અસંખ્ય પ્રિમેચ્યોર બાળકોના જાન જોખમમાં.....!

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
અસંખ્ય પ્રિમેચ્યોર બાળકોના જાન જોખમમાં.....! 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- આખા પાકિસ્તાનમાં આવાં હજારો બાળકો છે જે માતાના દૂધથી વંચિત છે

પા ક પરવરદિગાર, હમ કૈસે આપકા શુક્રિયા અદા કરેં... આપને હમારી માંગે પૂરી કર દી.... આપ કા લાખ લાખ શુક્રિયા... આકાશ તરફ હાથ ઊંચા કરીને મુહમ્મદ મુનવ્વર આંસુભીની આંખે પ્રાર્થના કરી રહ્યો હતો. બાવન વર્ષના મુનવ્વરની પત્ની બીમાર છે. હોસ્પિટલમાં અધૂરા મહિને જન્મેલા ફક્ત એક કિલો વજન ધરાવતા પુત્રને જન્મ આપીને બેહોશ અવસ્થામાં પડી છે. એને ધાવણ આવતું નથી. મુહમ્મદ મુનવ્વરે જ્યારે એવા સમાચાર સાંભળ્યા કે કરાચીની બાળકો માટેની એક હોસ્પિટલમાં પાકિસ્તાનની પહેલવહેલી હ્યુમન મિલ્ક બેંક શરૂ થઇ છે ત્યારથી એ અનોખી રાહત અનુભવી રહ્યો હતો.

આશરે પચીસ કરોડની વસતિ ધરાવતા પાકિસ્તાનમાં મહમ્મદ મુનવ્વર જેવા અસંખ્ય પુરુષો છે જેમને માતાના દૂધની તાકીદે જરૂર છે. એવા કેટલાય કિસ્સા છે જેમાં અધૂરા મહિને બાળકને જન્મ આપીને માતા મરણ પામી છે. કેટલાક એવા કિસ્સા છે જેમાં બાળક અને માતા બંને હયાત છે પરંતુ માતાને ધાવણ આવતું નથી. અત્યાર સુધી તમે કેવી રીતે વ્યવસ્થા કરતા હતા એવા સવાલના જવાબમાં મુહમ્મદ મુનવ્વર કહે છે કે અમારા પરિવારમાં હાલ જેટલી સ્ત્રીઓ ધાવણ આપી શકે એવી હતી તેમની પાસેથી રોજ ભીખીમાગીને દૂધ લાવતો હતો. માનું દૂધ કંઇ બજારમાં વેચાતું તો ન જ મળે ને ? હું સતત ઉપરવાળાને વિનવણી કરતો હતો કે અમારા પર રહમ કર... 

મુનવ્વર જેવા અસંખ્ય પુરુષો પાકિસ્તાનની પહેલવહેલી હ્યુમન મિલ્ક બેંકના સમાચારથી ખુશ હતા. પરંતુ એ ખુશી લાંબો સમય ટકી નહીં. હજુ તો જૂનની બારમીએ સિંધ પ્રાંતના આરોગ્ય પ્રધાન ડોક્ટર અઝરા પીહુહોએ આ હ્યુમન મિલ્ક બેંકનું ઉદ્ધાટન કરેલું. દેશના પ્રતિષ્ઠિત અખબારોએ આ પગલાને બિરદાવતા અહેવાલો પ્રગટ કરેલા. પરંતુ આ બેંક ધમધમતી થાય એ પહેલાંજ એનું બાળમરણ થઇ ગયું. શી રીતે, એ જાણવા વાંચો આગળ.

છેલ્લા એક વર્ષથી બાળરોગ નિષ્ણાત ડોક્ટરો યુનિસેફના નિષ્ણાતો સાથે ચર્ચા કરીને આવી હ્યુમન મિલ્ક બેંકની સ્થાપના કરવા દિવસરાત મહેનત કરી રહ્યા હતા. સિંધ ઇન્સ્ટિટયુટ ઓફ ચાઇલ્ડ હેલ્થ એન્ડ નીઓનેટોલોજીના તબીબી વડા ડોક્ટર જમાલ રઝા આ પગલું લેતાં પહેલાં દેશના મુલ્લા મૌલવીઓની સંસ્થા જામિયા દારુલ ઉમુલ, કરાચી સાથે છેલ્લા આઠ નવ મહિનાથી વાટાઘાટો કરી હતા. શરૂમાં આ કહેવાતા ધર્મગુરુઓ હ્યુમન મિલ્ક બેંકના માનવતાવાદી કાર્ય સાથે સંમત થયા હતા. એમના તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા પછી જ ડોક્ટર રઝાએ અખબારોમાં જાહેર વિનંતી કરી હતી અને સેંકડો સેવાભાવી મહિલાઓ તેમજ મહિલા સંસ્થાઓ આગળ આવી હતી. સેંકડો મહિલાઓએ સ્વેચ્છાએ પોતાના સંતાનના હિસ્સામાંથી થોડું થોડું દૂધ બચાવીને હોસ્પિટલને દાનમાં આપ્યું હતું.

