ઉત્સાહી વ્યાયામ વીરો માટે લાલબત્તી
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- કાયા મેદસ્વી થાય કે એના કદકાઠી વધે ત્યારે શરીરની અંદર રહેલા હાર્ટનું કદ વધતું નથી પરંતુ એના કામનો બોજો અત્યંત વધી જાય છે
ઘ ણું કરીને આપણા લાડકા અભિનેતા સલમાન ખાનને જોઇને હજારો ટીનેજર્સ ઉત્સાહમાં આવી ગયા હતા. સલમાન ખાને એક્સપર્ટ ટીચરના માર્ગદર્શન હેઠળ સમતોલ આહાર અને યોગ્ય પ્રકારની એક્સેસાઇઝ દ્વારા સિક્સ પેક બોડી બનાવ્યું હતું. સલમાન ખાન પછી એવો પ્રયોગ શાહરુખ ખાને કર્યો. બીજા પણ કેટલાક ફિલ્મ અને ટીવી કલાકારોએ વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જઇને આવો પ્રયોગ કરવા જતાં જાન પણ ગુમાવ્યો. આવા ટીનેજર્સ માત્ર ભારતમાં છે એવું નથી. દુનિયાભરમાં છે. એવા એક ઉત્સાહી વ્યાયામ વીરે પોતાની વ્યાયામથી બનેલી કદાવર કાયાના જોરે ઇન્સ્ટાગ્રામ પર એક લાખથી વધુ ફોલોઅર્સ મેળવ્યા હતા. એ મનમાં પોરસાતો હતો. પરંતુ એની કાયાએ જ એને દગો આપ્યો. માત્ર ૩૬ વર્ષની વયે એણે જાન ગુમાવ્યો. એના ચાહકો એને મોન્સ્ટર બોડીબિલ્ડર કે એથલીટ કહેતા હતા.
અત્યારે રશિયા અને યુક્રેન લડી રહ્યા છે. આ બે દેશોની વચ્ચે બેલારુસ કરીને એક દેશ આવેલો છે. બેલારુસની પૂર્વ દિશામાં રશિયા છે અને ઇશાન ખૂણે યુક્રેન આવેલું છે. મૂળ બેલારુસનો પણ અમેરિકામાં સ્થાયી થયેલો એક પરિવાર. એનો ટીનેજર પુત્ર. નામ ઇલિયા યેફિમચીક. હુલામણું નામ ગોલેમ. એ રેમ્બો ફેમ અભિનેતા સિલ્વેસ્ટર સ્ટેલોન અને આલ્બર્ટ શ્વાર્ત્ઝનેગરની ફિલ્મોનો દિવાનો. માત્ર ફિલ્મોનો દિવાનો રહ્યો હોત તો કશો વાંધો નહોતો. પણ એ તો આ બંને કલાકારોની કસરતી કાયાનો પણ દિવાનો બની ગયો.. મારે કોઇ પણ ભોગે આવી પોલાદી કાયા બનાવવી છે એવો એને સોલો ઉપડયો. કુટુંબીજનોએ એને ખૂબ વાર્યો, સમજાવ્યો. પરંતુ આ ઉંમર એવી હોય છે જ્યારે પેલી ગુજરાતી કવિતામાં કહે છે એમ ઘટમાં ઘોડા થનગને....
ઇલિયા કસરત કરવામાં જામી પડયો. શરૂમાં એકાદ બે વ્યાવસાયિક એથલીટની સલાહ પણ લીધી. પેલા બંનેએ એને કોઇ યોગ્ય જિમ (કસરતશાળા)માં જોડાઇ જવાની સૂફિયાણી સલાહ આપી. પરંતુ ધંધાદારી એથલીટ અને રમતવીરોને તૈયાર કરતી જિમ સસ્તી હોતી નથી. એને માટે ગજવામાં પૂરતાં નાણાં જોઇએ અથવા કોઇ સદ્ધર સ્પોન્સર જોઇએ. એમાંનું કશું તો ઇલિયા પાસે નહોતું.
એણે સિલ્વેસ્ટર સ્ટેલોન અને આલ્બર્ટ શ્વાર્ત્ઝનેગરને પત્રો લખ્યા અને એમની પાસેથી પણ માર્ગદર્શન મેળવ્યું. પણ આવા કોરસપોન્ડન્સ કોર્સથી લાંબો સમય ચાલે નહીં. વળી આ બંને કલાકારો એ દિવસોમાં સતત બીઝી રહેતા. એમને આ રીતે પત્ર વ્યવહાર કરવાનો સમય મળે નહીં. ઇલિયા તો કૃતનિશ્ચય હતો. એ ભાન ભૂલીને આડેધડ કસરત કરવા માંડયો. સ્થાનિક વ્યાયામ શિક્ષકો એને યથાશક્તિ મદદ કરતા. સત્તર અઢાર વર્ષનો થયો ત્યાં તો એની કાયા કસાયેલી અને સ્નાયુ્બદ્ધ દેખાતી થઇ. એ સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેતો થયો. ક્યારેક એવી સ્પર્ધામાં જીતી જાય અને અખબારોમાં એનો ફોટો છપાય ત્યારે આ ભાઇ ફૂલાતા ફરે.
