ખૂબસુરત સિરિયલ કીલર ધ ડોલ .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- પોલિટિશ્યન્સ પોલીસ માટે મુશ્કેલી ખડી કરી શકે એમ હતું. પણ હવે ધ ડોલના પાપનો ઘડો ભરાઇ ચૂક્યો હશે
૨૩ વર્ષની એ યુવતી એના મિત્ર વર્તુળમાં ધ ડોલ અર્થાત્ સુંદર ઢીંગલી તરીકે જાણીતી હતી. એ ખરેખર સુંદર હતી. કોઇ પણ યુવક એને જોતાંવેંત પહેલી નજરે એનું આકર્ષણ અનુભવતો થઇ જતો. માત્ર સુંદર નહોતી, ચાલાક હતી, વાચાળ હતી અને ધાર્યાં નિશાન પાડવામાં કાબેલ હતી. પોલીસે એની ધરપકડ નહોતી કરી ત્યાં સુધી કોઇને સ્વપ્નેય કલ્પના આવે એમ નહોતી કે આ ખૂબસુરત યુવતી એક સિરિયલ કીલર એટલે કે ધંધાદારી હત્યારી હતી.
વાત કોલંબિયાના એક શહેરની છે. સાઉથ અમેરિકામાં આવેલા કોલંબિયાની વસતિ ફક્ત સાડા પાંચ કરોડની છે. અહીં સ્પેનિશ ભાષાનું વર્ચસ્વ છે. જો કે આટલી નાનકડી વસતિ હોવા છતાં આ દેશમાં ૬૮થી વધુ ભાષાઓ બોલાય છે. કોલંબિયાના એક શહેર બેરનકેબરમીજામાં આ ડોલ રહે છે. આ શહેરની વસતિ માત્ર બે લાખ સાડા ત્રણ હજારની છે. એમાંથી પોણા બે લાખ લોકો શહેરી વિસ્તારમાં અને બાકીના ઉપનગરોમાં વસે છે. ધ ડોલનું મૂળ નામ કેરેન જુલિયેટ રોડ્રિગ્ઝ છે. પરંતુ વધુ પડતી સુંદર હોવાથી લોકો એને ધ ડોલ તરીકે જ ઓળખતા.
ગયા મહિને અચાનક પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે શહેરની એક પોશ હોટલમાં ધસી જઇને કેરેનની ધરપકડ કરી. એની સાથે એના જમણા હાથ જેવી અન્ય એક મહિલા સુપારી કીલર હતી. એ જાડીના નામે ઓળખાતી રહી હતી કારણ કે ખાસ્સી સ્થૂળ છે. પોલીસે ધ ડોલ પર એના જ બોયફ્રેન્ડ અને અન્ય થોડાક લોકોની ઠંડે કલેજે હત્યા કરવા બદલ ધરપકડ કરી ત્યારે ધ ડોલ અને એની જોડીદાર પાસે રિવોલ્વર તેમ જ થોડીક જીવંત કારતૂસ મળી આવી હતી.
કેરેન અને એના એક્સ બોયફ્રેન્ડ વચ્ચે પૈસાની લેવડદેવડના મુદ્દે બોલાચાલી થઇ હતી. એ સમયે એના એક્સ બોયફ્રેન્ડને કેરેનની અસલિયતની જાણ નહોતી. કેરેન લો દ લા એમ ગેંગ નામની ધંધાદારી અપરાધી ટોળીની સભ્ય હતી. આ ગેંગના બોસના ઇશારે ગમે તેની હત્યા કરી નાખતાં અચકાતી નહોતી. એને એવી શંકા હતી કે એના એક્સ બોયફ્રેન્ડને એની અસલિયતની જાણ થઇ ચૂકી છે. એટલે એણે એ યુવાન ડેયી જિસસને એક ઉપનગરીય હોટલમાં સુલેહ કરવાને બહાને બોલાવ્યો. ડેયી એ હોટલમાં આવ્યો અને ધ ડોલ સાથે ચા-નાસ્તો કરીને હોટલની બહાર નીકળ્યો ત્યારે બાઇક પર આવેલા એક નકાબધારીએ એને ક્લોઝ્ડ રેંજથી ઠાર કરી નાખ્યો અને તરત બાઇક દોડાવી ગયો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે કેરેન હોટલમાં બેસીને નિરાંતે સિગારેટના ધૂમાડા કાઢતી હતી. પોલીસે એની આકરી પૂછપરછ કરી અને આસપાસના લોકો પાસેથી પણ કેટલીક જાણકારી મેળવી.
