એનર્જી ડ્રીન્ક આવશ્યક, ખરેખર? .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- દેખાદેખીને કારણે ટીનેજર્સ સ્કુલ- કોલેજના કેમ્પસમાં પણ હાથમાં એનર્જી ડ્રીન્કના પાઉચ સાથે કે કેન સાથે દેખાય છે
છે લ્લા થોડા મહિનાથી દેશ અને દુનિયામાં મોસમની ખાસ્સી અરાજકતા જોવા મળી. દૂબઇ અને મસ્કત જેવા રણપ્રદેશોમાં સાંબેલાધાર વરસાદ પડયો, અમેરિકા અને યૂરોપના દેશોમાં ભીષણ વાવાઝોડાં અને દાવાનળ જોવા મળ્યાં. આપણા દેશ પૂરતી વાત કરીએ તો દેશના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડયો. ક્યાંક ક્યાંક એક સાથે બે રૂતુ જોવા મળી પરિણામે જાતજાતના રોગો નોંધાયા. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ડેન્ગ્યુના કેસ વધુ જોવા મળ્યા. કેટલાક વિસ્તારોમાં ડાયેરિયાના કેસ પણ નોંધાયા. ચાલુ વર્ષના ઉનાળામાં ઉત્તર ભારતમાં વધુ પડતી ગરમીના કારણે ડિહાઇડ્રેશન એટલે કે શરીરનું પ્રવાહી ઓછું થઇ જવાના ઘણા કેસ બન્યા. આવું થાય ત્યારે ડોક્ટરો પેશન્ટને ખાસ કહેતા હોય છે- ઓઆરએસ પીતા રહેજો કે ગ્લૂકોઝ લેતાં રહેજો.
તબીબી પરિભાષામાં જેને ઇલેક્ટ્રોલાઇટ્સ કહે છે એની માગ છેલ્લા થોડા સમયથી ખૂબ વધી ગઇ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશનના એક અહેવાલ મુજબ ૨૦૨૩માં ઇલેક્ટ્રોલાઇટ્સની માગ ૩૬ અબજ ૫૬ કરોડ ડોલર્સની હતી. એ વધીને ચાલુ વર્ષ ૨૦૨૪માં ૪૦ અબજ ૩૨ કરોડ ડોલર્સની થઇ ગઇ. એમાંય ચાલુ વરસે ફ્રાન્સમાં ઓલિમ્પિક્સ રમતોત્સવ થઇ ગયા પછી એનર્જી ડ્રીન્ક તરીકે ઓળખાતા ઇલેક્ટ્રોલાઇટ્સની માગ ખાસ્સી વધી ગઇ. એ વિશે વિગતે વાત કરવા પહેલાં ઇલેક્ટ્રોલાઇટ્સ શું છે એ જાણી લેવું જરૂરી ગણાય.
સર્જનહારે દરેક વ્યક્તિને એના શરીરના જુદા જુદા અંગઉપાંગ બરાબર કામ કરતા રહે એ માટે શરીરમાં જ કેટલાંક ખનિજો આપેલાં છે જેમ કે પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ (જેને આપણે નમક કે સબરસ તરીકે ઓળખીએ છીએ), ક્લોરાઇડ, બાયકાર્બોનેટ વગેરે. આ ખનિજો શરીરમાં જરૂરી પ્રવાહી તત્ત્વોની સમતુલા જાળવી રાખે છે. આ ઉપરાંત ખનિજો માંસપેશી અને કોશિકાઓની સજ્જતા જાળવી રાખે છે, મગજની કાર્યક્ષમતા અકબંધ રાખે છે.
