'નિકાલ' કમલીએ જ કરવાનો હોય .
- રજનીગંધા-વિભાવરી વર્મા
- બે પોલીસવાળા તેને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા. તેની સાથે તેનાં મા-બાપને પણ હાજર કર્યાં હતાં
ક મલીને પેટમાં વધુ એક આંચકી આવી. આ વખતે તો એવું લાગ્યું કે જાણે પેટમાં કોઈએ મોટું દોરડું ખોસીને તેને આંટી ચડાવી રહ્યું છે... કમલી પેટ પકડીને ત્યાં માટી, કપચી અને રોડાં ફેલાયેલી જમીન ઉપર જ બેસી ગઈ.
થોડી થોડી વારે પેલું પેટમાં ઘૂસેલું દોરડું જાણે વળ ઢીલી કરતું હતું. થોડી વારમાં ફરી વળ ચડાવતું હતું... કમલીને લાગ્યું કે તેની બન્ને બાજુ જે અધૂરાં બંધાયેલાં એપાર્ટમેન્ટનાં સિમેન્ટવાળાં માળખાં છે તે ડાબે-જમણે હલી રહ્યાં છે.
કમલી જાણતી હતી કે સવારે તેણે જે ટેબ્લેટો ગળી લીધી હતી તેની જ આ અસર છે. પરંતુ પેટમાં આવી ચૂક ઉપડશે તેની તેને જરાય ખબર નહોતી. થોડી વાર પછી જ્યારે પેટની ચૂંક થોડી ઓછી થઈ ત્યારે તે ઊભી થઈ.
તેણે આજુબાજુ જોયું. હવે જવું ક્યાં ? કમલીને એવી કોઈ જગ્યાની તલાશ હતી જ્યાં એને કોઈ જોતું ના હોય. અધુરા બંધાઈ રહેલા એ એપાર્ટમેન્ટની નીચેના ભાગમાં પ્લાસ્ટિકની તાડપત્રીઓ વડે આડશ બનાવીને તેનાં મા-બાપ રહેતાં હતાં.
અત્યારે રાતના અગિયાર વાગી ચૂક્યા હતા. આખા દહાડાની કાળી મજુરી કર્યા પછી એનો બાપ દેશી દારૂની પોટલી પીને ઘસઘસાટ ઊંઘતો હતો. એની મા પણ આખો દિવસ રેતી-સિમેન્ટનાં તગારાં ઊંચકીને થાકી ગઈ હતી. ઈંટો ગોઠવીને બનાવેલા ચૂલા ઉપર રોટલા શેકીને પોતાના ધણીને ખવડાવ્યા પછી એ પણ અડધી પ્યાલી દેશી પીને ગોદડીમાં સૂઈ ગઈ હતી.
૧૭ વરસની કમલી આની જ રાહ જોતી હતી. તે હવે આ કન્સ્ટ્રક્શન સાઈટથી બહાર નીકળી. અહીં ચારે બાજુ અંધારું હતું. થોડે દૂર એક જુનાં મકાનોની ચાલી હતી. કમલી એ તરફ જવા લાગી.
હજી ઉબડખાબડ અને કાંકરા-કાંટાવાળી જમીનમાં તે અડધે સુધી જ ગઈ હશે ત્યાં એના પગની જાંઘ પરથી કંઈક પ્રવાહી નીચેની તરફ સરકતું હોય એવું લાગ્યું !
કમલી ધુ્રજી ગઈ ! આ તો 'બ્લીડીંગ' શરૂ થઈ ગયું ! કમલીને કદાચ ખબર હતી કે આવું થશે, પણ આ રીતે સાવ અચાનક, ચાલતાં ચાલતાં લોહી વહેવા માંડશે એની ખબર નહોતી.
આમ જુવો તો કમલીને કશીયે ખબર જ ક્યાં હતી ? મુંબઈથી પેલા રંગીલા રજ્જુ ઉર્ફે 'રોકી'એ આંગડીયાથી એક પેકેટ મોકલ્યું હતું અને કહેવડાવ્યું હતું કે 'જાનુ, આ ગોળીઓ લઈ લેજે, ચોવીસ કલાકમાં નિકાલ થઈ જશે ! પછી આપણે બન્ને ફરીથી બિન્દાસ...'
બન્દાસ ? કમલીને ફરી પેટમાં ચૂંક આવી. જાણે કોઈ અંદરથી આંતરડાં ખેંચીને બહાર કાઢી નાંખશે એટલી ભયંકર પીડા થઈ આવી. એ સાથે જ એને એક તીખી-કડવી-ખાટી ઉલ્ટી થઈ ગઈ !
ઉલ્ટીનો કડદો નીકળી ગયા પછી એના હોઠ ઉપર હજી જાડા પ્રવાહીનાં તાંતણાં લબડી રહ્યા હતા. ઝડપથી પોતાની ચૂનરી વડે તેને લૂછતાં તે આગળ વધી.
અહીં ચાલીમાં સન્નાટો હતો. કૂતરાં પણ ભસી ભસીને ઊંઘી ગયા હતાં. રસ્તાની બાજુમાં વહેતી ગંદા પાણીની નીક ઉપર લાઈટના થાંભલાની પીળી લાઈટનું પ્રતિબિંબ પડી રહ્યું હતું. એવા ત્રણ થાંભલા પછી એક જાહેર શૌચાલય દેખાઈ રહ્યું હતું. કમલીને ત્યાં જ જવું હતું.
