આરએસએસ વિશે બની રહેલી મેગા ફિલ્મનું શું થયું?

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
આરએસએસ વિશે બની રહેલી મેગા ફિલ્મનું શું થયું? 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

થોડા સમય પહેલા આર.એસ.એસ. (રાષ્ટ્રિય સેવક સંઘ) વિશેની એક મેગા ફિલ્મનુ આયોજન થયું હતું. 'બાહુબલી-૧' તેમ જ 'બાહુબલી-૨' ફિલ્મોની અદ્ભૂત સફળતા બાદ કેટલાક હિન્દુત્વવાદી નેતાઓએ 'બાહુબલી'ના ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીના પિતા વી. વિજયેન્દ્ર પ્રસાદનો સંપર્ક કર્યો હતો. 'બાહુબલી', 'બજંરગી ભાઈજાન'... જેવી ઘણી ફિલ્મો સાથે સંકળાયેલા વિજયેન્દ્ર પ્રસાદને આ ફિલ્મ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આર.એસ.એસ.ની વિચારધારા, કરેલા કામો ઉપરાંત ડૉ. હેડગેવાર, અમ.અસ. ગોલવલકર, વિર સાવરકર તેમજ મોહન ભાગવતની વાતો આ ફિલ્મમાં વણી લેવામાં આવવાની હતી, જેથી દેશની નવી પેઢી સાચો ઇતિહાસ જાણી શકે. આશરે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે આ ફલ્મિ બનાવવાનું નક્કી થયું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અજય દેવગણ જેવા મોટા સ્ટાર્સને પણ સાઇન કરવામાં આવ્યા હતા. આ ફિલ્મનું કામ કેટલે પહોંચ્યું એની ખબર પડી નથી.

ઇરાકના અલબસરીનો વિચિત્ર શોખ

જે સંશોધન મેડિકલ સાયન્સે કરવાની માથાકૂટ કરી નથી એવું ઇરાકના અબ્દુલ્લા અલ-બસરી નામના મહાશયે કર્યું છે. આ ભાઇને કંઈક વિચિત્ર શોખ જાગ્યો અને તેમણે એમની બંને આંખના ડોળાંને શક્ય એટલાં માથાની બહાર કાઢવાની 'કળા' શીખી લીધી. તેઓ એમની આંખની આસપાસના સ્નાયુઓને કન્ટ્રોલ કરીને ડોળાં બહાર કાઢી શકે છે. આવું થઈ શકે છે એવું જાણવાની આજ સુધી કોઇએ પરવા સુદ્ધાં કરી નહીં હોય ત્યારે અલ-બસરી એમની આ 'ટ્રિક' દેશવિદેશમાં બતાવી રહ્યા છે. જાર્ડનના પાટનગર અમાનના એક ક્લિનિકમાં તેમણે આ ચમત્કાર કરી બતાવ્યો ત્યારે ત્યાંના ડૉક્ટરો પણ દંગ રહી ગયા હતા. તેમણે ખાતરીપૂર્વક કહ્યું હતું કે આવું ભાગ્યે જ કોઈ કરી શકે. જોકે અલ-બસરીને આવું કરવાની અમની આંખોને કેટલું નુકસાન પહોંચતું હશે અ વિશે હજી સુધી કોઈ વાત બહાર આવી નથી.

ગોવિંદાઓ માનવટાવર રચે એ મુંબઈનો એકાધિકાર નથી

ગોવિંદાઓ માનવટાવર રચે એ મુંબઈનો એકાધિકાર નથી. સ્પેનમાં પણ આ પ્રકારનો એક રિવાજ છે. ફેર ફક્ત એટલો છે કે મુંબઈમાં ઉપર લટકતી મટકી ફોડવા માટે 'ગોવિંદાઓનો ટાવર' રચાય છે, જ્યારે સ્પેનમાં તો ફક્ત 'હવામાં કિલ્લો' રચવાની જ વાત છે. સ્પેનમાં આ પરંપરા ૨૦૦ વર્ષથી ચાલી આવે છે. આ પ્રકારનો ટાવર રચનારા જુવાનિયાઓની વિશેષ ટોળકીઓ હોય છે. આ ટોળકીઓને કોલાના નામે ઓળખવામાં આવે છે. સ્પેનમાં આવી ૫૮ કોલા છે અને તેમાં કુલ ૧૦,૦૦૦ સભ્યો છે. થોડાં વર્ષોથી આ પ્રવૃત્તિનું ટીવી પર જીવંત પ્રસારણ શરૂ થયું છે ત્યારથી આ પરંપરામાં વધુ જુસ્સો આવ્યો છે. ૧૮૫૨માં પહેલી વાર આ પ્રકારનો એકની ઉપર અક અમ કુલ નવ સ્તરનો ટાવર રચાયો હતો. દસ સ્તરનો ટાવર રચવા માટે કુલ મળીને ૭૦૦ સભ્યોની જરૂર પડે છે. તેમાંના મોટા ભાગનાં લોકો, સ્વાભાવિક રીતે સૌથી નીચેના સ્તરમાં ગોઠવાય છે. સૌથી ઉપરના સ્તર પર નાની ઉંમરનો છોકરો કે છોકરી પહોંચે છે. એ ઉપર પહોંચીને પોતાનો હાથ ઊંચો કરે ત્યારે ટાવર પૂરો થયેલો ગણાય. પછી ટાવર હળવેકથી વિખેરાય છે. બધા ધીમે ધીમે એકબીજા પરથી ઊતરી જાય છે. આ બધું વાંચતી વખતે જેટલું આસાન લાગે છે તેટલું વાસ્તવમાં નથી હોતું, નહીંતર તો મુંબઈમાં પણ દસ માળના ગોવિંદા ટાવર ઠેરઠેર જોવા મલતા હોત.