આ દૂધ લાંબો સમય સચવાઇ રહે એ રીતે યુનિસેફની મદદથી જરૂરી યંત્રસામગ્રી પણ હોસ્પિટલે મેળવી લીધી હતી. અચાનક પાકિસ્તાનના મુલ્લા મૌલવીઓ ફરી ગયા. પાકિસ્તાન ઉલેમા કાઉન્સિલના વડા હાફિઝ મુહમ્મદ તાહિર મેહમૂદ અશરફીએ પત્રકારોને કહ્યું કે ડોક્ટરોની લાગણી અમે સમજીએ છીએ, એ લોકો પોતાની માનવતાવાદી ફરજ બજાવી રહ્યા છે. પરંતુ ઇસ્લામના ધારાધોરણ મુજબ ભવિષ્યમાં આ બાળકોના લગ્નનો પ્રશ્ન આવે ત્યારે મુશ્કેલી ઊભી થઇ શકે છે...

લો, કરો વાત. હ્યુમન મિલ્ક બેંકમાંથી કયા બાળકને કઇ મહિલાના ધાવણથી પોષણ મળ્યું છે એ શી રીતે ખબર પડવાની હતી ? હ્યુમન મિલ્ક બેંકે કોઇ મહિલાના દૂધની બોટલ પર એની ઓળખ લખી નથી. માત્ર દૂધની ગુણવત્તા અને પ્રકારની વિગત છે. કોનું દૂધ કયા બાળકને મળ્યું અને કયું બાળક કોના દૂધથી પોષણ પામીને ઊછર્યું એની માહિતી ખુદ ડોક્ટરોને પણ લાંબા સમય સુધી યાદ નહી રહે. તો પછી ઇસ્લામના કયા ધારાધોરણનો ભંગ થઇ રહ્યો હતો એવું પાકિસ્તાન ઉલેમા કાઉન્સિલને લાગ્યું હશે ? અલ્લાહ જાણે.

જે હો તે, અત્યારે તો એક ઉમદા માનવતાવાદી કાર્ય શરૂ થયાની સાથેજ અટકી પડયું છે. અને આ વાત તો માત્ર સિંધ પ્રાંતની છે. આખા પાકિસ્તાનમાં આવાં હજારો બાળકો છે જે માતાના દૂધથી વંચિત છે. આ બાળકોને સમયસર માતાનું દૂધ નહીં મળે તો એમનો જીવનદીપ અકાળે બુઝાઇ જશે.

ઉલેમા કાઉન્સિલે એવી દલીલ કરી હતી છે કે બજારમાં તૈયાર મિલ્ક બોટલ મળે છે. એ બાળકોને પીવડાવી શકાય છે. એ  વિશે બાળરોગ નિષ્ણાત ડોક્ટરો કહે છે

 કે આ વાત હાસ્યાસ્પદ છે. અધૂરા મહિને જન્મેલાં બાળકોનાં આંતરડાં ખૂબ નબળાં હોય છે. બજારૂ દૂધમાં રહેલા બેક્ટિરિયાને એ પચાવી ન શકે. ઊલટું એમને તરત ચેપ લાગી જાય અને એમને બચવાની શક્યતા ઘટી જાય. એ પછી ઉલેમા કાઉન્સિલે એવી દલીલ કરી કે આ બાળકોને વેન્ટિલેટર કે લાઇફ સેવિંગ મશીન પર રાખો. એના જવાબમાં ડોક્ટરોએ કહ્યું કે એક એક લાઇફ મશીન કે વેન્ટિલેટર વીસથી પચીસ લાખ રૂપિયાના આવે છે. એટલા પૈસા ક્યાંથી કાઢવા, કોણ આપશે ? બીજી બાજુ આ બાળકોનાં હિતમાં હજારો મહિલાઓએ સ્વેચ્છાએ પોતાનું દૂધ દાનમાં આપ્યું છે. એનો ઉપયોગ કેમ ન કરી શકાય એ અમને સમજાતું નથી. 

આ મડાગાંઠનો અત્યારે તો ઉકેલ હાથવગો દેખાતો નથી. એક તરફ માનવતાવાદી સંસ્થાઓ અને ડોક્ટરો છે. બીજી બાજુ જડ અને ધર્માંધ મૌલવીઓ છે. આ બંને વચ્ચે સેંકડો કૂમળી કળી જેવાં કોમળ બાળકો છે. આ મડાગાંઠનો સત્વરે ઉકેલ નહીં આવે તો આ કૂમળી કળીઓ અકાળે મુરઝાઇ જશે.


Google NewsGoogle News