પ્રાચીન નગર સંસ્કૃતિ, આધુનિક અભિશાપ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
પ્રાચીન નગર સંસ્કૃતિ, આધુનિક અભિશાપ 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- જુલાઇના ત્રીજા સપ્તાહમાં લાગેલી આગ દેખીતી રીતેજ માનવ સર્જીતહતી 

ગ યા સપ્તાહે યૂરોપ અને અમેરિકાનાં માતબર અખબારોમાં એક ચોંકાવનારા સમાચાર પ્રગટ થયા હતા. એ સમાચારનો સાર એટલો જ હતો કે પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના પ્રતીક સમા એથેન્સ શહેરના કેટલાક વિસ્તારોમાં વસતા લોકોને યુદ્ધના ધોરણે સ્થળાંતર કરાવાઇ રહ્યું હતું. કેમ એવો પ્રશ્ન પૂછો તે જવાબમાં એવી માહિતી પ્રગટ થઇ હતી કે એથેન્સની આસપાસનાં જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી હતી જે વીજળીના ચમકારાની પેઠે ફેલાઇ રહી હતી.

હવે વાંચો ધ્યાનથી. પોલીસ અને વિજ્ઞાાનીઓના કહેવા મુજબ ઓછામાં ઓછાં ૬૬૭ (છસો સડસઠ) સ્થળે લાગેલી આગમાં માણસનો હાથ હતો. શું ગુજરાત કે શું એથેન્સ, બિલ્ડરો અને પોલિટિશ્યનો હાથ મિલાવે ત્યારે દાવાનળ  અર્થાત્ જંગલની આગ ન પ્રગટે તો જ નવાઇ.

આ નિરીક્ષણ પાછળનું તારણ સમજાવતા એક વિજ્ઞાાનીએ મિડિયાને કહ્યું, આગ લાગી છે એવા કેટલાક સ્થળે ગંધક અને કેટલાંક સ્થળે પેટ્રોલની વાસ આવતી હતી. એનો અર્થ સ્પષ્ટ છે. આગ લગાડવામાં આવી છે. અલબત્ત, કેટલાક સ્થળે જુદાં જુદાં વૃક્ષોનાં લાકડાં પરસ્પર એટલા જોશથી ઘસાયાં હશે કે આગ આપોઆપ લાગી ઊઠી હોઇ શકે. હજારો વરસ પહેલાં આપણા પૂર્વજો આ રીતે અમુક ઝાડનાં લાકડાં ચકમકના પથ્થર સાથે ઘસીને આગ પ્રગટાવતા એવું ઇતિહાસમાં નોંધાયું છે. એવું પણ બન્યું હોઇ શકે. ચાલુ ઓગષ્ટ માસમાં પોલીસે આગ લગાડવાના બનાવોમાં સંડોવાયેલા ૭૯ જણની ધરપકડ કરી હતી. એવા કેટલાક લોકો બિલ્ડરોના માણસો હોવાનું મનાય છે.

જો કે અહીં ઔર એક મુદ્દો નોંધવો જોઇએ. ગ્રીસમાં ઉનાળામાં આ રીતે ઘણીવાર જંગલોમાં આપોઆપ આગ ફાટી નીકળે છે. આ વરસે જૂન-જુલાઇમાં આકરો તાપ હતો અને જૂનમાં જ અમુક જંગલ વિસ્તારમાં ભડકા દેખાયા હતા. ફાયર બ્રિગેડ તરત ત્યાં દોડી ગયું હતું અને ભડકા બુઝાવી દીધા હતા. પરંતુ જુલાઇના ત્રીજા સપ્તાહમાં લાગેલી આગ દેખીતી રીતેજ માનવ સર્જીતહતી અને એ એટલી ઝડપે ફેલાઇ હતી કે એક સાથે બબ્બે ડઝન લાયબંબા ચોવીસે કલાક ઝઝૂમી રહ્યા હોવા છતાં આગ કાબુમાં આવી નહોતી. આ આગ બાબત પોલીસ અને પર્યાવરણ નિષ્ણાતો એકમત હતા કે નેપ્થા કે સલ્ફરની મદદથી આગ લગાડવામાં આવી હતી. આગ એટલી ઝડપે ફેલાવા લાગી હતી કે એને કાબુમાં લેતાં ફાયર બ્રિગેડને પગે પરસેવો ઉતર્યો હતો.

એથેન્સ એક એવું નગર છે જેને એક કરતાં વધુ પાશ્ચાત્ય સંસ્કૃતિના જનક તરીકે ઓળખાવવામાં આવે છે. નગરની બાંધણી, મકાનો, માર્ગો, શિલ્પ-વપત્યો વગેરે એટલાં સુંદર છે કે પર્યટકો એને જોતાં ધરાય નહીં. આજની લોકશાહીની માતા એથેન્સ ગણાય છે. વિશ્વની સૌથી પહેલી લોકશાહી એથેન્સમાં સ્થપાઇ હતી. ગ્રીકની પ્રજામાં ડહાપણની દેવી તરીકે અર્થના પૂજાય છે. એથેનાના નામ પરથી આ શહેરનું નામ એથેન્સ પડયું છે. જગતની પહેલી વ્યાવસાયિક રંગભૂમિ પણ એથેન્સમાં સ્થપાઇ હોવાનું કહેવાય છે. વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાં એથેન્સનું નામ લેવાય છે.

એવા એથેન્સનાં જંગલોમાં ફાટી નીકળેલો દાવાનળ એટલો ભયાનક બની ગયો છે કે એથેન્સના ઘણા વિસ્તારોમાં વસતા લોકોનું સ્થળાંતર કરાવવાની સ્થાનિક વહીવટી તંત્રને ફરજ પડી હતી. એથેન્સ અત્યારે ગ્રીસનું પાટનગર છે. એનાં નગરો, ગામડાં અને હોસ્પિટલો ખાલી કરાવાઇ રહ્યાં હતાં. એવા સમાચાર ગયા સપ્તાહે અમેરિકી અને યૂરોપિયન અખબારોએ પહેલા પાને પ્રગટ કર્યા હતા. સાથોસાથ કેટલાક ડરામણા ફોટોગ્રાફ્સ પણ હતા. એક તરફ આગ અને બીજી તરફ વેગવાન પવન એટલે આગ વીજળીના ચમકારાની જેમ ફેલાતી જતી હતી. સ્થાનિક વહીવટી તંત્રે ગયા સોમવારે લશ્કરના જવાનો અને કમાન્ડોને કામે લગાડયા હતા. દાવાનળની સામે માનવબળ કામે લાગ્યું હતું. લોકોને અતિશય ઝડપથી સુરક્ષિત સ્થળે ખસેડાઇ રહ્યા હતા. 

આ લખાતું હતું ત્યારે આગ કાબુમાં આવવાના કોઇ લક્ષણ નજરે પડયા નહોતા. દેવળોમાં પ્રાર્થના થતી હતી. લોકોના જીવ અદ્ધર હતા. થોડાક લેભાગુ બિલ્ડરો અને પોલિટિશ્યનોના પાપે લાખો લોકોના જાનમાલ જોખમમાં મૂકાઇ ગયા હતા. 


Google NewsGoogle News