ગામ ખોબા જેવડું, ઘુસણખોર બમણાથીય વધુ!
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- મોરિટાનિયા અને ઓહિયો વચ્ચે હજારો કિલોમીટરનું અંતર છે. તો આ મુસ્લિમો અહીં સુધી પહોંચ્યા શી રીતે?
અ મેરિકામાં પ્રમુખપદની ચૂ્ંટણી થઇ ગઇ. દરેક દેશમાં બને છે એમ અમેરિકામાં પણ બંને મુખ્ય ઉમેદવારોએ મતદારોને રેવડી વહેંચવામાં જરાય કચાશ રાખી નહોતી. ચૂંટણી જીતવા પોલિટિશ્યનો આવી રમતો રમતાં હોય છે. સરવાળે મતદારોએજ એનાં સારામાઠાં પરિણામો ભોગવવાના આવતાં હોય છે. કેનેડામાં શું કે ભારતમાં શું, રેવડીઓ પણ મતદારના પરસેવાના પૈસાથી વહેંચાતી હોય છે. મતદારને એ રહસ્ય સમજાય એ પહેલાં ચૂંટણી પૂરી થઇ જાય છે.
અમેરિકાની વાત લઇએ. જો બાઇડેન અને કમલા હેરિસે દેશની સરહદો તમામ પ્રકારના શરણાર્થીઓ માટે ખુલ્લી રાખવાની જાહેરાત કરી હતી. એને પગલે ઓહિયો સ્ટેટના એક સાવ નાનકડા ગામમાં છેક આફ્રિકાથી સેંકડો મુસ્લિમ શરણાર્થીઓ બેધડક ઘુસી આવ્યા હતા.
આપણે ત્યાં આ મહિનામાં એટલે કે કારતક માસ અને અષાઢ માસની એકાદશીએ મહારાષ્ટ્રના પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલ અને રુખમાઇનાં દર્શન કરવા પાંચેક લાખ લોકો ઉમટી પડે છે. પંઢરપુરની વસતિ એકાદ લાખ જેટલી છે. ધારો કે અહીં આવતા પાંચ લાખ લોકો ભગવાનના દર્શન કરીને પાછાં ફરી જવાને બદલે અહીંજ રહી પડે તો પંઢરપુરના મૂળ રહેવાસીઓની દશા કેવી થાય ? એવું જ કંઇક ઓહિયો સ્ટેટના એક ગામના લોકો સાથે થયું છે. પશ્ચિમ આફ્રિકાના મોરિટાનિયા નામના દેશમાંથી સેંકડો મુસ્લિમો અહીં આવીને પોતાના પૂજ્ય પિતાશ્રીનું ઘર હોય એમ ઘુસી ગયા.
ઓહિયો સ્ટેટના આ ગામનું નામ છે લોકલેન્ડ. અહીં ફક્ત ૩૫૦૦ લોકો સૈકાઓથી રહેતા આવ્યા છે અને સાવ નાનકડું ગામ હોવાથી બધાં શાંતિથી રહેતા હતા. હવે મોરિટાનિયાના અસંખ્ય મુસ્લિમ લોકોના ધાડાં અહીં આવી જતાં રહેવાના મકાનો, પીવાનું પાણી અને ખાધાખોરાકીની સમસ્યા ગંભીર બની ગઇ હોવાનું લોકલેન્ડના મેયરે આંતરરાષ્ટ્રીય મિડિયાને કહ્યું હતું.
સૌથી રસપ્રદ અને આંચકો આપનારી હકીકત એ છે કે મોરિટાનિયા અને ઓહિયો વચ્ચે હજારો કિલોમીટરનું અંતર છે. તો આ મુસ્લિમો અહીં સુધી પહોંચ્યા શી રીતે. એના જવાબમાં ગામના પોલીસ વડાએ એ રહસ્ય સમજાવ્યું. ચીનની ટીકટોક એપ પર આ વિસ્તારનો નકશો અને વિડિયો રજૂ કરીને મુસ્લિમ સંસ્થાઓએ એની વિગતો આપી કે આ માર્ગે અમેરિકા પહોંચી જાઓ. એકવાર અમેરિકા પહોંચી જશો એટલે તમારી તમામ સમસ્યાઓનો સદાને માટે અંત આવી જશે.
