અહીં બાળકો માથે ટોપલો લઈને ટેબ્લેટ-કેપ્સ્યુલ વેચવા નીકળે છે
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
એ ક સમયે જ્યાં ફ્રેન્ચ વસાહત હતી તે, વેસ્ટ આફ્રિકન દેશોના સૌથી સધ્ધર એવા આઇવરી કોસ્ટ પ્રદેશમાં લોકોનું જીવનધોરણ એટલું નીચું ઊતરી ગયું છે કે નિશાળમાં ભણવાની ઉંમરના બાળકો રસ્તા પર બે પૈસા કમાવા નીકળી પડે છે. આ વિસ્તારમાં પેઇનકિલર્સ અને અન્ય દવાઓની એટલી માંગ ઊભી થઈ છે કે જાણે તે ખોરાક અને પાણી જેવી જીવનજરૂરિયાતની વસ્તુ હોય. બાળકો માથા પર રંગબેરંગી ટેબ્લેટ-કેપ્સ્યુલનો ટોપલો લઈને વેચવા નીકળે છે. કમ સે કમ એક દિવસની બે ટંકની કમાણી થાય તો પણ તેના માટે બસ છે.
કામકાજના કલાકો બગાડવામાં શરદી પછી બીજા ક્રમે આઇબીએસનો નંબર આવે
કામકાજના કલાકો બગાડવામાં શરદી બાદ આઇબીએસ (ઇરિટેબલ બોવલ સિન્ડ્રમ) બીજા નંબરે આવે છે. તબીબો માને છે કે આ સમસ્યા શારીરિક કરતાં માનસિક વધુ છે. જે લોકો ચિંતા, તાણ અને માનસિક અસ્વસ્થતા હેઠળ રહે છે એમને આ તકલીફ વધુ થાય છે. આઇબીએસના ઉપાય તરીકે ડૉક્ટરો કહે છે કે સવાર અને રાતનું જમવાનું દરરોજ નિયમિત સમયે લેવું જાઇએ. દરરોજ એક જ સમયે જમવાથી આંતરડાની પ્રક્રિયાનું નિયમન થાય છે. જમવાનું ચૂકવું પણ ન જાઇએ અને સાથોસાથ વધુપડતું પણ ખાવું ન જાઇએ. ખોરાકમાં રેસાવાળા પદાર્થો (ફાઇબર) વધારવા જાઇએ. દરરોજ ૨૦ થી ૩૦ ગ્રામ ફાઇબર પેટમાં જવું જાઇએ. ધીમે ધીમે એનું પ્રમાણ વધારવું જાઇએ. તાજાં ફળો અને કાચા શાકભાજીમાંથી એ વધુ મળે. આઇબીએસવાળાઓએ પાણી ખૂબ પીવું જરૂરી છે. એને કારણે મળ સહેલાઇથી ઉતરે છે. દરરોજ આઠ ગ્લાસ પાણી પીવું જાઇએ. આમાં કોલ્ડ ડ્રિન્ક્સને ગણતરીમાં લેવાનું નથી. જે ખોરાક તમારા આંતરડાને માફક આવતો ન હોય એને ઓળખીને તમારે એ ખાવાથી દૂર રહેવું જોઇએ.
લૂ લાગે ત્યારે શું થાય છે?
