Get The App

માણસ 'વિવાદ'માં શૂરો પણ 'સંવાદ'માં સાવ અધૂરો

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
માણસ 'વિવાદ'માં શૂરો પણ 'સંવાદ'માં સાવ અધૂરો 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- સ્વામી વિવેકાનંદના મતે જો તમે જગત પર ઉપકાર કરવા ઇચ્છતા હો તો જગત પર દોષારોપણ કરવાનું છોડી દો

મા ણસ વિવાદમાં શૂરો, સંવાદમાં સાવ અધૂરો સંવાદ શબ્દ 'સમ્' એટલે સારી રીતે, 'વાદ' એટલે બોલવું તે. એકમત થવું તે. એકરાગ હોવો તે મેળ એટલે સંવાદિત્વ.

શુદ્ધ સંવાદમાં જરૂરી પાંચ ગુણો

૧. જિદ અને હઠનો અભાવ

૨.સામેની વ્યક્તિના અભિપ્રાયનો આદર

૩. નવીનતા, મનની તાજગી

૪. નિષ્પક્ષતા, અહંકાર શૂન્યતા

૫. વાદ-વિવાદ સુલેહ માટે, સંવાદ ડાયલોગ જરૂરી

સ્વામી વિવેકાનંદના મતે જો તમે જગત પર ઉપકાર કરવા ઇચ્છતા હો તો જગત પર દોષારોપણ કરવાનું છોડી દો

માણસ જો પોતાનો અભિપ્રાય છોડી બીજાના અભિપ્રાયનો આદર કરે તો દુનિયાના અડધા ઝગડા ખતમ થઇ જાય એવું સાહિત્યકાર ધૂમકેતુનું મંતવ્ય હતું.

સંવાદ એટલે મનુષ્યોનો સારી રીતે નિર્ણયપૂર્વક પરસ્પર વાદ કે ભાષણ. નાટકશાળા વગરનું નાનકડું નાટક, જેને 'રેસિટેશન' પણ કહેવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ચર્ચાત્મક શૈલીના સંવાદોનું વર્ણન કરવામાં આવ્યું છે. તદનુસાર ગુજરાતી ભાષાના કેટલાક સર્વોત્તમ સંગ્રહો નોંધપાત્ર છે : જેમ કે

* ''પાપ તારું પ્રકાશ જાડેજા,

ધર્મ તારો સંભાળ રે

તારી બેડલીને ડૂબવા નહીં દઉં,

એમ જેસલને તોરલ કહે છે.''

* જસમા ઓડણ અને સિદ્ધરાજ

''જસમા માટી થોડી રે ઉપાડ

કુમળી કેડને ઝોલો લાગશેજી.

(સિદ્ધરાજ)

જસમા તારે મેડી બંધા મહેલ

ઝુંપડીમાં રહેવું તને શોભે રે નહીં

જસમા કહ છે :

''રાજા તારી રાણીને બેસાડ

અમારે ઓડોને ભલાં

ઝુંપડાં રે''

* હલદીધાર (નાનાલાલ કવિ)

શિવાજી-તાનાજી

રાણો કુંભો તથા મીરાંના

સંવાદ પણ પ્રસિદ્ધ છે.

જેમ કે :

રાણોજી કાગળ મોકલે રે

દેજો બાઈ મીરાંને હાથ

સાધુની સંગત છોડી દો

તમો વસો અમારે સાથ

* નરસિંહરાવ રચિત

પુરુરવા અને ઉર્વશી

વગેરે ચર્ચાત્મક શૈલીનાં

શ્રેષ્ઠ ઉદાહરણો છે.

સંવાદ પરથી બનેલો સંવાદન શબ્દ જૈન મતાનુસાર બે વચ્ચેનો ભેદ દૂર કરી એકતા કરાવવી કે આડે રસ્તે જનારને સારે રસ્તે ચડાવવો. વર્તમાનપત્ર કે સમાચારપત્ર માટે પણ સંવાદપત્ર પ્રયુક્ત થાય છે. શ્રવણેન્દ્રીય એટલે કે કાન ઇશ્વરે મનુષ્યને આપેલી અણમોલ ભેટ છે. જગત વિશે જાણવા પ્રસન્નિકા કોશમાં શ્રી બંસીધરભાઈએ જુદાં જુદાં પ્રાણીઓની શ્રવણક્ષમતાનાં ઉદાહરણો આપ્યાં છે. જે રસપ્રદ છે.

પ્રતિ સેકંડ આવૃત્તિ કે કંપ સંખ્યા અનુસાર ધ્વનિ તીણો કે ઘેરો કે જાડો સંભળાય છે.

