Get The App

ભારતના નકશાને ગરિમામય રાખવાના પાંચ ઉપાયો

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ભારતના નકશાને ગરિમામય રાખવાના પાંચ ઉપાયો 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- તમે ઉત્તમ નાગરિક બનો એટલે તમે ધર્મિષ્ઠ છો, એમ માની લેવું. 

ધ્વ જવંદન પછી બધા વિદ્યાર્થીઓ વર્ગમાં ગોઠવાઈ ગયા. વર્ગ શિક્ષકે દરેક વિદ્યાર્થીને રંગ પૂરવા નકશાનું એક પાનું આપ્યું અને નમૂના તરીકે તિરંગાને ટેબલ પર ગોઠવવામાં આવ્યો. એક વિદ્યાર્થી દ્વારા મૂળ નકશો બગાડવામાં આવ્યો. એક ચાડી ખાનાર વિદ્યાર્થીએ કહ્યું : 'સાહેબ, આણે નકશો બગાડયો છે.' નકશો બગાડનાર વિદ્યાર્થીે પોતાનો બચાવ કરતાં કહ્યું : 'સાહેબ, નકશો મેં નથી બગાડયો એનો પહેલેથી જ બગડેલો છે.'

ભારતના નકશાને ગરિમામય રાખવાના પાંચ ઉપાયો કયા ?

૧. દેશના નકશાને જીવંત ભારતમાતાની નજરે નિહાળો.

૨. નકશાની દરરોજ પૂજા કરો.

૩. દેશ કે દેશના નકશાની ક્યારેય નિંદા કરશો નહીં.

૪. દેશના નકશાને અંત:કરણમાં ઉચ્ચ સ્થાન આપો.

૫. એક ઉત્તમ નાગરિક તરીકે પોતાનું કર્તવ્ય અદા કરો.

પેલા નકશો બગાડનાર વિદ્યાર્થીને તકવાદી 'તકલાદી' શિક્ષકે કહ્યું : 'લે, આ સ્ટેન રિમૂવર. એનાથી નકશો સાફ કરી બીજા નકશાની વચ્ચે મૂકી દે, જેથી કોઇને ખબર ન પડે કે મારી હાજરીમાં નકશો બગડયો હતો. 'આવા લોકોને હૈયે દેશનું હિત નથી હોતું, હોઠેથી દેશભક્તિની વાતો તેઓ કરતા હોય છે. નકશો બગડયાની સમસ્યાનું શિક્ષકે પોકળ સમાધાન આપ્યું.''

જે કૃષ્ણમૂર્તિએ પોતાના એક વક્તવ્યમાં કહ્યું હતું કે જે વિશ્વમાં બાળકો ઉછરી રહ્યાં છે તે બેડોળ વિશ્વ છે. દુ:ખ અને પીડાથી ભરેલું વિશ્વ છે. જો દેશના બેડોળ ઢાંચાને અનુસરવાનું હોય તો શિક્ષિત થવાનો અર્થ શો ?

દેશ કે દુનિયા કોણે બગાડી એ અગત્યનું નથી તેને સુધારવા માટે કોણ કોને મદદરૂપ થાય છે, તે અગત્યનું છે. કવિ વિરેન્દ્ર મિશ્રની પંક્તિઓનું સ્મરણ થાય છે.

'સુખ કી દુનિયા હો

યા દુ:ખ કી બદલી

મેરી દુનિયા ઔરોં સે

સો બાર ભલી.

જલતા દીપક હૈ યે,

ઇસ પર પ્યાર મુઝકો

મેરી ખુશહાલી પર

કોઈ નજર ઉઠાયેના

મેરા દેશ હૈ,

ઇસ પર નાઝ મુઝકો.'