વાસ્તવમાં પોલીસ છેલ્લા કેટલાક સમયથી લો દ લા એમ ગેંગ વિશે તપાસ કરી રહી હતી અને એ દરમિયાન કેરેન ધ ડોલ વિશે પણ પોલીસને માહિતી મળી ચૂકી હતી. પોલીસ પુરાવાની તલાશમાં હતી. એને સફળતા જુદી રીતે મળી ગઇ. કેરેન પાસે સુપારી કીલર્સ હોય એવી થોડીક છોકરીઓની ટોળી હતી. એમાંની એક છોકરીના માતાપિતાએ પોલીસને એવી જાણ કરી હતી કે અમારી પુત્રી ડ્રગ લેતી હોય એવી અમને શંકા છે. એના પર્સમાં અમે એક ટચૂકડી પિસ્તોલ પણ જોઇ છે. આટલી કડી પરથી પોલીસે એ છોકરીને પોલીસ સ્ટેશન બોલાવી હતી. પોલીસે એને બોલાવી ત્યારે કદાચ ડ્રગનો ડોઝ લેવાનો એનો સમય થઇ ગયો હશે એટલે એ વ્યાકુળ જણાતી હતી. એ ચકળવકળ આંખે આમતેમ જોઇ રહી હતી. પોલીસે પહેલાં એને જોઇતી ડ્રગનો એક ડોઝ આપ્યો અને ત્યારબાદ એક અનુભવી મનોચિકિત્સકની મદદથી એને બોલતી કરી.
એની પાસેથી મળેલી વિગતોના આધારે પોલીસે ધ ડોલ અને એની લેડી ગેંગ દ્વારા થયેલી હત્યાઓની વિગતો મેળવી. એ દિશામાં ગહન તપાસ આદરી અને કેટલીક હત્યાઓના સાંયોગિક તેમજ કેટલીક હત્યાઓના નક્કર પુરાવા કર્યા. પાક્કા પુરાવા વગર લો દ લા એમ ગેંગ પર હાથ નાખી શકાય એમ નહોતું કારણ કે આ ગેંગને સ્થાનિક પોલિટિશ્યન્સનો પૂરો ટેકો હતો. આ પોલિટિશ્યન્સ પોલીસ માટે મુશ્કેલી ખડી કરી શકે એમ હતું.
પણ હવે ધ ડોલના પાપનો ઘડો ભરાઇ ચૂક્યો હશે. ગયા વર્ષના જુલાઇ માસથી પોલીસ એનું પગેરું પકડી રહી હતી. આખરે એ ઝડપાઇ ગઇ અને એની પાસેથી પરવાના વિનાના હથિયાર મળી આવતાં પોલીસનો કેસ મજબૂત થયો. એ કોલેજિયનના સ્વાંગમાં ફરતી. એક કોલેજમાં એડમિશન પણ લીધેલું. એ કોલેજનું આઇડેન્ટિટી કાર્ડ એની પાસેથી પોલીસે કબજે કર્યું. કોલેજમાં તપાસ કરતાં એણે વરસમાં એકાદ દિવસ કોલેજમાં હાજરી આપી હોવાની માહિતી મળી.
પોલીસે અત્યારે તો ધ ડોલ પર કલ્પેબલ હોમીસાઇડ (સદોષ મનુષ્યવધ)નો કેસ દાખલ કર્યો છે. આ કોલંબિયાનો એવો વિસ્તાર છે જ્યાં દર દિવસે એકાદ સદોષ મનુષ્યવધ થાય છે એમ ઇન્ટરપોલના એક રિપોર્ટમાં જણાવાયું હતું.