ગરમીની મોસમમાં જો તમારા શરીરમાં ઉષ્ણતાનું આપોઆપ નિયમન થઈ ન શકે તો તમને લૂ લાગી છે એવું કહેવાય. આપણું શરીર પાણીના બાષ્પીભવનના નિયમને આધારે કુદરતી રીતે ઠંડું રહે છે. શરીરનું ઉષ્ણતામાન વધે તેમ શરીર પરસેવા દ્વારા એની સામે પ્રતિક્રિયા બતાવે. જ્યારે એ પરસેવાનું બાષ્પીભવન થઈ જાય ત્યારે શરીર ઠંડું પડે છે. હવામાનમાં ભેજના પ્રમાણના આધારે પરસેવાનું ધીમું કે ઝડપથી બાષ્પીભવન થાય છે. સૂકી હવામાં પરસેવાનું આસાનીથી બાષ્પીભવન થાય છે તેથી શરીર પણ ઝડપથી ઠંડું થાય છે, પણ બહુ ભેજવાળી હવામાં પરસેવાનું ઝડપથી બાષ્પીભવન થતું નથી. એવી રીતે, અત્યંત ગરમ આબોહવામાં પણ શરીર કુદરતી રીતે ઠંડું પડતું નથી. એવી પરિસ્થિતિમાં હવાનું પરિભ્રમણ બરાબર હોતું નથી. એટલે પરસેવાનું બાષ્પીભવન થતું નથી. જો તમારો પરસેવો તમારા શરીરને ઠંડું રાખવામાં નિષ્ફળ જાય તો શરીરમાનું ઉષ્ણતામાન ઝડપથી વધે છે અને એને કારણે ગરમી સંબંધિત રોગો થાય છે. ગરમીમાં જો પૂરતી કાળજી ન લેવાય તો લૂ લાગી જાય છે અને તેને કારણે ડીહાઇડ્રેશન થઈ જાય છે. એમાં ક્યારેક વ્યક્તિને મૂર્છા આવી જાય છે. વધુપડતી કસરત કર્યા બાદ કે વધુપડતો શ્રમ કર્યા બાદ પણ શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે, તથા પાણી અને મીઠાંનું પ્રમાણ ખૂબ ઘટી જાય તો શરીર ખેંચાવા લાગે છે. સખત લૂ લાગવાથી માથામાં ઓચિંતો દુખાવો થાય છે, ઉપરાછાપરી ઊલટીઓ થાય, ચક્કર આવે છે, શરીરમાં મબળાઈ લાગે છે. ઘણી વખત વ્યક્તિનું હૃદય, ફેફસાં, કિડની કે મગજ બંધ પડી જવાનું પણ જાખમ રહે છે. નાનાં બાળકો, વૃદ્ધો તથા માંદા લોકોને લૂ લાગવાની શક્યતા વધુ રહે છે. એવી જ રીતે, ચરબીવાળા શરીરમાં પણ ગરમી વધુ હોય છે. લૂ લાગવાથી ચામડીના રોગ થાય છે જેને કારણે તમારા શરીરમાં પરસેવો થવાની પ્રક્રિયા ખોરવાઈ જાય છે.
ભાષાંતર અને ભાષાને કારણે જાહેરાતોમાં થતા છબરડા
અમેરિકાની એક ટી-શર્ટ બનાવતી કંપનીએ સ્પેનની બજારમાં પોતાનાં ટી-શર્ટ વેચવા મૂક્યાં અને
તેના પર એક ફેન્સી સ્લોગન મૂકયું - ''આઈ સો ધ પોપ'' (એલ પાપા=પોપ). મતલબ કે મેં પોપને જોયા. પણ એ ટી-શર્ટ પર સ્પેનિશમાં લખાણ કરવામાં આવ્યું ત્યારે તેનો અંગ્રેજી અર્થ એવો થતો હતો કે ''આઈ સો ધ પોટેટો'' (લા પાપા=પોટેટો). મતલબ કે મેં બટાટું જોયું. પેપ્સીએ ચીનમાં પોતાની દુકાનો શરૂ કરી ત્યારે તેનું અમેરિકન સૂત્ર પણ ચીની ભાષામાં ચલણમાં મૂકવાનું તેણે નક્કી કર્યું. અંગ્રેજી સ્લોગન છે; ''કમ અલાઈવ વિથ ધ પેપ્સી જનરેશન.'' પેપ્સીયુગમાં મસ્ત બનો એવો તેનો ભાવાનુવાદ થાય. પણ ચીનમાં જે છપાયું તેનો અર્થ થતો હતો, ''પેપ્સી તમારા પૂર્વજોને પણ કબરમાંથી પાછા લઈ આવે છે.'' ચીનમાં કોકા-કોલાની પણ એ જ દશા થઈ હતી. ચીનની ભાષા લખવામાં અને બોલવામાં