Get The App

અમેરિકી યુનિવર્સિટીઓમાં બેફામ સેક્સ પાર્ટીઓ

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
અમેરિકી યુનિવર્સિટીઓમાં બેફામ સેક્સ પાર્ટીઓ 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- અમેરિકી યુવાનો અને ખાસ તો કોલેજિયનોમાં હાલ ઇલેક્ટાઇલ ડિસ્ફંક્શનની સમસ્યા વ્યાપક થઇ છે 

પ્રેમના નામે જાતીય આકર્ષણ, બર્થ ડે સેલિબ્રેશન, ફ્રેન્ડ્સ ડે સેલિબ્રેશન, ધીસ પાર્ટી અને ધેટ પાર્ટી જેવાં રૂપાળાં નામ ધરાવતી વિવિધ પાર્ટીના નામે અમેરિકી યુનિવર્સિટીઓમાં બેફામ સેક્સાચાર થઇ રહ્યો હોવાના અહેવાલે ચકચાર જગાડી હતી. એક તરફ અમેરિકી યુવાનોમાં જાતીય ઉત્થાનની સમસ્યા (ઇલેક્ટાઇલ ડિસ્ફંક્શન) દિવસે દિવસે વધી રહી હોવાના અહેવાલ વચ્ચે કોલેજ કેમ્પસીસમાં એક યા બીજા બહાને સેક્સપાર્ટીઓ વધી રહ્યાના અહેવાલો અમેરિકી મિડિયાએ પ્રગટ કર્યા હતા.

ટીનેજર્સ ગમે તે લીકર શોપમાં જઇને શરાબની બોતલ સાથે હની પેકેટ્સ માગી રહ્યા હોવાની બાતમી અમેરિકી ગુપ્તચર ખાતાને મળી હતી. એક લીકર શોપમાં જઇને ગુપ્તચર ખાતાના બાતમીદારે હની પેકેટ માગ્યું ત્યારે દુકાનદારે આંખનું મટકુંય માર્યા વિના એને એક પડીકી આપી હતી. આ પડીકી સત્તાવાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની લેબોરેટરીમાં મોકલાવવામાં આવી. આ લેબોરેટરીએ એમાં રહેલા પાઉડરની તપાસ કરી ત્યારે ખબર પડી કે આ તો નશાકારક ડ્રગ છે. એક વાર બે વાર કોઇ લે એટલે બંધાણી થઇ જાય. પછી એને આ ડ્રગ ન મળે તો એ બેચેન થઇ જાય, એ નાની નાની વાતે ઉશ્કેરાઇ જાય અને ભાંગફોડ કરવા માંડે.

ત્યારબાદ ન્યૂયોર્ક પોલીસે ખાનગીમાં તપાસ શરૂ કરી. જુદી જુદી કોલેજમાં ગુપ્તચરો ફરતા થયા. એમના ધ્યાનમાં આવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ કોલેજ ચાલુ હોય ત્યારે એક યા બીજા બહાને બહાર જતા હતા અને સડક પરથી પસાર થઇ રહેલી આંતરરાજ્ય લક્ઝરી બસો કે ટ્રકોને રોકીને હની પેકેટ્સ માગતા હતા. આ હની પેકેટ્સ કોલેજ કેમ્પસમાં છૂટથી વપરાતા હતા. એ પછી સેક્સ પાર્ટી યોજાતી હતી. ક્યારેક તો એક સાથે વીસ પચીસ યુગલો આ હની પેકેટ્સની અસર હેઠળ સામૂહિક સેક્સાચાર કરતાં હતાં.

