Get The App

યમદ્વારેથી પાછા ફર્યા .

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
યમદ્વારેથી પાછા ફર્યા                                          . 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- બ્રીન્કલેએ જે નવ દેવદૂતો મળ્યાની અને એ દેવદૂતોએ કેટલીક આગાહીઓ કરી હોવાનું લખેલું એમાંની કેટલીક આગાહી ખરેખર  સાચી પણ પડી

બ ળવાખોર વિચારક ચિંતક ઓશો રજનીશજી વારંવાર કહેતા, 'હું મૃત્યુ શીખવું છું. માણસને સૌથી વધુ ડર મૃત્યુનો લાગે છે. એ ડર નીકળી જાય તો આપોઆપ પાપ-પુણ્ય, ધર્મ, ભક્તિ વગેરેની વ્યાખ્યા બદલાઇ જાય.' ઓશો મૃત્યુ વિશે ઘણીવાર જુદા જુદા સંદર્ભમાં બોલ્યા છે. ભગવદ્ ગીતામાં વાંસાસિ જિર્ણાનિ યથા વિહાય... શ્લોકમાં એવો વિચાર વ્યક્ત થયો છે કે જેમ જૂના ઘસાઇ ગયેલાં કપડાં માણસ બદલે એમ આત્મા જીર્ણશીર્ણ થઇ ગયેલા શરીરને ત્યજીને નવા શરીરમાં પ્રવેશે છે. આધુનિક વિજ્ઞાાન પણ મૃત્યુને સમજવા મથામણ કરે છે.

થોડાં વરસો પહેલાં એક પ્રયોગ કરાયો હતો. ડોક્ટરોની દ્રષ્ટિએ જેના જીવનની છેલ્લી ક્ષણો હતી એવા એક દર્દીને કાચની એરપ્રૂફ પેટીમાં સુવડાવીને પેટી સજ્જડ બંધ કરીને એ ઓરડો પણ એરપ્રૂફ કરીને બંધ કરી દીધો હતો. ચોતરફ કોમ્પ્યુટરના સેન્સર્સ જોડયા હતા. જેવું પેલા દર્દીનું પ્રાણપંખેરું ઊડયું કે તરત કાચની પેટી તૂટી. એમાંથી નરી આંખે ન દેખાય એવું કશુંક બહાર નીકળ્યું. ઓરડાનો દરવાજો આપોઆપ ખુલ્યો. પેલું અદ્રશ્ય તત્ત્વ જેને અધ્યાત્મવાદીઓ આત્મા કહે છે એ ઓરડાની બહાર નીકળી ગયું.

૧૯૯૫માં અમેરિકામાં એક ટીવી ફિલ્મ રજૂ થયેલી. એનું નામ હતું સેવ્ડ બાય ધ લાઇટ. એક અમેરિકી નૌસૈનિક ડેનિયન બ્રીન્કલેના જીવનમાં બનેલી સત્યઘટના પર આધારિત આ ફિલ્મ હતી. બ્રીન્કલેએ લખેલા એજ નામના પુસ્તક પરથી આ ફિલ્મ બનેલી. બ્રીન્કલેએ પોતાના જાતઅનુભવ પર આધારિત લખેલા પુસ્તકનું નામ પણ સેવ્ડ બાય ધ લાઇટ હતું. બ્રીન્કલેના જીવનની આ ઘટના ખરેખર રસપ્રદ છે. એ એકવાર ટેલિફોન પર વાત  કરી રહ્યો હતો ત્યારે આકાશમાં વીજળી ચમકી. એ વીજળી યોગાનુયોગે બ્રીન્કલેના ટેલિફોનની લાઇનમાં પ્રવેશી અને બ્રીન્કલેને હજારો વોલ્ટનો વીજળીનો આંચકો લાગ્યો. એ ટચૂકડા તણખલાની જેમ હવામાં અદ્ધર ઊંચકાયો અને ઊછળીને જમીન પર પડયો. એને મરેલો જાહેર કરવામાં આવ્યો. 

