અમેરિકામાં માનવસર્જિત અકસ્માતોને લીધે ચિત્તા નામશેષ થવા તરફ
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- એકલા ફ્લોરિડામાં ઇ.સ.2024માં 34માંથી 26 ચિત્તા અતિશય સ્પીડમાં આવતા વાહન નીચે કચડાઈને કે રેલવે ટ્રેનની અડફેટે કપાઈ માર્યા ગયા
આ પણને તો આવા બનાવોની કોઈ નવાઈ નથી. લગભગ રોજ અખબારોમાં એવા સમાચાર પ્રગટ થતા રહ્યા છે કે ઇશાન ભારતમાં ખાસ કરીને આસામ બાજુ રેલવે લાઇન પર ધસમસતી આવતી ટ્રેન હેઠળ હાથી કે મદનિયું કપાઇ ગયા. એ જ રીતે માણસનો સેક્સ પાવર વધારવા માટે વાઘનું પોચિંગ એટલે કે ગેરકાયદે શિકાર થતા રહ્યા છે. ગીરના જંગલમાં એ જ રીતે ઉતારુ ટ્રેન કે માલગાડી હેઠળ સિંહ બાળ કપાતાં રહ્યાં છે. એટલે આપણને નવાઈ ન લાગે. પરંતુ અમેરિકાના મિડિયાએ એવા સમાચારને સારું એવું કવરેજ આપ્યું છે કે દુર્લભ બની રહેલા ચિત્તાની ફલોરિડા સ્ટેટમાં બેફામ હત્યા થતી રહી છે.
ધ ફ્લોરિડા ફિશ એન્ડ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન કમિશન (હવે પછી કમિશન એવો ઉલ્લેખ કરીશું)ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ ૨૦૨૪ના ડિસેન્બરની ૧૭મી સુધીમાં એકલા ફલોરિડામાં ચોત્રીસ ચિત્તા વાહન અકસ્માતના પગલે મરણ પામ્યાં હતાં. એમાંના ૨૬ ચિત્તા સડક અકસ્માતનો ભોગ બન્યા. અતિશય સ્પીડમાં આવતા વાહન તળે કચડાયા અને બાકીના રેલવે ટ્રેનની અડફેટમાં આવીને કે ટ્રેન હેઠળ કપાઇને માર્યા ગયા.
ધીમે ધીમે દુનિયાભરમાં જ્યાં જ્યાં માનવ વસાહતો છે ત્યાં વન્ય જીવન નષ્ટ થઈ રહ્યું છે. અમેરિકા અને યૂરોપના દેશોનાં જંગલોમાં અચાનક પરસ્પર ઘર્ષણથી કે માનવ સર્જિત આગ ફાટી નીકળે છે. દિવસો સુધી આ આગ બુઝાતી નથી અને આ દાવાનળનો સૌથી વધુ ભોગ પશુપક્ષી થાય છે. કેમ જાણે માણસમાં હવે સહઅસ્તિત્વની ભાવના રહી નથી. કેટલાક જીવો માણસની સ્વાદવૃત્તિનો શિકાર થઈ જાય છે તે કેટલાક જીવો આ રીતે માનવ સર્જિત અકસ્માતને લીધે જાન ગુમાવી બેસે છે.
આપણે વાત ફ્લોરિડાની કરતા હતા. અત્યાર અગાઉ સૌથી વધુ ચિત્તા ૨૦૧૬માં માર્યા ગયા હતા. એમાંના કેટલાક સડક અકસ્માતમાં અને કેટલાક ટ્રેનની અડફેટમાં જાન ગુમાવી બેઠા હતા. કમિશનના રિપોર્ટ મુજબ મોટા ભાગના અકસ્માતો વાહન ચલાવનાર લોકોની બેદરકારીને લીધે થતા રહ્યા છે. કાં તો વાહન ચાલક શરાબના નશામાં હોય છે અથવા સડક પર ઠેર ઠેર મૂકેલા બોર્ડની અવગણના કરતા રહ્યા છે. ખાસ કરીને હાઈ વે પર બોર્ડ હોય છે કે હવે પછીના ચાર કિલોમીટર સુધી માર્ગમાં ચિત્તાની અવરજવર રહેતી હોવાથી સાવચેતી રાખીને વાહન ચલાવવા. વાહન ચાલકો આવા બોર્ડની ઘોર ઉપેક્ષા કરીને વાહન દોડાવતા રહ્યા છે.
