નજર હટી દુર્ઘટના ઘટી .

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
નજર હટી દુર્ઘટના ઘટી                                        . 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- વર્તુળાકારે ફરતી ફ્લડ લાઇટ્સના ઝળહળાટમાં સેકંડના સોમા ભાગમાં પેલો ખેલાડી ચૂકી ગયો.

લં ડન શહેરનો એ આખોય સભાખંડ ખીચોખીચ ભરેલો હતો. રિવોલ્વીંગ ફ્લડ લાઇટ્સથી દૂધિયા સફેદ રંગનો પ્રકાશ ઝળહળતો હતો. જુદા જુદા એંગલે કેમેરા ગોઠવેલા હતા. સ્ટેજ પર કોરિયાથી આવેલી એક ટુકડી માર્શલ આર્ટ્સના દાવપેચ રજૂ કરી રહી હતી. ઓડિયન્સમાં બેઠેલી દરેક વ્યક્તિ આંખનું મટકુંય માર્યા વિના આ હૈરતમંદ ખેલ નિહાળી રહી હતી. સૌમ્ય મધુર સંગીતના સ્વરો લહેરાઇ રહ્યા હતા. ટાંકણીય પડે તો સંભળાય એવો સન્નાટો હોલમાં છવાયેલો હતો.

વાત બ્રિટન હેઝ ગોટ ટેલેન્ટ નામના ટેલિવિઝન કાર્યક્રમની છે. આ કાર્યક્રમમાં ગોટ ટેલેન્ટ નામના આજની તારીખમાં સૌથી લોકપ્રિય ગણાતા ટીવી પ્રોગ્રામના સ્થાપક-સંચાલક મનાતા સિમોન કોવેલ પણ જજોની સાથે બેઠેલા હતા. સૌ કોઇ આ દિલધડક રમતને માણી રહ્યા હતા. ગુરુત્વાકર્ષણના નિયમને પડકારતા હોય એ રીતે માર્શલ આર્ટ્સના નિષ્ણાત ખેલાડીઓ જાણે ફ્લોરથી અદ્ધર સાત આઠ ફૂટ ઊંચે હવામાં તરી રહ્યા હતા. અચાનક એક ચીસ સંભળાઇ. કમર પર વાદળી રંગનો પટ્ટો અને માર્શલ આર્ટ્સના શ્વેત યુનિફોર્મ સાથે રમી રહેલો એક ખેલાડી, કોઇ મેગ્નેટિક (ચુંબકીય) શક્તિએ એને પોતાની તરફ  ખેંચ્યો હોય એમ ધડામ કરતો સ્ટેજના ફ્લોર પર પછડાયો. એનો પગ ભાંગી ગયો. જજો અને ઓડિયન્સ, સૌ કોઇ ઊંડા આઘાત સાથે પોતાની બેઠક પર ઊભું થઇ ગયું. જો કે તાલીમબદ્ધ સ્ટાફે તરત પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો. વર્તુળાકારે ફરી રહેલી ફ્લડ લાઇટ્સના ઝળહળાટમાં પછડાયેલો એ ખેલાડી કદાચ એકાદ ક્ષણ માટે મૂંઝાયો હતો. પરિણામે પોતાની સામેના ખેલાડી સાથે અથડાઇ પડયો હતો.

તત્કાળ કાર્યક્રમ અટકાવીને એને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. ખેલાડીઓની એ આખીય ટુકડીનો થનગનાટ આંખના પલકારામાં થંભી ગયો. પોતાના ઇજાગ્રસ્ત ખેલાડીની ચિંતા દરેકના ચહેરા પર અંકાઇ ગઇ હતી. જો કે સોની ટેલિવિઝનના સ્ટાફે એ લોકોને હૈયાધારણ આપી હતી કે તમારા ખેલાડીને બેસ્ટ સારવાર મળી રહી છે. એ ટૂંક સમયમાં ફરી એક્ટિવ થઇ જશે. ડોન્ટ વરી.

