Get The App

ડિમેન્શિયાની વહારે AI .

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
ડિમેન્શિયાની વહારે AI                                      . 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- જે ઝડપે અત્યારે ડિમેન્શિયા ફેલાઇ રહ્યો છે એ જોતાં 2050 સુધીમાં આવા દર્દીઓની સંખ્યા આશરે સાડા પંદર કરોડની થઇ જશે

ત મે નિયમિત અખબારો વાંચતાં હો અથવા  ટીવી પર ન્યૂઝ જોવા-સાંભળવાની ટેવ ધરાવતા હો તો આ બાબત તમારા ધ્યાનમાં જરૂર આવી હશે. વર્તમાન અમેરિકી પ્રમુખ જો બાઇડેન છેલ્લા થોડા સમયથી વિશ્વ નેતાઓનાં નામ બોલવામાં ગોટા વાળે છે. ક્યારેક ચાલતાં ચાલતાં ગોથું ખાઇ જાય કે ગબડી પડે છે. એમનાં વાણી- વર્તનમાં એક પ્રકારની અવ્યવસ્થા આવી ગઇ છે.

બાઇડેનને નિકટથી પિછાણતા લોકો કહે છે કે બાઇડેન ઉંમરને કારણે થતા ડિમેન્શિયાનો શિકાર બન્યા છે. ડિમેન્શિયા ઉંમરને લગતી એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જો કે હવે દુનિયાભરના ડોક્ટરો એને એક બીમારી તરીકે ઓળખાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અહેવાલ મુજબ ૨૦૨૩માં ડિમેન્શિયાનો ભોગ બનેલા આવા લોકોની સંખ્યા સાડા પાંચ છ કરોડના આંકને વટાવી ગઇ હતી. દર વરસે સરેરાશ એક કરોડ નવા પેશન્ટ આ સંખ્યામાં ઉમેરાતા જાય છે. સમર્થનવિહોણા અહેવાલ મુજબ મોટે ભાગે ઓછી કે મધ્યમ આવકવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં આ બીમારી વહેલી આવેલી જોવા મળે છે. 

આધુનિક આરોગ્ય વિજ્ઞાન કહે છે કે દુનિયામાં ચારસો પ્રકારના ડિમેન્શિયા છે. જો કે આપણે રોજબરોજના જીવનમાં ત્રણ ચાર પ્રકારના ડિમેન્શિયા જોઇએ છીએ.  એમાંનો પહેલો પ્રકાર છે એક ખાસ પ્રકારનું ભૂલકણાપણું. માણસને પચીસ પચાસ વર્ષ પહેલાંની કેટલીક  ઘટના યાદ હોય પણ દસ મિનિટ પહેલાં શું ખાધું એ યાદ ન હોય. એનાથી ઊલટું પણ થાય ખરું. સુગમ સંગીતના આપણા એક વિશ્વવિખ્યાત ગાયકને અત્યારે આ પ્રકારનું ભૂલકણાપણું થયું છે. આવરદાના નવમા દાયકામાં જીવી રહેલા આ ગાયકને પોતાના ગુરુનું નામ સુધ્ધાં બોલતાં જીભના લોચા વળે છે. આ પ્રકારના ભૂલકણાપણાને ડોક્ટરો અલ્ઝાઇમર તરીકે પણ ઓળખાવતા હોય છે.

ડિમેન્શિયાનો બીજો એક પ્રકાર પાર્કિન્સનના નામે ઓળખાય છે. શર્ટનાં બટન બીડવામાં તકલીફ પડે, લખવાનો પ્રયત્ન કરતાં પેન આંગળીઓ અવચ્ચેથી સરકી જાય અથવા અક્ષરો વાંકાચૂકા થઇ જાય એ લક્ષણો પાર્કિન્સનના છે.

ડિમેન્શિયાનો ત્રીજો એક જાણીતો પ્રકાર હિલચાલમાં ગડબડ થવાનો છે. ચાલતી વેળા સમતુલા ન રહે, વ્યક્તિની ચાલ શરાબી જેવી અવ્યવસ્થિત થઇ જાય, ગમે ત્યારે ગબડી પડે એ પણ ડિમેન્શિયાનો એક પ્રકાર ગણાય છે.

