આધ્યાત્મિક ઉપચારના નામે જાતીય દુરાચાર?

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
આધ્યાત્મિક ઉપચારના નામે જાતીય દુરાચાર? 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- ભારતની ઇમેજ બદલાઇ હોય કે ન બદલાઇ હોય, યૂરોપ અમેરિકા પણ ભુવા-જતિ-બાવાથી મુક્ત નથી.

વા તનો આરંભ ગુજરાતનાં વિવિધ શહેરોમાં બનેલી સત્ય ઘટનાઓથી કરીએ. સૂરત જિલ્લામાં વળગાડ ઊતારવાના નામે કોઇ ભુવાએ એક યુવતી પર બળાત્કાર કર્યો.... ઉત્તર પ્રદેશમાં ધાર્મિક શિક્ષણ આપતા મદ્રેસામાં એક મૌલવી બાળકો સાથે છેડછાડ કરતાં પકડાયો... બાળક નહીં થતું હોવાથી ડોક્ટરને બદલે માંત્રિક પાસે ગયેલી ગૃહિણીનો કહેવાતા માંત્રિકે ગેરલાભ લીધો. પોલીસે માંત્રિકની ધરપકડ કરી...

આ અને આવી ઘટનાઓ લગભગ દર બીજે દિવસે અખબારોમાં વાંચવા મળે છે. આજના વિજ્ઞાાન અને ટેક્નોલોજીના યુગમાં પણ લોકો ભુવા-ઓઝા-જતિ-માંત્રિક પાસે જાય અને છેતરપીંડીનો શિકાર બને એવું વાંચીએ ત્યારે આઘાત લાગે. પરંતુ તમને એ જાણીને નવાઇ લાગશે કે આવું માત્ર ભારતમાં બને છે એવું નથી. એક સમય હતો જ્યારે અમેરિકા અને યૂરોપના લોકો ભારતને ગારુડી અને સાપ-નાગ રમાડતા મદારીઓનો દેશ કહેતા હતા. આજે ભારતની ઇમેજ બદલાઇ હોય કે ન બદલાઇ હોય, યૂરોપ અમેરિકા પણ ભુવા-જતિ-બાવાથી મુક્ત નથી.

ગયા સપ્તાહે બ્રિટનના એક પ્રતિષ્ઠિત અખબારે પ્રગટ કરેલા અહેવાલ મુજબ આજે પણ યૂરોપના કેટલાક દેશો, ન્યૂ મેક્સિકો અને અમેરિકાના કેટલાક વિસ્તારોમાં સ્પીરીચ્યુઅલ હિલીંગ (આધ્યાત્મિક ઉપચાર)ના નામે ધતિંગ-ઘપલાં ચાલે છે.

તાજેતરમાં ન્યૂ મેક્સિકોમાં એક શિક્ષિત મહિલાએ કોર્ટમાં ગેરહાજર રહેવાની પરવાનગી સાથે એક ખ્રિસ્તી ધર્મગુરુ સામે ક્રીમીનલ કેસ કર્યો. એમાં આ મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે મારો આધ્યાત્મિક ઉપચાર કરવાને બહાને અમુક ધર્મગુરુએ મારા પર રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સમયસર ચેતી જઇને હું એની પકડમાંથી છૂટીને ભાગી છૂટી. કોર્ટે એ ધર્મગુરુને નોટિસ મોકલી હતી કે કોર્ટમાં હાજર થઇને તમારો જવાબ આપો. 

આ કેસ એકલદોકલ નથી. અગાઉ પણ આવા કેસ થયા હતા. તમને યાદ હોય તો આપણે ત્યાં કેરળની કેટલીક મહિલા સાધ્વીઓએ પોતાના પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ કરીને વડા ધર્મગુરુ સામે આક્ષેપો કર્યા હતા. એ કેસમાં ત્યારબાદ કોઇ અકળ કારણોસર ભીનું સંકેલાઇ ગયું હતું.