શૌચાલયની આસપાસ આળસુ અને ઉતાવળા લોકોએ ગંધાતી ગંદકી ફેલાવી રાખી હતી. કમલી એમાંથી રસ્તો કરતી અંદર ગઈ. આહીં ચારમાંથી એક જ જાજરૂ એવું હતું જેની કડી અંદરથી બંધ થઈ શકે તેવી હતી. કમલી એમાં જતી રહી.
અહીં જે દુર્ગંધ હતી તેનાથી તો કમલી ક્યારની ટેવાઈ ગઈ હતી. પરંતુ હવે જે થવાનું હતું તેના માટે તે હવે માનસિક તૈયારી કરવા લાગી. ખાસ્સી વીસેક મિનિટ સુધી ઉભડક બેસી રહ્યા પછી અચાનક બ્લીડીંગ વધી ગયું ! હવે ચૂંથારો અસહ્ય હતો. એવું લાગતું હતું કે તેના નીચેના ભાગમાં કશુંક ખોસીને અંદરનું બધું જ બહાર ખેંચીને કાઢી નાંખશો...
દદડી રહેલા લોહીમાં હવે નાના-મોટા ગઠ્ઠા નીકળવા લાગ્યા ! એમાં કોઈ કોઈ તો ખાસ્સા લીંબુ જેવડા હતા! કમલીની આંખોમાં પીડાને
કારણે ઝીણાં આંસુ લાગી ગયાં હતાં. ત્યાં જ અચાનક તેને લાગ્યું કે કોઈ મોટો ગઠ્ઠો છેક અડીને અટકી ગયો છે..
કમલીએ દાંત કચકચાવીને જોર લગાવ્યું. આખા શરીરે પરસેવો વળી ગયો, પીડાથી માથું ફાટફાટ થવા લાગ્યું લમણાંની નસો ફૂલી ગઈ, પોતાના બન્ને મુઠ્ઠી વાળેલા હાથ ઢીંચણની આસપાસ ભરાવીને તેણે થઈ શકે એટલું જોર લગાવવા માંડયું... તીવ્ર પીડાને લીધે ગળામાંથી એક ચીસ નીકળી ગઈ. અને -
એક મુઠ્ઠી જેવડો લાલ લોંદો નીચે પડતો દેખાયો... એ થોડો આગળ સરક્યો પણ પછી સૂકાઈ ગયેલા મળના થરમાં ત્યાં જ અટકી ગયો. કમલીનો શ્વાસ હવે ધીમે ધીમે હેઠો બેસી રહ્યો હતો. થોડીવારે તે ઊભી થઈ. તેનું સમગ્ર અસ્તિત્વ જાણે નીચોવાઈ ગયું હોય તેમ તે અથડતા પગે બહાર નીકળી અને પેલી કન્સ્ટ્રકશન સાઈટ તરફ પાછી ચાલવા માંડી...
***
બીજા દિવસે બપોરે બે પોલીસવાળા તેને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા. તેની સાથે તેનાં મા-બાપને પણ હાજર કર્યાં હતાં.
'તમારી દિકરીનું બયાન છે કે તમે એને ટાઈમપાસ માટે જે તૂટેલી સ્ક્રીનવાળો, કબાડીમાંથી ખરીદેલો મોબાઈલ આપ્યો હતો, એના વડે એણે મુંબઈના એક છોકરા જોડે ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશીપ કરી હતી. પછી એ છોકરો, રજ્જુ ઉર્ફે 'રોકી'' અહીં સુરતમાં બાજુની જ કંસ્ટ્રકશન સાઈટમાં રહેવા આવી ગયો હતો ! એ બન્ને વચ્ચે શું ચાલી રહ્યું છે એની તમને ખબર જ નહોતી. એ 'રોકી'નું પાપ તમારી દિકરીના પેટમાં મોટું થઈ રહ્યું હતું... જેનો 'નિકાલ' કરવા માટે એણે ગોળીઓ મોકલી હતી... ટુંકમાં, આખી વાતનો સાર એ છે કે તમારી દીકરીએ 'ગર્ભપાત'નો ગુન્હો કર્યો છે. હવે બોલો, શું કરવાનું છે ? સજા તો થઈને જ રહેશે.
'કોને કોને સજા કરશો સાહેબ ?' કમલીને છોડાવવા માટે આવેલાં એક એનજીઓનાં સેવિકા વીણાબહેને સવાલ કર્યો 'અસલમાં વાંક કોનો છે ? કિશોર વયની નાદાન બુદ્ધિનો, એ ઉંમરે થઈ રહેલા શારીરિક ફેરફારોનો, માબાપની બેદરકારીનો કે છોકરીને ભોળવીને ગેરલાભ ઉઠાવી જનાર પેલા લંપટ છોકરાનો ?'
મા-બાપ ચૂપ હતાં. ઈન્સ્પેકટર પણ બે ઘડી વિચારમાં પડયા. ત્યાં અત્યાર સુધી ભોંયમાં નજર ખોસીને બેસી રહેલી કમલીએ આંખો ઊંચી કરી. તેણે સ્પષ્ટ અને મક્કમ અવાજે પોતાના વતનના બિહારી લહેજામાં કહ્યું :
'એઈ સારો કુસૂર મોબાઈલ કો હૈ ! ઔર મોબાઈલમાં જો ગંદગી આવે હૈ, ઉસ કો હૈ ! આજ સે હમ કભી ઈ મોબાઈલ કા હાથ ભી ના લગાઈબો !'
વીણાબહેનને થયું 'કાશ, આટલી સીધી વાત આજની ભણેલી ગણેલી છોકરીઓને પણ સમજાતી હોત !'