Get The App

જીવનમાં પ્રસન્નતાનું મહત્ત્વ .

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
જીવનમાં પ્રસન્નતાનું મહત્ત્વ                                      . 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- અંદરથી પ્રસન્ન રહેવા માટેના અગિયાર માર્ગો કયા?

મા ણસ આ ધરતી પર જન્મ્યો છે. ખુશ થવા અને ખુશ રહેવા એણે માત્ર આનંદિત નથી થવું પણ પ્રસન્ન થવું છે. આનંદનું મોજું તો આવે અને શમી જાય, પણ પ્રસન્નતા માનવીને કાયમી સાથ આપે છે એટલે જ શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે પામ્યો પ્રસન્નતા તેનાં સૌ દુ:ખ નાશ પામતાં

* અંદરથી પ્રસન્ન રહેવાના અગિયાર માર્ગો કયા કયા ?

૧. મનની શાન્તિ

૨. અંત:કરણની પવિત્રતા

૩. તૃષ્ણાઓ અને અપેક્ષાઓનું નિયમન

૪. જીવન પ્રત્યેનો ઉદ્દાત દ્રષ્ટિકોણ

૫. નિસ્વાર્થ પ્રેમ અને સેવાભાવ

૬. પરોપકારની ભાવના

૭. ઉદાત્ત અને નિર્મળ ચારિત્ર્ય

૮. અહિંસા, વેરવૃત્તિનો અભાવ, નિખાલસતા

૯. પ્રશંસા કે પુરસ્કારની અપેક્ષાનો અભાવ

૧૦. ક્ષમાભાવ, નમ્રતા

૧૧. સહિષ્ણુતા, ધૈર્ય અને બદલો લેવાની ભાવના રહિતનું શુદ્ધ મન.

આ યાદી સંપૂર્ણ નથી. એમાં ઘણું બધું ઉમેરી શકાય.

હકીકતમાં આપણે સુખ-દુ:ખની પળોને જીવનની વાસ્તવિક્તારૂપે જોવી જોઇએ. મોં પર દિલગીરીની છાયા લઇને જીવવું એ જીવવાની ખરાબ અને અનુચિત રીત છે. આપણા રોજ-બરોજના જીવનને પ્રસન્નતાથી છલકાતું મલકાતું બનાવવાનું રસાયણ આપણી પાસે જ છે. જીવન સાથી કર્કશ અને કઠોર હોય, પુત્ર કે પુત્રી ઉધ્ધત હોય, 'બોસ' અભિમાનનું પૂતળું હોય, મિત્રો પ્રપંચી નીવડે, સ્નેહીઓ સ્વજનો પ્રવંચક સાબિત થાય, દૈવ વક્ર થયાનો અનુભવ થતો હોય, જીવનના સઘળા પાસા અવળા પડતા હોય ત્યારે પણ આપણે ભયભીત કે નિરાશ થવાને બદલે સ્મિત રેલાવીને હળવાશ અનુભવતાં આપણને કોણ રોકે છે ? આપણે બહારના દુષ્પ્રભાવોને ઝીલવાનું 'રિસિવિંગ સેન્ટર' નથી.

સ્વ. કવિ રાજેન્દ્ર શાહની પંક્તિઓ યાદ કરીએ -

'ભાઈ રે ! આપણા દુ:ખનું કેટલું જોર ?

આપણે ના કાંઈ રંક

ભર્યો - ભર્યો માંહ્યલો

કોશ અપાર !

આવવું હોય તેને

આવવા દો

મૂલવશું નિર્ધાર,

ભાઈ રે ! આપણા દુ:ખનું

કેટલું જોર ?'

સાનફ્રાન્સિસ્કોમાં રહેતી એક બાઈનો દાખલો 'ઉલ્લાસ મંગલ'માં ટાંકવામાં આવ્યો છે. એ બાઈની આર્થિક સ્થિતિ ચિંતાજનક હતી. એક સાંધે અને ત્રણ તૂટે એવી. મુશ્કેલીઓના કારણે તેનો ચહેરો અત્યંત ગંભીર બની ગયો હતો.

આ બાઈએ જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાનું મનોમન નક્કી કર્યું. એણે નક્કી કર્યું કે ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ એ પ્રસન્ન અને હસતી રહેશે. શરૂઆતમાં તે નાની-નાની બાબતોમાં હસતી. પછી તો હાસ્ય તેના જીવનનો એક ભાગ બનાવી દીધો. મળનાર બધા સાથે ઉમળકા અને પ્રસન્નતાસભર વર્તન દાખવતી. લોકો તેના વર્તનથી ખૂબ જ ખુશ થઇ ગયા અને એનું ઘર પ્રસન્નતાની 'ક્લબ' બની ગયું. લોકોએ એ બાઈના મકાનનું નામ રાખ્યું 'આનંદ ભવન'.