જગતમાં પ્રકાશ કરે તેનું નામ સૂર્ય અને ભીતરમાં પ્રકાશ કરે તેનું નામ ધર્મ. ધર્મ અને દેશપ્રેમ એકબીજાથી જુદા નથી. તમે ઉત્તમ નાગરિક બનો, એટલે તમે ધર્મિષ્ઠ છો, એમ માની લેવું બીજાનું ભલું કરવાનું સૌભાગ્ય તમે કેટલાં બધાં પુણ્યકાર્યો કર્યાં હોય ત્યારે તે પ્રાપ્ત થાય છે. અશાન્તિનું કારણ સ્વાર્થ અને અહંકાર, શાન્તિનું કારણ નિ:સ્વાર્થ અને નિર અહંકારનો ભાવ (સ્ત્રોત પ્રભુ સ્મરણ: સં વસંતકુમાર આઈ સોની)

આજના માણસને ડાઘની ચિંતા નથી કારણ કે સ્ટેનરિમૂવર મળી રહે છે. યૌવન પણ વિવેક ચૂકે તો કેવા ભ્રમમાં અટવાય તેનું એક ઉદાહરણ છે : પરીક્ષાની મોસમ હતી. પેપર ફૂટવાની ચિંતા ઘણાને સતાવી રહી હતી. એક પોળના નોટિસ બોર્ડ પર 'યુવા સંદેશ' વાંચવા મળ્યો : 'આજે પેપર ફૂટવાની શક્યતા છે તેથી દરેકે હાજર રહેવું. તા.ક બીજા ભાઈઓને મદદરૂપ થવા માટે કોરા કાગળ અને કાર્બન પેપર પણ લેતા આવવું.' બોલો, કાંઈ કહેવું છે ?

એક શાળાના કાર્યક્રમમાં સંસ્થા ટ્રસ્ટી 'ઉદ્બોધન' કરી રહ્યા હતા : 'આ વખતે બોર્ડનું વલણ સ્ટ્રીક છે તેથી ચોરી કરતાં પકડાઈ ન જાઓ, તેનું ખાસ ધ્યાન રાખવું. અહીં અકબર ઇલાહાબાદીના એક શેરનું સ્મરણ થાય છે.'

'બચ્ચો મેં આયે કહાં સે

સંસ્કાર અપને મા-બાપ કે

દૂધ હૈ ડિબ્બેકા

ઔર તાલીમ હૈ સરકારકી'

પરિવાર બાળ ઘડતરનું તીર્થ સ્થાન છે પણ માણસના જીવનની વ્યસ્તતાએ બાળકોનો મા-બાપને નિરાંતે મળવાનો સમય જ છીનવી લીધો છે.

જ્યાં કોઈ વ્યક્તિ કે તંત્ર દ્વારા સુધારાત્મક કશું થતું હોય ત્યાં તન-મન-ધનથી સહકાર આપવો એ પણ દેશપ્રેમ વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત છે. ઘણી વાર શિક્ષણ કે બાળકોના વ્યક્તિત્વ ઘડતરનો પ્રયોગ સામે આવે ત્યારે ઘણા લોકો નકારાત્મક અભિપ્રાય દાખવી તેવો વિરોધ કરે છે. પ્રોજેક્ટનો વિરોધ નહીં પણ પ્રોજેક્ટમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા સકારાત્મક સૂચનો કરવાં એ આપણો નાગરિક ધર્મ છે. દેશ દુનિયાનો નકશો બગડયો હોય તો તેને માટે જવાબદાર છે આવા નકારાત્મક અભિપ્રાય આપનાર 'બહાદુરો'.

