Get The App

નોબેલ પારિતોષિકની શરૂઆત કેવી રીતે થઈ?

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
નોબેલ પારિતોષિકની શરૂઆત કેવી રીતે થઈ? 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેડિસીન, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને વિશ્વશાંતિના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપવા બદલ નોબેલ પારિતોષિક આપવામાં આવે છે. નોબેલ પારિતોષિકનું નામ આજે વિશ્વનો દરેક શિક્ષિત માનવી જાણે છે. મહાન વૈજ્ઞાનિક અને ભયાનક વિસ્ફોટક ડાયનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબેલને પોતાના જીવનના અંતિમ તબક્કામાં પોતાની અપાર સંપત્તિનું શું કરવું? એ સવાલ મૂંઝવતો હતો. પોતાના ઉત્તરાધિકારીઓ માટે આ અઢળક સંપત્તિનો વારસો મૂકી જવાનું તેમને વાજબી લાગતું નહોતું. તેઓ આ અઢળક સંપત્તિ એવા કાર્યમાં વાપરવા માગતા હતા જેનાથી વિજ્ઞાન, સાહિત્ય અને વિશ્વશાંતિના ક્ષેત્રે સહાયરૂપ બને. ઘાતક વિસ્ફોટક શસ્ત્ર સામગ્રીની શોધ કરનાર આલ્ફ્રેડ નોબેલના મનમાં માનવહિત અને વિશ્વશાંતિનો વિચાર આવવો એ જ સૌથી મોટો વિરોધાભાસ ગણાય. કારણ કે, એક વખત એમણે જ લખેલું : ''હું કંઈક એવા પદાર્થ કે યંત્રની શોધ કરવા માગું છું કે જેનાથી પરસ્પર લડતી સેના એક પળમાં જ એકબીજાનો વિનાશ કરી શકે. હું માનું છું જ્યારે આમ થશે ત્યારે જ શાંતિપ્રિય માનવજાતનો જન્મ થશે. હું મારી ધનસંપત્તિનો અમુક ભાગ એક એવા પુરસ્કાર માટે અનામત રાખવા માગું છું જે દર પાંચમા વર્ષે (ત્રીસ વર્ષમાં કુલ છ વખત) અપાય. ૩૦ વર્ષોના લાંબા સમયગાળા પછી પણ રાષ્ટ્ર પોતાનો યુદ્ધખોર સ્વભાવ ન બદલી શકે તો તે વિનાશક સ્થિતિમાં પહોંચી જશે. એ પછી પુરસ્કારનો કોઈ અર્થ જ નહીં રહે.'' આલ્ફ્રેડ નોબેલ સ્પષ્ટપણે માનતા હતા કે, જે વસ્તુઓને વિનાશક માનવામાં આવે છે તે હકીકતમાં માનવજાત માટે લાભકર્તા પણ છે, પરંતુ જો તેનો સદુપયોગ કરાય તો.