મૃત માનવીની અંતિમવિધિ માટે પણ હવે ગેન્ગવોર

મૃત માનવીની અંતિમવિધિ માટે યુરોપ-અમેરિકામાં જાયન્ટ 'ડેથ કેર' કંપનીઓ અસ્તિત્વ ધરાવે છે, જે સ્ટોક મારકેટમાં લિસ્ટેડ હોય છે. આઇએસઓનું પ્રમાણપત્ર ધરાવતી હોય છે અને તેના અધિકારીઓ જાણીતી બિઝનેસ સ્કૂલોની પદવીઓ ધરાવે છે. તાઇવાનમાં પણ આવી કંપનીઓ છે, પણ તે ગુંડાઓ, ઠગ અને પતિત લોકોના સકંજામાં છે. ગેંગસ્ટરો અને અંડરવર્લ્ડના લોકો તેના પર છવાઈ ગયા છે. 

ચીતરી ચડી જાય એવી પ્રક્રિયા હવે શરૂ થાય છે. હૉસ્પિટલમાં જે દરદી ગંભીર રીતે બીમાર હોય કે ઘવાઈને આવ્યા હોય તેની વિગતો આવા ગુંડાઓ હૉસ્પિટલના કલાર્કો અને નર્સોને રૂશ્વત આપીને મેળવી લે છે. એ વ્યક્તિ મરણ પામી છે એવી તેમને જાણ થાય કે જુદી જુદી ઠગ ટોળકીઓ એ શબ માટે દાવો કરવા આવી જાય છે. મરનારના સગાંને જાણ થાય એ પહેલા તો તેઓ અંતિમવિધિની તૈયારીઓ પણ કરવા માંડે. કયારેક તેઓ એવા 'મૃતક'ને પણ ઉપાડી જાય છે જે કબ્રસ્તાન પર પહોંચાડયા પછી જીવતા હોવાનું માલૂમ પડે છે. આ પ્રોફેશનલ ડાઘુઓની ટોળકીઓ હોસ્પિટલમાં, અકસ્માતના સ્થળે કે મરનારના ઘરની બહાર શબનો કબજા મેળવવા આપસમાં લોહિયાળ ઝઘડો કરી બેસે છે, અને આ મસાણિયાઓની પણ એક બે લાશ ત્યાં પડી જાય છે. મરનાર સગાં હોસ્પિટલમાં આવી પહોંચે ત્યારે તેમને મસમોટું બિલ પકડાવી દેવામાં આવે છે. તેમાં અમનાં મરનાર સગાંના 'વાસ મારતા દેહને સ્ટોરેજમાં રાખવો પડયો' તેનું પણ બિલ હોય છે. તાઇવાનીઝ નાગરિકે એ પૈસા ભરી આપવા પડે છે અને એ બિલ કેવડું હોઈ શકે? પંદર લાખ સુધીનું!

આ પ્રાણીસંગ્રહાલયમાં લખ્યું હોય છે કે, પ્રાણી ખાદ્ય છે કે નહીં! 

પ્રાણીસંગ્રહાલયના પીંજરાઓ પર અંદર પૂરેલા પ્રાણીનો બાયો-ડેટા કે વિગતો લખેલી હોય છે. પણ ચીન જેવા દેશ માટે તો દરેક પ્રાણી એક વાનગી છે. શાંઘાઈના અક પ્રાણીસંગ્રહાલય પર પ્રાણી વિષેની તકતી મારી હતી અને એ પ્રાણીની પ્રકૃતિ વર્ણવી હતી. તેમાંની બાબતોમાંથી ત્રણ બાબતો વિદેશી પ્રવાસીઓનું ખાસ ધ્યાન દોરતી હતી. (૧) તેની ત્વચા અને ફર (રૃંવાટીવાળું ચામડું) ઉપયોગમાં લઈ શકાય છે. (૨) આ એક દુષ્ટ પ્રાણી છે. (૩) પણ તે ખાદ્ય અને મતલબ કે તેનો આહાર થઈ શકે છે. વિદેશી સહેલાણીઓને ટાંકીને શાંઘાઇનાં અખબારોએ તેના વિષે રિપોર્ટ લખ્યા પછી એ તકતીઓ ત્યાંથી ઉતારી લેવામાં આવી હતી. અક વિચાર એવો પણ આવે કે સાપ અને સરીસૃપો આરોગી જતા ચીનાઓ માટે કોઈ પ્રાણી અખાદ્ય હશે?

બ્રાઝિલના સુથારનો અનોખો વર્લ્ડ રેકોર્ડ

ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ કે એના દેશી વર્ઝન લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવવા ભડવીરો જાતજાતના ખેલ પાડે છે. કોઈ ઊંચા પહાડ ઉપરથી પેરેશૂટ વગર કૂદકો મારે છે તો કોઈ વળી દરિયામાં અન્ડર વોટર રહેવાનો વિક્રમ નોંધાવે છે. બ્રાઝિલના એક સુથારે આ બધાથી અનોખો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. વિંસેન્ટ મેન્ડોન્સા નામના આ મહેનતકશ સજ્જને આપણી હથેળીમાં સમાઈ જાય એવાં ડઝનબંધ ઓજારો બનાવ્યાં છે. આ ઓજારો એટલા ટચૂકડા છે કે એ બધાને હથેળીમાં એકસાથે ગોઠવી દીધા બાદ પણ હથેળી પર બીજી ઘણી જગ્યા બચે છે.


Google NewsGoogle News