ગાઝામાં પત્રકાર પણ આતંકવાદી?

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
ગાઝામાં પત્રકાર પણ આતંકવાદી? 1 - image


- ટોપ્સીટર્વી - અજિત પોપટ

-  જે મકાનમાં ચાર બાનને રાખવામાં આવ્યા હતા એ મકાન અને એનો માલિક અલ ઝઝીરાનો પત્રકાર હતો એવો દાવો ઇઝરાયેલના કમાન્ડોએ કર્યો 

ગ યા વર્ષના ઓક્ટોબરથી આજ સુધી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ખૂનખાર જંગ ચાલી રહ્યો છે. આ જંગની શરૂઆત હમાસના આતંકવાદીઓએ કરેલી. એ સમયે એ લોકોને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ઇઝરાયેલ કેવો બદલો લેશે. ઇઝરાયેલે તો જાણે પોતાના અસ્તિત્વનો સવાલ હોય એમ પૂરેપૂરી તાકાતથી ગાઝા પર વળતો હુમલો કર્યો. સ્કૂલો, હોસ્પિટલો અને ધર્મસ્થાનોમાં ધરતીથી વીસ પચીસ ફૂટ ઊંડે હુમલાખોરોએ વ્યવસ્થિત કોલોનીઓ સ્થાપી હતી. ત્યાં રહેવાની પૂરતી સગવડો વિકસાવી હતી અને સંખ્યાબંધ હથિયારોનો સંગ્રહ કરી રાખ્યો હતો. ઇઝરાયેલના લશ્કરે એવી એક પછી એક કોલોની ઊડાવવા માંડી. સ્વાભાવિક છે કે આવા હવાઇ હુમલામાં સ્કૂલોમાં અને હોસ્પિટલોમાં રહેલા લોકોના જાનમાલની ખુવારી થાય.

એક અહેવાલ મુજબ ઇઝરાયલે કરેલા આવા હવાઇ હુમલાના પગલે ત્રીસ હજારથી વધુ લોકો માર્યા ગયા. એમાંય સૌથી વધુ તો બાળકો માર્યા ગયા. માનવ વસતિ ધરાવતા વિસ્તારો પર થયેલા ઇઝરાયેલી હુમલાના પગલે સેંકડો મકાનો ધરાશાયી થઇ ગયા. વિદેશી મિડિયાના અહેવાલ મુજબ અગાઉ જ્યાં લોકો રહેતા હતા, બજારો ધમધમતી હતી ત્યાં આજે એક પ્રકારનો સન્નાટો છે. સૂમસામ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક રઝળતી લાશો પર ગીધડાં તૂટી પડેલા દેખાતાં હતાં.

ઇઝરાયેલને દબાવવા હમાસના આતંકવાદીઓએ ગયા વર્ષના ઓક્ટોબરમાં કરેલા હુમલા પહેલાં કેટલાક વિદેશી લોકોને બાન પકડયા હતા. બાન પકડાયેલા એ લોકોને મુક્ત કરવા ઇઝરાયેલના કમાન્ડો હિંમતભેર ઠેકઠેકાણે આક્રમણ કરતા રહ્યા. કેટલાક આતંકવાદીઓને જીવતાં પણ પકડયા. ગયા વીકએન્ડમાં કમાન્ડોએ એક સ્થળેથી ચારમાંના ત્રણ બાનને મુક્ત કરાવ્યા ત્યારે ઇન્ટરનેશનલ મિડિયા પણ ચોંકી ઊઠયું. કારણ, જે મકાનમાં ચાર બાનને રાખવામાં આવ્યા હતા એ મકાન અને એનો માલિક અલ ઝઝીરાનો પત્રકાર હતો એવો દાવો ઇઝરાયેલના કમાન્ડોએ કર્યો હતો.

