કીમ જોંગની ટેણિયાટોળી આતંક મચાવશે !
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- દરેક દેશમાં આ યુવાનો જશે અને વિવિધ ક્ષેત્રોમાં હેકિંગ શરૂ કરશે.
નો ર્થ કોરિયાના સરમુખત્યાર શાસક કીમ જોંગને કોણ નહીં જાણતું હોય ? બેઠી દડીના સ્થૂળ અને શેતાની દિમાગ ધરાવતા કીમ જોંગે ઘણીવાર એક યા બીજા દેશ પર એટમબોમ્બ ફેંકવાની ખુલ્લી ધમકી ઉચ્ચારી હતી. એ સમગ્ર વિશ્વ પર પોતાની આણ પ્રવર્તે એવી મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. હવે એક સિક્યોરિટી એક્સપર્ટ તરફથી ચોંકાવનારી માહિતી પ્રગટ થઇ છે. છેલ્લા થોડા સમયથી કીમ જોંગના ખાસ સમર્થકો નોર્થ કોરિયાની દરેક પ્રાથમિક સ્કૂલના આંટા મારે છે. કીમ જોંગે એ લોકોને એક બહુ મોટી કામગીરી સોંપી છે. આ જાસૂસો દરેક પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલથી માંડીને દરેક શિક્ષકને પૂછે છે કે તમારા વર્ગમાં સૌથી હોંશિયાર બાળક કયું છે ? તમે જેને જિનિયસ કહી શકો એવું બાળક કયું છે ?
હાલ નોર્થ કોરિયાની વસતિ આશરે બે કરોડ ૬૫ લાખ ૭૧ હજાર છે. ધારો કે આટલી વસતિમાં પ્રાથમિક સ્કૂલનાં બાળકોની સંખ્યા આશરે ચાલીસ હજાર છે. કીમ જોંગ આ તમામ બાળકોને એમનાં માતાપિતા પાસેથી મેળવી લેવાના છે. જે માતાપિતા પ્રેમથી પોતાનું સંતાન સોંપે એમને કીમ જોંગ અમુક પ્રકારનું ઇન્સેન્ટીવ (પુરસ્કાર) આપશે અને જે માતાપિતા સંતાન આપવાની ના પાડશે એમને આકરી સજા થશે. પ્રશ્ન એ છે કે કીમ જોંગ જન્મજાત પ્રતિભાવાન અને જિનિયસ બાળકોનું કરવા શું માગે છે ? દુનિયાના જે ટોચના સિક્યોરિટી એક્સપર્ટ્સે આ વિગતો બહાર પાડી છે. એ કહે છે કે કીમ જોંગના મનમાં એક રાક્ષસી યોજના છે. એ યોજનાનો સાર આ રહ્યો.
દિવસે દિવસે ટેક્નોલોજી કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. અત્યારે ટેક્નોલોજી આસુરી સંપત્તિ બની ગઇ છે. સાઇબર ફ્રોડ જેવા અપરાધો ટેક્નોલોજીના વિકાસને પગલે વધી રહ્યા છે. એવા સમયે કીમ જોંગ આ બાળકોને લેટેસ્ટ ટેક્નોલોજીનો અભ્યાસ કરાવવા માગે છે. કીમ જોંગે વિચારેલી વિદ્યાશાખામાં એકવાર આ બાળકો ગ્રેજ્યુએટ થઇ જાય પછી કીમ પોતાની શયતાની રમત શરૂ કરશે. જે પ્રકારની નિપુણતા આ બાળકોમાં વિકસે એમ કીમ જોંગ ઇચ્છે છે એ કંઇ એક રાતમાં વિકસી જવાની નથી.
