ઓલિમ્પિક્સના છ ગોલ્ડ મેડલ-કેન્સરની છ ગાંઠ!
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- બંને પુત્રો માતાપિતાની આ સ્થિતિ જોઇને કેવો માનસિક વલોપાત સહન કરી રહ્યા હશે એની કલ્પના કરવા જેવી છે
અ ડતાલીસ વર્ષની ઉંમર કંઇ વધુ તો ન કહેવાયને ! માણસ છે, ક્યારેક શરીરમાં ક્યાંક કશુંક અજુગતું લાગે. એ તો સ્વાભાવિક ગણાય. એવું એ માનતો હતો. સુવા બેસવામાં ભૂલ થઇ જાય તો કમર કે ખભામાં સહેજ દુખાવો ઉપડે. એને ખભામાં દુખાવો થતો હતો. થોડાક દિવસ ઘરગથ્થુ ઇલાજ કરી જોયા. ઠંડા ગરમ પાણીનો શેક કર્યો, પેઇન કીલર્સ લઇ જોઇ. પરંતુ દુખાવો વધતો ચાલ્યો. એટલે પત્નીએ એને કહ્યું કે એકવાર ડોક્ટરને બતાવી દો ને. એટલે ભાઇ ઉપડયા ફેમિલિ ડોક્ટર પાસે. ફેમિલિ ડોક્ટરને પણ કશું વાંધાજનક લાગ્યું નહીં. એમણે વળી બીજી દવા કંપનીની પેઇન કીલર આપી. તેમ છતાં આરામ ન થયો એેટલે એક સ્પેશ્યાલિસ્ટને બતાવ્યું.
સ્પેશ્યાલિસ્ટે કેટલાક ટેસ્ટ કર્યા. પછી નિદાન સ્પષ્ટ કર્યું. એ સાથે સમજોને કે એક ધમાકો થયો. વિસ્ફોટથી એ ચકરાઇ ગયો. એના ખભામાં કેન્સરની ગાંઠ હતી. યસ, આ વાત ઓલિમ્પિક્સ રમતોત્સવમાં છ છ વખત ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડી ક્રિસ હોની છે. તમને ઓલિમ્પિક્સ રમતોત્સવમાં રસ હોય તો આ નામ તમને સાવ અજાણ્યું નહીં લાગે. ક્રિસ હોની. એ જગવિખ્યાત સાઇક્લીસ્ટ છે. ૧૧ વખત વર્લ્ડ ચેમ્પિયન થયો છે અને છ વખત ઓલિમ્પ્કિસ વિજેતા નીવડયો છે. મૂળ સ્કોટલેન્ડનો ક્રિસ બ્રિટનનો ટ્રેક સાઇક્લિસ્ટ છે. તાજેતરમાં લંડનના જગવિખ્યાત સાપ્તાહિક સન્ડે ટાઇમ્સે એનો ઇન્ટરવ્યૂ લીધો. એ સમયે ક્રિસે પોતાના દિલની વાત એને કરી. ઇન્ટરવ્યૂ લેનાર એક વાત સમજી ચૂક્યો હતો કે ક્રિસ હસે છે, બોલે છે પરંતુ એના ચહેરા પર એક પ્રકારની વેદના છે. સન્ડે ટાઇમ્સે એને બોલતો કર્યો. અથવા કહો કે એને દિલની વાત કહેવાની પ્રેરણા આપી.
ક્રિસે મુલાકાત લેનારા પત્રકારને કહ્યું કે સામાન્ય રીતે કેન્સર થાય ત્યારે જે લક્ષણો જોવા મળે એમાંનું એક પણ લક્ષણ મારામાં જોવા મળ્યું નહોતું. હું સાજોસારો હતો. નિયમિત રહેણીકરણી હતી. કોઇ ખોટું વ્યસન નહોતું. માત્ર ખભામાં થોડો દુખાવો હતો. અને હવે જુઓને. એક સાથે અર્ધો ડઝન અંગોમાં કેન્સર ફેલાયેલું છે એવું નિદાન થયું.