માર્શલ આર્ટ્સ. ૧૯૬૦ના દાયકામાં બ્રુસ લી નામના વ્યાયામવીર-કમ-કરાટે નિષ્ણાત કલાકારની ફિલ્મોએ દુનિયાભરના સિનેરસિકો તેમ જ રમત રસિકોને ઘેલું લગાડયું હતું. બ્રુસ લી ચમત્કાર લાગે એવી ઝડપે સ્પ્રીંગની જેમ એક્શન કરતો હતો. મૂવી કેમેરા એની એક્શનને યથાર્થ રૂપે કંડારી શકતા નહોતા. જો કે આ કલાકારનું અકાળે રહસ્યમય મૃત્યુ થયું. એ પછી તો કરાટેની વિવિધ શાખાઓ પર આધારિત ફિલ્મો આવતી રહી અને સુપરહિટ નીવડતી રહી. કરાટે, કૂંગ ફૂ, જુજુત્સુ, હેપકીડો, સિલામ્બો, ટેક્વાન્ડો, ઐઇકીડો જેવી લગભગ ચાલીસથી પચાસ શાખાઓ આ રમતની છે. દરેક દેશની પોતાની માર્શલ આર્ટ છે. આપણે કરાટે નામથી પરિચિત છીએ. મોટે ભાગે કોઇ હથિયાર વિના સ્વબચાવ માટેની આ ટેક્નિકના જુદા જુદા પ્રકારો આજે વિશ્વના દરેક દેશનાં બાળકો શીખી રહ્યા છે. આપણા દેશમાં વધી રહેલા ગેંગરેપ અને હત્યાના કેસને ધ્યાનમાં લઇને ટોચના ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે યુવતીઓ માટે માર્શલ આર્ટ્સના નિ:શુલ્ક વર્ગો પણ શરૂ કર્યા છે. અક્ષય કુમાર માર્શલ આર્ટ્સની કેટલીક શાખાના નિષ્ણાત છે. ચીન અને જપાનના આ વિષયના નિષ્ણાતો એને ધ્યાન (મેડિટેશન)નો એક પ્રકાર ગણાવે છે.

આ કાર્યક્રમ માણનારા કરોડો લોકોમાંના બહુ ઓછા લોકોના ધ્યાનમાં એ હકીકત આવી હશે કે મૂળ આ કાર્યક્રમ છેક ૧૯૪૦થી એક યા બીજા સ્વરૂપે યૂરોપના દેશોમાં જુદા જુદા નામે ચાલી રહ્યો હતો. અમેરિકામાં એક્સ ફેક્ટર કાર્યક્રમમાં જજ તરીકે સેવા આપનારા એક સાહસિક સિમોન કોવેલે ૨૦૦૫માં અમેરિકા હેઝ ગોટ ટેલેન્ટ નામે કાર્યક્રમ અમેરિકામાં શરૂ કર્યો. કોવેલને આ કાર્યક્રમ શરૂ કરવાની પ્રેરણા બ્રિટિશ ટીવી કાર્યક્રમ ઓપોરચ્યુનિટી નોક્સ (તમારે દરવાજે તક ટકોરા મારી રહી છે) પરથી મળી હતી. ઇંગ્લેંડમાં આ કાર્યક્રમ ધૂમ સફળતાને વર્યો છે. 

સિમોન કોવેલે ત્યારબાદ પોતાની કંપની સિકો એન્ટરટેઇનમેન્ટના નામે કોપીરાઇટ મેળવ્યા. એ પછી લગભગ દુનિયાના મોટા ભાગના દેશોમાં આ કાર્યક્રમ જુદા જુદા સ્વરૂપે ટીવી પર રજૂ થતો રહે છે.. 

કાર્યક્રમનું સંકલન અને સંચાલન એટલી જડબેસલાખ વ્યવસ્થા દ્વારા કરવામાં આવે છે કે ભાગ્યેજ ક્યારેક કોઇ ગડબડ થાય. પહેલાં આવેલી હજારો અરજીઓનો નિષ્ણાતો દ્વારા અભ્યાસ થાય. એ અરજીમાંથી કોને પહેલાં ઓડિશનમાં બોલાવવા એ નક્કી કરાય છે. ઓડિશનમાં ચોક્કસ નિયમો આંકેલા હોય છે. નાનકડા બાળકથી માંડીને ૮૦ વર્ષના વડીલને આકર્ષે એવું સ્વરૂપ, કોઇ પણ ધર્મ-જાતિ-ભાષા-વર્ણના લોકોની લાગણી દૂભાય એવો કાર્યક્રમ ન હોવો જોઇએ અને સ્પર્ધકોની 

સુરક્ષાની પાક્કી વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવે છે. સ્પર્ધકોને અઢીથી પાંચ મિનિટ અપાય છે. આ ઓડિશનમાં પાસ થાય એવા સ્પર્ધકોને પછી વારાફરતી પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે છે.

આપણે લંડનના સ્ટુડિયોમાં થયેલા અકસ્માતની વાત કરી. આ ખેલાડીઓ કદાચ આઇકીડો તરીકે ઓળખાતા માર્શલ આર્ટ્સના પ્રયોગો રજૂ કરી રહ્યા હતા. હુમલાખોર કે હરીફની હિલચાલને ધ્યાનલથી નિહાળીને ધરતીથી અદ્ધર હવામાં તરતાં તરતાં વળતો પ્રહાર કરવાનો હોય છે. એવા વળતા પ્રહારની મૂવમેન્ટ દરમિયાન અગાઉ જણાવ્યું એમ વર્તુળાકારે ફરતી ફ્લડ લાઇટ્સના ઝળહળાટમાં સેકંડના સોમા ભાગમાં પેલો ખેલાડી ચૂકી ગયો. કરોડો લોકો ટેલિવિઝન પર આ શો જોઇ રહ્યા હતા. ક્યારેક આવું આંખના પલકારામાં બની જાય છે.


Google NewsGoogle News