ખોરાકમાં ઉમેરાતા રસાયણો તબિયતનું સત્યાનાશ નોતરે છે

પાંચ હજારથી વધુ વર્ષ પહેલાં સૌપ્રથમ માનવીએ તેના ખોરાકમાં મીઠાનું ઉમેરણ (એડિટિવ) કર્યું ત્યારથી લોકો ખોરાકના સ્વાદને વધારવા માટે ખોરાકમાં કંઈ ને કંઈ ઉમેરણ કરે છે. 'મૉનો સોડિયમ ગ્લુટામેટ' નામનું સફેદ પાઉડર સ્વરૂપનું રસાયણ જેને 'આજિનોમોટો' કહેવાય છે તે દાળ કે પીત્ઝા કે બીજી વાનગીમાં વાપરવાથી સ્વાદ વધે છે. ચાયનીઝ વાનગીમાં આજિનોમોટો હોય જ છે. આના સતત વપરાશથી કેન્સર થાય છે. ઉપરાંત તળેલી વેફર, બિસ્કિટ કે બીજી પેકેટની ચીજો જેમાં તેલ કે ઘી વપરાયું હોય છે તે પૅકેટ લાંબો વખત પડયું રહે તો તેલ ખોરું થઈ જવાથી વેફર બગડી જાય છે. તે ન બગડી જાય એટલા માટે તેમાં એન્ટીઑક્સિડન્ટ કક્ષાનાં રસાયણોનું ઉમેરણ થાય છે. તેમાં ખાસ કરીને બટેટાની વેફર કે ખારી બિસ્કિટમાં બુટિલેટેડ હાઇડ્રોએક્સિટોલ્યુન નામનું રસાયણ આવે છે તેનાથી ચામડી બગડે છે અને બાળકોનાં મગજ બગડે છે. બાળકો હાઇપર એક્ટિવ બને છે. ફળો કે શાકભાજી તાજાં જ ખાવા સારાં. પણ હવે સૂકાવેલાં ફળો કે ડબ્બાપૅક ફળોને રૂપાળાં રાખવા તેમાં કૃત્રિમ રંગ નખાય છે. દૂધનો પાઉડર સફેદ દેખાય તે માટે તેમાંય કૃત્રિમ રંગ આવે છે. કન્ડેન્સ્ડ મિલ્કના ડબ્બામાં પણ કૃત્રિમ રંગ આવે છે. ઇન્સ્ટંટ કૉફીમાં પણ કૃત્રિમ રંગ હોય છે. કૃત્રિમ રંગો કૉલ-ટાર એટલે કે ડામરમાંથી બને છે. તેમાં ટારટ્રાઝિન નામનો કૃત્રિમ રંગ ખાદ્યપદાર્થમાં આવે છે તેનાથી બાળકોને નુકસાન થાય છે. હૉટેલમાં તમે પુડિંગ કે મિલ્કશેક પીવો છો કે આઇસક્રીમ ખાઓ છો તેમાં ઇમલ્સીફાયર અને સ્ટેબિલાઇઝર નામનાં રસાયણો ઉમેરાય છે. મિલ્કશેકને અને આઇસ્ક્રીમને કૃત્રિમ રીતે ઘટ્ટ કરવા તેમાં ઇમલ્સીફાયર વપરાય છે. દરેક તૈયાર ખાદ્યોને સ્વાદ અને સુગંધ આપવા તેમાં ફલેવરિંગ એજન્ટો નખાય છે. ૩,૫૦૦ જાતના ફલેવરિંગ એજન્ટો તૈયાર ખાદ્યોને સ્વાદિષ્ટ અને સુગંધી બનાવવા વપરાય છે.

ઉત્સવ મનાવવા જર્મનોએ એક લાખ કોળાથી મેદાન સજાવ્યું

દુનિયાના દરેક દેશ અને પ્રાંતની ઉત્સવ ઉજવવાની પોતાની વેગળી રીત હોય છે. કોઈ કોળાની મિઠાઈ ખાઇને ઉત્સવ મનાવે છે તો કોઈ કોળાની સજાવટ કરીને. દક્ષિણ - પશ્ચિમ જર્મનીમાં આવેલા યૂરોપા પાર્કનો જ દાખલો લ્યો.

 પાર્કે હેલોવિયન ઉત્સવ ઉજવવા માટે દક્ષિણ જર્મનીના ખેડૂતોને જમ્બો સાઇઝના એક લાખ કોળાનો ઓર્ડર આપ્યો છે. ઉત્સવના ભાગરૂપે એક લાખ કોળાથી આખા મેદાનને સજાવાશે. એક લાખ કોળાનો શણગાર કેવું ભવ્ય દ્રશ્ય ઊભું કરશે એની કલ્પના કરી જુઓ. અલબત્ત, એક લાખ કોળાનો આવો ખર્ચાળ શણગાર જર્મની જેવા શ્રીમંત દેશને જ પોષાય, ગરીબ દેશનું એમાં કામ નહીં.

ખરેખર 'ફતવો' કોને કહેવાય?