આવો જ બીજો એક દાખલો 'ઉલ્લાસ મંગલ'માં ટાંકવામાં આવ્યો છે.

એક માણસની પત્ની પરિવારનાં ઘરકામોમાં એટલી બધી ગળાડૂબ રહેતી કે કામના બોજા હેઠળ તેનું હાસ્ય વિલોપાઇ ગયું હતું. એના પતિને પણ એ વાતનું દુ:ખ હતું કે તે પોતે તેને ઘરકામમાં ઉપયોગી નહોતો થઇ શક્તો. એને લાગ્યું કે મારી પત્નીનો કંટાળો, બળાપો અને વ્યગ્રતા દૂર કરવાનો રામબાણ ઇલાજ છે હાસ્ય. જો મારી પત્ની દિવસમાં ત્રણ વાર મનભર હસી શકે તો તેનું મન હળવું થઇ જાય.એટલે એ માણસે એક સવારે પત્ની સમક્ષ પ્રસ્તાવ મૂક્યો : 'જો તારા માટે આજે એક સરસ મજાનું પુસ્તક લાવવાનો છું. શરત એ કે તારે દિવસમાં ત્રણ વાર મુક્ત હાસ્ય રેલાવાનું. પુસ્તક આપ્યાને પાંચ છ દિવસ નકામા ગયા. છઠ્ઠા દિવસે પત્નીએ પતિએ આપેલું પુસ્તક વાંચ્યું અને તેને આનંદ થયો. પછી તો તેને હસવાની ટેવ પડી ગઈ. એને કારણે બાળકો અને પડોશીઓ પણ ખુશ રહેતાં આમ આખું વાતાવરણ હાસ્ય અને પ્રસન્નતાએ ઉલ્લાસમય બનાવી દીધું. દુનિયામાં દરેક અનિષ્ટનું કોઇને કોઈ નિવારણ તો હોય છે અને તે નિવારણ આપણે શોધી કાઢી પ્રસન્ન રહેવાની કળા હસ્તગત કરી લેવી જોઇએ. માણસ ક્યારેક દુનિયાનો યાચક બને છે તો ક્યારેક પરમેશ્વરનો. એની દ્વિધામાં એ પોતાનાથી અળગો રહે છે. માગવું હોય તો આપણી જાત પાસે માગીએ. આપણાથી મોટો દાતા કોણ ? આત્મશ્રધ્ધાથી મોટો કોઈ મદદગાર તમને ક્યાંથી મળવાનો હતો ? જે ચીજ આપણે પોતાની જાત પાસે માગી શકીએ એ જગત અને જગદીશ પાસે શા માટે માગીએ? 

એટલે ઇશ્વરને નહીં, પોતાની જાતને રાજી અને પ્રસન્ન રાખવાની જરૂર છે.'

પ્રસન્નતાપૂર્વક અર્થાત્ દુ:ખ અને ચિંતા વગરના જીવન માટે ચિંતક મીરદાદે પાંચ સૂત્રો આપ્યાં છે :

૧. જાણે તમારો દરેક વિચાર, આકાશના તેજસ્વી પટ પર સ્પષ્ટ રીતે અંકાતો હોઈ પૃથ્વીની દરેક ચીજ તેમજ વ્યક્તિ આ બધું જોઈ શકે છે. એ યાદ રાખીને જ વિચાર કરજો. હકીકતમાં આ વાત સાચી છે.

૨. જાણે આખી દુનિયાના કાન એક જ હોય અને તમે બોલો છો તે દરેકે દરેક શબ્દ દરેક વ્યક્તિને સંભળાય છે. એમ જાણીને જ શબ્દો બોલજો - આ હકીકત સાવ સાચી છે.

૩. તમે કરો છો, તે કામનો પ્રત્યાઘાત તમારા માથા પર થવાનો જ છે, એમ સમજી કામ કરજો - હકીકતે આ વાત સાચી છે.

૪. ભગવાનને પોતાનું કામ કરવા માટે તમારી જરૂર છે, હકીકતમાં એને આવી જરૂર છે જ.

૫. તમે જાણે સત સંકલ્પ કરો છો તે રીતે બરાબર સંકલ્પ કરજો - હકીકતે આ વાત સાચી છે.

નૂતન વર્ષે સૌને અભિનંદન પાઠવી ભગવાનને પ્રાર્થના કરીએ કે 'સહુનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ.'


Google NewsGoogle News