ન્યૂ મેક્સિકોમાં અન્ય એક મહિલાએ એવો કેસ દાખલ કર્યો હતો કે મને મૂળ પેરુના એક 'વિસ્ડમ કીપરે' આધ્યાત્મિક ઉપચાર કરતાં શીખવવાને બહાને એના ટ્રેનિંગ સેન્ટરમાં બોલાવી. ત્યાં મને એક પીણું આપવામાં આવ્યું. આ પીણું પી જાઓ એટલે તમે પવિત્ર થઇ જશો. પછી આ પલંગ પર સુઇ જાઓ. મારામાં રહેલો પવિત્ર આત્મા તમારા શરીરમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરશે. પછી તમને હું દિવ્ય વિદ્યા શીખવીશ.

જો કે આ મહિલા શિક્ષિત હતી અને જે કંઇ બની રહ્યું હતું એ વિશે પૂરી સભાન હતી એટલે પેલા ભુવાએ આપેલું પીણું ભુવાનું ધ્યાન ચૂકવીને ફૂલદાનીમાં રેડી દીધું અને ઝીણી આંખે બધું નિહાળતી રહી. ભુવો એની સાથે કોઇ જાતીય છૂટ લે એ પહેલાં આ મહિલા ઝડપભેર ત્યાંથી નીકળી ગઇ.

દુનિયાના કેટલાક દેશોમાં આજે પણ શમનિક ટ્રીટમેન્ટ નામે ચિત્રવિચિત્ર વિધિઓ થાય છે. આ વિધિનો આરંભ ચોક્કસ લયમાં વાગતા નગારાના તાલથી થાય છે. ધીમે ધીમે નગારાનો લય વધતો જાય છે. ભુવા-ઓઝા આ લય સાથે ડોલતા જાય છે. દરમિયાન, ભુવાનો એક સાથીદાર ખરલમાં કેટલાંક ઓસડિયાં ઘુંટતો જાય છે. એ ઓસડિયાં પૂરેપૂરાં વટાઇ જાય એટલે ઘટ્ટ પ્રવાહી બને છે. બીમાર વ્યક્તિને આ પ્રવાહી (કેટલાંક જંગલી ઝાડનાં પાંદડાનો રસ) પીવડાવે છે. તરત બીમાર વ્યક્તિને ભયંકર ઊલટી થાય છે.

અહીં એક આડવાત. આપણા આયુર્વેદમાં પંચકર્મનો જે વિધિ છે એમાં પણ વમન એટલે કે ઊલટીના પ્રયોગો  છે. દર્દીના શરીરમાં રહેલાં ઝેરી પદાર્થોને કાઢવા માટે વમનનો આશ્રય લેવામાં આવે છે. આ વમન અને શમનીક સારવારનું વમન બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે. શમનિક સારવારમાં બીમાર વ્યક્તિને ઊલટી થઇ જાય ત્યારબાદ ભુવો હાથમાં દૂર્વા જેવા કોઇ વૃક્ષના પાંદડા લઇને અષ્ટંપષ્ટં મંત્રો બોલે છે. પછી પેલી વ્યક્તિને એની રુચિ મુજબ મસાલેદાર ચા કે કોફી પીવા આપે છે. છેલ્લે દર્દીને આશીર્વાદ આપીને ઘેર જવાની રજા આપે છે. જો કે આ બધી પ્રક્રિયાની આકરી ફી વસૂલ કરવામાં આવે છે. એમ તો તમે જરૂર જાણતા હશો કે ફિલિપાઇન્સમાં આજે પણ હાથની આંગળીથી ઓપરેશન કરીને દર્દીને સાજા કરવાનો રીતસર ધીકતો ધંધો ચાલે છે. એને પણ સ્પીરીચ્યુઅલ ટ્રીટમેન્ટ તરીકે ઓળખાવાય છે.

આપણા દેશમાં કેટલાક સિદ્ધ સાધુપુરુષોએ પોતાની દિવ્ય શક્તિથી અસાધ્ય બીમારીઓ દૂર કર્યાના બનાવો નોંધાયા છે. શિરડીના સાંઇબાબા, વીરપુરના જલારામ બાપા કે બગદાણાના બજરંગદાસ બાપાએ કોઇ દીનદુ:ખિયા પ્રત્યે કરુણા દર્શાવીને પોતાની દિવ્ય શક્તિ દ્વારા દુ:ખ દૂર કર્યાના બનાવો નોંધાયા છે. મોટે ભાગે સંતો કુદરતના નિયમોની વિરુદ્ધ જતા નથી.