એનું કારણ સ્પષ્ટ છે. રોજ નવી નવી ટેક્નોલોજી આપણી સમક્ષ આવે છે. આજે જે કમ્પ્યુટર બજારમાં આવે એના કરતાં ચઢિયાતું કમ્પ્યુટર આવતી કાલે આવશે. એટલે આ બાળકો ટેક્નોક્રેટ થાય એને કદાચ વરસો લાગી જાય. પણ જેમ જેમ આ બાળકો ટેક્નોક્રેટ થઇ જાય તેમ તેમ કી.મ જોંગ એમને હેકિંગની બેસ્ટ તાલીમ આપવાની તજવીજ કરશે. આ બાળકો હેકિંગ એક્સપર્ટ થઇ જાય પછી કીમ સરકારી ખર્ચે એમને જુદા જુદા દેશમાં મોકલશે. શરૂમાં ચીન અને રશિયા મોકલવાની એની યોજના છે. ત્યારબાદ એક પછી એક દરેક દેશમાં આ યુવાનો જશે અને વિવિધ ક્ષેત્રોમાં હેકિંગ શરૂ કરશે. આ વાત અત્યારે આપણને બહુ સહેલાથી સમજાશે નહીં. એકવાર કીમ જોંગની આ યોજના કારગત નીવડે તો દુનિયા આખીને ધ્રૂજાવી શકશે.
કીમ જોંગના નિષ્ણાત હેકર્સ આ દરેક યોજનાના નકશાથી માંડીને એના અમલમાં થનારા ખર્ચની વિગતો, એ ક્ષેત્રમાં કામ કરતા અનુભવી માણસો, સાધનો, યંત્રો વગેરેની વિગતો હેક કરીને ચીન કે પાકિસ્તાનને વેચી દે તો આપણને કેવું ગંજાવર નુકસાન થઇ જાય! પરિસ્થિતિ આપણે કલ્પી ન શકીએ એટલી હદે ગંભીર છે, લેટેસ્ટ માહિતી મુજબ હજુ ગયા મહિને નોર્થ કોરિયાના લાઝારસ ગ્રુપે ક્રીપ્ટો માર્કેટમાં આ રીતે હેકિંગ દ્વારા ૧.૨ અબજ ડોલર્સની ઊઠાંતરી કરી હતી.
એ વિશે તપાસ કરનારા ગુપ્તચરોએ વિદેશી મિડિયાને એવી માહિતી આપી હતી કે નોર્થ કોરિયા હવે સાઇબર સૈનિકોની ફોજ તૈયાર કરી રહ્યું છે. પ્રાથમિક સ્કૂલોના જે તેજસ્વી બાળકોની પસંદગી થાય એમને નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગ્યાંગમાં ખાસ સ્થાપવામાં આવેલી સાયબર સ્કૂલ્સ અને યુનિવર્સિટીમાં દાખલ કરે છે. અહીં બાળકના રહેવા ખાવાપીવાની, મનોરંજનની, રમતગમતની અને સાથોસાથ કડક શિસ્ત હેઠળ ભણવાની વ્યવસ્થા કરવામાં આવે છે. એમના માતાપિતાને નિયમિત બાળકની પ્રગતિની માહિતી વિડિયો ક્લીપ દ્વારા મોકલાય છે. ચોક્કસ સમયગાળા બાદ એટલે કે દર મહિને કે ત્રણ મહિને એકવાર બાળક એના પરિવારને મળી શકે છે. આ મુલાકાત સીસીટીવીની બાજનજર હેઠળ યોજાય છે. બાળક શું ભણે છે એ વિશે માતાપિતા પૂછપરછ કરી શકતા નથી કે બાળક માતાપિતાને પોતાના અભ્યાસની વિગતો જણાવી શકતું નથી. પ્યોગ્યાંગમાં બે યુનિવર્સિટી પ્રતિષ્ઠિત ગણાય છે- કીમ ટુ સંગ યુનિવર્સિટી અને કીમ ચીક યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી. નોર્થ કોરિયાના જિનિયસ બાળકો અહીં ભણે છે. અત્યારે તો એમને પશ્ચિમના દેશોને શિકાર બનાવવાની તાલીમ અપાઇ રહી છે. ખાનગીમાં ચીન અને રશિયા આ સાહસમાં કીમ જોંગને સહાય કરી રહ્યા છે એવી પણ બાતમી યૂરોપના મિડિયાને મળી હતી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અત્યારે મોટી મોટી ડંફાસો મારી રહ્યા છે પરંતુ એમને નોર્થ કોરિયાની આ ભયંકર ગુપ્ત યોજનાની વિગતો હજુ મળી લાગતી નથી. એફબીઆઇના વડા તરીકે પસંદ થયેલા કાશ પટેલના ચુનંદા જાસૂસો નોર્થ કોરિયાની આ યોજનાની વિગતો જેટલી જલદી મેળવે એટલુ સારું.