Get The App

સેલ્ફી પોઈન્ટ બન્યો ઘોસ્ટ-પોઈન્ટ! .

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
સેલ્ફી પોઈન્ટ બન્યો ઘોસ્ટ-પોઈન્ટ!                                 . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- જે હોય તે, સોનેગાંવના લોકો તો હજી માનતા હતા કે ખીણની ધાર ઉપર કોઈ ભૂત તો છે જ!

છે લ્લા એક મહિનામાં આ ત્રીજી ઘટના હતી. સોનેગાંવ પાસે આવેલા એક સુંદર રમણિય ધોધ સામેની ઊંચી ટેકરી ઉપરથી સેલ્ફી લેવા જતાં ત્રણ ત્રણ જણા ઊંડી ખીણમાં ગબડીને મૃત્યુ પામ્યા હતા !

સોનેગાંવમાં એવી વાતો ચાલી રહી હતી કે ત્યાં ઊંચી ટોચ ઉપર જરૂર કોઈ ભૂત છે. કોઈ પ્રેતાત્મા છે, જે સેલ્ફી લેનારને ભેદી રીતે આકર્ષે છે ! વાતો તો એવી ઊડી રહી હતી કે જેવું કોઈ સેલ્ફી લેવા માટે મોબાઈલનો કેમેરો ઊંચો કરે છે કે તરત જ કેમેરામાં દેખાતું દૃશ્ય જાણે વશીકરણ કરતું હોય તેમ મોબાઈલમાં અદ્ભૂત રંગો છવાવા માંડે છે !

એમાંય જો તમે જેમ જેમ ટેકરીની ધારા ઉપર જતા જાવ તેમ તેમ તો મોબાઈલનો સ્ક્રીનમાં તમારો પોતાનો ચહેરો પણ હદથી વધારે ખુબસુરત લાગવા લાગે છે તમારી ઉપર એવું કંઈક હિપ્નોટિઝમ થાય કે તમે ખીણ તરફ જાતે જ ખેંચાતા જાવ ! અને હકીકતમાં આવો એક ભેદી અનુભવ એક છોકરીને થયો હતો. તે પોતે તો બચી ગઈ હતી. પણ તેણે આ એક્સપિરીયન્સ સોશિયલ મિડિયામાં શેર કર્યો પછી અહીં આવતા ટુરિસ્ટોની સંખ્યા બમણી થઈ ગઈ ! લોકોને જોવું હતું કે આવું ખરેખર થાય છે કે નહીં !

આમાંને આમાં વધુ ત્રણ છોકરીઓ મરતાં મરતાં બચી હતી ! ખીણની ધાર પાસે જતાં પગ લપસી ગયો. પણ શી ખબર કોઈ ગેબી કારણસર એમનું સંમોહન તૂટી ગયું અને એ છોકરીઓ બચી ગઈ હતી !

સોનેગાંવનો હિંમતસિંહ શરૂઆતમાં પેલી ભૂતની અફવાને માનતો નહોતો પણ એક પછી એક જે ઘટનાઓ બનતી ગઈ એ જોતાં એ પણ માનતો થઈ ગયો કે સોનેગાંવના ધોધમાં જરૂર કોઈ ભૂતનો વાસ છે.

બીજી બાજુ ગ્રામ પંચાયતમાં ફરિયાદો જતાં ગામના સરપંચે સરકારને અરજી કરી કે આનું કંઈક કરો. જો કે સરકારે માત્ર એટલું જ કર્યું કે ટેકરીના છેડે ચાર ચાર ફૂટ છોડીને એક લોખંડની રેલિંગ લગાડી દીધી. બાજુમાં ડેન્જર ઝોન એવું પાટિયું મારીને અંગ્રેજીમાં કંઈક સૂચનાઓ લખી દીધી.

હિંમતસિંહ આ બધું જોઈને વિચારતોઓ કે માત્ર પાટિયું મારવાથી કંઈ ભૂત થોડું કાબૂમાં આવી જશે ? એની વાત સાચી પણ પડી ! કેમકે હવે તો પેલા 'ઇન્ફ્લુએન્સર' કહેવાયને, એવા લોકો અહીં આવી આવીને વિડીયો ઉતારવા લાગ્યા હતા. ગામના લોકો કહેતા હતા કે શહેરી જુવાનિયાઓને આવું બધું કરવાથી મોબાઈલમાં રૂપિયા જમા થતા હોય છે ! આ નવી જાતની કમાણી છે !

લોખંડની રેલિંગ બાંધવાને કારણે શહેરથી આવનારા જુવાનિયાઓ માત્ર બે દિવસ જરા સાવધાન રહ્યા. ત્રીજા દિવસથી શહેરી યુવક યુવતીઓ પોતે કેવા બહાદુર છે. એ બતાડવા માટે રીતસર રેલિંગ ઓળંગીને ખીણની ધાર સુધી જઈ જઈને વિડીયો બનાવવા લાગ્યા હતાં.