કમિશનના રિપોર્ટમાં એમ પણ જણાવાયું હતું કે જંગલ ચોકિયાત દળના જવાનો આ બાબતમાં વધુ પડતી બેદરકારી દાખવે છે. એ લોકો થોડીક સતર્કતા વર્તે તો દુર્લભ થઈ રહેલા આ જીવોને ઊગારી શકાય. આમ ને આમ ચિત્તા વાહન તળે કચડાતા રહેશે તો થોડા સમય પછી ચિત્તા માત્ર પાઠયપુસ્તકોમાં રહી જશે. ખાસ કરીને વન વિસ્તારમાં જે વાહન માર્ગો આવેલા છે એ અત્યંત સંવેદનશીલ છે. આ રસ્તે આવન જાવન કરતા માલવાહક વાહનોએ વધુ સાવચેતી રાખીને વાહન હંકારવા જોઈએ.
કેટલીક વાર એવું બને છે કે માલવાહક વાહન જે માર્ગ અવરજવર કરતાં હોય એને જંગલના રસ્તે આવતાં પહેલાં કોઈ સ્થળે ભારે ટ્રાફિક નડયો હોય એટલે માલ પહોંચાડવામાં મોડું થવાના ભયે એ બેફામ વાહન હંકારે છે. ક્યારેક એવું બને છે કે શહેરી વિસ્તારમાં એકાદ વાહનને અકસ્માત નડયો હોવાથી ત્યાં ટ્રાફિક અટવાઈ જવાથી માલવાહક વાહન મોડું પડે છે એટલે સમયસર માલ પહોંચાડવાની હાયમાં એ સ્પીડ લિમિટ ચૂકી જાય છે અને બેફામ ડ્રાઇવિંગ કરવા માંડે છે. એવા સંજોગોમાં જંગલ વિસ્તારમાં અકસ્માતો વધી જાય છે.
ફ્લોરિડામાં થયેલા સર્વે મુજબ ચિત્તા માર્ગ અકસ્માતમાં માર્યા જવાના બનાવો છલ્લાં થોડાં વરસથી સતત વધી રહ્યા છે
અને એને કારણે જીવશાસ્ત્રીઓ માને છે કે નજીકના ભવિષ્યમાં ચિત્તા અદ્રશ્ય થઈ જશે.
૨૦૨૩માં ૧૩ ચિત્તા માર્યા ગયા હતા. એની તુલનાએ ૨૦૨૪માં ૩૪ ચિત્તા આવા અકસ્માતોનો કોળિયો થઈ ગયા. અત્યાર અગાઉ ૨૦૧૭ અને ૨૦૧૮માં બંને વરસે ત્રીસ ત્રીસ ચિત્તા નષ્ટ થયા હતા.
વાસ્તવમાં આ પ્રકારના બનાવો દુનિયાના દરેક દેશમાં વધતે ઓછે અંશે બની રહ્યા છે. ગામડાં ભાંગી રહ્યાં છે અને શહેરો અતિવિકસિત થવાથી વાહનોની સંખ્યામાં ઊછાળો આવ્યો છે. એમાંય જ્યારથી વાહનો લોન પર એટલે કે ઉધાર મળતાં થયાં ત્યારથી એના વેચાણમાં અને વપરાશમાં જબરદસ્ત વધારો થયો છે. સાથોસાથ અકસ્માતો પણ વધી ગયા. જ્યાં સડક અકસ્માતમાં માણસો મરણ પામતાં હોય ત્યાં જીવજનાવરણના મરણની ચિંતા કોણ કરે અને શા માટે કરે એ વિચારવાનું છે.