અબદલ્લા અલીજમાલ નામનો આ પત્રકાર અલ ઝઝીરાનો પત્રકાર હોવાનું કહેવાય છે. ઇઝરાયેલી કમાન્ડોએ એની ઓળખ છતી કરી અને આ પત્રકાર હમાસના આતંકવાદી જૂથ સાથે સંકળાયેલો છે એમ જાહેર કર્યું. કમાન્ડોના વડાએ ત્યારબાદ ઇન્ટરનેશનલ મિડિયાને કહ્યું કે પેલેસ્ટાઇનનો રહેવાસી અબદલ્લા અલીજમાલ હમાસના આતંકવાદી જૂથનો સક્રિય સભ્ય છે. હમાસના આતંકવાદી જૂથના ઇશારે પોતાના મકાનમાં ચાર બાનને રાખ્યા હતા. અમે આ બાનની પૂછપરછ કરી રહ્યા છીએ કે અલીજમાલે એમની સાથે કેવું વર્તન કર્યું હતું. એમને સમયસર ખાવાપીવા આપતો હતો કે એમના પર ઇમોશનલ અત્યાચાર કરતો હતો. 

યુરોમેડ હ્યુમન રાઇટ્સ મોનિટરના વડા રેમી અબ્દુએ સોશ્યલ મિડિયા પર એવી પોષ્ટ મૂકી હતી કે આગલા શનિવારે કમાન્ડોએ ગાઝા સ્ટ્રીપના નુઝાઇરાત વિસ્તારમાં આવેલા અલીજમાલના મકાન પર રેડ પાડી હતી અને અલીજમાલના પરિવારના કેટલાક સભ્યોને ઠાર કર્યા હતા જેમાં અલીજમાલ અને એના પિતા ડોક્ટર અહમદ અલીજમાલનો પણ સમાવેશ થયો હતો. અબ્દુએ પોતાની પોષ્ટ સાથે અલીજમાલનો ફોટો પણ મૂક્યો હતો.

 જો કે અબ્દુએ અલીજમાલે પોતાના ઘરમાં હમાસે બાન પકડેલા લોકો હતા કે કેમ એનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. દેખીતી રીતે જ અબ્દુએ આતંકવાદી જૂથનો ગુસ્સો વહોરી લેવાનું ટાળ્યું હતું. એક અહેવાલ મુજબ અબ્દુએ પહેલાં તો એવો અહેવાલ પ્રગટ કર્યો કે ઇઝરાયેલી કમાન્ડો જૂથે પત્રકારો પર હુમલા કર્યા હતા.

અલીજમાલ ગાઝામાં હમાસની સરકારમાં મજૂર ખાતાનો પ્રવક્તા હતો અને અગાઉ એણે આ મંત્ર્યાલય વતી કેટલાક સમાચારો અને સરકારી પરિપત્રો બહાર પાડયા હતા. હમાસ ટ્રઅને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગ દરમિયાન અલીજમાલે હમાસની તરફેણમાં કેટલાક લેખો પેલેસ્ટાઇન ક્રોનિકલમાં પ્રગટ કર્યા હતા.

ઇઝરાયેલી કમાન્ડોએ કહ્યું હતું કે હમાસના આતંકવાદી જૂથમાં અલીજમાલ જેવા સિવિલિયનો પણ ભળેલા છે એનો આ પુરાવો છે. આતંકવાદીઓએ સમાજના આવા ઘણા સિવિલિયનોનો ઉપયોગ આ જંગમાં કર્યો છે. કોઇ પત્રકાર છે તો કોઇ ડોક્ટર છે અને કોઇ પ્રોફેસર છે.

આવા સમયે પ્રિન્ટ મિડિયા હોય કે મિડિયા હોય કોઇ પણ પ્રકાશન સંસ્થા પોતાની પ્રતિષ્ઠા જોખમમાં મૂકવા તૈયાર ન થાય. વાત અલ ઝઝીરાની છે. અલ ઝઝીરાના પ્રવક્તાએ તરત એવી જાહેરાત કરી હતી કે અલીજમાલ અમારો પગારદાર કર્મચારી નહોતો. એ અવારનવાર અમુક સામગ્રી મોકલતો જે અમને યોગ્ય જણાય તો જ અમે પ્રગટ કરતા હતા. અલીજમાલ ૨૦૧૯ સુધી અમારે ત્યાં નિયમિત કોલમ લખતો હતો. પરંતુ એ અમારો કર્મચારી નથી.



Google NewsGoogle News