Get The App

'સેપરેશન'નાં છ વર્ષ પછી.... .

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
'સેપરેશન'નાં છ વર્ષ પછી....                                 . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- આ બધું જ થયું હતું આ માણસને કારણે! વિદિતાની સામે હમણાં જે ઊભો હતો, એ જ માણસને કારણે!

અ ચાનક મોલમાં સાહિલ સામે આવી ગયો. પહેલાં તો વિદિતાને ખ્યાલ જ ન આવ્યો કે આ સાહિલ જ છે પરંતુ સાહિલ ઓળખી ગયો. એ બોલ્યો : 'કેમ છે વિદિતા ?'

વિદિતા શું જવાબ આપે ? પુરા છ વરસ પછી આ માણસ એની સામે ઊભો હતો. શરીર પહેલાં કરતાં વધારે હૃષ્ટપુષ્ટ થયું હતું. ચામડી ઉપર વિદેશની હવાની ચમક હતી. ફ્રેન્ચ કટ દાઢી વધારી હતી, ડાઇ કરેલા વાળ માથા ઉપરથી આછા થવાની અણી ઉપર હતા. વિદેશી ટી-શર્ટ, વિદેશી જિન્સ, વિદેશી શૂઝ...ઉપરથી વિદેશનું પરફ્યુમ પણ ઊડીને નાંકે વળગતું હતું.

સાહિલ પણ વિદિતાને જોઇ જ રહ્યો હતો. વિદિતા પણ બદલાઈ તો ગઇ જ હતી. શરીર પહેલાં વીક હતું, હવે સ્ટ્રોંગ થયું હતું. મનથી પણ પહેલા બહુ ઇમોશનલ હતી, હવે ઇમોશન્સ ? વેલ, એની જરૂર હતી ખરી ?

સાહિલ અને વિદિતાનાં મેરેજ થયાં હતાં. એ પણ એરેન્જ મેરેજ. વિદિતા દેખાવે સુંદર હતી પરંતુ સ્વભાવે શરમાળ એટલે કોલેજનાં ચાર વરસો દરમ્યાન એના મિત્રો ખરા, પણ એકેય 'બોયફ્રેન્ડ' નહોતો. ભણી રહ્યા પછી સરસ જોબ લાગી ગઈ, ત્યાં પણ જે હતા તે માત્ર 'કલિગ' હતા. 'ફ્રેન્ડ' પણ નહીં.

એવામાં એક દિવસ મમ્મીએ કહ્યું 'બેટા, હવે તારે મેરેજ કરી લેવાં જોઇએ.' વિદિતાએ કહ્યું 'તમારી પસંદગી એ મારી પસંદગી હશે.' મમ્મી-પપ્પાએ સારી એવી તપાસ પછી એક છોકરો પસંદ કર્યો હતો. એ હતો આ સાહિલ. એનઆરઆઈ હતો. અમેરિકામાં બહુ સારી જોબ હતી. એની પાસે ગ્રીન કાર્ડ હતું. પોતાનો એપાર્ટમેન્ટ હતો. બીજું શું જોઇએ ?

એક મહિનાની રજા લઇને સાહિલ લગ્ન કરવા માટે ઇન્ડિયા આવ્યો. લગ્ન કરીને હનીમૂન કરીને પાછો ઊડી પણ ગયો. વિદિતા એના સાસુ સસરાને ઘરે વહુ બનીને રહેવા લાગી. સાહિલનો અઠવાડિયામાં એક વાર ફોન આવતો. એ પણ અમેરિકામાં સન્ડે મોર્નિંગ હોય ત્યારે જ. વિદિતા સાથે બહુ ઓછી વાત થતી. વિદિતાની અમેરિકા જવા માટેની ફાઇલ સાહિલે મૂકી દીધી હતી પણ બે વરસ સુધી એમાં કંઇ મૂવમેન્ટ જ નહોતી થતી.

અને એક સવારે વિદિતાની જિંદગીમાં જાણે વીજળી ત્રાટકી ! એને ક્યાંકથી ખબર પડી કે સાહિલ તો ઓલરેડી મેરિડ હતો ! એણે અમેરિકામાં જ રહેતી એક પંજાબી છોકરી લાથે લગ્ન કરી લીધેલાં હતાં ! એટલું જ નહીં જ્યારે એ વિદિતાને પરણવા માટે અહીં આવ્યો હતો ત્યારે ઓલરેડી પરણેલો જ હતો !

વિદિતા માટે આ આઘાત અસહ્ય હતો. જે છોકરીની સળંગ બાવીસ વરસની જિંદગીમાં નાનકડું સરખું પણ કોઇ દુ:ખ વેઠવાનું ન આવ્યું હોય એની કેવી દશા થાય ? ન તો એ કદી ભણવામાં નાપાસ થઇ હતી, ન તો એના કદી ઓછા માર્કસ આવ્યા...એને ગમતી કોલેજમાં એડમિશન મળી ગયું, એને ગમતી નોકરી પણ મળી ગઈ...આવી લીસ્સાં પાનાં ઉપર દોરાયેલી સીધી લીટી જેવી જિંદગીમાં જ્યારે આખેઆખો કાગળ જ સડેલો નીકળે ત્યારે કેવું થાય ?

વિદિતા ભયંકર ડિપ્રેશનમાં સરી ગઈ હતી. છ મહિના સુધી તો એને શું કરવું, શું ન કરવું, એની કોઇ સુઝ જ નહોતી. પણ પછી એણે એક દિવસ મન મક્કમ કરી લીધું. એણે ડિવોર્સની એપ્લીકેશન નાખી દીધી.

કોર્ટમાંથી ડિવોર્સનો ઓર્ડર મળે એ પહેલાં તો વિદિતાએ સાસુ સસરાનું ઘર છોડીને પોતાની રીતે જિંદગીની શરૂઆત કરી દીધી હતી. શરૂઆતમાં થોડા મહિના જોબ કરી. પછી એની બચત વડે ફેશન ગારમેન્ટ્સ સપ્લાય કરવાનો નાનકડો બિઝનેસ શરૂ કર્યો.

ધીમે ધીમે એમાં ફાવટ આવતી ગઈ. આજે તેણે ગુજરાત, મુંબઈ ઉપરાંત દેશની કમ સે કમ સવાસો ફેશન બુટિક અને શો-રૂમોમાં પોતાની એજન્સી વડે ગારમેન્ટ્સ સપ્લાયની ચેઇન ઊભી કરી લીધી હતી અને આ બધું જ થયું હતું આ માણસને કારણે ! વિદિતાની સામે હમણાં જે ઊભો હતો, એ જ માણસને કારણે !

સામે ઊભેલો સાહિલ પૂછી રહ્યો હતો, વિદિતા, કંઇક તો બોલ ? આપણે છ વરસ પછી મળ્યા છીએ. તારે કંઇ કહેવું નથી ?

વિદિતાએ ગળું ખોખાર્યું, 'હા, કહેવું છે ને ? મારે તને...થેન્ક્યુ કહેવું છે !'

સાહિલ સ્તબ્ધ હતો. વિદિતાએ કહ્યું 'જો તે મારી સાથે આવડું મોટું ચિટિંગ ના કર્યું હોત તો મારામાં કેટલી તાકાત પડી છે એનું મને કદી ભાન જ ના થયું હોત...એટલે, રિયલી, સાહિલ, થેન્ક્યુ વેરી મચ !'


Google NewsGoogle News