કરોડોની કિંમતના 'ચીઝ'ની છેતરપીંડી! .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- પેલો ટ્રક તો જાણે હવામાં ઓગળી ગયો હોય એમ આખા લંડનમાં ક્યાંય દેખાયો નહીં
એ ક વિસ્મયજનક ઘટના ગયા મહિને ઇંગ્લેંડમાં બની ગઇ. એની વિગતવાર વાત કરવા અગાઉ એક આડવાત. આપણે ત્યાં એક ફાઇવસ્ટાર હોટલનો મુખ્ય બાવર્ચી (શેફ) સંજીવ કપૂર છેલ્લાં થોડાંક વરસોથી એક વોશિંગ પાઉડરનું મોડેલિંગ કરે છે. એ એડ તમે જોઇ હશે. કપડાં પરના ગમે તેવા ડાઘ અમુક તમુક વોશિંગ પાઉડરથી પહેલી જ ધોલાઇમાં દૂર થઇ જાય છે એવી એ એડ હોય છે. એવો જ એક લોકપ્રિય અને ફાઇવ સ્ટાર શેફ લંડનમાં છે. એ લંડનની પ્રતિષ્ઠિત નીલ ડેરી કંપની સાથે સંકળાયેલો છે. એના એક કરોડથી વધુ ચાહકો છે. એ ટીવી પર એવી સરસ એડ ફિલ્મમાં રજૂ થાય છે કે એની લોકપ્રિયતા વધતી જતી હતી. એના ચાહકો એને રમૂજમાં ધ નેકેડ શેફ (નગ્ન બાવર્ચી ) કહે છે.
ગયા મહિને આ નેકેડ શેફ જેમી ઓલિવરે સોશ્યલ મિડિયા પર એક એવી પોસ્ટ મૂકી કે એના હજારો ચાહકો ચોંકી ઊઠયા. જેમીએ પોતાના ચાહકોની મદદ માગી હતી કે પ્લીઝ, હેલ્પ મી... મને મદદ કરો. ચાહકોના ફોન અને વ્હોટ્સ એપ મેસેજનો વરસાદ વરસ્યો કે શું થયું જેમી ? ટેલિવિઝનના પરદા પર હસતો રમતો અને થનગનતો જેમી વિડિયો કોલ્સમાં બાપડો બિચારો જણાતો હતો. એની આંખોમાં ફક્ત આંસુ આવવાના બાકી હતા.
ઓક્ટોબરની ૧૯-૨૦મીએ એની નીલ ડેરી પર એક ચબરાક ગઠિયો આવ્યો. એણે એવો દાવો કર્યો કે એ એક ફ્રેન્ચ કંપનીનો પ્રતિનિધિ છે અને એની કંપનીને તાકીદે આશરે ત્રણ લાખ નેવું હજાર પાઉન્ડના ચીઝની જરૂર છે. બ્રિટિશ ચલણને પાઉન્ડ કહે છે એ તો તમે જાણતા હશો. ત્રણ લાખ નેવું હજાર પાઉન્ડ એટલે આશરે સવા ચાર કરોડ રૂપિયાનો માલ થયો. કોઇ પણ વેપારી પેઢી આટલો મોટો ઓર્ડર જતો ન કરે.
નીલ ડેરીએ પણ આ ઓર્ડર સ્વીકારી લીધો. એ એમની ભૂલ હતી. આવનાર વ્યક્તિની ઓળખ પાકી કરવાની જરૂર હતી. એણે જે ફ્રેન્ચ કંપની કે હોટલનું નામ આપ્યું એની ચકાસણી પણ કરવાની જરૂર હતી. કોઇ પણ અનુભવી વેપારી આવી ચકાસણી કર્યા વિના ઓર્ડર સ્વીકારે નહીં. જો કે આટલી મોટી રકમની વરદી મળતી હોય તો સ્વીકારી લેવાની અધીરાઇમાં માણસ સારાનરસાનો ભેદ ભૂલી જાય.
આવનાર માણસે આપેલો ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ અસલી છે કે નકલી એની ચકાસણી નીલ ડેરીનો સ્ટાફ કરી રહ્યો હતો ત્યારે ડેરીના સિક્યોરિટી સ્ટાફે જાણ કરી કે તમારા સૂચન મુજબ ફ્રેન્ચ કંપનીને માલની ડિલિવરી આપી દીધી છે અને એનો ટ્રક ચીઝની ડિલિવરી લઇને રવાના થઇ ગયો છે. નીલનો સ્ટાફ હવે ચોંક્યો. હજુ તો બધી વિગતોની ચકાસણી થઇ રહી છે, વેરીફિકેશન બાકી છે ત્યાં પેલો માણસ ચીઝ ભરેલી ટ્રક લઇને રવાના થઇ ગયો ? આ બધી ગરબડ જેમી ઓલિવરના સુપરવિઝન તળે થઇ. એટલે સ્વાભાવિક રીતે જ જેમી પ્રચંડ ટેન્શનમાં આવી ગયો. નીલ ડેરીએ જો કે તરત પોલીસને જાણ કરી અને પોલીસે તત્કાળ ચારેબાજુ પેટ્રોલિંગ શરૂ કરી દીધું. કેટલાક સ્થળોએ પસાર થઇ રહેલાં વાહનોની ચકાસણી શરૂ કરી. પરંતુ પેલો ટ્રક તો જાણે હવામાં ઓગળી ગયો હોય એમ આખા લંડનમાં ક્યાંય દેખાયો નહીં. પોલીસે કેટલાક સંવેદનશીલ વિસ્તારોના ક્લોઝ્ડ સર્કિટ ટીવીના ક્લીપીંગ્સ ચકાસ્યા પરંતુ આશરે ચાર લાખ પાઉન્ડનું ચીઝ ભરેલો એ વિરાટ ટ્રક ક્યાંય દેખાયો નહીં. જેમીએ પોતાના એક કરોડથી વધુ ફેન્સને ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર હાકલ કરી કે પ્લીઝ મને મદદ કરો. આ ચોર નહીં પકડાય તો હું ફૂટપાથ પર આવી જઇશ. બાવીસ મેટ્રિક ટન જેટલા ચીઝની ચોરી થઇ છે.
ઇંગ્લેંડનાં માતબર દૈનિકોએ આ સમાચારને ધ ગ્રેટ ચીઝ રોબરી જેવાં સનસનાટી ભરેલા હેડિંગ સાથે ચમકાવી હતી. આ લખાતું હતું ત્યાં સુધી તો ચીઝ ચોરનો પતો લાગ્યો નહોતો. જેમીને એના ચાહકો સતત આશ્વાસન આપી રહ્યા છે. કેટલાક ચાહકોએ એને ઊગારી લેવા સ્વૈચ્છિક ફંડ દ્વારા ભંડોળ ઊભું કરવાની તૈયારી પણ દાખવી હતી. માનવ ઇતિહાસમાં આ પ્રકારની ચીઝ ચોરીની ઘટના ન ભૂતો ન ભવિષ્યતિ જેવી બની રહે તો નવાઇ નહીં.