આભમાંય અણધારી આફત! .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- ઉતારુઓ માસ્ક પ્લીઝ માસ્ક પ્લીઝની બૂમો પાડવા લાગ્યા. એરકંડીશનર ચાલુ હોવા છતાં ઘણા ઉતારુ પરસેવે રેબઝેબ થઇ ગયા.
જુ લાઇના ત્રીજા રવિવારની સવારે બનેલી ઘટના છે. અમેરિકાના હ્યુસ્ટન ખાતેના જ્યોર્જ બુશ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બોસ્ટન જઇ રહેલી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ નંબર ૨૪૭૭ એ ટેક ઓફ કર્યું. ફ્લાઇટે ટેક ઓફ કર્યાને માંડ દસ મિનિટ થઇ હતી. વિમાન ધરતીથી હજારો ફૂટ ઊંચે આકાશમાં હતું. ઉતારુઓ રિફ્રેશમેન્ટ (ચા નાસ્તો) આવવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. દરેક ઉતારુ નિરાંતના મૂડમાં હતો કારણ કે ફ્લાઇટ એકદમ ટાઇમસર હતી. વાતાવરણ ખુશનુમા હતું.
અચાનક એક ક્રૂ મેમ્બરના ઊબકાનો અવાજ સંભળાયો. એણે બીજા ક્રૂમેમ્બરને પ્લાસ્ટિકની કોથળી આપવાનો ઇશારો કર્યો. પેલી ક્રૂ મેમ્બર તરત દોડી ગઇ. પ્લાસ્ટિકની થેલી પેલીના મોં પાસે ધરે ત્યાં તો પેલી સ્ટુઅર્ટને જોરદાર ઊલટી થઇ ગઇ. એ સ્વસ્થ થાય ત્યાં તો એને પ્લાસ્ટિકની થેલી આપવા દોડેલી બીજી સ્ટુઅર્ટને ઊબકો આવ્યો અને એને પણ ઊલટી થઇ ગઇ. ઉતારુઓ કંઇ સમજે એ પહેલાં એક પછી એક વિમાની સ્ટાફ ઊલટી કરવા માંડયો.
ઉતારુઓ ટેન્શનમાં આવી ગયા. હો હા શરૂ થઇ ગઇ. નબળા દિલવાળા ચીસો પાડવા માંડયા- હેલ્પ...હેલ્પ... બીજા થોડાક ઉતારુઓ માસ્ક પ્લીઝ માસ્ક પ્લીઝની બૂમો પાડવા લાગ્યા. એરકંડીશનર ચાલુ હોવા છતાં ઘણા ઉતારુ પરસેવે રેબઝેબ થઇ ગયા.
ગોકીરો સાંભળીને કોકપીટમાંથી એક પાઇલટ બહાર આવ્યો. વરસોનો અનુભવી હોવાથી તરત પરિસ્થિતિનો અંદાજ એને આવી ગયો. એ તરત કોકપીટમાં પાછો ફર્યો અને ઇન ફ્લાઇટ માઇક્રોફોન સિસ્ટમમાં જાહેરાત કરી- પ્લીઝ, શાંત થઇ જાઓ. આપણે ફ્લાઇટને ડાઇવર્ટ કરીને નજીકના એરપોર્ટ પર પાછાં ફરી રહ્યાં છીએ. ત્યાં આપણને ઇમર્જન્સી મદદ મળી જશે... પ્લીઝ, શાંત થઇ જાઓ. ત્યારબાદ એણે તરત નજીકના એરપોર્ટ વોશિંગ્ટન ડીસીના કન્ટ્રોલ ટાવરને જાણ કરી કે અમે ઇમર્જન્સી લેન્ડીંગ કરી રહ્યા છીએ. મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ તૈયાર રાખવા વિનંતી.
