બંધુત્રિપુટી દ્વારા 60 બળાત્કાર .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- પોલીસને શી રીતે આ આખાય અપરાધની વિગતો મળી એ જાહેર કરવામાં આવ્યું નથી
અ મેરિકાની ફેડરલ કોર્ટમાં છેલ્લા થોડા સમયથી એક સનસનાટીભર્યો કેસ ચાલી રહ્યો છે. લક્ઝરી એપાર્ટમેન્ટ્સ, વીલા, બંગલોઝ વગેરે ભાડેથી કે ખરીદ-વેચાણથી અપાવતા રિયલ એસ્ટેટ એજન્ટસ્ ભાઇઓએ સાઠથી વધુ યુવતીઓ પર બળાત્કાર કરીને તેમની વિડિયો ઊતારી હતી. ફેડરલ કોર્ટે આ કેસની સુનાવણી હવે ૨૦૨૬ના જાન્યુઆરી પર મુલતવી રાખી છે. ત્યાં સુધી આ કરોડપતિ ભાઇઓ જેલમાં રહેશે.
તમને યાદ હોય તો આપણે ત્યાં એક સમયે વડા પ્રધાન રહી ચૂકેલા દેવગૌવડાના પૌત્ર સામે બે હજારથી વધુ યુવતીઓ પર જાતીય અત્યાચાર કરીને તેમની વિડિયો ક્લીપ વિકૃત મનોદશા ધરાવતા સેક્સભૂખ્યા લોકોને વેચવામાં આવી હોવાનો કેસ હતો. કાં તો આ કેસમાં ભીનું સંકેલાઇ ગયું અથવા કેસ રગશિયા ગાડાની જેમ ચાલી રહ્યો છે. અપરાધીને કદી સજા થશે કે કેમ એ કોઇ કહી શકે એમ નથી.
બીજી બાજુ અમેરિકામાં એલેક્ઝાન્ડર બ્રધર્સ તરીકે જાણીતા આ લક્ઝરી રિયલ એસ્ટેટ એજન્ટ્સ સામે એફબીઆઇએ જડબેસલાખ પુરાવા એકઠા કર્યા અને ધડાધડ કેસ દાખલ કર્યો. ત્રણ ભાઇઓમાં બે તો જોડકા છે- એલન અને ઓરેન. ત્રીજો યુવાન ટેલ આ બંનેનો મોટોભાઇ છે. લક્ઝરી એપાર્ટમેન્ટસ અને બંગલાની લેવેચ કરતા હોવાથી શ્રીમંત તો છે. ઠીક ઠીક હેન્ડસમ પણ છે. પૈસા હોય એટલે ભપકો રાખે. અવારનવાર પાર્ટી યોજે. એમાં નવાજૂના ગ્રાહકોને તેડાવે. ખવડાવે પીવડાવે. સંગીત અને ડાન્સના પ્રોગ્રામ્સ યોજે.
આવી પાર્ટીઓ અને મેળાવડામાં આવેલી અને ખાસ તો અપરિણિત યુવતીઓ પર નજર રાખે. તેમને ડિનર લેવાનું નોતરું આપે. મોંઘીદાટ ભેટ આપે. ડિનર પર આવે ત્યારે ડ્રીન્કની ઓફર કરે. ડ્રીન્કમાં ઘેનની દવા ભેળવેલી હોય. પેલી યુવતી ભાન ગુમાવે એટલે આ ત્રણે વારાફરતી એ યુવતીનો ગેરલાભ લે. એ સેક્સની વિડિયો ઊતારી લીધી હોય. એ વિડિયોના જોરે પોતાના ભાવિ ગ્રાહકોને આકર્ષવા આ યુવતીઓ સાથે નવેસર પાર્ટી ગોઠવે.