આધુનિક તબીબી વિજ્ઞાન ડિમેન્શિયાનું વહેલું નિદાન થઇ શકે એ દિશામાં સંશોધન કરી રહ્યું હતું. નિદાન વહેલું કે આગોતરું (ઇન એડવાન્સ) થઇ જાય અને તરત સારવાર શરૂ થઇ જાય તો ડિમેન્શિયાને અટકાવી શકાય. વ્યક્તિ નોર્મલ જીવન જીવી શકે. વિજ્ઞાનીઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની સહાયથી દસ લાખ વ્યક્તિના મગજના સ્કેનનો અભ્યાસ કરીને આ દિશામાં ક્રાન્તિ કરવા કમર કસી રહ્યા છે. એડિનબર્ગ યુનિવર્સિટી અને ડંડી યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ છેલ્લાં દસ વર્ષથી ન્યૂરીલ નામે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. છેલ્લાં દસ વર્ષમાં સ્કોટલેન્ડમાં જે દસ લાખ વ્યક્તિના સીટી (કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી) સ્કેન અને એમઆરઆઇ (મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ) થયા છે એનું પૃથક્કરણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની સહાયથી કરશે. આ પૃથક્કરણ વિજ્ઞાનીઓને એવી જાણકારી આપશે કે કઇ વ્યક્તિને ક્યારે કયા પ્રકારના ડિમેન્શિયાનો થવાની શક્યતા છે.

કોઇને અલ્ઝાઇમર થાય તો કોઇને પાર્કિન્સન થાય. અગાઉ આ તકલીફની કોઇ સારવાર નહોતી એવું પણ નહોતું. સારવાર તો હતી પરંતુ એ સારવારની કેટલીક મર્યાદા હતી. દાખલા તરીકે વિજ્ઞાનીઓ એવા તારણ પર આવ્યા હતા કે મગજમાં ડોપામાઇન નામનું જે રસાયણ પેદા થાય છે એની સમતુલા ખોરવાય ત્યારે પાર્કિન્સન થઇ શકે.

કેટલાક દર્દીઓને ઔષધિમય ડોપામાઇન આપીને સાજા કરવાના કિસ્સા પણ બનેલા. પરંતુ એ પછી બહારથી દર્દીને અપાયેલા આ ડોપામાઇનની ગંભીર આડઅસર પણ દેખાઇ હતી. કેટલાક દર્દીઓની કિડની પર પ્રતિકૂળ અસર થઇ હતી. અપવાદ રૂપ કેસમાં દર્દીના હાર્ટ પર પ્રતિકૂળ અસર થઇ હતી. એટલે બીજી સારવારનો વિકલ્પ શોધવાનું સંશોધન હાથ ધરાયું.

અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વિજ્ઞાનીઓ માને છે કે જે ઝડપે અત્યારે ડિમેન્શિયા ફેલાઇ રહ્યો છે એ જોતાં ૨૦૫૦ સુધીમાં આવા દર્દીઓની સંખ્યા આશરે સાડા પંદર કરોડની થઇ જશે. અત્યારે જ આ દિશામાં થઇ રહેલા સંશોધન પાછળ વરસે આશરે ૮૦૦ અબજ ડોલર્સ ખર્ચાઇ રહ્યા છે. એ પછી પણ એકસો ટકા સંતોષ થાય એવું સમાધાન પ્રાપ્ત થયું નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને માત્ર ડિમેન્શિયા પર ધ્યાન આપવાનું નથી, બીજા રોગોના નિવારણની દિશામાં પણ પૂરતું મહત્ત્વ આપવાનું છે. અત્યારે જુદા જુદા કેન્સરના દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થઇ રહ્યો છે. માખી-મચ્છર જેવા જીવજંતુથી થતા  રોગો, કોરોના જેવા ઓચિંતા ત્રાટકતા રોગચાળા વગેરે બીજી ઘણી બાબતો પાછળ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ધ્યાન આપવું પડે. દર વરસે આવા જુદા જુદા રોગચાળા વિષયક સંશોધન પાછળ અબજો ડોલર્સનું આંધણ થાય છે. એ ધ્યાનમાં રાખીને વિજ્ઞાનીઓ દિવસરાત સંશોધન પાછળ સમય અને શક્તિ ખર્ચે છે. લેખની શરૂઆતમાં કહ્યું એમ એકલા ડિમેન્શિયાના ચારસો પ્રકારો છે. બે ચાર પ્રકારોની સારવારમાં મળતી સફળતાથી અટકી જઇ શકાય નહીં. રોગના મૂળ સુધી પહોંચવાની મથામણ અને એની સચોટ સારવાર હાથમાં આવે ત્યાં સુધી અથાક પ્રયત્નો ચાલુ રાખવા પડે.

હવે આ દિશામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સહાય કરશે એટલે સંશોધનને જબરો વેગ મળશે એવી આશા વિજ્ઞાનીઓ રાખે છે.


Google NewsGoogle News