ગણતરીની મિનિટોમાં ફ્લાઇટે વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડીંગ કર્યું. તરત નિષ્ણાત ડોક્ટરોની ટીમ ફ્લાઇટની સીડી ચડીને વિમાનની અંદર આવી ગઇ. ડોક્ટરો અને નર્સોને જોઇને ઉતારુઓ થોડા શાંત થયા. ડોક્ટરો પાસે એક પોર્ટેબલ યંત્ર હતું. એ વિમાનમાં ફેરવતાં ફેરવતાં એક ઉતારુના માથા પરના લગેજ બોક્સ પાસે યંત્ર બીપ બીપ કરવા લાગ્યું. ડોક્ટરે એ ઉતારુને ખરાબ ન લાગે એ રીતે ધીમેથી એક સવાલ પૂછયો. પેલાએ હકારમાં ડોકું હલાવ્યું. તરત એ ડોક્ટરે બીજા ડોક્ટરને ઇશારો કર્યો. એ ડોક્ટર કોકપીટ તરફ ધસી ગયો અને પાઇલટ પાસે જાહેરાત કરાવી કે આપણે વિમાનની નવેસર સફાઇ કરવી પડશે. તમને બનતી ત્વરાએ અન્ય વિમાનમાં રવાના કરીએ છીએ. આ વિમાન ખાલી કરવું પડશે. થોડા ગણગણાટ અને નારાજીના સૂર પછી ઉતારુઓ ધીમે ધીમે ઊતરી ગયા.
અનુભવી ડોક્ટરે પાઇલટને કહ્યું કે નથીંગ સિરિયસ. ઇટ્સ અ કેસ ઓફ બાયોહેઝાર્ડ. વી નીડ ટુ ડીપ ક્લીન ધ ફ્લાઇટ. (બહુ ગંભીર સમસ્યા નથી. બાયોહેઝાર્ડની ઘટના છે. આપણે વિમાનની સઘન સફાઇ કરાવવી પડશે.) આટલું વાંચીને તમે વિચારમાં પડી જાઓ એ પહેલાં આપણે બાયોહેઝાર્ડ એટલે શું એ સમજી લઇએ. આવી ઘટના હવાઇ યાત્રામાં જવલ્લેજ બને છે. દસેક લાખ હવાઇ યાત્રામાં એકાદ વાર આવી ઘટના બને ખરી. હવે રહી બાયોહેઝાર્ડની વાત. વધુ ટેક્નિકલ થયા વિના બને તેટલી સરળ ભાષામાં બાયોહેઝાર્ડને સમજીએ.
કોઇ ઉતારુ ચેપી બીમારીમાંથી ઊઠયો હોય, એની રોગપ્રતિકાર શક્તિ હજુ નોર્મલ ન થઇ હોય, કોઇ ઉતારુ પાસે મેડિકલ વેસ્ટ (દવાખાના કે હોસ્પિટલમાં જમા થતો રાસાયણિક કચરો) હોય, કોઇ ઉત્તેજક રસાયણ હોય, ઉતારુને કોઇ લીલો (તાજો) જખમ થયો હોય, પાળેલા પશુ-પંખીનાં મળમૂત્ર હોય, કોઇ પેથોલોજીકલ (લોહી-પેશાબ-થૂંક કે નાકના શેડાની તપાસનો કચરો) વેસ્ટ હોય એને બાયોહેઝાર્ડ કહેવાય. આવી વસ્તુઓ અન્ય ઉતારુઓને ચેપ લગાડી શકે, વિમાનના આંતરિક વાતાવરણને દૂષિત કરી શકે. એટલે આવી ચીજવસ્તુનો ત્વરિત નિકાલ કરી નાખવો હિતાવહ ગણાય છે.
અમેરિકા અને યૂરોપના દેશોમાં તો આવું કંઇ બને એટલે તાબડતોબ યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવે છે. આપણા જેવું લાસરિયા ખાતું નહીં. બાયોહેઝાર્ડવાળા વિમાનની સઘન સફાઇ પૂરી થાય એ પહેલાં તો ૧૭૭ ઉતારુઓ અને ફ્લાઇટ નંબર ૨૪૭૭નો વિમાની સ્ટાફ બોસ્ટન પહોંચી ગયો હતો.