આ રીતે આ ત્રણે ભાઇઓ છેક ૨૦૧૦થી પોતાના ધંધાનો વિકાસ કરતા અને ફસાવેલી યુવતીઓનો ગેરલાભ લેતા રહ્યા હતા. એકવાર તો એક યુવતીએ હિંમત કરીને કેસ કરેલો. પરંતુ જે જજની કોર્ટમાં આ કેસ હતો એ કાં તો ખરીદાઇ ગયેલા અથવા કાયદાનું અર્થઘટન પોતાને અનુકૂળ હોય એવું કર્યું. જજે આ ભાઇઓને બેકસૂર ગણાવીને છોડી દીધા કે આ કેસ તો છેક ૨૦૧૨નો છે. હવે દસ બાર વર્ષે તમે કોર્ટમાં ધા નાખો એનો કશો અર્થ રહેતો નથી.
એક કોર્ટમાં પોતે છૂટી ગયા એટલે આ ભાઇઓની હિંમત વધી ગઇ. એ વધુ ને વધુ યુવતીઓને ફસાવતા રહ્યા. આખરે પાપનો ઘડો ફૂટી ગયો. પોલીસને શી રીતે આ આખાય અપરાધની વિગતો મળી એ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ પોલીસને ડ્રગની અસર હેઠળ કરાયેલી સેક્સ લીલાની કેટલીક વિડિયો ક્લીપ મળી અને એ વિડિયો ક્લીપ નિષ્ણાતોને પરીક્ષણ માટે આપવામાં આવી ત્યારે નિષ્ણાતોએ કહ્યું કે વિડિયોમાં જે યુવતીઓ દેખાય છે એ ડ્રગની અસર હેઠળ છે અને પોતાની સાથે શું થઇ રહ્યું છે એનું આ યુવતીઓને ભાન નથી.
એલેક્ઝાન્ડર ભાઇઓ પોતાની રિયલ એસ્ટેટ એજન્સીની પાર્ટીની જાહેરાત આપતા એવી એક જાહેરખબરમાં પોલીસે ક્રાઇમ બ્રાન્ચની એક ચબરાક જાસૂસને પણ મોકલી. આ જાસૂસે સિક્રેટ કેમેરા વડે કેટલીક યુવતીઓની તસવીરો લીધી. ત્યારબાદ પોલીસે આ યુવતીઓનું પગેરું પકડયું. કેટલીક યુવતીઓએ તરત પોલીસ સમક્ષ વટાણાં વેરી નાખ્યા. એલેક્ઝાન્ડર ભાઇઓના અત્યાચારનો ભોગ બનેલી બીજી યુવતીઓને જાણ થઇ કે પોલીસે કેટલીક યુવતીઓનાં નિવેદન લીધાં છે. એટલે બીજી યુવતીઓ પણ સામે ચાલીને પોલીસ પાસે આવી અને પોતાને આ ભાઇઓની ચુંગાલમાંથી છોડાવવાની વિનંતી કરી. આમ આ સેક્સ કાંડનો ભાંડો ફૂટયો અને ત્રણે ભાઇઓને પોલીસે ઝડપી લીધા.
પહેલા તો ત્રણે ભાઇઓએ પોતે નિર્દોષ હોવાનાં ગાણાં ગાયાં. પોતે હાયર ઓથોરિટિ સુધી વગ ધરાવે છે એવી ડંફાસો મારી, પોલીસને માતબર રકમ આપવાની ઓફર કરી. પોતાના મળતિયા પત્રકારો દ્વારા પ્રચારાત્મક અહેવાલો પ્રગટ કરાવ્યા. આમ સામ દામ દંડ ભેદ અજમાવી જોયા પરંતુ કેસ એવો મજબૂત હતો કે તેમનું એક પણ કાર્ય કારગત નીવડયું નહી. સૌથી મોટી બાબત એ બની રહી કે એક સાથે સાઠ સાઠ યુવતીઓ કોર્ટમાં જુબાની આપવા તૈયાર થઇ ગઇ. પરિણામે આ કરોડપતિ રિયલ એસ્ટેટ એજન્ટ બંધુત્રિપુટી અત્યારે તો હવાલાતની હવા ખાય છે.