાહક વિજ્ઞાનીઓ અને પર્યાવરણવિદો ચિંતામાં પડી ગયા છે. કારણ ? એમને ડર છે કે નજીકના ભવિષ્યમાં બ્લુ શાર્ક માછલીનું અસ્તિત્ત્વ નહીં રહે. જે ઝડપે બ્લુ શાર્ક માછલીનો શિકાર થઇ રહ્યો છે અને જે ઝડપે એની વાનગીઓ બેફામ લોકપ્રિયતાને વરી રહી છે એ જોતાં થોડાં વરસોમાં બ્લુ શાર્ક માત્ર પાઠયપુસ્તકો કે ફિલ્મોમાં રહી જશે. સાતેસાત મહાસાગરમાંથી એક પણ મહાસાગરમાં બ્લુ શાર્ક માછલી ગોતી નહીં જડે. બ્રાઝિલનાં બજારોમાં આવેલાં કોલ્ડ સ્ટોરેજ ગોદામોમાં ભોંય (ફ્લોરિંગ)થી છેક છત સુધી બ્લુ શાર્ક માછલીના મૃતદેહો સંઘરાયેલાં જોવા મળે. મરેલી માછલીની ર્દુ્ગંધ પણ તમને ત્યાં ઊભા ન રહેવા દે.

એક ઇમ્પોર્ટ કંપની સાથે સંકળાયેલા ૫૩ વર્ષના હેલ્ગો મુલર કહે છે, બ્લુ શાર્ક માછલીની વાનગી ન પીરસાતી હોય એવી હોટલોમાં કાગડા ઊડે છે. લોકોને બ્લુ શાર્કના માંસનો ચટાકો એવો તો લાગ્યો છે કે બ્લુ શાર્ક માછલી અમારે મનેકમને રાખવી પડે છે. સ્વાદશોખીનો ક્યારે કઇ વાનગી માગશે એની કલ્પના કરવી મુશ્કેલ છે સાહેબ... આ વેપારમાં તગડો નફો નથી. પરંતુ ઓછા નફે બહોળો વેપાર છે. એટલે બધા એની પાછળ પડી ગયા છે. એકલા મુલરની કંપની દર મહિને દસ ટન બ્લુ શાર્કનો વેપલો કરે છે. એક ટન એટલે એક હજાર કિલો. આવી તો અહીં સંખ્યાબંધ કંપનીઓ છે..

બ્રાઝિલના આશરે સાડા સાત હજાર કિલોમીટર લાંબા દરિયાકાંઠે વસતા તમામ લોકો બ્લુ શાર્કના ઘેલા છે. અહીં વસતા કોઇ પણને પૂછો તમારા રોજિંદા આહારમાં સૌથી અનિવાર્ય શું ? નમક, મરી, મરચું, તેલ, હળદર... નો નો નો, તરત જવાબ મળે છે, બ્લુ શાર્ક ઇઝ મસ્ટ. વીધાઉટ બ્લુ શાર્ક વી કેન નોટ હેવ અવર મિલ્સ. (બ્લુ શાર્ક વિના અમારો આહાર અધૂરો છે.) આ તો અમારી પરંપરા બની ગઇ છે. એના વિનાના જીવનની અમે કલ્પના પણ કરી શકતા નથી.

આજે પરિસ્થિતિ એવી થઇ ગઇ છે કે આખી દુનિયામાં એકલું બ્રાઝિલ બ્લુ શાર્કનું સૌથી મોટું આયાતકાર બની ચૂક્યું છે. એક અંદાજ મુજબ વિશ્વમાં બ્લુ શાર્કનો વેપાર અઢી અબજ ડોલર જેટલો છે. એમાં એકલું બ્રાઝિલ સૌથી વધુ બ્લુ શાર્ક આયાત કરે છે. વિજ્ઞાનીઓ અને પર્યાવરણવિદો સતત ટેન્શન અનુભવે છે કે બ્રાઝિલવાસીઓની આ સ્વાદવૃત્તિને કેવી રીતે કાબુમાં લાવવી. જે પ્રજા બ્લુ શાર્કની વાનગીને પોતાની પરંપરા  ગણાવતી થઇ ગઇ હોય એને શી રીતે કહેવું કે ભૈ, બસ કરો. તમે જે ઝડપે બ્લુ શાર્ક આરોગી રહ્યા છો એ ઝડપે બ્લુ શાર્કની પ્રજનન પ્રક્રિયા ચાલતી નથી. ગમે તે ઘડીએ બ્લુ શાર્ક પૃથ્વીના નકશા પરથી અદ્રશ્ય થઇ જશે.


Google NewsGoogle News