Get The App

માણસે પોતાની જાતને માફ ન કરવી જોઈએ? .

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
માણસે પોતાની જાતને માફ ન કરવી જોઈએ?            . 1 - image


- એવી સાત બાબતો કઈ જેમાં

- એક જ દે ચિનગારી-શશિન્

- આપણું જીવન કેમ ક્લેશમય બને છે એનોગંભીરતાપૂર્વક આપણે વિચાર કરી શકીએ છીએ ખરા?

સ્વ ધર્મનું વિસ્મરણ ન થાય એ જાગૃત મનથી જોતા રહેવું એ પણ ઈશ્વરોપાસના જ છે. કર્મમાં આસક્તિનું વિષ ઉમેરતાં તો આપણે શીખી લીધું પણ કર્મને પૂજા અને ભક્તિનો વિષય બનતાં બનાવતાં આપણને ન આવડયું એ બહુ મોટો પડકાર !

એક માણસે સડકને કિનારે બેઠેલા એક રમકડાં વેચનાર બાળકને પોતાની મોટર-બાઇકથી હડફેટે લીધું. બાળકને માથામાં થોડી ઈજા થઈ પણ એને એ વાતનો આનંદ હતો કે તેનાં રમકડાં હેમખેમ હતાં.

મોટર બાઈકવાળાએ તેના હાથમાં એકસો રૂપિયાની નોટ મુકતાં કહ્યું, ''સોરી, હું જરા વિચારોમાં ખોવાએલો હતો એટલે તને ઈજા પહોંચાડી બેટા.''

બાળકે કહ્યું : ''કાંઈ વાંધો નહીં. ભગવાન તમારું ભલું કરે. મારે પૈસા નથી જોઈતા. લોકો અકસ્માત કરી ભાગી જતા હોય છે જ્યારે તમે માનવતા દાખવી મારી ચિંતા કરી, એ ભાવના બહુ મોટી વાત છે. થેંક યુ.''

માણસ બીજાને માફ કરી શકે છે પણ કેટલીક બાબતો એવી હોય છે જેમાં માણસે પોતાની જાતને માફ ન કરવી જોઈએ. એ સાત બાબતો કઈ ?

૧. પોતે જે કરવા યોગ્ય હતું તે ન કર્યું અને નિષ્ક્રિયતા દાખવી.

૨. મનમાં ઈર્ષ્યા, દ્વેષ, વેરવૃત્તિ અને હિંસાના વિષવૃક્ષને ઉછેર્યું. અહંકાર નામના હિંસક પ્રાણીને પાળતો રહ્યો.

૩. ચહેરા પર સદાય મલકાટ અને સ્મિત રેલાવ્યા સિવાય ઉદાસ ચહેરો લઈ ફરતા રહ્યા.

૪. સાચા અને ખોટાની પસંદગી વખતે જાણી જોઈને તમે ખોટાને જ પસંદ કર્યું.

૫. જીવન નિરસ અને નકામું છે એમ માની દુઃખી થયા અને બીજાને દુઃખી કરતા રહ્યા.

૬. જ્યાં બહાદુરી અને હિંમત દાખવવાની જરૂર હતી ત્યાં કાયરતા દાખવી.

૭. સકારાત્મકતાને બદલે નકારાત્મકતાની ઢાલ બનવા રૂપાળાં બહાનાં શોધતા રહ્યા.

માણસ જગત સાથે ઠગાઈ કરે છે તેમ જાત સાથે પણ ઠગાઈ કરે છે. દિવસ આપણને 'ઠગતો' જ નથી આપણે દિવસ સાથે 'ઠગાઈ' કરીએ છીએ !

જિંદગીને આપણે કેવળ રૂપિયા-પૈસાના સરવાળા-બાદબાકીની નજરે જોવી છે ? જિંદગીને વર્ષો-દિવસો અને ક્ષણોમાં માપવી છે ? જિંદગીને ક્ષુલ્લક, પણ માણસના અહંકારે મોટી અને મહત્વની ગણેલી બાબતોના સંકીર્ણ કુંડાળામાં ગોંધી રાખવી છે.

હકીકત તો એ છે કે સમૃદ્ધિ, સંપત્તિ અને સુખના સ્વામી બનવા જન્મેલા આપણે, જીવનનું કેન્દ્ર ક્યાં છે, એ નહીં પિછાણવાને કારણે કસ્તૂરી મૃગની જેમ ખુશબોની તલાશીમાં ભટક્યા જ કરીએ છીએ. પરિણામે આપણી પાસે બધું જ આવે છે પણ 'જીવન' નથી આવતું. આપણે સમ્રાટોના મહાસમ્રાટ હોવા છતાં જિંદગી સમક્ષ કૃપાનો કટોરો લઈ અકિંચન બની ઉભા રહીએ છીએ. કોઈ એક તવંગર નબીરાએ દક્ષિણ ભારતના મહાન સંત તિરુવલ્લુવરનાં ખૂબ વખાણ સાંભળ્યાં હતાં. તિરુવલ્લુવર વણકરનું કામ પણ કરતા હતા. તેઓ બે સાડીઓ લઈને પેટિયું રળવા બેઠા હતા. ગ્રાહક બની પેલો અમીરપુત્ર તેમની સામે જઈને ઉભો રહ્યો અને કહ્યું : ''મારે એક સાડી ખરીદવી છે. ભાવ બોલો.''

