આમંત્રણ સૌને, પરંતુ શરતી...!
- ટોપ્સીટર્વી - અજિત પોપટ
- જાપાનની વર્ક પરમિટ લઇને આવનારા લોકોની સમસ્યા લાંબા સમયના વસવાટ પછી મતાધિકાર મેળવવાની છે.
ઊ ગતા સૂર્યના દેશ તરીકે જાપાન જાણીતું છે. ૧૯૪૪-૪૫માં હિરોશીમા અને નાગાસાકી પર થયેલા પાશવી બોંબમારા પછી દિવસ રાત અથાક પરિશ્રમ કરીને જાપાન બેઠું થઇ ગયેલું. દુનિયા આખી માટે આ એક દાખલો હતો, સર્વનાશ પછીના નવસર્જનનો. વિજ્ઞાાન, ટેક્નોલોજી, ઇકોનોમી, શિક્ષણ વગેરે બધાં ક્ષેત્રોમાં જાપાને નેત્રદીપક પ્રગતિ નોંધાવી હતી. એજ જાપાન આજે અકળાઇ રહ્યું છે. એનાં બે કારણો છે.
પહેલું કારણ એ છે કે બોંબમારાને કારણે રેડિયેશનનો ભોગ બનેલા અસંખ્ય નાગરિકો દયામણી વૃદ્ધાવસ્થામાં જીવી રહ્યા છે. બીજી બાજુ જાપાનનો હાલનો બર્થ રેટ એકદમ નબળો છે. એટલે અસલ જાપાની કહેવાય એેવી વસતિ ઘટતી જાય છે. પરિણામે જાપાન એશિયાઇ દેશોના સ્કીલ્ડ (કાર્યકુશળ) લોકોને પોતાને ત્યાં નોતરી રહ્યું છે. અમારે ત્યાં આવો અને કામ કરો, અમે તમને રેસિડેન્ટ વીઝા આપીશું.
આમેય જાપાનમાં લાખો કોરિયન લોકો કામ કરી રહ્યા છે. આ બધાં દાયકાઓથી ત્યાં રહે છે અને જાપાની પ્રજા સાથે એકરૂપ થઇ ગયા છે. પણ એક મહત્ત્વની મર્યાદા આ બધા અનુભવી રહ્યા છે. તેમની પાસે જાપાનમાં રહેવા અને કમાવાનો અધિકાર છે પરંતુ મતાધિકાર નથી. ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી રહેતાં હોવા છતાં એ લોકો જાપાનના નાગરિક નથી અને ચૂંટણીમાં મત આપી શકતા નથી. જાપાનમાં આજે પણ જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં હજારો જગ્યાઓ ખાલી છે. એશિયા ઉપખંડના લાખો બેકાર યુવાનો જાપાન જવા તૈયાર છે.
આ યુવાનોને બે બાબત જાપાન જતાં રોકે છે. પહેલી બાબત એ છે કે અમેરિકા અને યૂરોપના દેશોની સરખામણીમાં જાપાનમાં પગારધોરણ બહુ સારા કહી શકાય એવા નથી. બીજી મર્યાદા એ છે કે જાપાનમાં આવનાર દરેકને ખપ પૂરતી (એટલે કે ૨૫૦૦થી ૩૦૦૦ જાપાની શબ્દો) જાપાની ભાષા લખતાં-વાંચતાં અને બોલતાં આવડવી જરૂરી છે. આ જાપાનનો કાયદો છે. ચીની ભાષાની જેમ જાપાની ભાષા પણ સંખ્યાબંધ સંકેતોની બનેલી છે. એટલે એ બરાબર વાંચતાં-લખતાં આવડે તો જ નોકરી મળે.
