Get The App

થાઇલેન્ડમાં વરસ્યો હાથિયો, ડૂબ્યા ગજરાજો....!

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
થાઇલેન્ડમાં વરસ્યો હાથિયો, ડૂબ્યા ગજરાજો....! 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- તંદ્રામાં હાથીઓની સૂંઢ પાણીમાં ગરક થઇ જાય તો એ મરી જવાની શક્યતા રહેલી છે 

જ્યો તિષ શાસ્ત્રના અભ્યાસીઓ કહે છે કે હાથિયો એ હાથના પંજા જેવો આકાર બનાવતા પાંચ તારાઓનો સમૂહ છે. ચંદ્ર એનો સ્વામી છે. મોટે ભાગે સપ્ટેંબર અને ઓક્ટોબરમાં હાથિયો વરસે છે. ખેડૂતોને સહાય કરવાના હેતુથી કુદરત હાથિયો વરસાવે છે. સમયસરના વરસાદથી થયેલા પાકમાં કોઇ પ્રકારના જીવજંતુ ન થાય અને થયા હોય તો નષ્ટ  થઇ જાય એ માટે હાથિયો વરસે છે એવું માનવામાં આવે છે. ઘણીવાર સ્કૂલના શિક્ષકો બાળકોને રમૂજમાં કહે છે કે હાથિયો એટલે હાથી ડૂબી જાય એટલો વરસાદ. કલ્પના કરવા જેવી છે. હાથીની સરેરાશ ઊંચાઇ આઠથી બાર-તેર ફૂટ હોય. એટલો વરસાદ વરસે ત્યારે માણસ સહિત બીજા જીવોને કેવી હાલાકીનો સામનો કરવો પડે.

ગયા મહિને સપ્ટેંબરના છેલ્લા વીક એન્ડમાં થાઇલેન્ડમાં એવું જ થયું. ખરેખર હાથીઓ ડૂબી જાય એવો વરસાદ વરસ્યો. ઉત્તર થાઇલેન્ડના વીસથી વધુ પ્રાંતમાં અતિ ભારે વરસાદ થયો. દસ હજારથી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડયા. છેલ્લા કેટલાય દાયકાઓમાં આવો ભારે વરસાદ થયો નથી. આવા ભારે વરસાદના પગલે આવેલા પૂરની સૌથી વધુ પ્રતિકૂળ અસર ચિયાંગ કે ચ્યાંગ માઇ નામના પર્યટન સ્થળે થઇ. ગઇ સદીમાં અહીં એક લાખથી વધુ હાથીઓ હતા. આ હાથીઓને ખાસ તાલીમ આપીને બાંધકામ માટેના વિરાટ વૃક્ષો અને કાપેલા લાકડાની હેરફેરમાં ઉપયોગ કરાતો.

જો કે સમયના વહેવા સાથે ચ્યાંગ માઇમાં થાઇલેન્ડની સરકારે હાથી એક અભયારણ્ય બનાવ્યું. વરસે લાખો પર્યટકો આ અભયારણ્યની મુલાકાત લેતા. થાઇલેન્ડના અર્થતંત્રમાં હાથી અભયારણ્યનો મબલખ ફાળો રહ્યો છે. એટલે મનેકમને પણ થાઇ સરકાર હાથીઓને સાચવતી રહી છે. સપ્ટેંબરના છેલ્લા સપ્તાહાંતમાં જે અતિ ભારે વરસાદ થયો એેના પગલે આખું સરકારી તંત્ર એક્શનમાં આવી ગયું. એક તરફ નાગરિકોને બચાવવાના, બીજા બાજુ માલ-મિલકત, વાહનો અને ત્રીજી બાજુ હાથી અભયારણ્ય. વરસાદના પગલે આવેલાં પૂર એટલાં ભીષણ હતાં કે હાથીઓના સૂંપડાં જેવા કાન સુધી પાણી પહોંચી ગયા હતા. ખાસ્સી ભારે કાયા હોવાથી હાથીઓ આટલા બધા પાણીમાં દોડી શકે નહીં. એટલે પોલીસ, ફાયર બ્રિગેડ, લશ્કર અને નેશનલ ડિઝાસ્ટર રિલિફ વિભાગ હાથીઓને બચાવવામાં લાગી ગયો હતો. 