તિરુવલ્લુવરે પ્રેમથી જવાબ આપ્યો, ''બે રૂપિયા ભાઈ.''

પેલા ધનવાનના પુત્રે સાડીના બે ટુકડા કરી નાખતાં કહ્યું : ''મારે આખી નહીં આટલી અડધી સાડી જોઈએ છે.''

''તો અડધા રૂપિયા એટલે કે એક રૂપિયો આપો.'' સંતે કહ્યું.

''પણ મારે તો આ સાડીનું ચોથિયું જ જોઈએ છે.'' - પેલા અહંકારી યુવાને કહ્યું.

''તો ચોથા ભાગની કીંમત મુજબ આઠ આના આપો.'' - તિરુવલ્લુવરે કહ્યું, 'પેલા યુવકે સાડીના ચીંથરે ચીંથરે કરી ફેંક્યા અને તેમને કહ્યું, સાડીના ટુકડા લઈને હું શું કરું ? એના કરતાં સાડીની પૂરી કીંમત બે રૂપિયા લઈ લો.'

''બે રૂપિયાના બદલામાં મારે તમને સાડીના ટુકડા આપવા પડે એના કરતાં હું એ ટુકડાને સાંધીને એમાંથી થોડીક આવક ઉભી કરીશ. મારે મફતના રૂપિયા નથી જોઈતા.''

યુવકે કહ્યું : ''મારા ઘરમાં સાત પેઢીએ પણ ન ખૂટે એટલા રૂપિયા છે. એમાં બે રૂપિયાનું કશું જ મહત્વ નથી.''

''તો ભાઈ, એમ કહેને કે તારે નુકસાની ભરપાઈ કરી આપવી છે.'' 

તો સાંભળ : ''ખેડૂતે કપાસની મહામહેનત ખેતી કરી રૂનું કાલુ તૈયાર કર્યું. મારી ઘરવાળીએ રૂ કાંતીને સૂતર તૈયાર કર્યું મેં સૂતરને વણી - રંગીને સાડી તૈયાર કરી. શું કામ ?'' કોઈક એને પહેરીને હરખાય. પણ તેં સાડીના ટુકડે-ટુકડે કરી નાખીને અમે કરેલા શ્રમને તેં નકામો બનાવી દીધો.

સંતની વાત સાંભળી યુવાનનો હૃદયપલટો થયો. સંત તિરુવલ્લુવરે કહ્યું : ''ભાઈ ! સાડી બગડે તો બીજી બનાવી શકાય, પણ બગડેલી જિંદગીનું શું ?''

દરેક માણસ સંતત્વની શ્રેણીમાં ન બેસી શકે, પણ પોતાના જીવનને ઉદાત્ત, કર્તવ્યશીલ, ક્ષમાશીલ અને પરિશ્રમને પારસમણિ માનવાનું કામ તો કરી જ શકે. મૂળ વાત છે જીવનની ઉદાત્ત દ્રષ્ટિ કેળવવાની.

રોજબરોજનું આપણું જીવન કેમ ક્લેશમય બને છે એનો ગંભીરતાપૂર્વક આપણે વિચાર કરી શકીએ છીએ ખરા ? પાપો ધોવા તીર્થ સ્થાનનો આશરો લઈએ છીએ પણ ઘરને જ મંદિર જેવું પવિત્ર બનાવી ઘરના સભ્યોમાં 'નારાયણ'નું દર્શન કરતાં આપણને કોણ રોકે છે ? આપણે પ્રાધ્યાપક, એડવોકેટ, ઈજનેર કે કર્મચારી બની શકીએ છીએ પણ જે તે સ્થાનને ઉત્તમ બનાવે તેવો પ્રયત્ન કરીએ છીએ ખરા ? એમ ન હોય તો તમે પ્રત્યેક ઉગતા દિવસનું અપમાન કર્યાના પાપના ભાગીદાર બની શકો છો.

'પરમ સમીપે' (કુંદનિકાબેન કાપડીઆ)ની પેલી પ્રાર્થના મુજબ આપણા જીવનની પણ એ જ આરઝૂ હોઈ શકે કે - ''પરમાત્મા, અમને દ્રષ્ટિ આપો કે અમે સહેલા અને અઘરા વચ્ચેનો ભેદ પારખી શકીએ.''

''અમને શક્તિ આપો કે અમે અઘરી વાટે ચાલી શકીએ. હે પ્રભુ ! અમારા વિચારોને એટલા ઉદાત્ત બનાવો કે બીજા માણસનું દ્રષ્ટિ બિન્દુ અમે સમજી શકીએ. અમારા મનને એટલું સંવેદનશીલ બનાવો કે બીજાઓ ક્યાં ઘવાયા છે તે અમે જોઈ શકીએ. અમારા ચિત્તને એટલું વિશાળ કરો કે પોતાના અને પારકાના ભેદથી ઉપર ઉઠી શકીએ.''

સ્વધર્મનું વિસ્મરણ ન થાય. એ જાગૃત મનથી જોતા રહેવું એ પણ આખરે ઈશ્વરોપસના જ છે. કર્મમાં આસક્તિનું વિષ ઉમેરતાં તો આપણે શીખી લીધું પણ કર્મને પૂજા અને ભક્તિનો વિષય બનતાં-બનાવતાં આપણને ન આવડયું ? એ બહુ મોટો પડકાર !


Google NewsGoogle News