પ્રાણી શ્રવણક્ષમતા (આવૃત્તિ)

શ્વાન શ્રવણક્ષમતા (આવૃત્તિ

૧૫ થી ૫૦,૦૦૦

તીતીઘોડો - ૧૦૦ થી ૧૫૦૦૦

બિલાડી - ૬૦ થી ૬૫૦૦૦

માણસ - ૨૦થી ૨૦,૦૦૦

જીવનમાં સંવાદનું મહત્વ છે. સંવાદને કારણે સંબંધ બંધાય છે, ટકે છે, અને તેના અભાવે સંબંધ તૂટે પણ છે.

ઘર એટલે સપ્તસૂરોનું વાજું. પતિ-પત્ની, સંતાનો વડીલો વગેરે એક બીજા સાથે રહે છે. તેમાં દરેકનો અભિપ્રાય કે મંતવ્ય પણ જુદાં જુદાં હોય છે. પરિણામે મત-મતાંતર ક્ષમા કે અન્યના મત પ્રત્યે આદર જરૂરી બને છે.

મૈત્રીના સંબંધોમાં પણ તેવું જ છે. મૈત્રીનો આધાર પરસ્પર વિશ્વાસ, શ્રદ્ધા અને સંવાદ પર રહેલો છે. સાચો મિત્ર આપત્તિની પળોમાં છોડી જતો નથી અને યોગ્ય સમયે મદદ કરે છે. મૈત્રીમાં જો દુર્ગુણો જોવાની વૃત્તિ પ્રબળ થાય તો મૈત્રી તૂટતાં વાર નથી લાગતી. એટલે મતભેદ ભલે ઉભો થાય પણ મનભેદ ન સર્જાવો જોઇએ એ મૈત્રીની અતૂટતા માટે જરૂરી છે.

'ગીતા રહસ્ય'માં જણાવાયું છે કે ગીતાની પદ્ધતિ સંવાદાત્મક હોવાથી એક જ વિષય પ્રસંગાનુસાર થોડો એક ઠેકાણે તો થોડો બીજા ઠેકાણે રહેલો છે.

ધર્મની બાબતમાં પણ બીજા સંપ્રદાય પ્રત્યેના સંવાદને કારણે સાંપ્રદાયિક વિદ્વાનો જન્મતા જોવા મળે છે. દરેક સંપ્રદાય પોતાના અનુયાયીઓની સંખ્યા વધારવા માટે સંવાદ શૈલી નહીં પણ આક્ષેપાત્મક પદ્ધતિનો ઉપયોગ કરે છે તેને કારણે ધર્મની મુખ્ય વાત સમજવામાં લોકોમાં ગેરસમજ સર્જાય છે, કથા વાચકો પણ પોતાની કથાને 'રસાત્મક' બનાવવા માટે જાતજાતનાં ઉદાહરણો આપે છે. ગમે ત્યાંથી ગમે તે લખાણ ઉઠાવી તેનો પોતાના વક્તવ્યમાં સમાવેશ કરે છે. પુરાણો તો આવાં ઉદાહરણોનો ભંડાર છે. એટલે કથાકાર પોતાનો કક્કો સાબિત કરવા ચિત્ર-વિચિત્ર ઉલ્લેખોનો સમાવેશ કરી લોકોને અવળે માર્ગે ચઢાવી વાદ-વિવાદ સર્જે છે અને પાછળથી પોતાની ભૂલ સમજાતાં વાતને ફેરવી તોળે છે.

રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ કે સૂત્રધારો લોકોને આંજવા માટે જાતજાતનાં વિધાનો કરે છે. એમાંથી ગેસમજ અને ગોટાળા સર્જાય છે. સંવાદિત એટલે સમસ્વર, સમતરંગી. ખરેખર તો સંવાદ લેખન એક અઘરો અને આકરી કસોટી કરતું લેખન છે. અખબારો કે સામયિકોને આકર્ષક 'હેડલાઈનો'માં રસ હોય છે. એટલે સંવાદલેખનમાં નિષ્પક્ષતા કે સત્યનિષ્ઠાનો અભાવ વરતાય છે. કોલમોમાં પણ પ્રાસ મેળવવા જાતજાતનાં તરીકા અજમાવવામાં આવે છે. એમાં જવાબદારી કરતાં સ્વપ્રચાર કે સ્વપ્રતિષ્ઠાની બાબત મુખ્ય હોય છે.

શુદ્ધ સંવાદની તૈયારીને અભાવે વિશ્વના અનેક દેશોમાં 'મહાન'માં ખપવાની તરસ હોય છે. એટલે મિત્ર દેશો અને શત્રુદેશો એવા ભાગલા પડી જતાં હોય છે. મિત્ર દેશનાં વખાણ અને શત્રુદેશની બદનામી સર્જાતાં યુદ્ધનાં નગારાં વાગે છે. વિશ્વ દેશોની ભાવના વિશ્વકલ્યાણને વરેલી હોવી જોઇએ તેને બદલે અહંકાર અને જિદ પર અવલંબિત રહે છે. જો વિશ્વનાં દેશો શુદ્ધ સંવાદિતા દાખવી શક્યાં હોત તો લાખ્ખો-કરોડોમાં થતી મનુષ્ય વધની ઘટનાઓ નિવારી શકાઈ હોત.