હિંમતસિંહ જોતો હતો કે આ શહેરી છોકરા છોકરીઓની પાસે લાંબી દાંડી જેવું કંઈક હોય છે. તેમાં એ લોકો મોબાઈલ ફસાવે છે અને પછી ઊંચા અવાજે, જાતભાતના ચાળા કરતાં કરતાં એ લોકો એ દાંડી સાથે વાત કરતાં હોય છે ! હિંમત સિંહને થતું હતું કે સાલું. પેલું ભૂત હવે દાંડીની ધાર પર આવીને બેસી જતું લાગે છે ! નહિતર સાવ ડાહયા ડમરા લાગતા શહેરી જુવાનિયાં આમ સ્ટીલની દાંડી જોડે ગાંડાની માફક શા માટે વાતો કરતા હશે ?

જે હોય તે, સોનેગાંવના લોકો તો હજી માનતા હતા કે ખીણની ધાર ઉપર કોઈ ભૂત તો છે જ ! લોખંડની રેલિંગ બાંધ્યા પછી હજી માંડ પંદર દિવસ થયા હશે ત્યાં એક બહુ ફેમસ છોકરી રેલિંગ ઓળંગીને ગઈ અને પાછળ ખસવા જતાં એનો પગ લપસ્યો ! બીજી જ સેકેન્ડે તે ખીણમાં પડીને ત્યાં વહેતા પ્રચંડ પ્રવાહમાં તણાઈને ગાયબ થઈ ગઈ.

ગામલોકો ફરી એ જ વાત કરવા લાગ્યા. 'જોયું ? ખીણનું ભૂત હજી ભોગ માગે છે ! જોકે હિંમતસિંહને થતું હતું કે આનો કંઈક તો ઉપાય હોવા જોઈએ. આખરે એને એક ઉકેલ મળી ગયો.' હિંમતસિંહ પોતે એક સુથાર હતો. ઉપરથી એ બહુ બાહોશ પર્વતખેડુ હતો. 

તેણે સૌથી પહેલાં તો દોરડાંનો એક ઝૂલો બનાવ્યો. પછી એ ઝૂલા વડે લટકીને ખીણના પેલા પોઈન્ટની નીચેના ભાગમાં રહેલા ખડકોમાં મોટાં મોટાં બાકોરા પાડયાં. ત્યારબાદ એ બાકોરામાં મજબૂત લાકડાનાં ડંડા ખોસીને તેની ઉપર દોરડાં વડે બનાવેલી મોટી જાળ પાથરીને મજબૂત રીતે બાંધી દીધી.

હવે ભૂલથી પણ કોઈ ટુરિસ્ટ ખીણની ધાર પરથી પડે તો એ નીચે ગોઠવેલી દોરડાની જાળીમાં જઈને પડશે અને બચી જશે ! હિંમતસિંહે આ 'બચાવ-જાળી' ફીટ કરી એના ત્રીજા જ દિવસે કોઈ શહેરી યુવાને એનો જોરદાર વિડીયો બનાવીને ફરતો કરી દીધો.

એનું જોઈને હવે બીજા જુવાનિયાઓ અહીં સોનગાંવની ખીણ પાસે આવવા લાગ્યા. એમાંથી એકાદ જણે હિંમતસિંહને શોધીને તેનો ઇન્ટરવ્યુ લીધો ! એ ઇન્ટરવ્યૂ વાયરલ થતાં જ સોનેગાંવની આ જગ્યા ડબલ ફેમસ થઈ ગઈ !

હવે કોઈ અકસ્માત થતો નહોતો. ભૂલેચૂકે થાય તો પણ હિંમતસિંહની 'સેફટી-નેટ'માં પડવાથી તેને હેમખેમ ઉગારી શકાતું હતું. હિંમતસિંહ હવે ગામમાં છાતી ફલાવીને ફરતો અને કહેતો કે 'જોયું ? કોઈ ભૂત-બૂત નથી !'

પરંતુ એકાદ મહિના પછી વિચિત્ર ઘટના બની. એક યુવાને વિડીયો બનાવતાં બનાવતાં ખીણની ધાર પરથી કૂદકો માર્યો ! એ બચી તો ગયો, પણ પોતાનું રેસ્ક્યું થયું ત્યાં સુધી એ ફેસબુકમાં 'લાઈવ' હતો ! એ છોકરો તો રાતોરાત સેલિબ્રિટી બની ગયો !

બસ, એ પછીના અઠવાડીયે ફરી એક ખતરનાક ઘટના બની. આ વખતે એક સામટાં ચાર જણા- બે છોકરા અને બે છોકરીઓ- જબરદસ્ત, સ્ટનિંગ અને શોકિંગ વિડિયો બનાવવા માટે એકસાથે લાઈવ જવા માટે કૂદી પડયા. અને પેલી રેસ્ક્યુ નેટ તૂટી ગઇ !

સોનેગાંવમાં ફરી વાત ફેલાઈ ગઈ કે ભૂત હજી ગયું નથી ! એ તો હજી ભોગ માગે જ છે ! પરંતુ હિંમતસિંહ સમજી ગયો હતો કે ભૂત પેલી ખીણની ધારમાં નહીં પરંતુ પેલા મોબાઈલોમાં જ હતું.


Google NewsGoogle News