લો, હવે માણો ઝંકાર સાગર વીણાનો...!

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
લો, હવે માણો ઝંકાર સાગર વીણાનો...! 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- પાકિસ્તાનની નૂર ઝેહરા કાઝિમ સમગ્ર વિશ્વમાં એકમાત્ર 'સાગર વીણાવાદક' છે

૧૯ ૬૯-૭૦ની આસપાસની ઘટના છે. લંડનમાં અજોડ સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાનનો કાર્યક્રમ હતો. કાર્યક્રમની વિગતો જાહેર થતાં જ પ્રોગ્રામ હાઉસફૂલ થઇ ગયો હતો. ઓડિયન્સમાં એક પાકિસ્તાની યુવતી પણ હતી. સપેરાનું બિન સાંભળીને વિષધર ડોલે એમ ડોલતી હતી. કાર્યક્રમ પૂરો થયો. આખુંય ઓડિયન્સ હિપ્નોટાઇઝ્ડ થઇ ગયું હોય એમ થોડી સેકંડ સુધી પાષાણવત્ થઇ ગયું. પછી ઉસ્તાદજીને સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું. પેલી પાકિસ્તાની યુવતી ખાનસાહેબને મળવા ગઇ. 

પોતાનો પરિચય આપ્યો અને મળવાની એપોઇન્ટમેન્ટ માગી. ખાનસાહેબે મળવાનો ઉદ્દેશ પૂછયો. નૂર નામની પેલી યુવતીએ મીઠું મલકતાં કહ્યું કે આપ મને એકવાર મળો એટલે મળવાનો ઉદ્દેશ સ્પષ્ટ થઇ જશે. ખાન સાહેબે હા પાડી. પેલી યુવતી ખાનસાહેબ ઊતરેલા એ હોટલમાં પોતાની સાથે એક સાજ લઇને ગઇ. ખાનસાહેબને પ્રણામ કરીને એ સાજ હાથમાં લીધું. ભારતીય સંગીતનો એક રાગ છેડયો. ખાનસાહેબ ખુશ થયા અને પેલી યુવતી નૂરને કહ્યું કે અગર આપ મૌશિકી મેં આગે બઢના ચાહતી હૈં તો કેલિફોર્નિયા મેં હમારે  ઇન્સ્ટીટયુટ મેં એડમિશન લે લીજિયે. નૂર તો રાજીના રેડ થઇ ગઇ. એની પ્રતિભા ખાનસાહેબે પારખી લીધી હતી.

યસ, આ વાત પાકિસ્તાનની અથવા એમ કહો કે સમગ્ર વિશ્વની એકમાત્ર 'સાગર વીણાવાદક' નૂર ઝેહરા કાઝિમની છે. એના વિશે વધુ વાત કરીએ એ પહેલાં એક આડવાત જરૂરી બને છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એક અને અજોડ સંગીતકાર ઓ પી નય્યર સાથે સરદાર હજારા સિંઘ વિદેશી હવાચન ગિટાર વગાડતા. તો પંડિત બ્રિજભૂષણ કાબરાએ એજ હવાયન ગિટાર પર શુદ્ધ શાસ્ત્રીય સંગીત ઉતાર્યુ અને પંડિત શિવકુમાર શર્મા (સંતુર) તેમજ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા (બાંસુરી) જોડે લોંગ પ્લે રેકોર્ડ પણ ઉતારી.

આ પરંપરા આગળ વધી. પંડિત વિશ્વમોહન ભટ્ટે હવાયન ગિટારમાં ચિકારીના અને અન્ય સંગતના તાર ઉમેરીને મોહન વીણા બનાવી. પંડિત રવિશંકર પાસે તાલીમ મેળવી અને તંતકારી સાથે ગાયન મેળવીને મોહન વીણા પર શાસ્ત્રીય સંગીત પેશ કર્યું. વિશ્વમોહન ભટ્ટના પુત્રે આ સાજમાં વધુ ફેરફાર કરીને સાત્ત્વિક વીણા બનાવી. પાકિસ્તાનમાં વસતા એક સંગીતપ્રેમી ધારાશાસ્ત્રીએ પોતાના સંતાનોને (ભારતીય) શાસ્ત્રીય સંગીતની તાલીમ અપાવવા કેટલાંક વાજિંત્રોમાં નાના મોટા ફેરફાર કરાવ્યા. એ પોતાના સંતાનોને ભેટ આપ્યાં. નૂર આ ધારાશાસ્ત્રીની પુત્રી છે. એને ઘેરા ગૂંજતા બેઝના સ્વરોમાં વધુ રસ છે એ જોઇને એના પિતાએ મૂળ ભારતીય વિચિત્ર વીણામાં ફેરફાર કરવાનું વિચાર્યું. ભારતીય સંગીતનો ઇતિહાસ તપાસતાં પ્રાચીન કાળમાં (માનવ) વાણી, બીજા ક્રમે વેણુ (વાંસવનમાંથી વહી આવતા સૂર- ભગવાન શ્રી કૃષ્ણની બાંસુરી) અને ત્રીજા ક્રમે વીણા- એક તંતુવાદ્ય એવી માહિતી મળે છે. વિદ્યાની દેવી સરસ્વતી વીણાવાદિની છે, ત્રણ ભુવનમાં વિચરતા નારદજી પણ વીણાવાદક છે. આપણે ત્યાં ત્રણ ચાર પ્રકારની વીણા પ્રસિદ્ધ છે. આ સાજ એકદમ મુશ્કેલ સાજ ગણાય છે અને એ શીખવા કે વગાડવા માટે રીતસર તપસ્યા કરવી પડે. આડી રાખેલી વીણા વગાડવા જમણા હાથની પહેલી અને બીજી આંગળીમાં મિજરાબ તરીકે ઓળખાતી કડી પહેરવાની. એના વડે તાર રણઝણાવવાના. ડાબા હાથમાં પેપરવેઇટ જેવો એક કાચનો ગોળો હોય. એ હળવે હાથે તાર પર ફેરવીને સ્વરો સર્જવાના.

