ડરાવતી આગાહીઓનાં લેખાંજોખાં .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- આગાહી કરનારા જાણ્યે અજાણ્યે લોકમાનસમાં ભયગ્રંથિ સર્જી દે છે. એક વાત નક્કી કે જે થવાનું છે એ થઇને રહેશે
લ ગભગ દર પાંચ સાત વરસે જગપ્રસિદ્ધ ભવિષ્યવેત્તાઓના નામે મિડિયામાં જાતજાતના સમાચાર વહેતા થાય છે. આ મહિનામાં જ્યારે દુનિયાભરના ગુજરાતીઓ નવરાત્રિ ઊજવી રહ્યા હતા ત્યારે ફરી એકવાર ફ્રેન્ચ કવિ-વિચારક નોસ્ટ્રેડેમસના નામે કેટલીક બિહામણી આગાહી અખબારોમાં ચમકી હતી. ફરી એકવાર ત્રીજા વિશ્વયુદ્ધની આગાહી અખબારોમાં ચમકી ગઇ.
નોસ્ટ્રેડેમસની આગાહી કે બાબા વેંગાની આગાહી કે બીજા કોઇ પણ દેશી વિદેશી ભવિષ્યવેત્તાની વાત કરીએ ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે સંબંધિત આગાહીના શબ્દોનું અર્થઘટન કઇ રીતે કરાય છે.
નોસ્ટ્રેડેમસે ૨૦૨૪ના ઓક્ટોબરમાં ત્રીજું વિશ્વયુદ્ધ થવાની આગાહી કરી છે એવો દાવો તાજેતરમાં અખબારી અહેવાલોમાં થયો. અત્યાર અગાઉ પણ આવી આગાહીઓ નોસ્ટ્રેડેમસના નામે જ રજૂ થયેલી. એવી આગાહી યાદ કરાવનારા વિદ્વાનો અત્યારે ક્યાં છૂપાઇ બેઠા છે ? અગાઉ પણ વિશ્વયુદ્ધની આગાહી જાહેર કરાઇ હતી. કંઇ થયું નહીં. કાં તો એ આગાહી અથવા નોસ્ટ્રેડેમસની કાવ્યપંક્તિઓનું અર્થઘટન કરનારા થાપ ખાઇ ગયા અથવા અર્થઘટન ખોટું હતું.
થોડા સમય પહેલાં એક આદરણીય જૈન મુનિ મહારાજના નામે સોશ્યલ મિડિયા પર આગાહી વહેતી થઇ હતી કે તમારી પાસે હોય એ પૈસા સાચવીને રાખજો. કોઇને એક રૂપિયો પણ આપતા નહીં. બહુ કપરો સમય આવી રહ્યો છે. પાઇ પાઇના વાંધા પડી જવાના છે. હવે નોસ્ટ્રેડેમસના નામે વિશ્વયુદ્ધની આગાહી આવી પડી છે. છેલ્લા થોડા સમયથી શેરબજારમાં ગમે ત્યારે ગાબડાં પડી જાય છે. ગણ્યાગણાય નહીં એટલા કરોડો રૂપિયા આંખના પલકારામાં અદ્રશ્ય થઇ જાય છે. આવા સમયે આમ આદમી ચકરાઇ જતો હોય છે.
એક વાત સાચી. રણમાં પડેલા મૃતદેહ પર ગીધડાં ચકરાવા લેતાં હોય એમ ભારતને અથવા કહો કે હાલની કેન્દ્ર સરકારને અસ્થિર કરવા ઘરના ઘાતકીઓ તેમજ વિદેશી સત્તાઓ આદું ખાઇને પાછળ પડી ગયા છે. યેન કેન પ્રકારેણ હાલની સરકારને ગબડાવીને સત્તા કબજે કરી લેવી અને બહુમતી હિન્દુઓને દ્વિતીય કક્ષાના નાગરિક કે મતદાર બનાવી દેવાની તેમની મંછા હોય એવી વાતો સતત થઇ રહી છે.
આવી આગાહી કરનારા જાણ્યે અજાણ્યે લોકમાનસમાં ભયગ્રંથિ સર્જી દે છે. એક વાત નક્કી કે જે થવાનું છે એ થઇને રહેશે. થનારને રોકી શકાતું નથી. આ વખતનું ચોમાસું એની સાબિતી છે. હવામાન ખાતું કે વરસાદની આગાહી કરનારા ખેતીવાડી નિષ્ણાત અંબાલાલ પટેલ જેવા પણ આ વરસે વરસાદની બાબતમાં ગોથું ખાઇ ગયા હતા. વરસાદે ભલભલાની બોલતી બંધ કરી દીધી હતી.
આગાહીના અર્થઘટન વિશે એક રમૂજી ટુચકો છે. એક રાજાને ત્યાં પ્રકાંડ પંડિત આવ્યો. રાજાએ એને પોતાની જન્મકુંડળી જોવા આપી. પેલાએ અભ્યાસ કર્યા પછી કહ્યું કે તમારા તમામ સગાં તમારી પહેલાં મરી જશે. રાજાએ ગુસ્સે થઇને કોટવાળને કહ્યું કે આને જેલમાં નાખી દો. થોડા સમય પછી આ પંડિતનો ગુરુભાઇ આ રાજાનો મહેમાન બન્યો. એને પોતાના ગુરુભાઇની દુર્દશાના સમાચાર મળી ગયેલા. રાજાએ આ પંડિતને પણ કુંડળી દેખાડી. આ ભાઇએ અભ્યાસ કરીને કહ્યું, અરે વાહ, પ્રભુની તમારા પર કૃપા છે. તમારા સમગ્ર પરિવાર કરતાં તમારું આયુષ્ય વધુ છે. લો, કરો વાત. બંને પંડિતોની વાત તો સરખી છે, કહેવાની રીત જુદી હતી.
અત્યારના સંજોગોમાં વિશ્વયુદ્ધ ન થાય એ સમગ્ર માનવજાતના હિતમાં છે. આમ તો બબ્બે યુદ્ધો ચાલી રહ્યા છે. એક તરફ રશિયા અને યુક્રેન લડી રહ્યા છે તો બીજી બાજુ (મુસ્લિમ દેશોના ટેકાથી) પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ લડી રહ્યા છે. પારાવાર માલમિલકતનો ખો નીકળી રહ્યો છે અને રોજ નિયમિત કેટલાય લોકો માર્યા જાય છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધનો ઇતિહાસ વાંચી જાય તો આજની પેઢીના ટીનેજર્સને સમજાય કે વિશ્વયુદ્ધ એટલે શું. દિવાળી જેવો સપરમો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ બધી આગાહી ખોટી પડે એવી પ્રાર્થના આપણે પરમાત્માને કરીએ.