સમાજ સુધારાનું ક્ષેત્ર પણ વિવાદાસ્પદ રહ્યું છે. 'પ્રબંધ પ્રતિમા'માં કવિ સૂર્યકાન્ત ત્રિપાઠી (નિરાલાજીએ) એક મહત્વની ટકોર કરી છે. તદનુસાર ''સુધાર તો બહુ દુરની વાત  પહેલાં માણસને માણસ બનાવો ત્યારે જ સુધારો થશે.'' સ્વામી રામતીર્થે એક મહત્વની વાત કરી છે (રોમ હૃદયમાં)તદનુસાર

''આવશ્યકતા હૈ,

કિનકી

સુધારકોં કી નહીં -

દૂસરોં કો સુધારને વાલોં કી નહીં,

કિન્તુ આપકો સુધારને વાલોં કી.''

આપણે જગનિંદક હોવાનો વણલખ્યો અધિકાર ભોગીએ છીએ, તેને બદલે જગ પ્રશંસકનો માર્ગ અપનાવીએ તો વિશ્વનો ચહેરો બદલાઈ જાય.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ જો તમે જગતનો ઉપકાર કરવા ઇચ્છતા હો તો જગત પર દોષારોપણ કરવાનું છોડી દો. જગત દુબળુ છે તેને વધુ દુર્બળ ન બનાવો.

અહીં એક પ્રસંગ ટાંકવાની ઇચ્છા થાય છે. વર્ષો પહેલા એક રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી એક માણસ પસાર થઇ રહ્યો હતો. એને એક વેઇટર બોય અથડાયો. કપડાં બગડયાં નહી પણ ચા ઢળી ગઈ. પેલા માણસે જોયું છોકરાની આંખમાં આંસુ હતા. તે રડતાં રડતાં ક્ષમા પ્રાર્થના કરી રહ્યો હતો.

પેલા માણસે જોયું એ છોકરો ધુ્રસકે-ધુ્રસકે રડી રહ્યો હતો. કારણ પૂછતાં જાણવા મળ્યું કે એ બાળકની માતાનું અવસાન થયું છે. પણ એને સ્ટોલવાળો રજા આપતો નથી ! પેલા દયાળુ માણસે સ્ટોલવાળાને કારણ પૂછ્યું. એણે જણાવ્યું કે ટ્રેઇન આવવાની હજી વાર છે. એક કલાક પછી રજા આપીશ.

પેલા માણસે કહ્યું : ટ્રેઇન આવે તમને કેટલો વકરો થાત ? એણે કહ્યું : પાંચસો રૂપિયા. પેલા કરુણાશીલ માણસે સ્ટોલવાળાને રૂપીયા પાંચસો આપી બાળકને ઘેર જવા મુક્ત કરાવ્યો.

શબ્દોમાં સુગંધ છે અને એના દુરુપયોગમાં દુર્ગંધ. શબ્દો માણસને ઠારવા માટે છો બાળવા કે દઝાડવા માટે નહીં.

માણસે સંસ્કારી દેખાવું છે, પણ સંસ્કારી બનવું નથી. સંસ્કારી બનવા માટે અહંકાર શૂન્ય, વિનમ્ર વિનયીશીલ, નિરાભિમાની, પરોપકારી અને આત્મદર્શી બનવું પડે. ઉત્તમ વક્તા બનવા માટે ઉત્તમ શ્રોતા બનવું પડે. પરંતુ માણસને મોટાઈ ખપે છે. મોટા દેખાવું છે પણ વાણી, વર્તન, વ્યવહાર વગેરેમાં શાલીનતા દેખાડવી નથી. દુરાગ્રહી અને હઠીલા લોકોને ઉપદેશ આપવો એ સાપને દુગ્ધપાન કરાવ્યા બરાબર છે.

શાસ્ત્રકારો કહે છે : અમને ચાર દિશાઓથી શુભવિચારો પ્રાપ્ત થાઓ કારણ કે શુદ્ધચિંતનમાં જ વિશ્વનું કલ્યાણ સમાએલું છે.

માણસ તનની સુંદરતાની જેટલી માવજત કરે છે એનાથી અડધી માવજત પણ જો મનની પરિશુદ્ધિ માટે કરતો હોત તો જગત સુખી થઇ જાત? પણ વો 'દિન કહાં'. માણસ વિવાદશૂરો પણ સંવાદમાં સાવ અધૂરો છે એ આ જગતની કરુણતા છે.


Google NewsGoogle News