વ્યાયામની ઘેલછાએ એને એટલો બધો નિરંકુશ કરી દીધો કે એ જ્યારે જુઓ ત્યારે કસરત કરતો દેખાય. એના દોસ્તો એને પોરસાવતા રહે. એ ઘરની બહાર નીકળે ત્યારે લોકો એને ટીકી ટીકીને જોયા કરતા. સ્કૂલનાં બાળકો એની જોડે સેલ્ફી લેતા. ધીરે ધીરે એક તબક્કો એવો આવી ગયો કે એ હાથના બાવડાં ફૂલાવે તો એ પચીસ ઇંચ જેટલા ફૂલી જતા. સામાન્ય રીતે ૧૯થી ૫૯ વર્ષના એક તંદુરસ્ત માણસને રોજ વધુમાં વધુ ૧૫૦૦થી ૩૦૦૦ કેલેરી જેટલો આહાર પૂરતો થઇ પડે. પરંતુ વધુ પડતા વ્યાયામના રવાડે ચડી ગયેલો ઇલિયા રોજ સોળથી અઢાર હજાર કેલેરી જેટલો આહાર લેતો. એની પત્ની નીના હવે કહે છે કે એને રોજ સવારથી રાત સુધીમાં સાતથી આઠવાર જમવા જોઇએ. ડોક્ટરો એને સતત ચેતવણી આપતા કે આટલી કદાવર કાયા અને આટલો બધો આહાર તારા માટે જોખમરૂપ છે. પરંતુ એ કોઇનું સાંભળતો નહોતો. જાણે ભૂતપ્રેત વળગ્યું હોય એમ એ પોતાની રીતે જીવતો હતો.
આયુર્વેદના અભ્યાસીઓ કહે છે કે કોઇ પણ બાબતનો અતિરેક માણસને ગમે ત્યારે ખાઇ જાય છે. આ વર્ષના સપ્ટેંબરની વાત છે. એક સવારે એને જોરદાર હાર્ટ એટેક આવ્યો.
એ ધડામ દઇને ધરતી પર ઢળી પડયો. એમ્બ્યુલન્સ આવી. છથી આઠ માણસોએ દોઢસો કિલોની એની રાક્ષસી કાયાને માંડ માંડ ઊંચકી અને એને હોસ્પિટલ ભેગો કર્યો. ડોક્ટરોએ એની છાતી પર જબરદસ્ત પ્રેસર-પ્રહારો કર્યા, મશીન વડે એના હાર્ટને ફરી ધબકતું કરવા ભગીરથ પ્રયાસો કર્યા. થોડા સમય પછી હાર્ટ તો ફરી ધબકતું થયું પરંતુ એ દરમિયાન તબીબી પરિભાષામાં કહીએ તો એનું મગજ મરણતોલ થઇ ચૂક્યું હતું. ડોક્ટરોએ એને જીવનરક્ષક યંત્રો દ્વારા જીવતો રાખવાના અથાક પ્રયાસો કર્યા પરંતુ એ ફરી જાગૃત થયો નહીં. મિડિયા સમક્ષ એની પત્નીએ જાહેર કરવું પડયું કે મોન્સ્ટર બોડીબિલ્ડર ઇલિયા ઇઝ નો મોર.
અહીં એક અનુભવી કાર્ડિયોલોજિસ્ટે સમજાવેલું એ યાદ આવે છે. આ કાર્ડિયોલોજિસ્ટ કહેતા કે અંગુઠો અંદર રાખીને હાથની મૂઠ્ઠી વાળો. આ મૂઠ્ઠી જેટલું કદ તમારા હૃદયનું હોય છે. જ્યારે તમારી કાયા મેદસ્વી થાય કે એના કદકાઠી વધે ત્યારે શરીરની અંદર રહેલા હાર્ટનું કદ વધતું નથી પરંતુ એના કામનો બોજો અત્યંત વધી જાય છે. પરિણામે ગમે ત્યારે હાર્ટ એટેક આવે છે. માટે કદકાઠી વધારતી વખતે શરીરની અંદર રહેલા હાર્ટનો વિચાર જરૂર કરજો. ઇલિયાએ કાયા કદાવર બનાવી પરંતુ હાર્ટની પરવા કરી નહીં. માત્ર છત્રીસ વર્ષની વયે આ બોડીબિલ્ડરે જાન ગુમાવ્યો.