ધગધગતી ધરા પર વસવાટ...! .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- આ વિસ્તારમાં ઠેર ઠેર ચેતવણીના બોર્ડ છે કે અતિશય ગરમીના કારણે આ વિસ્તાર માનવ જીવન માટે ભયજનક છે
કુ દરત વિફરી છે. વિકાસના નામે આડેધડ જંગલો કપાતાં પર્યાવરણને કદી ભરપાઇ ન થઇ શકે એવું નુકસાન થયું છે. સૌથી વધુ ચિંતાજનક વાત તો એ કે મોસમ અનિશ્ચિત થઇ ગઇ. આ વરસે ઉનાળો પણ આકરો હતો. રાજસ્થાનના ચુરુ વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ ગરમી પડી. ચુરુમાં મે માસમાં ૫૦ ડિગ્રી ગરમી હતી.
આ વખતે ઉનાળામાં સરકારી આંકડા મુજબ ૧૪૩ માણસો અસહ્ય તાપથી મરણ પામ્યા અને ૪૨ હજારથી વધુ લોકોને લૂ લાગી. સરકારી આંકડાની પોલમપોલ આપણે સૌ જાણીએ છીએ એટલે સાચો આંકડો કેટલો હશે એની કલ્પના કરવી રહી. અમદાવાદમાં ૪૪-૪૫ ડિગ્રી ગરમી થાય ત્યાં આપણે બૂમાબૂમ કરીએ છીએ. રાજસ્થાનના ચુરુ વિસ્તારમાં આ વરસે ૫૦ ડિગ્રી ગરમી પડી ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઊઠેલા
હવે વિચારો કે જ્યાં ૪૫થી ૫૦ ડિગ્રી ગરમી આપણે સહન કરી શકતા નથી તો જ્યાં એકસો ડિગ્રીથી પણ વધુ ગરમી પડતી હોય ત્યાં જીવસૃષ્ટિની શી સ્થિતિ થતી હશે ? યસ્સ, આ વાત એક એવા વિસ્તારની છે જ્યાં એકસોથી વધુ ડિગ્રી ગરમી પડે છે અને દેશની સરકારે કાયદેરસ રીતે ઠેર ઠેર બોર્ડ મારવા પડે છે કે અહીં ભીષણ અને જીવલેણ ગરમી છે માટે અહીં આવતાં પહેલાં સો વાર વિચાર કરજો. જો કે પર્યટકો અને અવિચારી સાહસિકો આવી ચેતવણીને ગાંઠતા નથી. મહાનગર મુંબઇમાં કેટલાક દરિયાકિનારે ચેતવણીના બોર્ડ મારવા ઉપરાંત યુનિફોર્મમાં સજ્જ પોલીસ રાખવી પડે છે છતાં લોકો આ દરિયામાં પડવા (ખરેખર તો જોન જોખમમાં નાખવા) પડે છે.
વિશ્વનો સૌથી ગરમ વિસ્તાર અમેરિકામાં આવેલો છે. રસપ્રદ વાત એ છે કે એનું નામ જ ડેથ વેલી (મોતની ખીણ) છે. અસંખ્ય કેસિનો હોવાથી જુગારનગરી તરીકે પંકાયેલા લાસ વેગાસમાં ડેથ વેલી આવેલી છે. આ વરસે ઉનાળામાં અહીં ૧૩૨-૧૩૩ (એકસો બત્રીસથી એકસો તેત્રીસ) ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ૧૯૧૭ પછી પહેલીવાર આટલી બધી ગરમી નોંધાઇ હતી. આ વિસ્તારમાં ઠેર ઠેર ચેતવણીના બોર્ડ છે કે અતિશય ગરમીના કારણે આ વિસ્તાર માનવ જીવન માટે ભયજનક છે. જુલાઇ માસમાં આપણેં ત્યાં જ્યારે મૂસળધાર વરસાદ પડતો હતો ત્યારે ડેથ વેલી વિસ્તારમાં ૧૩૨-૧૩૩ ડિગ્રી ગરમી સાથે સૌથી ગરમ જુલાઇ નોંધાયો હતો. આખાય જુલાઇ માસ દરમિયાન અહીં સરેરાશ ૧૨૧ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.