દુનિયાની સૌથી અઘરી ભાષા છે. ચીનમાં કોકા-કોલાને શરૂઆતમાં 'કેકૌકેલા' તરીકે લોકો ઓળખતા હતા. પણ ચીનીમાં તેનો અર્થ થતો હતો કે, 'દેડકાનાં મૂંડકાં આરોગો.' ચીનમાં અનેક બોલીઓ છે. બીજી એક બોલીમાં તેનો અર્થ થતો હતો, 'મીણથી ભરેલી ઘોડી.' આથી કોકા-કોલાએ ચીની ભાષાની ૪૦ હજાર સંજ્ઞાની બનેલી ચિત્રલિપિનો અભ્યાસ કરીને કોકા-કોલાને મળતો આવે તેવો શબ્દ શોધી કાઢયો - ''કોકૌકોલે.'' તેનો અર્થ થાય છે, ''મુખમાં આનંદ.'' કોલગેટ કંપનીએ ફ્રાન્સમાં ક્યુ (ભેી) નામની ટૂથપેસ્ટ લોન્ચ કરી ત્યારે ખબર પડી કે ફ્રાન્સના એક અશ્લીલ મેગેઝિનનું નામ પણ ક્યુ (ભેી) છે. ફ્રેન્ક પરડયુ નામની અમેરિકન કંપનીએ સ્પેનમાં ચિકન પ્રોડક્ટ્સ લોન્ચ કરી ત્યારે પણ વાતનું વતેસર થઈ ગયું હતું. અંગ્રેજીમાં સ્લોગન હતું, ''ઇટ ટેઇક્સ અ સ્ટ્રોન્ગ મેન / ટુ મેઇક અ ટેન્ડર ચિકન'' (મુલાયમ ચિકન બનાવવા માટે મજબૂત માણસની જરૂર પડે છે). સ્પેનિશમાં જે તરજુમો થયો તેનો અર્થ હતો, 'ચિકનને ભાવવિભોર અને વિહ્વળ બનાવવા માટે એક ઉત્તેજિત માણસની જરૂર પડે છે.''
વિજયનગરની નવલી નવરાત્રી ઉજવણી કઈ રીતે શરૂ થઈ?
ચૌદમી સદી એ દક્ષિણ ભારત માટે મુશ્કેલીનો સમય હતો. મુસ્લિમોનાં આક્રમણો વધી ગયા હતા. પંડયાઓ અને હોયશાલાઓના રાજવંશો મુસ્લિમ આક્રમણો સામે ખપી ગયા હતા. એ વખતે સંગમ વંશના હરિહર અને બુક્કા નામના બે ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. હરિહર બીજા (૧૩૭૬-૧૪૦૪) એ તમામ શત્રુઓને હરાવીને ચાર સમુદ્રના અધિપતિનો ખિતાબ મેળવ્યો હતો. વિજયનગર રાજ્ય ઉત્તરમાં કૃષ્ણા નદીથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી અને અરબી સમુદ્રથી માંડીને પૂર્વમાં બંગાળના ઉપસાગર સુધી ફેલાયેલું હતું. આમ છતાં આ સરહદોને અકબંધ રાખવા માટે બહમાની રાજ્ય અને દક્ષિણના સુલતાનો સામે યુદ્ધો ચાલતા રહેતાં હતાં. લોકોને એકસૂત્રમાં બાંધી રાખવા માટે નવરાત્રી અને વિજયાદશમીને રાજ્યના તહેવારો તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. દંતકથા મુજબ નવરાત્રી ઉત્સવનું પ્રથમ વાર રાજગુરુ વિદ્યારણ્ય દ્વારા પૂજન થયું હતું. એમણે દુર્ગામાતાના રૂપમાં દેવી ભુવનેશ્વરીને વિજયાનગરના બંને ભાઈઓ પર આશીર્વાદ વરસાવવા આહ્વાન આપ્યું હતું. વિજયનગર શહેરનો પાયો નખાયો તે પહેલાં ત્યાં દુર્ગામાતાનું મંદિર હતું. તેના માનમાં દરવરસે મેળો યોજાતો હતો. રાજા હરિહરે ૧૩૪૬માં ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો અને આ મહોત્સવના પગલે દરવરસે નવરાત્રી અને વિજયાદશમીના તહેવારો મોટા પાયે ઊજવવાનો ચાલ શરૂ થયો હતો એમ પણ મનાય છે. વિજયનગર મહારાજ્યના સૂબેદારો અને જાગીરદારો આ દિવસોમાં વિજયનગરમાં એકઠા થતા અને મહારાજને ભોગ, સોગાદ અને નજરાણું ધરતા હતા.