વો અફસાના જિસે અંજામ તક...
- રજનીગંધા-વિભાવરી વર્મા
- ધનવાન છોકરીઓનો સાદગી માટે ઉભરાતો પ્રેમ પરપોટા જેવો જ હોય છે
'ચલો ઈક બાર, ફિર સે અજનબી બન જાયે હમ દોનોં...'
આ ઓલ્ડ કલાસિક સોંગ વાગી રહ્યું હતું કોલેજના બેચ-મેટ્સની રિ-યુનિયન પાર્ટીમાં. આ વખતના રિ-યુનિયનની ખાસિયત એ હતી કે સૌએ પોતપોતાનાં સંતાનોને પણ લઈને અહીં આવવાનું હતું.
સિકસ્ટી પ્લસ થઈ ચૂકેલા, જુના જમાનાના કોલેજિયનો તો આ ગાયનની સાથે સેમી-રોમેન્ટીક બનીને ઝૂમી રહ્યા હતા પણ બીજી બાજુ ઈશાન અને ઈશિતા ઉપર આ ગાયનની જુદી જ અસર થઈ રહી હતી.
એ બન્ને પોતપોતાનાં મા-બાપ સાથે અહીં આવ્યાં ત્યારે એમની એકબીજા સાથેની ઓળખાણ 'અજનબી'ની જેમજ કરાઈ હતી ને ? ઈશાનની મમ્મી સાધનાજીએ કાંજીવરમ સાડીનો છેડો હાથ ઉપર સરખો કરતાં, અને કાંડા ઉપર પહેરેલી હાથીદાંતમાં મઢેલી સોનાની બંગડીઓ તરફ ધ્યાન ખેંચાય એ રીતે ઓળખાણ કરાવી હતી કે 'મીટ માય સન ઈશાન ! એ પરમ દિવસે જ યુરોપની બિઝનેસ ટુર પતાવીને આવ્યો ! મેં કીધું, યુ મસ્ટ કમ ટુ અવર, કોલેજ રિ-યુનિયન...'
સામે ઇશિતાના પિતાજી રવિન્દ્રજીએ નમસ્કારની મુદ્રામાં બે હાથ જોડતાં કહ્યું હતું કે 'હાસ્તો વળી ! ઈશાનને તો હું ઓળખું ને ? મારી બુક-શોપમાં એ જાતજાતની બુક્સ લેવા માટે આવતો હતો, પણ ઈશાન, તું મારી દીકરી ઈશિતાને કદાચ પહેલી વાર મળી રહ્યો હોઈશ. એ આજકાલ આંબેડકર યુનિવર્સિટીમાં સોશિયલ સ્ટડીઝની પ્રોફેસર છે.'
'વાઉ !' એમ ઘાટ્ટા કાજળ આંજેલી આંખો પહોળી કરીને ઇશાનની મમ્મીએ બનાવટી આશ્ચર્ય વત્તા અહોભાવ પ્રગટ કરેલાં.
એ પછી ઈશાન અને ઇશિતાએ એકબીજાને ફોર્મલ 'હાઈ' કર્યું. પછી બન્ને રીતસર, અત્યારે વાગી રહ્યું હતું એ ગાયનની જેમ જ 'અજનબી' બનીને એકબીજાથી દૂર ખસી ગયા હતા.
પણ બન્ને અજનબી તો હતા જ ક્યાં ? બન્ને કોલેજમાં સાથે ભણતા હતા. સાથે જ લાયબ્રેરીમાં જઈને દૂરના ખૂણામાં ભરાઈને ધીમા અવાજે કલાકો સુધી પુસ્તકોને ઢાલ બનાવીને વાતો કરતા રહેતા હતા. ઈશાનની કારમાં બેસીને ઈશિતા સાથે કલાકો સુધી લોંગ ડ્રાઇવ ઉપર નીકળી જતાં હતાં અને ક્યારેક ઈશિતા અને ઇશાન રીવર ફ્રન્ટના સામા છેડે, જ્યાં એકમાત્ર શીંગચણા વેચનારો ફેરિયો ઊભો રહેતો હતો ત્યાંથી પગથિયાં ઉતરીને પોતાનાં પગ પલળતા રાખીને, કલાકોનો સંગાથ માણતાં હતાં...
અત્યારે એ જ ઇશાન ખરેખર 'અજનબી' બનીને બીજા સિનિયર સિટીઝનોનાં સંતાનો સાથે સોફટ ડ્રીંક્સ પીતાં પીતાં વાતો કરી રહ્યો હતો. ઇશિતાને ખરેખર મનમાં ગુસ્સો આવી રહ્યો હતો...
'ન મૈં તુમ સે કોઈ ઉમ્મીદ રખું, દિલનવાઝી કી, ન તુમ મેરી તરફ દેખો, ગલત અંદાઝ નઝરોં સે...'