યુવા પેઢીમાં ફરતા થયેલા એક ટીકટોક વિડિયોમાં એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હની પેકેટ્સની વધી રહેલી લોકપ્રિયતાની ચર્ચા કરતા દેખાયા હતા. ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન માટે વપરાતી વાયગ્રા જેવી સામગ્રી આ હની પેકેટ્સમાં હોવાની પોલીસને ખાતરી થઇ હતી. દરમિયાન, કેટલાક અનુભવી ડોક્ટરો પણ આ રસાયણોનો વપરાશ વધી રહ્યાથી ચિંતિત હોવાના અહેવાલો મેડિકલ કાઉન્સિલ દ્વારા કરાયા હતા. સૌથી મહત્ત્વની વાત એ હતી કે આ ઔષધિઓ ટૂંક સમય માટે લેનારમાં ઉત્તેજના જગાડતી હતી પરંતુ એની આડઅસર ઘણી ચોંકાવનારી હોવાનું ડોક્ટરો કહે છે. અચાનક બ્લડ પ્રેસર વધી જાય, છાતીમાં સોય ભોંકાતી હોય એવી પીડા થાય, દ્રષ્ટિ ધૂંધળી થઇ જાય, સામેનું દ્રશ્ય ક્લીઅર દેખાય નહીં, ગંભીર હાર્ટ અટેક આવે અને ક્યારેક મૃત્યુ પણ થાય. વાયગ્રાની આડઅસર પણ આવી જ થઇ હોવાના અહેવાલ પ્રગટ થયા બાદ કેટલાક દેશોએ એના પર નિયંત્રણો લાદ્યા હતા.

અમેરિકી યુવાનો અને ખાસ તો કોલેજિયનોમાં હાલ ઇલેક્ટાઇલ ડિસ્ફંક્શનની સમસ્યા વ્યાપક થઇ છે એવું એક અગ્રણી હોસ્પિટલના ક્લીનીકલ પ્રોફેસર અને ડ્રગ નિષ્ણાત ડોક્ટર જેસી મિલ્સે મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું. એની સારવાર કરાવવાને બદલે કોલેજિયન યુવાનો સિલ્ડેનાફિલ જેવી ઉત્તેજનાત્મક દવા લઇને પોતે મર્દ છે એવું યુવતીઓને ઠસાવવા સેક્સ પાર્ટી યોજે છે અને સેક્સાચાર કરે છે. આ ટ્રેન્ડ જોખમી અને ભયજનક છે એવું ડોક્ટર મિલ્સે કહ્યું હતું.

અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પોલીસની સાથે મળીને હજુ વિગતે તપાસ કરી રહ્યો છે. આ યુવાનો હની પેકેટ્સ લીધા પછી માત્ર સેક્સાચાર કરે છે એવું નથી. જોનારની આંખો ફાટી જાય એવી ભયાનક સ્પીડે વાહનો હંકારે છે પરિણામે અકસ્માતો પણ વધી રહ્યા છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે હની પેકેટ્સ સાથે ટીનેજર્સ બિનધાસ્ત શરાબ પીએ છે. પરિણામે ઉશ્કેરાટ અને ઉત્તેજના બમણાં થઇ જાય છે. આમ થવાથી સાવ નાનકડી વાતે યુવાનો બાખડી પણ પડે છે. જરાક બહાનું મળતાં ગાળાગાળી અને મારામારી પર ઊતરી આવે છે. આ ટ્રેન્ડ માનસ ચિકિત્સકો, પોલીસ અને શિક્ષણવિદોને ઉજાગરા કરાવે છે. 

સૌથી વધુ આઘાતજનક વાત એ છે મોટા ભાગના માબાપને આ વાતની જાણ સુદ્ધાં નથી. જો કે અમેરિકા અને યૂરોપના દેશોમાં ટીનેજર્સ તેમજ માતાપિતા વચ્ચે ભારતના કુટુંબો જેવી આત્મીયતા  રહેતી નથી. પશ્ચિમના દેશોમાં ટીનેજર્સ બહુ વહેલા સ્વતંત્ર મિજાજના થઇ જાય છે અને માતાપિતાને ગાંઠતા નથી. કેટલેક અંશે એમ પણ કહી શકાય કે પશ્ચિમના દેશોમાં કુટુંબો ભાંગી રહ્યા છે. તેર ચૌદ વર્ષના ટીનેજર્સ માબાપને ગાંઠતાં હોતા નથી. 

પરિણામે તેમના આહારવિહાર અને ખાવાપીવાની આદતો વકરી જાય છે. હવે હની પેકેટ્સના નામે સેક્સ પાવર વધારતી દવાઓનો વપરાશ નિરંકુશ રીતે વધી રહ્યો છે અને કોલેજ કેમ્પસમાં બેફામ સેક્સાચાર થવા લાગ્યો છે.


Google NewsGoogle News