કુમળી ટીનેજરોને ઓફર કરાતી 'વૈભવી નોકરી' કઈ?
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- કાતિલ મોંઘવારી અને પારાવાર બેકારી આવી પરિસ્થિતિ સર્જે છે.
સા રા, તું જાણતી નથી કે તને કેવી બાદશાહી સગવડો મળશે, વૈભવશાળી નોકરી, માતબર પગાર, સગવડદાયી રહેઠાણ, નવા નવા સંપર્કો.... અરે ક્લેરા, તું જ સમજાવને તારી દીકરીને. હું તો એના ભલા માટે કહું છું. અહીં કારમી ગરીબીમાં સડતાં રહેવું અને ભૂખમરો વેઠવો એના કરતાં થોડા મહિના આઇવરી કોસ્ટ જઇ આવવામાં ખોટું શું છે ? ... વાત છે નાઇજિરીયાના એક સ્લમ વિસ્તારની. પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરીયામાં પારાવાર ગરીબી અને બેરોજગારી છે. એટલે અહીં મીઠ્ઠી મીઠ્ઠી વાતો અને આંબા આમલીની રોમાંચક વાતો કરીને ગરીબ ઘરની ટીનેજર છોકરીઓેને પટાવવામાં આવે છે.
ભારતના પાડોશી દેશ નેપાળમાં પણ આ જ રીતે છોકરીઓને સ્વપ્નો દેખાડીને એમને ઉપાડી લેવામાં આવે છે. આ છોકરીઓ પ્રેમ કે લગ્ન જેવા શબ્દોના સાચા અર્થ સમજે એ પહેલાં બાર તેર વર્ષની વયે વેચાઇ જાય છે. એમને જે વૈભવી નોકરીની લાલચ આપવામાં આવે એ વાસ્તવમાં વેશ્યાગીરી હોય છે. દુનિયાભરમાં આ રીતે હ્યુમન ટ્રાફિકિંગનો ધીકતો ધંધો ચાલે છે. લેખની શરૂઆતમાં જે સારાની વાત કરી એ માત્ર ૧૩ વર્ષની છે.
નાઇજિરિયાની જેમ આઇવરી કોસ્ટ પણ વેસ્ટ આફ્રિકાનું જ એક નગર છે. નાઇજિરિયા કરતાં થોડું સદ્ધર. જો કે નાઇજિરિયા અને આઇવરી કોસ્ટ બંનેમાં સુન્ની મુસ્લિમોનું વર્ચસ્વ છે.
હ્યુમન ટ્રાફિકિંગ અટકાવવા મથતી એનજીઓ જેવી સંસ્થાઓ ગરીબ દેશોના દરિદ્ર પરિવારોને સમજાવવા ભગીરથ પ્રયાસો કરે છે. પરંતુ બેરોજગારી અને પેટની આગ બુઝાવવાના કોઇ સાધન ન દેખાય ત્યારે કાળજા પર પથ્થર મૂકીને માતાપિતા પુ્ત્રીને મેડમ સાથે મોકલતાં હોય છે. મમ્મીની બહેનપણી કે દૂરની માસી બનીને આ મેડમ આવે. બાર તેર વર્ષની ટીનેજરને હોલિવૂડની ફિલ્મોનાં દ્રશ્યો જેવા ફોટોગ્રાફ્સ દેખાડે. લલચાવે. એકવાર છોકરી હાથમાં આવી જાય પછી પેલી માસી એનું અસલ સ્વરૂપ દેખાડે. જરૂર પડયે મારપીટ પણ કરે. પછી આઇવરી કોસ્ટ પહોંચીને દલાલને જાણ કરે. છોકરીનો ફોટો મોકલે. દલાલ આવે એટલે સાંકેતિક (કોડ) ભાષામાં વાતચીત થાય. પેલો છોકરીને લઇને ચાલતો થાય. એ સાથે છોકરીનુ ભાવિ અંધકારમય થઇ જાય.