એક નાનકડો દાખલો લઇએ. શ્રીલંકાનું એક દંપતી છેલ્લાં પાંચ સાત વર્ષથી ટોકિયોમાં છે. પતિ સવારે બેકરીમાં નોકરી કરે છે અને સાંજે એક આઇટી કંપનીમાં પાર્ટ ટાઇમ કરે છે. પત્ની ફિઝિયોથેરપિસ્ટ તરીકે કામ કરવા ઉપરાંત એક સ્થળે રસોઇયણ તરીકે સેવા આપવા જાય છે છતાં બંનેને આથક ખેંચ પડી રહી છે. આ દંપતીએ પોતાની ઓળખ છૂપાવીને કહ્યું કે અમે ઇંગ્લેંડ જવાની વેતરણમાં છીએ. મારી પત્નીને ત્યાં રાષ્ટ્રીય આરોગ્ય સેવા (નેશનલ હેલ્થ સર્વિસ)માં જોબ મળી જાય તો ગંગા નાહ્યા. અહીં અમે સખત પરિશ્રમ કરીએ છીએ છતાં બાર સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. પૈસા બચાવવાનો તો સવાલ જ નથી.
આવું વિચારનારા હજારો વસાહતીઓ જાપાનમાં છે. એક તરફ જાપાનની સરકાર વધુ ને વધુ વસાહતીઓને આવકારી રહી છે. બીજી તરફ એને લઇને એક નવી સમસ્યા સર્જાઇ રહી છે. જે થોડા સ્થાનિક લોકો છે એ લોકોને ડર છે કે આ બધા આઉટસાઇડર્સ જતે દિવસે અમારા કરતાં વસતિમાં વધી જશે તો અમારા અધિકારો અને જીવન જરૂરિયાતો પર તરાપ મારશે. ડિટ્ટો ભારતના ઇશાનનાં રાજ્યો. આસામ, નાગભૂમિ અને મણીપુરમાં અત્યારે ઊકળતા ચરુ જેવી સ્થિતિ છે. એ સ્થિતિ જતે દિવસે જાપાનમાં પણ સર્જાઇ શકે છે.
પરિણામે જાપાનની સરકાર વિચિત્ર દ્વિધા અનુભવી રહી છે. એક તરફ સ્થાનિક પ્રજાનો વિશ્વાસ અખંડ રહે એ જોવાનું છે તો બીજી બાજુ વિવિધ ક્ષેત્રોમાં ખાલી પડેલી હજારો જગ્યાઓ ભરવાની છે. જાપાનની વર્ક પરમિટ લઇને આવનારા લોકોની સમસ્યા ભાષા ઉપરાંત લાંબા સમયના વસવાટ પછી મતાધિકાર મેળવવાની છે. મતાધિકાર મળે તો જ એ લોકો જાપાની નાગરિક ગણાય અને જાપાની પાસપોર્ટ તથા સિટિઝન આઇડેન્ટિટિ કાર્ડ પર અમેરિકા યૂરોપના દેશોમાં પ્રવાસ કરી શકે.
આ સંજોગોમાં જાપાન કોઇ પણ દેશના શરણાર્થીઓને સ્વીકારતાં ખંચકાય છે. જો કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પછી જાપાને ૨૫૦૦ યુક્રેનિયન પરિવારોને આવકાર્યા છે. પરંતુ હજુ પણ ઇસ્લામમાં માનતા લોકોને શરણાર્થી તરીકે સ્વીકારવા જાપાન તૈયાર નથી. સંખ્યાબંધ મુસ્લિમ દેશોના ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોએ નોકરી માટે અરજી કરી છે પરંતુ જાપાન આ દિશામાં નિર્ણય લેતાં અચકાય છે. એ અચકાટ એક રીતે વાજબી પણ છે. ફ્રાન્સ, ઇંગ્લેંડ અને બીજા યૂરોપિયન દેશોમાં મુસ્લિમ શરણાર્થીઓએ જે રીતે હિંસક દ્રશ્યો સર્જ્યાં છે એ જોતાં જાપાનનો ખંચકાટ સમજી શકાય એવો છે.