Get The App

600 પુરુષોની હત્યારી ગ્વીલીયા ટોફાના

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
600 પુરુષોની હત્યારી ગ્વીલીયા ટોફાના 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- દરેકને એવી સૂચના હતી કે પતિ ગમે તેટલા અત્યાચારો કરે, તમારે ઉશ્કેરાવાનું નહીં

ગ યા મહિને અમેરિકામાં થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ઝળહળતો વિજય થયો ત્યારે હતાશ થયેલી અમેરિકાનાં કેટલાંક રાજ્યોની મહિલાઓએ ગ્વીલીયા ટોફાનાને પોતાનો આદર્શ જાહેર કરતું એક પ્રકારનું આંદોલન શરૂ કર્યું હતું. આ મહિલા સંસ્થાઓને એવો ડર હતો કે ટ્રમ્પ પોતાના બીજીવારના શાસન દરમિયાન ગર્ભપાત પર કદાચ કાયદેસરનો પ્રતિબંધ જાહેર કરશે. એટલે આ મહિલાઓએ ઇટાલિયન મહિલા ગ્વીલીયા ટોફાનાને યાદ કરીને એવી જાહેરાત કરી હતી કે અમે પણ ટોફાના જેવો માર્ગ પસંદ કરીશું. ગર્ભપાતના અમારા અધિકાર પર ટ્રમ્પ શાસન મનસ્વી રીતે પ્રતિબંધ લાદી દઇ શકે નહીં.

અમેરિકી મહિલાઓની આ વાત તો સમજી શકાય એવી છે. પરંતુ પ્રશ્ન એ છે કે અમેરિકી મહિલાઓએ જેને પોતાના આદર્શ તરીકે જાહેર કરી હતી એ ગ્વીલીયા ટોફાના કોણ હતી ? આજે તો અંધારી આલમના માફિયાઓથી ઇટાલી દુનિયામાં બદનામ છે. ગ્વીલીયા જે સમયે થઇ ગઇ એ આજથી સાડા ત્રણસો ચારસો વરસ પહેલાંની વાત છે. ઇટાલીના પાલેર્મોમાં ૧૬૨૦માં જન્મેલી ગ્વીલીયા એવા સમાજમાં જન્મી હતી જ્યાં સ્ત્રીની કિંમત પગલૂછણિયાથી વધુ નહોતી. પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રી એટલે એક જણસ. પુરુષ સ્ત્રી સાથે ગમે તેવો ખરાબ વ્યવહાર કરી શકે. એને ગાળાગાળી કરે, મારપીટ કરે, ભૂખી તરસી રાખે, એની પાસે કાયાના સોદા કરાવે, ઇચ્છે તે કરે. સ્ત્રી ચૂં કે ચા ન કરી શકે. સ્ત્રીઓ પર ભયંકર અત્યાચારો થતા. સ્ત્રીઓ માટે છૂટકારાના માત્ર બે ત્રણ વિકલ્પો હતા. પહેલો વિકલ્પ ચૂપચાપ તમામ અત્યાચારો સહન કરવાનો હતો. બીજો વિકલ્પ વેશ્યા બની જવાનો હતો અને ત્રીજો વિકલ્પ પરમાત્માના હાથમાં હતો. પતિનું મરણ થાય અને સ્ત્રી વિધવા થઇ જાય તો એનો છૂટકારો થઇ જાય.

ગ્વીલીયાએ પોતાની માતા પર આવા અત્યાચારો થતા જોયેલા. એની માતાને જ્યારે જુએ ત્યારે કાં તો રડતી હોય અથવા પીડાથી કણસતી હોય. આખરે ત્રાસેલી કંટાળેલી એ મહિલાએ પોતાના પતિની હત્યા કરી નાખી. એને પતિના ખૂન માટે મોતની સજા થઇ. પોતાના બાળપણની આવી યાદો ગ્વીલીયા ભૂલે તો કઇ રીતે ભૂલે?

એના બાળ માનસ પર પુરુષો માટે એક પ્રકારની નફરત, અણગમો અને ધિક્કારની લાગણી સતત દ્રઢ થતી જતી હતી. એની માતા તો રિબાઇ રિબાઇને મરી ગઇ. પોતાની માતાના અપમૃત્યુનો બદલો લેવાની ભાવના ગ્વીલીયાના મનમાં સતત અજંપો જગાડતી હતી. એ દિવસે દિવસે ઝનૂની થતી ગઇ. એના શેતાની ભેજામાં એક ભયાનક યોજના આકાર લેતી ચાલી. એ યુવાન થઇ ત્યારે એ યોજના અમલમાં મૂકવાની તૈયારી એણે કરી. એક એવી રાસાયણિક ફોર્મ્યુલા એણે તૈયાર કરી જે એને ઇતિહાસમાં ઠંડા કલેજાની હત્યારી તરીકે સ્થાન અપાવવાની હતી. 