બીજી બાજુ કેટલાક લેભાગુ લોકો દિવ્ય શક્તિનો દાવો કરીને લોકોને લૂંટતા હોય છે. ન્યૂ મેક્સિકો કે અમેરિકાના કેટલાક વિસ્તારોમાં કેથોલિક ચર્ચ દ્વારા આવી ગેરરીતિ આચરવામાં આવી હોવાના કોર્ટ કેસ થયા હતા. કેટલાક કેસમાં સંબંધિતોને સજા પણ થઇ હતી. વિદેશોમાં ગોલમાલ કરનારા લોકોમાં મૂળ ભારતીય હોય એવા કેટલાક લોકો પણ સંડોવાયા હતા. બે કિસ્સા તો છાપે ચડયા હતા. પહેલો કિસ્સો કુપાળુ મહારાજના શિષ્યો દ્વારા ચાલતી કૃપાળુ યોગ સ્કુલના સંચાલક અમૃત દેસાઇનો હતો. એવો જ બીજો કિસ્સો વિક્રમ યોગથી જગવિખ્યાત બનેલા વિક્રમ ઘોષનો હતો. એના પર પોતાની વિદ્યાર્થિનીઓ પર જાતીય અત્યાચારનો કેસ થયો ત્યારે ૨૦૧૬માં અમેરિકા છોડીને મેક્સિકો નાસી ગયા હતા.

આવો કિસ્સો સૌ પ્રથમ ૧૯૮૩માં નોંઘાયો હતો. ઓશોએ ઝેન ધ્યાન અને ઝેન થેરપી વિશે ઘણી પ્રતીતિજનક વાતો કરી હતી. જો કે ઝેનના નામે છેતરપીંડી કરનારને ઓશો સાથે કે ઓશોની પ્રવૃત્તિ સાથે સ્નાન સૂતકનોય સંબંધ નથી. રેચર્ડ બેકર નામના એક ફળદ્રુપ ભેજાએ સાન ફ્રાન્સિસ્કો ઝેન સેન્ટર નામે એક સંસ્થા સ્થાપી હતી. ત્યાં ઝેન ધ્યાનના નામે એ ટીનેજર છોકરીઓનો ગેરલાભ લેતો હોવાની માહિતી મળતાં પોલીસે ઓચિંતો છાપો પાડીને એને ઝડપી લીધો હતો. પછી તો એક કે બાદ એક આવા કિસ્સા બહાર આવવા લાગ્યા.

ધ તિબેટિયન બુક ઓફ લિવિંગ એન્ડ ડાઇંગના લેખક અને પોતાને બુદ્ધિસ્ટ લામા તરીકે ઓળખાવતા ચોગ્યાલ રિંગ્પોશેની પણ જાતીય દુરાચાર માટે ૨૦૧૬માં ધરપકડ કરાઇ હતી. ઔર એક ઝેન ટીચર જોશુ સાસાકી એ તો હદ વટાવી હતી. એ પોતાના અનુયાયીઓને કહેતો કે આંતરિક શાંતિ જોઇતી હોય તો મારી જનનેન્દ્રીયને શ્રદ્ધાપૂર્વક સ્પર્શ કરો કારણ કે દિવ્ય  આનંદ જોઇતો હોય તો સર્વસ્વ અર્પણ  કરવાની તૈયારી રાખવી જોઇએ. મારી ઇન્દ્રિય શિવલિંગનું પ્રતીક છે. ૨૦૧૯માં શાંભાલા બુદ્ધિસ્ટ મેડિટેશન ઓર્ગેનાઇઝેશનના સંચાલક સેક્યોંગ માઇફામને પોલીસે રંગે હાથ પુરાવા સાથે પકડયા હતા. એ પ્રિરેકોર્ડેડ ટેપ દ્વારા પોતાની વિદ્યાર્થિનીઓને હિપ્નોટાઇઝ કરીને પછી તેમના પર રેપ કરતા હતા. હવે આવી અધ્યાત્મ લીલામાં કેથોલિક ચર્ચના પાદરીઓ સંડોવાયા હોવાના અહેવાલો લંડન અને અમેરિકાનાં પ્રતિષ્ઠિત અખબારોમાં પ્રગટ થવા લાગ્યા છે.


Google NewsGoogle News