ઇન્ટરપોલનો વડો આવો હોય ?

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
ઇન્ટરપોલનો વડો આવો હોય ? 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- મને ઇન્ટરપોલનો સેક્રેટરી જનરલ બનવામાં સહાય કરો. હું તમને આતંકવાદીઓના કેસ રફેદફે કરવામાં સહાય કરીશ

માનનીય સાહેબશ્રી, ઇન્ટરપોલના આગામી વડા તરીકે જે ચાર વ્યક્તિનાં નામ શોર્ટલિસ્ટ થયાં છે તેમાંના એક ઝાંબિયાના ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી મુબીતા માવા પોતે ક્રીમીનલ રેકોર્ડ ધરાવે છે માટે એમનું નામ આ આંતરરાષ્ટ્રીય જવાબદારી માટે પસંદ કરતાં પહેલાં બે વાર વિચાર કરવાની વિનંતી છે. એમના ગુનાહિત કાર્યના કેટલાક પુરાવા આ સાથે બીડયા છે...

ઇંગ્લેંડની એક પ્રતિષ્ઠિત કાનૂની કંપનીએ આ મુજબનો વિગતવાર પત્ર ઇન્ટરપોલના હાલના વડાને લખીને તાજેતરમાં ખળભળાટ મચાવી દીધો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ મુબીતા માવા જે ક્રીમીનલ કેસમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે એમાં બે ભારતીય વેપારીઓ ફસાયા હતા. હાલ આ બંને વેપારીઓ લંડનમાં વસે છે. મૂળ એ બંને ઝાંબિયામાં રહેતા હતા.

આ કિસ્સાની વાત વિગતે કરવા અગાઉ ઇન્ટરપોલનો અલ્પ પરિચય મેળવી લેવો જોઇએ. ઇન્ટરનેશનલ ક્રીમીનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (ઇન્ટરપોલ)ની સ્થાપના છેક ૧૯૨૩ના સપ્ટેંબરની સાતમીએ વિયેનામાં થઇ હતી. દુનિયાભરના દેશોના પોલીસ પ્રતિનિધિઓની પાંચ દિવસની એક પરિષદમાં એવી સંસ્થાની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો હતો જે આંતરષ્ટ્રીય કક્ષાએ થતા અપરાધોમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવામાં સંબંધિત દેશોની સરકારને સહાય કરે. અત્યારે આ પોલીસ સંસ્થા સાથે વિશ્વના ૧૯૬ દેશો સભ્યો છે અને દુનિયામાં સાત સ્થળે એની મુખ્ય ઓફિસ છે. આ સંસ્થાના મહામંત્રી (સેક્રેટરી જનરલ) ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છે. એ સ્થાન ભરવા માટે જુદા જુદા દેશના ચારેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓનાં નામ મોખરે છે. એવું એક નામ ઝાંબિયાના ડેપ્યુટી પોલીસ કમિશનર મુબિતા માવાનું છે. માવાને તૂર્કી જેવા કેટલાક મુસ્લિમ દેશોનો ટેકો છે

હવે બ્રિટનના પ્રતિષ્ઠિત વકીલોની કંપનીએ ઇન્ટરપોલને મોકલેલા પત્રવાળો કેસ જોઇએ. વિનોદ અને ઉદિત સાધુ નામના બે ભાઇ ઝાંબિયામાં સન ફાર્માસ્યુટિકલ્સ નામની દવા કંપની ચલાવતા હતા. તેમણે ૨૦૨૨માં ઝાંબિયા ડેવલપમેન્ટ બેંક પાસેથી લોન લીધી હતી. બેંકના કર્મચારીઓએ ગોલમાલ કરીને આ બંને ભાઇઓ કનેથી ૧૧ કરોડ ૭૦ લાખ સ્વીસ ફ્રાન્ક વધુ લીધા ખંખેરી લીધા હતા. સાધુ ભાઇઓને આ હકીકતનો ખ્યાલ આવતાં તેમણે ઝાંબિયા ડેવલપમેન્ટ બેંક સામે કાનૂની કેસ કર્યો.