લોકલેન્ડના મેયર માર્ક મેસને કહ્યું કે કેન્દ્ર સરકારે (અર્થાત્ જો બાઇડેન અને કમલા હેરિસ એમ વાંચો)એ આ ઘુસણખોરોને એવી સલાહ પણ આપવી જોઇએ કે કેવી રીતે જુદા જુદા વિસ્તારોમાં વહેંચાઇ જાય જેથી લોકલેન્ડ જેવા નાનકડા ગામડાના અર્થતંત્ર પર રાક્ષસી બોજો આવી ન પડે. અમારા ગામનું ક્ષેત્રફળ માત્ર સવાથી દોઢ ચોરસ માઇલ (આશરે ત્રણ સાડા ત્રણ ચોરસ કિલોમીટર) જેટલું છે. અહીં એક સાથે સેંકડો લોકો બહારથી ઓચિંતા આવી ચડે તો સ્થાનિક લોકોના જીવન પર કેટલી ગંભીર પ્રતિકૂળ અસર થાય.
ખોરાક, પાણી, રહેવાનાં મકાનો અને અન્ય જરૂરિયાતો અમે આટલા નાનકડા ગામમાં ઘુસણખોરોને શી રીતે પૂરી પાડી શકીએ ?
આફ્રિકામાં એટલાન્ટિક મહાસાગરના કાંઠે વસતા આ મુસ્લિમો વિશ્વના સૌથી વધુ ગરીબ રહેવાસીઓ ગણાય છે.
મુસ્લિમોના વ્હોટ્સ એપ ગુ્રપ અને ટીકટોક ગુ્રપ દ્વારા ખાસ વિડિયો લીંક અને નકશા તૈયાર કરીને મોરિટાનિયાના મુસ્લિમોને ઉશ્કેરવામાં આવેલા કે અત્યારે અમેરિકાની ચૂંટણીની ગરમાગરમીમાં અમેરિકામાં ઘુસી જવાનો બેસ્ટ ટાઇમ છે. તમે તત્કાળ ઉપડો. આ પ્રવાસ ખરેખર ખૂબ યાતનામય હોઇ શકે. મોરિટાનિયા અને અમેરિકા વચ્ચે ચાર હજાર માઇલનો પ્રવાસ છે. ટીકટોક ગુ્રપ્સ દ્વારા મુસ્લિમોને એવી સલાહ આપવામાં આવી હતી કે પહેલાં તમે તૂર્કી પહોંચો. ત્યાંથી લેટિન અમેરિકા ભણી રવાના થાઓ. ત્યારબાદ સરહદ ઓળંગીને લોકલેન્ડની દક્ષિણે આવેલા
સિનસિનાટી પહોંચો. દરેક સ્થળે તમને વ્હોટ્સ એપ ગુ્રપ અને ટીકટોક ગુ્રપ મદદ કરશે.
લોકલેન્ડમાં આ મુસ્લિમો આવી તો ગયા છે. પરંતુ હજુ એમની પાસે કશો કામધંધો નથી. વાસ્તવમાં તેમને કામ કરવાની પરવાનગી પણ નથી કારણ કે એ લોકો ગેરકાયદે ઘુસણખોર છે. એ લોકો સ્થાનિક પ્રજાનાં હિતો પર તરાપ મારી રહ્યા છે એવું ઇન્ટરનેશનલ અહેવાલ પરથી જણાય છે. આ મુસ્લિમો કશું કામ કર્યા વિના બેઠાં બેઠાં ખાય તો લોકલેન્ડના અર્થતંત્રને જીવલેણ ફટકો પડી શકે. ભારતમાં દિવાળી ઊજવાઇ રહી હતી ત્યારે અમેરિકાના સરહદી વિસ્તારોનાં ગામડાંમાં આ ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઘુસણખોરો માટેના કાયદા કડક કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આવી જાહેરાતોનો અમલ ચૂંટણી પછી કરવાનો આવે ત્યારે ભલભલા પોલિટિશ્યનોના પગે પરસેવો ઊતરતો હોય છે એ સૌ કોઇ જાણે છે.