આમ તો રોજ પરસેવા દ્વારા કેટલાંક ખનિજો શરીરમાંથી વહી જાય છે. અતિ શ્રમના કાણે થતો પરસેવો, થાક, લાંબો પ્રવાસ વગેરે કારણે અને માંદગીના પગલે પણ આ ખનિજો ઘટી જાય છે. એ ખાધને પહોંચી વળવા ડોક્ટર આપણને ઇલેક્ટ્રોલાઇટ્સ લેવાનું કહે છે. ગ્લૂકોઝનો પાઉડર, ઓઆરએસ વગેરે એવા પદાર્થો છે જે પાણીમાં ઓગળી જઇને ખાસ ઊર્જા પેદા કરે છે. આ પીણાં શરીરમાં ખૂટતા ખનિજોની પૂર્તિ કરે છે. ખાસ કરીને એથલેટ્સ અને રમતગમતના ખેલાડીઓને તમે થોડી થોડીવારે કંઇક પીતાં જોયા હશે. એ એનર્જી ડ્રીન્ક કે ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. એક અભિપ્રાય મુજબ આ બજારૂ પીણામાં એક યા બીજા પ્રકારનું સોડિયમ (નમક) હોય છે. અને ત્યાં જ એની મર્યાદા ધ્યાનમાં લેવાવી જોઇએ. સતત થતા સંશોધનના પગલે ડોક્ટરો કહે છે કે નમક અને ખાંડ એ બંને ઝેર છે. દરેક તંદુરસ્ત વ્યક્તિએ આ બે સફેદ ઝેરથી મુક્ત રહેવું જોઇએ. બીજી બાજુ બજારુ નાસ્તા, ખાદ્ય પદાર્થો, ઠંડા પીણાં વગેરેમાં પ્રિઝર્વેટિવ તરીકે સોડિયમ અર્થાત્ નમકનો ઉમેરો કરવામાં આવે છે. એ પ્રિઝર્વેટિવ આરોગ્યને લાંબે ગાળે નુકસાન કરે છે. એવું જ કેટલેક અંશે હેલ્થ ડ્રીન્કનું કહી શકાય. બહેતર એ છે કે કોઇ પણ પ્રકારના એનર્જી ડ્રીન્કને લેતી વખતે એ વિચારવું જોઇએ કે આ ડ્રીન્કની મારા શરીરને ખરેખર કેટલી જરૂર છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિષ્ણાતો કહે છે કે છેલ્લા થોડા સમયથી હેલ્થ કોન્શ્યસનેસ એટલે કે તંદુરસ્તી અંગેની સભાનતા વધી છે એટલે યુવાનો જિમમાં જાય ત્યારે જરૂર હોય કે ન હોય પણ બજારુ એનર્જી ડ્રીન્ક સાથે લેતાં જાય છે. હકીકતમાં તમારા શરીરને જરૂર ન હોય તો એનર્જી ડ્રીન્ક લેવું ન જોઇએ. આપણા રોજબરોજના આહારમાં નમક તો હોય છે.
એ શરીરમાં ખૂટતાં ખનિજોની પૂર્તિ કરી દે છે. વધુ પડતા એનર્જી ડ્રીન્ક લાભને બદલે નુકસાન વધુ કરે છે. હવે તો એનર્જી ડ્રીન્ક લેવાનીય ફેશન થઇ પડી છે. દેખાદેખીને કારણે ટીનેજર્સ સ્કુલ- કોલેજના કેમ્પસમાં પણ હાથમાં એનર્જી ડ્રીન્કના પાઉચ સાથે કે કેન સાથે દેખાય છે.
નિષ્ણાત ડોક્ટરો કહે છે કે શરીરને જરૂર ન હોય છતાં દેખાદેખીને કારણે તમે વિટામિન્સની ગોળી ગળો એ પણ તમને ફાયદાને બદલે નુકસાન કરે છે. વધુ પડતા સોડિયમના પગલે હાર્ટ કે કિડની પર પ્રતિકૂળ અસર થઇ શકે. હકીકતમાં કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે તમે નિયમિત એકથી દોઢ લિટર સાદું પાણી પીતાં રહો તો પણ તમારી જરૂરિયાત સંતોષાઇ જાય છે. એ માટે એનર્જી ડ્રીન્ક લેવાની જરૂર રહેતી નથી. વાઇરલ ફિવર હોય, વધુ પડતો બફારો હોવાથી ખૂબ પરસેવો વળ્યો હોય, અસહ્ય સિરદર્દ હોય ત્યારે સ્વચ્છ પાણીનો ગ્લાસ તમને રાહત આપી શકે છે. પાણીથી રાહત થતી હોય તો બજારુ હેલ્થ ડ્રીન્ક લેવાની જરૂર રહેતી નથી, બજારમાં તો ડઝનબંધ હેલ્થ ડ્રીન્ક મળે છે. એ દરેક બ્રાન્ડના લાભાલાભ તમે ક્યાં ચકાસવા જવાના હતા ? એવું જોખમ લેવા કરતાં સાદુ્ં પાણી વધુ લાભદાયક રહે છે.