આ કેસ ઝાંબિયાની સુપ્રીમ કોર્ટ સુધી ચાલ્યો. સુપ્રીમ કોર્ટમાં સાધુઓ જીતી ગયા. બેંકે તેમને વધારાની રકમ વ્યાજ સાથે પાછી આપવી એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો. એ પછી તરત સાધુઓને અજાણ્યા નંબર પરથી ધાકધમકીના ફોન આવવાના શરૂ થયા. વાત એટલેથી અટકી નહીં. એકવાર આ બંને ભાઇઓ પોતાના કામે જઇ રહ્યા હતા ત્યારે પાછળથી હુમલો કરીને એમનું અપહરણ કરાયું. એમને કોઇ અજાણ્યા સ્થળે લઇ જવાયા જ્યાં એમના પર અત્યાચાર કરવામાં આવ્યો. આવું કંઇક બનવાની આ ભાઇઓને ગંધ આવી ગઇ હોવાથી બંનેએ પેન્ટના ચોરખિસ્સામાં એક ટચૂકડો મોબાઇલ ફોન સંતાડી રાખ્યો હતો. મારપીટ કરવા ઉપરાંત એમને ભૂખ્યા તરસ્યા પૂરી રાખવામા આવ્યા હતા. આ ઘટના બની ત્યારે મુબીતા માવા ઝાંબિયા સીઆઇડીના ડેપ્યુટી ડાયરેક્ટર હતા. લાગ જોઇને એક ભાઇએ પોતાના સંતાડેલા ફોન દ્વારા પરિવારને જાણ કરી..

તરત લાગતાવળગતાને ફરિયાદ કરવામાં આવી. એટલે આ બંને ભાઇઓને ઝાંબિયાના એક પોલીસ સ્ટેશને લઇ જવાયા અને એમના પર બનાવટી આરોપો મૂકવામાં આવ્યા. હકીકતમાં બંને ભાઇઓ નિર્દોષ હતા એટલે કોર્ટમાં પોલીસ કશું સાબિત કરી શકી નહીં. પોલીસે બંનેને બાઇજજત છોડી મૂકવા પડયા. એ સમયે ઝાંબિયા પોલીસ તંત્ર અને ઝામ્બિયાની સરકારમાં સાધુ ભાઇઓના મિત્ર જેવા થોડાક અધિકારીઓ હતા તેમણે આ બંનેને એવી સલાહ આપી કે તમે બ્રિટન કે અમેરિકા ચાલ્યા જાઓ. આ મુબીતા માવા ભારે ડંખીલો માણસ છે. તમને ઝાંબિયામાં શાંતિથી જીવવા નહીં દે. ઝાંબિયા ડેવલપમેન્ટ બેંકમાં એના પણ હિતો છે. તમારી પાસેથી લીધેલા વધારાનાં નાણાં વ્યાજ સાથે પાછાં ચૂકવવા પડયા તેથી એ ભૂરાયો થયો છે. તમારું એન્કાઉન્ટર પણ કરાવી શકે છે.

સમય વર્તીને સાધુભાઇઓ બ્રિટન તરફ રવાના થઇ ગયા. પોતાની કંપનીનો બધો સાજસામાન પણ લંડનમાં ફેરવી દીધો. સ્ટાફને પણ વિશ્વાસમાં લઇને સ્થળાંતર કરાવી દીધું. હવે સંજોગો પલટાયા. ઝાંબિયા પોલીસ તંત્રના મિત્રોએ સાધુ ભાઇઓને જાણ કરી કે માવા ઇન્ટરપોલના સેક્રેટરી જનરલ બનવાની વેતરણમાં છે. તમે એની અસલિયત ઊઘાડી પાડો. તમારી પાસેના દસ્તાવેજો અને મોબાઇલમાં રેકોર્ડ કરેલા વિડિયો તમારા વકીલો દ્વારા ઇન્ટરપોલને મોકલી આપો. સાધુઓની કાનૂની સલાહકાર કંપની લિવરેટ્સે ઇન્ટરપોલને મુબીતા માવાની ગેરરીતિના તમામ પુરાવા ઇન્ટરપોલને મોકલી આપ્યા. એની જાણ થતાં જ મુબીતા માવાએ કેટલાક મુસ્લિમ દેશોની મદદ માગી કે મને ઇન્ટરપોલનો સેક્રેટરી જનરલ બનવામાં સહાય કરો. હું તમને આતંકવાદીઓના કેસ રફેદફે કરવામાં સહાય કરીશ.

એમ લાગે છે કે આ માણસને ઇન્ટરપોલનો સેક્રેટરી જનરલ બનતો અટકાવવામાં ભારત સરકારે પણ જરૂરી કાર્યવાહી કરવી જોઇએ.


Google NewsGoogle News