મુંબઇના ભૂલેશ્વર વિસ્તારમાં ત્રીજા ભોઇવાડામાં આવેલા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના ગોલોકવાસી પૂજ્ય મુકુંદરાયજી ગોસ્વામીજી વીણા વગાડતા. એમણે તો એટલી હદે તપસ્યા કરેલી કે દક્ષિણ ભારતના મનાતા આ સાજ પર ઉસ્તાદ અમીર ખાન સાહેબની ગાયકી ઊતારવાના પ્રયત્નો કરેલા. સાથોસાથ સંગીતકાર નૌશાદના સંગીતથી સજેલી બૈજુ બાવરા સહિતની થોડીક ફિલ્મોમાં પણ વીણા વગાડેલી. એ રિયાઝ કરતાં હોય ત્યારે બબ્બે પંખા ચાલતાં હોય છતાં એ પરસેવે રેબઝેબ થઇ જાય. એમની રિયાઝમાં હાજરી આપવાની એકાદ બે તક આ લેખકને પણ મળેલી.

હવે નૂરની વાત પર પાછાં ફરીએ. એના પિતાએ સિતાર, સરોદ અને વીણા જેવાં વાદ્યો બનાવતા એક કારીગરને વિશ્વાસમાં લીધો. વીણામાં સ્વરોનું સ્થાન સૂચવતા પરદા (અંગ્રેજીમાં ફ્રેટ) કાઢી નખાવ્યા. વીણા એની એ જ પણ સ્વરસૂચક  પરદા વગરની. આવી વીણા બનાવડાવી. આ વીણા વગાડવા માટે ખૂબ ધીરજ અને અતિશય પરિશ્રમ જોઇએ. કાંડામાં કૌવત જોઇએ. કારણ, એમાં હવે સ્વરસૂચક પરદા નહોતા. એટલે એ સરોદ કે સારંગી જેવું સાજ બની ગયું. પૂરતું સ્વરજ્ઞાાન હોય એજ આવું સાજ વગાડી શકે.

આરંભે ઘરઆંગણે થોડી તાલીમ લીધા બાદ નૂર પોતાની માતા સાથે લંડન યુનિવર્સિટીમાં ગઇ. ત્યાં ડોક્ટર રાજેશ્વરી દત્તા નામે ભારતીય 

મહિલા સંગીત વિભાગના વડાં હતાં. એમની પાસે તાલીમ લઇ રહ્યાં હતાં ત્યાં ઉસ્તાદ અલી અકબર ખાનનો સંપર્ક થયો. કેલિફોર્નિયા ગયાં અને ત્યાં ઉસ્તાદ અલી અકબર ખાન ઇન્સ્ટીટયુટમાં એડમિશન લીધું. અહીં થોડા મહિના તાલીમ લીધી ન લીધી ત્યાં એમનાં લગ્નની વાત ચાલી એટલે પાકિસ્તાન પાછાં ફર્યાં. સારા નસીબે એમને શ્વસુર ગૃહે પણ સંગીતમાં આગળ વધવાનું પ્રોત્સાહન મળ્યું. પાકિસ્તાનમાં સિતાર અને વિચિત્ર વીણાના ઓથોરિટી સમાન વાદક ગણાતા ઉસ્તાદ મુહમ્મદ અઝીઝ ખાન નૂરને ઘેર ટયુશન આપવા આવતા થયા. રોજ સરેરાશ પાંચથી છ કલાક આકરી તાલીમ ચાલતી

ઘનઘેરા સ્વરનાદના કારણે નૂરના પિતા અને ગુરુએ આ સાજને સાગરવીણા નામ આપ્યું છે. સાગર તરંગોના ઘુઘવાટ જેવો આ સાજનો સ્વરનાદ છે. કેટલેક અંશે આપણા સૂરબહાર અને વીણાના સમન્વય જેવો ઘેઘુર નાદ છે. નૂર ઝેહરા અમેરિકા, ઇંગ્લેંડ, જપાન, ભારતમાં દિલ્હીમાં સાગરવીણાના કાર્યક્રમ આપી ચૂક્યાં છે. આ વર્ષના મે માસમાં ચીનના એક કલાપ્રિય નગર શેંઝેનમાં પણ નૂર સાગર વીણાનો પ્રોગ્રામ આપી આવ્યાં. પાકિસ્તાનમાં એમનું નામ ગૌરવપૂર્વક લેવાય છે. એમને સંખ્યાબંધ એવોર્ડ અને ઇનામ-અકરામ પણ મળ્યાં છે.


Google NewsGoogle News