શરૂમાં છોકરીને સમજાવી પટાવીને એક રૂમમાં મોકલે જ્યાં પઠ્ઠા જેવો યુવાન પલંગ પર બેઠો હોય. પ્રેમથી પેલીને આવકારીને કોલ્ડ ડ્રીન્કની ઓફર કરે. એ કોલ્ડ ડ્રીન્કમાં ઘેનની દવા ભેળવેલી હોય. પેલી ટીનેજર એ પીએ. હોશ ગુમાવે. પછી કૌમાર્ય ગુમાવે.
આરંભે જે ટીનેજરની વાત કરી એ સારાએ એનજીઓના પ્રતિનિધિ સાથે વાત કરતાં કહ્યું, અહીં આવી એ સાથે મારા મોબાઇલનું સીમ કાર્ડ લઇ લીધું. એટલે મારા પરિવાર અને મિત્રો સાથેનો મારો સંપર્ક સદાને માટે તૂટી ગયો. દરેક ગ્રાહક દીઠ મને ત્રણથી પાંચ હજાર સેન્ટ્રલ આફ્રિકન ફ્રાન્ક્સ (આશરે ૩૫૦થી ૧૦૦૦ ભારતીય રૂપિયા) ચૂકવાય છે. મારે સરેરાશ રોજ પાંચસાત ગ્રાહકોને ફરજિયાત સંતોષવાના હોય છે. હું લગભગ રોજ મેડમ પાસે કરગરું છું, રોજ વીનવણી કરું છું કે મને મારાં માતાપિતા અને ભાઇબહેનો સાથે કમ સે કમ વાત તો કરાવો. એકાદ વાર મારે ઘેર તો મોકલો. ક્યારેક તો સાપ્તાહિક રજા આપો. મેડમ કહે છે કે તને નાઇજિરિયાથી અહીં લાવવા માટે મેં પચીસ લાખ સેન્ટ્રલ આફ્રિકન ફ્રાન્ક્સ ચૂકવ્યા છે. એ તું જેટલી ઝડપે ચૂકવી દે એટલી જલદી તને અહીંથી રજા મળશે.
પોતાની ઓળખ છૂપાવીને નાઇજિરિયન સરકારી પ્રવક્તા કહે છે કે અમે મજબૂર છીએ. કાતિલ મોંઘવારી અને પારાવાર બેકારી આવી પરિસ્થિતિ સર્જે છે. અમે જાણીએ છીએ કે સાડા સાતથી દસ લાખ ટીનેજર વેશ્યાગીરીમાં કે હાથ પગ ગુમાવીને ભીખ માગવાના કામમાં ફસાયેલી છે. અપહરણકારો આ ટીનેજર્સને કાં તો વેશ્યાગીરીમાં ધકેલી દે છે અથવા એમના હાથ કે પગ કાપી નાખીને ભીખ મંગાવે છે. અમે કશું કરી શકતા નથી. આ અમારા દેશનું દુર્ભાગ્ય છે. સમગ્ર આફ્રિકી ખંડના દેશોમાં ભયાનક ગરીબી અને બેકારી પ્રવર્તી રહી છે.
થોડી અતિશયોક્તિ લાગશે પરંતુ આજની તારીખમાં આઇવરી કોસ્ટ વેશ્યાગીરીનું સૌથી આકર્ષક પર્યટનધામ બની ગયું છે. કેટલીય કમનસીબ ટીનેજર્સ પોતે આજે મેડમ બની ગઇ છે અને પોતાના જ દેશની અન્ય ટીનેજર્સને ફસાવવાના વ્યવસાયમાં રીઢી બની ગઇ છે. એમનામાં દયા કે સહાનુભૂતિનો છાંટો સુદ્ધાં રહ્યો નથી. આમેય વેશ્યાગીરી વિશ્વનો સૌથી પ્રાચીન વ્યવસાય ગણાય છે. ભારતમાં મુંબઇ, કોલકાતા, બેંગાલુરુ અને દિલ્હી એના રેડ લાઇટ એરિયા માટે પંકાયેલા છે.