ગ્વીલીયા નેપલ્સથી સિસિલી અને સિસિલીથી રોમ આવી ગઇ. અહીં એણે એક કોસ્મેટિક્સ (સૌંદર્ય પ્રસાધનો)ની દુકાન ખોલી. દરેક મહિલાને એ સુંદર દેખાવા માટેનું ક્રીમ, લોશન કે પાઉડર વેચતી. એના આ સૌંદર્ય પ્રસાધનો તો માત્ર દેખાવના હતા. એક અભિપ્રાય મુજબ એણે તૈયાર કરેલી ફોર્મ્યુલા કેટલેક અંશે આ પ્રકારની હતી. લેડ (સીસું), આર્સેનિક અને બેલાડોના મિક્સ કરીને એણે આ સ્લો પોઇઝન તૈયાર કરેલું.

શરૂઆતમાં એણે આ ઝેર પોતાની અંગત અને વિશ્વાસુ બહેનપણીઓને આપેલું. દરેકને એવી સૂચના હતી કે પતિ ગમે તેટલા અત્યાચારો કરે, તમારે ઉશ્કેરાવાનું નહીં. માત્ર પતિના મનગમતા પીણાંમાં આ પાઉડર ભેળવતા રહેવાનું. નક્કી કરેલી માત્રામાં પાઉડર ભેળવી દેવાનો. પતિને ચા, કોફી, લસ્સી, ઠંડાં પીણાં કે શરાબ જેની ટેવ હોય એમાં આ પાઉડર ભેળવતા રહેવાનું. પહેલે દિવસે આ પીણાથી પતિ સતત થાકોડો અનુભવે. એને કામધંધે જવાનું મન ન થાય. બીજે દિવસે એને સતત ઝાડા ઊલટી થાય અને પેટમાં ભયંકર ચૂંક આવે. પાઉડરનો ત્રીજો અને ચોથો ડોઝ બાકીનું કામ પૂરું કરી નાખે. ડોક્ટર, વૈદ, હકીમ કે બીજા કોઇને પણ મૃત્યુના રહસ્યની જાણ કદી થાય નહીં. 

ગ્વીલીયાની એક પછી એક ફ્રેન્ડ આ રીતે પોતાના પતિના અત્યાચારથી મુક્ત થતી ગઇ. એ દરેક ગ્વીલીયાને આશીર્વાદ આપતી. હવે ગ્વીલીયાની પબ્લિસિટી મોઢામોઢ થવા લાગી. દિવસે દિવસે જુદા જુદા વિસ્તારના પુરુષો રહસ્યમય રીતે મરવા માંડયા. ગ્વીલીયાની ઘરાકી વધતી ચાલી. એણે પોતાની પુત્રી અને બે ચાર મહિલાઓની એક વ્યવસ્થિત ગેંગ બનાવી. ઝેરની માગ વધતાં એણે એક નાનકડું કારખાનું નાખ્યું જ્યાં ખૂબ વફાદાર સ્ત્રીઓ આ પાઉડર, ક્રીમ અને લોશન તૈયાર કરતી.

પરંતુ એક સમય એવો આવતો હોય છે જ્યારે પાપ છાપરે ચડીને પોકારતું થઇ જાય છે. એક બહેનપણીએ મોકલેલી યુવતી ઝેરની પડીકી તો ખરીદી ગઇ. પરંતુ પતિને આપતી વખતે છેલ્લી ઘડીએ ગભરાઇ ગઇ. પતિને એણે વીનવણી કરવા માંડી કે પ્લીઝ આ કોફી નહીં પીતા. તમારા આરોગ્યના માટે જોખમી છે. પતિએ બે ધોલ મારતાં પેલીએ કબૂલાત કરી લીધી કે ફલાણી જગ્યાએ આ પ્રકારના કહેવાતા કોસ્મેટિક્સ વેચાય છે. આ માણસનો એક મિત્ર ભેદી રીતે મરણ પામેલો. એટલે એણે તરત પોલીસને જાણ કરી. 

બીજી બાજુ ગ્વીલીયાની વગ એટલી બધી વધી ગયેલી કે પોલીસ પહોંચે એ પહેલાં ગ્વીલીયાને જાણ થઇ ગઇ પોલીસ એને પકડવા આવે છે. એ પોતાના સાથીઓને ચેતવીને નાસી છૂટી. એ પોતાના પ્રેમી એવા એક પાદરીને ત્યાં ચર્ચમાં પહોંચી ગઇ. પરંતુ હવે એ લાંબો સમય મુક્ત રહી શકે એમ નહોતી. પોલીસે પાદરીને વિશ્વાસમાં લઇને  ચર્ચ પર ઓચિંતી રેડ પાડી. ગ્વીલીયા પકડાઇ ગઇ. પોલીસે એને હજુ તો લાલ આંખ દેખાડી ત્યાં એણે કબૂલ કરી લીધું કે મેં અત્યાર સુધીમાં મારા ઝેરી રસાયણો દ્વારા છસો પુરુષોને સ્વધામ પહોંચાડી દીધા હતા. આ આંકડો કદાચ વધુ હોઇ શકે અથવા ઓછો પણ હોઇ શકે. એના એકરારના આધારે એને મોતની સજા કરવામાં આવી. એની પુત્રી અને સ્વજનો ક્યાં ગાયબ થઇ ગયા એની કોઇને ત્યારબાદ ક્યારેય જાણ થઇ નહીં. ઇતિહાસમાં આવી હત્યારી બીજી કોઇ સ્ત્રી થઇ હોવાની ક્યાંય નોંધ હોવાનું જાણમાં નથી.


Google NewsGoogle News