એકસોથી વધુ હાથીઓને સાવચેતીથી સુરક્ષિત સ્થળે લઇ જતાં સરકારી તંત્રને પગે પરસેવો ઊતર્યો હતો. અને આ અભયારણ્યની નજીક આવેલા પાર્કમાં ભેંસો, ઘોડા, દેશવિદેશની બિલાડીઓ, વિવિધ જાતિના કૂતરા અને સેંકડો સસલાં હતાં. એ બધાંની સ્થિતિ તો આપણે માત્ર કલ્પવી રહી. 

૨૫૦૦થી ૫૫૦૦ કિલો વજન ધરાવતા કદાવર હાથીની ગરદન સુધી પાણી પહોંચ્યાં હોય ત્યારે ભેંસો અને ઘોડા સિવાયના નાનકડાં પ્રાણીઓની દુર્દશા થથરાવી દે એવી થઇ જાય. જો કે આટઆટલી જહેમત પછી પણ સરકારી આંકડો સાચો હોય તો ત્રણેક હાથીએ ગભરાટના કારણે જાન ગુમાવ્યા હતા.

વિદ્યુત પુરવઠો ઠપ થઇ ગયો હતો. ટેલિફોન બંધ હતા. વાવાઝોડા જેવો તોફાની પવન ફૂંકાઇ રહ્યો હતો. એવા વિકટ સમયે ભલભલા સરકારી તંત્ર રઘવાયા થઇ જાય. થાઇલેન્ડમાં પણ એવી જ પરિસ્થિતિ થઇ હતી. એક તબક્કે એવો વિચાર કરવામાં આવ્યો હતો કે હાથીઓને ગભરાટથી દૂર રાખવા સેડેટીવ્સ (શામક દવા)ના ઇંજેક્શન આપી દેવા. એની સામે નિષ્ણાત તબીબોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે લગભગ બેહોશી કહેવાય એવી તંદ્રામાં હાથીઓની સૂંઢ પાણીમાં ગરક થઇ જાય તો એ મરી જવાની શક્યતા રહેલી છે એટલે એ વિચાર પડતો મૂકવામાં આવ્યો. 

એક સરકારી પ્રવક્તાએ કહ્યું કે પાણીનું વહેણ રાક્ષસી તાકાતથી વહેતું હતું. સડકો પર પાર્ક થયેલી કાર્સ અને ટ્રક્સ તો ઠીક, વરસો જૂનાં વૃક્ષો મૂળસોતાં ઊખડીને તણાયે જતાં હતાં. જળ સપાટી ત્રણ મીટરથી પણ વધુ થઇ ચૂકી હતી. અમે ખરેખર ડરી ગયા હતા. ૨૦૧૮ના પૂર વખતે બચાવી લેવાયેલો પ્રજ્ઞાચક્ષુ હાથી આ પૂરમાં બચાવી શકાયો નહોતો. ઉત્તર થાઇલેન્ડ અને આસપાસનાં વિસ્તારોમાં વિનાશકારી યાગી વાવાઝોડું અને પૂર ભયાનક વિનાશ વહોરી રહ્યાં હતાં.

છેલ્લાં પચાસ વર્ષમાં પીંગ નદીનાં નીર કદી પાંચ મીટર જેટલાં ઊછળેલાં જોયાં નથી એવું બેંગકોક મીરરના એક અહેવાલમાં જણાવાયું હતું.

થાઇ ન્યૂઝના એક અહેવાલ મુજબ પૈ પ્યોંગ ટેમ્પલ તરીકે ઓળખાતા સ્મશાન ગૃહના સાધુઓએ મૃતદેહોનો નિકાલ ચાલુ રાખ્યો હતો કારણ કે આવી સ્થિતિમાં મોર્ગમાં કેટલા મૃતદેહ ક્યાં સુધી સાચવી રાખવા. વીજપુરવઠો નહોતો એટલે આમ પણ મોર્ગ ચલાવી શકાય એમ નહોતું. આ સાધુઓ છાતીસમાણાં પૂરમાં સ્વસ્થતાથી પોતાનું કામ કરી રહ્યા હતા. કઇ રીતે એ સમજાવી શકાય એમ નથી. ટુરિસ્ટ સ્પોટ ચ્યાંગ માઇની આસપાસની હોસ્પિટલો પણ વીજળી ઠપ હોવાથી લગભગ બંઘ હતી. રેલવે સ્ટેશન પર પણ પાણી હતાં એટલે ટ્રેન દોડાવવાનો સવાલ નહોતો. ઘણા થાઇ નાગરિકોએ વિદેશી મિડિયાને કહ્યું હતું કે આ વીક એન્ડ અમે જીવનમાં કદી ભૂલી નહીં શકીએ.


Google NewsGoogle News