૨૧મી સદી એટલે ટેકનોલોજીનો વિકાસ એમ કહેનાર લોકો ભૂલી જાય છે. માત્ર ટેકનોલોજીનો વિકાસ એ દેશનો ઉધ્ધાર કરી શકે નહીં. ટેકનોલોજી સમૃધ્ધ સમાજ આપી શકે, પણ સ્વસ્થ એ સત્વશીલ સમાજ નહીં. કારણ કે સત્વશીલતા 'શીલ'માંથી ઉદ્ભવે છે. અને 'શીલ' બજારમાં વેચાતું નથી કે કે ફેકટરીમાં પેદા કરી શકાતું નથી. બુધ્ધિશાળીઓ ટેકનોલોજી આપી શકે પણ શાણપણ તો પ્રજ્ઞાાશીલો પાસેથી જ મળી શકે. આજે અત્ર-તત્ર-સર્વત્ર અરાજકતા અને ગેરશિસ્ત જોવા મળે છે. કારણ કે 'હમારી માંગે પૂરી કરો' એવી અધિકાર પ્રિયતા જ મહત્વનું સૂત્ર બની ગઈ છે. 'હમારી નહીં' દેશ કી માંગે પૂરી કરો એ ભાવના જ દેશ માટે કલ્યાણકારી બની શકે. તમે દેશથી જુદા નથી અને દેશ તમારાથી જુદો નથી એવી ભાવના વિકસાવવામાં શિક્ષણવિદો અને ધર્મગુરૂઓની મહત્વની ભૂમિકા છે. બાળકોને જો ઉત્તમ નાગરિક બનાવવા હોય તો તેમને સંવેદનશીલતાનું શિક્ષણ આપવું જરૂરી બને છે. મોબાઈલ અને ઇન્ટરનેટની ઘેલછાએ બાળકો પાસેથી નિર્દોષતા છીનવી લીધી છે. એ મોબાઈલ કે ઇન્ટરનેટ પર જાતજાતની રમતો રમે છે પણ એક નાગરિક તરીકે દેશ અને દુનિયાની તમામ ખબરોથી વાકેફ રહેવું જોઇએ, એ વૃત્તિ હવે સદંતર કરમાઈ રહી છે.

બાળકની કારકિર્દી એટલે રોજી-રોટીની દ્રષ્ટિએ તે ઊંચા હોદ્દા કે સારા પગારની પ્રાપ્તિમાં મદદરૂપ થવું એ માત્ર શિક્ષણનો ધ્યેય ન બની શકે. કોઈ નાનું મોટું કે જવાબદારીભર્યું કામ બાળકને સોંપવામાં આવે તો તે નિષ્ઠાપૂર્વક અને સમર્પણભાવે દીપાવે એવા નાગરિકો તૈયાર કરવામાં મદદરૂપ થાય તો તે ટેકનોલોજીની સફળતા ગણાય.

માણસ પાસેથી તેની સંવેદનશીલતા છીનવાઈ જાય તે એક દુ:ખદ અને અક્ષમ્ય અપરાધ છે. આજે ધ્વજવંદન પણ એક જલ્દી પતાવવાની વિધિનો ઉદ્દેશ બની ગયો છે. માણસની આ ધરતી પરથી વિદાય વખતે પણ આજનો માણસ સંવેદનશીલતા દાખવતો નથી. લાકડાંથી અગ્નિ સંસ્કારમાં વધુ સમય જાય એટલે ઇલેક્ટ્રિક ફરનેસનો ઉપયોગ કરી કામ જલ્દી પતાવવાની મનોવૃત્તિ એ માણસની અસંસ્કારિતાનું પ્રતીક છે. બેસણામાં લોકો મૃત વ્યક્તિના સંબંધોને મહત્વ આપવાને બદલે પોતાની હાજરીની નોંધ લેવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખતાં હોય છે. બેસણામાં હાજર લોકો પૈકી એક ટકો માણસો પણ પીડિત અને દુ:ખી વ્યક્તિના પરિવારને અંગત રીતે આશ્વાસન આપવા તેને ઘેર દોડી જતા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છ. યંત્ર સંસ્કૃતિ માણસને 'યંત્ર' બનાવી દે તો માણસ પાસે એનું 'પોતીકું' શું રહેશે ? પહેલાં તમે જાત સુધારો તો જગ સુધારણા આપોઆપ સિધ્ધ થવા માંડશે. 


Google NewsGoogle News