૨૦૨૩ના પૂર્વાર્ધમાં ખભામાં થોડો દુખાવો હતો. ફેમિલિ ડોક્ટરની સલાહથી સ્કેન કરાવ્યું ત્યારે કેન્સર હોવાનું નિદાન થયું. તરત સારવાર શરૂ થઇ. બે દિવસ પછી ફરી ઓન્કોલોજિસ્ટ (કેન્સર નિષ્ણાત)ને મળવા ગયો ત્યારે એણે બીજો બોંબ વિસ્ફોટ કર્યો. ઠંડે કલેજે ઓન્કોલોજિસ્ટે કહ્યું, તારા પ્રોસ્ટેટમાં કેન્સર જન્મ્યું હતું. ધીમે ધીમે એનો પ્રસાર થતો ગયો. આજે તારા શરીરમાં પેડુ, સાથળ, પાંસળી અને કરોડરજ્જુ સુધી કેન્સરે ભરડો લીધો છે. તને ચોથા તબક્કાનું કેન્સર છે.
ક્રિસ ખૂબ પોઝિટિવ વ્યક્તિ છે. એણે તરત પોતાનાં સંસ્મરણો લખવા માંડયા. એ કહે છે કે હું સારવાર બાબત ખૂબ આશાવાદી છું. મેં સ્વજનોને પણ જાણ કરી દીધી. મારા બંને પુત્રો હજુ નાના છે. નવ વર્ષના પુત્રે તો અધીરા થઇને મને પૂછી લીધું કે તમે મરી જશો ? મેં એ બંનેને ખૂબ ધીરજભેર સમજાવ્યું કે દરેક વ્યક્તિ એક યા બીજી ઉંમરે મરણ પામે છે. મરણ આ જીવનનો અનિવાર્ય હિસ્સો છે. પણ હું તમારા માટે પૂરતી વ્યવસ્થા કરીને જવાનો છું. અત્યારે તો મને મળી રહેલી સારવારથી સારું લાગે છે. ડોક્ટર ગમે તે કહે, હું આશાવાદી છું. મારે હજુ જીવવું છે. તક મળે તો હજુય કોઇ રમતોત્સવમાં ભાગ લેવો છે...
જો કે કુદરત ક્રિસની આકરી કસોટી લેવાના મૂડમાં હોય એવું લાગે છે. એની ચોથા સ્ટેજના કેન્સરની સારવાર ચાલુ છે ત્યાં એના પર ફોનનો વરસાદ વરસવા લાગ્યો. કોઇ રીતે મિડિયાને આ સમાચાર મળી ગયા. એટલે દુનિયાભરના સ્પોર્ટ એડિટર્સના ફોન રણકતા થઇ ગયા. કીમોથેરપીના બીજા તબક્કે એને આડઅસર દેખાવા લાગી. કીમોથેરપી લેનારા જ જાણતા હોય છે કે એની આડઅસર કેવી હોય છે.
આ પરિસ્થિતિનો એ સામનો કરી રહ્યો હતો ત્યાં એની પત્ની સારાને મલ્ટિપલ સ્ક્લેરોસિસની બીમારી હોવાનું નિદાન થયું. આ પરિવાર પર જાણે ખરા અર્થમાં આસમાન તૂટી પડયું. પતિપત્ની બંનેની સારવાર ચાલુ થઇ. બંને પુત્રો માતાપિતાની આ સ્થિતિ જોઇને કેવો માનસિક વલોપાત સહન કરી રહ્યા હશે એની કલ્પના કરવા જેવી છે. ક્રિસ તો દ્રઢ મનોબળ ધરાવે છે. પોતાની જાતને સંભાળી લે છે. સારા ઢીલી પડી જાય છે. એટલે ક્રિસે એક તરફ પોતાની સારવાર, બાળકોને સતત પ્રોત્સાહિત કરવાનાં, સંસ્મરણો લખવાના અને પત્ની સારાનો આત્મવિશ્વાસ ટકી રહે એ માટે એને પણ આશ્વસ્ત કરવાની. આમ એ એકલે હાથે અનેક મોરચે લડી રહ્યો છે. એણે સન્ડે ટાઇમ્સને ફિક્કું હસતાં હસતાં કહ્યું, આ રહ્યા ઓલિમ્પ્કિસના છ છ ગોલ્ડ મેડલ ! શા કામના ?