આ વિસ્તાર આટલો ગરમ શા માટે એવો વિચાર આવે પણ ખરો. વાસ્તવિકતા એવી છે કે ડેથ વેલીની ચારે કોર ઊંચા ઊંચા પહાડો છે. સમગ્ર વેલી પહાડોથી ઘેરાયેલી છે એટલે સવાર પડતાં ધરતી ધગવા માંડે છે. એને ઠંડી પાડવાની કોઇ કુદરતી કે માનવસજત વ્યવસ્થા અહીં નથી. આ સમગ્ર પરિસ્થિતિ કુદરતે સર્જેલી છે. એમાંય પાછો અહીં ફર્નેસ ક્રીક નામનો વિસ્તાર છે. એ સમગ્ર ડેથ વેલીનો સૌથી વધુ ગરમ વિસ્તાર છે. અંગ્રેજી શબ્દ ફર્નેસ એટલે ભઠ્ઠી. એક અહેવાલ મુજબ ૧૮૪૯-૫૦માં એક સાહસિક મિત્ર મંડળ આ વિસ્તારની મુલાકાતે ગયેલું. એ લોકો તો એમજ માની બેઠેલા કે બસ, હવે આ વિસ્તાર આપણી સામૂહિક કબર બની રહેશે. સાગ્યે આ સાહસિકોમાં માત્ર એક વ્યક્તિ મરણ પામી હતી. ડેથ વેલીની મુલાકાત લઇને સાગ્યે ન્યૂયોર્ક પાછી ફરેલી આ મંડળીએ આ વિસ્તારને ડેથ વેલી નામ આપી દીધું. ત્યારથી આજ સુધી આ વિસ્તાર ડેથ વેલી તરીકે અને વિશ્વના સૌથી ગરમ પ્રદેશ તરીકે પંકાયેલો છે. આ વિસ્તારનું મૂળ નામ આજે કોઇને યાદ સુદ્ધાં નથી.
આટલી ભયાનક ગરમી હોય ત્યાં વસવાટ શી રીતે કરી શકાય એવું વિચારતા હો તો એ જાણીને નવાઇ લાગશે કે અહીં પણ માનવ વસતિ છે. ભયજનક ગરમી ધરાવતો વિસ્તાર લખેલા પાટિયા પાસે ઊભેલી મહિલા પોલીસના ચહેરા પરનું સ્મિત જુઓ તો નવાઇ લાગે કે આ લોકો આટલી જીવલેણ ગરમીમાં મલકે છે શા માટે ? બારેમાસ અને ચોવીસે કલાક ચેતવણી આપવામાં આવતી હોય છતાં લોકો અહીં આવતાં હોય તો પોલીસ શું કરે ? અવિચારી સાહસ કરતા પર્યટકો પર મલકી લે.
સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે આ ફર્નેસ ક્રીક વિસ્તારમાંજ એટલે કે ડેથ વેલીના કેન્દ્રવર્તી વિસ્તારમાં જ ટીમ્બાસા શૂશોન નામની આદિવાસી પ્રજા વસે છે. હજારો વરસથી આ આદિવાસી પ્રજા અહીં વસે છે અને એ આ તાપમાનથી ટેવાયેલી છે એટલે બહારથી આવતા લોકો જેટલી અકળામણ એમને થતી નથી. ઊલટું એ લોકોને બહારથી આવતા લોકોને જોઇને નવાઇ લાગે કે આ લોકો દાઝી જતાં હોય એવા સિસકારા કાં કરે ? એનો જવાબ આ આદિવાસી પ્રજાને કોણ આપી શકે ?