Get The App

ડાયાબિટિસની દવા બીજા સ્ટ્રોકને રોકી શકે?

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
ડાયાબિટિસની દવા બીજા સ્ટ્રોકને રોકી શકે? 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- પહેલા સ્ટ્રોક પછી ઊગરી ગયેલા લોકોનાં રિસ્ક ફેક્ટર્સમાં હાઇ બ્લડ પ્રેસર, કોલેસ્ટેરોલ વધી જવું, બ્લડ સુગર વધી જવી અને સ્થૂળતાનો સમાવેશ થાય છે

મા નવ શરીરનું એક વિસ્મયજનક અંગ મગજ છે. મગજને જરૂરી રક્તપ્રવાહ અવરોધાય અથવા મગજમાં માથાના વાળ જેટલી સૂક્ષ્મ પણ કોઇ રક્તવાહિની અતિશય ટેન્શનના કારણે ફાટી જાય ત્યારે તબીબી ભાષામાં એને સ્ટ્રોક કહેવાય.

એકવાર સ્ટ્રોક આવી જાય ત્યારબાદ વ્યક્તિનું જીવન એક  યા બીજી રીતે જોખમી ગણાય. ગમે ત્યારે બીજો સ્ટ્રોક આવી શકે અથવા તબીબી ભાષામાં જેને કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ કહે છે એનો હુમલો પણ થઇ શકે. સરળ ભાષામાં કહીએ તો વ્યક્તિને હાર્ટ એટેક પણ આવી શકે. પરંતુ લેટેસ્ટ વૈજ્ઞાાનિક સંશોધન મુજબ એકવાર સ્ટ્રોક આવી ગયો હોય એવી વ્યક્તિ ડાયાબિટિસના દર્દીને અપાતી ઓઝેમ્પિક અથવા જાર્ડીયન્સ નામની દવા લે તો બીજા સ્ટ્રોક કે હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે.

આ સંશોધન પત્ર લખનાર અમેરિકી ડોક્ટર એમ. અલી શેફેહ કહે છે કે પહેલા સ્ટ્રોકમાં ઊગરી જનારા લોકોમાંના પચીસ ટકા લોકોને બીજો સ્ટ્રોક આવતો હોય છે અથવા હાર્ટ એટેક આવે છે કારણ કે સ્ટ્રોક આવ્યા પછીના મોટા ભાગના રિસ્ક ફેક્ટર્સ બીજા પ્રકારના હાર્ટ એટેક સાથે સંકળાયેલા હોય છે.

પહેલા સ્ટ્રોક પછી ઊગરી ગયેલા લોકોનાં રિસ્ક ફેક્ટર્સમાં હાઇ બ્લડ પ્રેસર, કોલેસ્ટેરોલ વધી જવું, બ્લડ સુગર વધી જવી અને સ્થૂળતાનો સમાવેશ થાય છે. ગયા વરસે અમેરિકામાં અકાળ મૃત્યુના કિસ્સામાં બ્રેઇન સ્ટ્રોક ચોથું મહત્ત્વનું પરિબળ બની ગયું હતું. સ્ટ્રોકથી અમેરિકામાં ૨૦૨૪માં એક લાખ બાસઠ હજાર છસો વ્યક્તિનાં મરણ થયાં હતાં. ડોક્ટર શેફેહના કહેવા મુજબ પહેલા સ્ટ્રોકમાં ઊગરી ગયેલા લોકો ડાયાબિટિસના પેશન્ટને અપાતી ઓઝેમ્પિક કે જાર્ડિયન્સ જેવી દવા લઇને બીજા સ્ટ્રોક કે હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે.

ડોક્ટર શેફેહ અને એમના સાથી વૈજ્ઞાાનિકોએ ૨૦૦૦ અને ૨૦૨૨ વચ્ચે સાત હજારથી વધુ સ્ટ્રોક પેશન્ટ્સના રિપોર્ટ તપાસ્યા હતા. આ બધા પેશન્ટ મોટી ઉંમરના હતા અને એમાંના લગભગ બધા ટાઇપ ટુ ડાયાબિટિસથી પીડાતા હતા. આ બધા પેશન્ટ્સને ઓઝેમ્પિક કે જાર્ડિયન્સ જેવી ડાયાબિટિસમાં રાહત આપતી દવાઓ અપાઇ હતી. તબીબો આ દવાઓને જીએલપી-વન તરીકે ઓળખે છે. જીએલપી-વન દવાઓ ડાયાબિટિસમાં રાહત આપવા ઉપરાંત વજન ઘટી જવાની પ્રક્રિયાને પણ રોકે છે. શરીરમાં કુદરતી રીતે પેદા થતાં જીએલપી-વન હોર્મોન્સની નકલ જીએલપી-વન દવાઓ કરે છે એટલે દર્દીને સારો એવો ફાયદો થાય છે.

એલજીએલટી ટુ ટાઇપની દવા લેનારા લોકોની બ્લડ સુગર કાબુમાં રહેતી હોવાની નોંધ પણ આ સંશોધકોએ લીધી હતી. આ દવાઓ દર્દીની કિડનીને સુગર રિએબ્સોર્બ કરતાં અટકાવે છે એમ જાણી શકાયું હતું. 

પોતાના અભ્યાસના આધારે વૈજ્ઞાાનિકો એવા તારણ પર આવ્યા હતા કે જીએલપી-વન દવાઓ લેનારા દર્દીઓમાં ઓચિંતા મૃત્યુની શક્યતામાં ૭૪ ટકા જેટલો અને હાર્ટ એટેકની શક્યતામાં ૮૪ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. 

ડોક્ટર શેફેહે ઔર એક વાત કરી હતી કે ડાયાબિટિસની દવાઓ કેવી રીતે દર્દીના શરીરમાં કામ કરે છે એ વિશેના ઔર એક સંશોધનનાં તારણ પણ અમારા સંશોધનને સમર્થન આપતા હતા.

ડોક્ટર શેફેહની ટુકડીએ કરેલા સંશોધનમાં એ પણ જાણી શકાયું હતું કે જીએલપી-વન દવાઓ બ્લડ પ્રેસરને નોર્મલ રાખવા ઉપરાંત રક્તવાહિનીઓને જાડી થતાં રોકે છે. બ્રેઇન સ્ટ્રોકનું એક કારણ રક્તવાહિનીઓ જાડી થવાથી મગજમાં સમયસર પૂરતું લોહી પહોંચતું નથી એ પણ છે. 

એજ રીતે જીએલપી-વન દવાઓ લોહીને ગંઠાઇ જતું (બ્લડ ક્લોટ થતું) પણ રોકે છે એ રીતે પણ સ્ટ્રોકનું જોખમ ઓછું કરે છે એમ વેક ફોરેસ્ટ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના ન્યૂરોલોજી વિભાગના વડા ડોક્ટર શેરીલ બશ્નેલે કહ્યું હતું. 

અત્રે વાચકોને કહેવાનું કે કોઇ પણ દવા લેતાં પહેલાં કે આ પ્રકારના પ્રયોગ કરતાં પહેલાં પોતાના ફેમિલિ ડોક્ટર સાથે વાત કરી લેવી. તબીબી વિજ્ઞાાનમાં નીત નવાં નવાં સંશોધનો થતાં રહે છે. સંશોધન કરનારી ટુકડીનો ઉદ્દેશ માનવજાતને ઉપયોગી થવાનો હોય છે. પરંતુ કેટલાક પ્રયોગો એકસો ટકા સફળ થાય એ પહેલાંજ એનો પ્રચાર થવા માંડે એ જોખમી સાબિત થઇ શકે. 


Google NewsGoogle News