'ફતવો' ખરેખર કોને કહેવાય તેની સાચી વ્યાખ્યા જાણી લઇએ. ધર્મના ચોક્કસ સિદ્ધાંતો અને વિચારો વિરુદ્ધ કોઈ મુસ્લિમ વર્તે તો તેની સામે ફતવો આપી શકાય. એ સત્તા કોઈ સામાન્ય મૌલવીની નથી હોતી. કોઈ પણ જુમ્મા મસ્જિદના કોઈ પણ પેશ ઇમામ પાસે પણ એ અધિકાર હોતો નથી. મૌલવીઓમાં પણ જે વધુ ઉચ્ચ કક્ષાની ઇસ્લામી પરંપરાઓની તાલીમ ધરાવે છે એવા ગણ્યા-ગાંઠયા માણસો પાસે ફતવો આપવાની સત્તા હોય છે. એમને 'મૂફ્તી' કહેવામાં આવે છે. એ ફતવામાં ચૂંટણીઓમાં કોણ કોને મત આપે એવી ભૌતિક અને સંસારી બાબતોનો સમાવેશ ક્યારેય થતો નથી. પહેલી અને પાયાની વાત તો એ છે કે ચૂંટણીમાં કોણ કોને મત આપે તેની સાથે ધર્મને કોઈ સંબંધ નથી.

ફ્રાંસમાં શહીદ કબુતરોનું પણ સ્મારક

ફ્રાંસમાં લિલી નામના શહેરમાં સુંદર કાપડ બને છે. ત્યાં સુધરાઇનો એક બગીચો છે. આ બગીચામાં બીજા વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલાઓનું એક વિચિત્ર સ્મારક ઊભું છે. એ સ્મારક યુરોપ કે ભારતના બીજા શહીદ થયેલા સૈનિકોથી બિલકુલ જુદું નથી. જોકે એ ફ્રેન્ચ સ્મારક ઉપર શહીદ થયેલાઓનાં નામો કોતરાયેલાં નથી. એટલા માટે કે એ માનવીય સૈનિકોનું સ્મારક નથી પણ બીજા વિશ્વયુદ્ધમાં જાસૂસી સંદેશા લઈ જતાં કબૂતરો મરાઈ ગયાં હતાં તેનું સ્મારક છે! પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં યુદ્ધના સંદેશા લઈ જતાં લગભગ ૨૦,૦૦૦ કબૂતરો સેવા આપતાં મરી ગયાં હતાં. આ કબૂતરોની શહીદી માટેનું લિલી શહેરમાં સ્મારક છે. જેમ રણભૂમિ ઉપર કોઈ સૈનિક બહાદુરી કરે ત્યારે તેની શૌર્યગાથા લખાય છે તે રીતે સંદેશવાહક કબૂતરોની શૌર્યગાથા પણ આજેય કહેવાય છે. 'ચેર-અમી' નામનું એક કબૂતર જાસૂસી સંદેશો લઈને ઊડતું હતું ત્યારે દુશ્મનોએ ગોળીબાર કર્યો તેનાથી સાત વખત કબૂતર ઊડતું ઊડતું ઘવાયું પણ એ છતાંય કબૂતરે તેની ફરજ પ્રમાણે સંદેશો પહોંચાડયો, તેની શૌર્યગાથા લખાઈ છે. આ સંદેશો સમયસર મળી જતાં ન્યૂયોર્કની ૭૭મી ડિવિઝનની આખી ટુકડી બચી જવા પામી હતી. 'ચેર-અમી' નામનું કબૂતર પછી ઘાયલ થઈને મરી ગયું ત્યારે તે કબૂતરના શરીરમાં મસાલો ભરવામાં આવ્યો અને અત્યારે અમેરિકામાં વોશિંગ્ટન ખાતે સ્મિથસોનિયન ઇન્સ્ટિટયૂટના મ્યુઝિયમમાં તેને રાખવામાં આવ્યું છે!


Google NewsGoogle News