ગાયનના શબ્દો પરફેક્ટ રીતે મેચ થઈ રહ્યા હતા... હાસ્તો વળી ? ઈશાન પાસે હવે કોઈ 'દિલનવાઝી'ની ઉમ્મીદ રાખવાની જરૂર જ ક્યાં હતી ? અને 'ગલત અંદાઝ નઝર' ? એની પણ ક્યાં જરૂર હતી ? અત્યારે ઇશાનની નજરો જે રીતે સતત ઇશિતાને ટાળી રહી હતી એ 'અંદાઝ' જ સાચો હતો ને ?
અને ઇશાનની મમ્મી ? જાણે એ તો ઇશિતાને સાવ જાણતી જ ના હોય એમ જ વર્તી રહી હતી ને ! હકીકતમાં જ્યારે ઇશાને પોતાની મમ્મી આગળ પોતાના પ્રેમની જાહેરાત કરીને ઇશિતા વિશે કહ્યું હતું ત્યારે એ સાધનાજી, જે અતિશય ધનવાન અને હાઇ-સોસાઇટીનાં અગ્રણી મહિલા હતાં, તેમણે કહેલું 'ઈશાન, તું ક્યાં આવી મિડલ કલાસ છોકરીના ચક્કરમાં પડી ગયો ? આપણાં જેવાં ફેમિલીઝ માટે મેરેજ એ લવનો મામલો નહીં, બિઝનેસ-ડીલ હોય છે. તારાં લગ્ન કોઈ એવાં ફેમિલીમાં થશે જેના લીધે બન્ને ફેમિલીઝની બિઝનેસ વર્થમાં ડબલ વધારો થાય !'
પરંતુ ઇશિતાને ક્યાં ખબર હતી કે ગીતનાં જે આગળનાં શબ્દો હતા, તે તેના પિતાજીને લાગુ પડી રહ્યા હતા...
'ન મેરે દિલ કી ધડકન, લડખડાયે મેરી બાતોં સે, ન જાહિર હો તુમ્હારી કશ્મકશ કા રાઝ નજરોં સે...'
કેમકે અહીં આ પાર્ટીમાં ચહેરા ઉપર મેકઅપનો થર લગાવીને પરફેક્ટ સ્માઇલ સાથે ફરી રહેલાં ઇશાનનાં મમ્મી, સાધનાજી, એક જમાનામાં ઇશિતાના પપ્પા રવિન્દ્રજીની સાથે એક જ કોલેજમાં ભણતાં હતાં ! અને એમના વચ્ચે પણ એ જ આકર્ષણ હતું જે ઇશાન અને ઇશિતા વચ્ચે હતું.
તે વખતે રવિન્દ્રના પિતા રઘુશંકરજીએ રવિન્દ્રને સમજાવ્યો હતો: 'બેટા, પ્રેમ થઈ જવો એ ઉંમરની સાથે બની જતી કુદરતી પ્રક્રિયા છે. એમાં કશું ખોટું પણ નથી. પરંતુ જે છોકરી બાળપણથી યુવાની સુધી દોમદોમ સાહયબીમાં ઉછરી છે એ અહીં આવીને આપણા આ સાદા ઘરની સાદી જિંદગી જીવી શકશે ? ધનવાન છોકરીઓનો સાદગી માટે ઉભરાતો પ્રેમ પરપોટા જેવો જ હોય છે. એ પરપોટો ફૂટશે પછી શું ? અને તું એટલો સ્વમાની છે કે એના ઘરે ઘરજમાઈ બનીને તો રહેવાનો નથી ?'
બસ, એ દિવસે એ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. અહીં આજે, આ રિ-યુનિયન પાર્ટીમાં ઇશિતા અને ઇશાન વચ્ચે જે થોડાં અલ્પવિરામો બચ્યાં હતાં તેમાં પણ પૂર્ણવિરામ મુકાઈ રહ્યું હતું.
ફરક એટલો જ, કે તે વખતે રવિન્દ્ર જાણતો હતો કે પૂર્ણવિરામ મુકવામાં જ 'સમજદારી' છે. જ્યારે અત્યારે ઇશિતા માનતી હતી કે પૂર્ણવિરામ મુકવામાં ઇશાનની 'સેલ્ફીશનેસ' છે.
ગીત વાગતું રહ્યું... 'તારુફ રોગ હો જાયે તો ઉસ કો ભૂલના બહેતર, તાઆલ્લુક બોજ બન જાયે તો ઉસ કો તોડના અચ્છા...' શિષ્ટાચાર રોગ બની જાય તો એને ભૂલી જવું વધારે સારું છે અને સંબંધો બોજ બની જાય તો એને તોડી નાંખવામાં જ શાણપણ છે...
પાર્ટી પુરી થઈ ત્યારે છૂટા પડતાં પહેલાં ઈશાન અને ઇશિતાએ હાથ મિલાવીને એકબીજાને કહ્યું : 'નાઇસ ટુ મિટ યુ...'
ઘરે જતાં બન્નેનાં મનમાં ગીતની છેલ્લી પંક્તિ ગુંજી રહી હતી 'વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકીન, ઉસે ઈક ખુબસુરત મોડ દેકર છોડના અચ્છા...'