બ્રીન્કલેના અકાળ આકસ્મિક મૃત્યુની તપાસ કરવા પોસ્ટમોર્ટમ જરૂરી હતું. એના મૃતદેહને મોર્ગમાં મૂકવામાં આવ્યો. લગભગ અઠ્ઠાવીસ  મિનિટ પછી અચાનક મોર્ગમાં એ ફરી સળવળ્યો. એ જીવતો થયો. ત્યારબાદ એણે ડોક્ટરો જેને બ્રીન્કલેનું મૃત્યુ કહેતા હતા એ સમયગાળામાં પોતે શું અનુભવ્યું એ વિશે આત્મકથનાત્મક પુસ્તક લખ્યું. સેવ્ડ બાય ધ લાઇટ. (સરળ ભાષામાં કહીએ તો વીજળીના આંચકામાંથી બચાવ.) 

બ્રીન્કલે જેવા અનુભવ આ દુનિયામાં ઘણાને થયા છે. તબીબોએ જેમને મરેલા જાહેર કરી દીધા હોય એ ઓચિંતા ફરી હોશમાં આવે ત્યારે પોતે જે અનુભવ કર્યો હોય એની વાત કરે. એ વિશે પણ પુસ્તકો લખાયાં છે. એવું ઔર એક પુસ્તક છે લાઇફ આફ્ટર ડેથ. એ પુસ્તક પણ બ્રીન્કલેએ લખ્યું છે. જો કે આ ટાઇટલ અન્ય લેખકોના પુસ્તકો સાથે પણ ક્યારેક જોવા મળ્યું છે. આપણે સેવ્ડ બાય ધ લાઇટ પુસ્તક અને એના પરથી બનેલી ફિલ્મની વાત કરીએ છીએ. બ્રીન્કલેએ પોતાના પુસ્તકમાં એવું વર્ણન કર્યું છે કે એક ગાઢ અંધકાર ભરેલા બોગદામાંથી હું પસાર થયો. થોડીવાર એ ગહન અંધકાર પછી હું ક્રિસ્ટલ (સ્ફટિક)થી છવાયેલી એક સૃષ્ટિમાં બહાર નીકળ્યો. મને નવેક દેવદૂતો મળ્યા. એમણે મને ભવિષ્યમાં થનારી કેટલીક ઘટનાઓ વિશે માહિતગાર કર્યો. પછી અચાનક શું થયું કોણ જાણે, હું આ પૃથ્વી પર પાછો ફર્યો. હોશમાં આવ્યો ત્યારે હું હોસ્પિટલના મોર્ગમાં હતો. મારું સમગ્ર જીવન પલટાઇ ગયું હતું. મારા વિચારોમાં આમૂલ પરિવર્તન આવી ગયું હતું. મને એવું લાગ્યું હતું જાણે મારો નવો જન્મ થયો છે. સર્જનહારે મને કેટલાંક કામ કરવા માટે પાછો મોકલ્યો છે.

બ્રીન્કલેએ જે નવ દેવદૂતો મળ્યાની અને એ દેવદૂતોએ કેટલીક આગાહીઓ કરી હોવાનું લખેલું એમાંની કેટલીક આગાહી ખરેખર  સાચી પણ પડી. સેવ્ડ બાય ધ લાઇટ પુસ્તક પ્રગટ થયાના પહેલા બે અઠવાડિયામાં પાંચ હજારથી વધુ નકલો ફટાફટ વેચાઇ ગઇ. પ્રકાશકે રાતોરાત વધુ નકલો પ્રગટ કરવી પડી. ગઇ કાલ સુધી જે માણસ અમેરિકી એક અનામી નૌસૈનિક હતો, જેને કોઇ ઓળખતું નહોતું એ રાતોરાત આખા અમેરિકામાં પ્રસિદ્ધ થઇ ગયો. એના આ પુસ્તક પર પછીના વરસે ૧૯૯૫માં ટીવી ફિલ્મ બની એ પણ સુપરહિટ નીવડી.

મૃત્યુદ્વારેથી કે યમદ્વારેથી પાછા ફરેલા લગભગ દરેક વ્યક્તિ કેટલુંક વર્ણન એકસરખું કરે છે. ગહન અંધકારથી ભરેલી ટનલમાંથી પસાર થયા. પછી આસમાની રંગની કોઇ સૃષ્ટિમાં પ્રવેશ્યા. બીજા કેટલાક કિસ્સામાં હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ડોક્ટરે મરેલા જાહેર કરેલા દર્દીના આત્માએ પોતે ઓપરેશન થિયેટરમાં શું અનુભવ્યું એનું પણ રસપ્રદ વર્ણન કર્યું છે.

Tags :