Get The App

વાદા કરો ચાંદ કે સામને... .

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
વાદા કરો ચાંદ કે સામને...                                . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- 'જોયું? રોહિણી કેટલી સ્માર્ટ નીકળી? ગ્રીનકાર્ડવાળો અમેરિકન હસબન્ડ ઝડપી લીધો ને? બાકી પેલા વિનીતમાં શું લેવાનું હતું?'

'હ લો વિનીત...' રોહિણીનો ફોનમાં જે રીતે અવાજ ધુ્રજતો સંભળાયો ત્યારે જ વિનીતને ધ્રાસકો પડી ગયો કે કંઈક ખરાબ બની ગયું છે.

'શું થયું રોહિણી ? કેમ તું આટલી ગભરાયેલી લાગે છે ?'

'વિનીત, ડેડીને અચાનક હાર્ટ-એટેક આવ્યો છે! એમને આઈસીયુમાં દાખલ કર્યા છે અને મને સખ્ખત ડર લાગે છે કે એમને કંઈક થઈ જશે!'

'રોહિણી, ચિંતા ના કરીશ. હું હમણાં જ ત્યાં આવું છું. કઈ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે ?' 'હોસ્પિટલ તો સ્ટર્લિંગ છે પણ વિનીત, પ્લીઝ તું -'

રોહિણી બોલતાં અટકી ગઈ, વિનીતે પૂછયું 'શું ? બોલતાં કેમ અટકી ગઈ ?'

'તું' રોહિણીનું ડૂસકું સંભળાયું, હવે તને શી રીતે કહું ? તું અહીં હોસ્પિટલમાં ના આવતો. કેમ કે આવીશ તો પરિસ્થિતિ ઔર ખરાબ થઈ જશે!

'એવું તે શું થયું છે ?'

'વિનીત, ડેડીને તારા કારણે જ હાર્ટ એટેક આવ્યો છે ! તું - 'રોહિણીએ ફોન મુકતાં, પહેલાં માત્ર એટલું જ કહ્યું 'તું મને હોસ્પિટલની સામેની રેસ્ટોરન્ટમાં મળ. તને બધી વાત કરું છું.'

વિનીત હાંફળો ફાંફળો થઈને ઘરમાંથી બહાર નીકળ્યો. રીક્ષા કરી અને સ્ટર્લિંગ હોસ્પિટલની સામે જે રેસ્ટોરન્ટ હતી ત્યાં પહોંચ્યો. પહોંચતાની સાથે જ તેણે મોબાઈલથી મેસેજ કર્યો. 'હું આવી ગયો છું.'

જવાબ આવ્યો, 'પ્લીઝ વેઈટ કરજે. ડેડીની હાલત ક્રિટીકલ છે.'

વિનીત ત્યાં રેસ્ટોરન્ટની બહાર બે કલાક સુધી રાહ જોતો ઊભો રહ્યો. આખરે રાત્રે દસેક વાગે જ્યારે રોહિણી આવી ત્યારે એની દશા બહુ ખરાબ હતી. રડી રડીને એની આંખો લાલ થઈ ગઈ હતી. વાળ અસ્ત વ્યસ્ત હતા, એના ચાલવાનાં પણ ઠેકાણાં નહોતાં.

આવતાંની સાથે જ તે વિનીતના ખભે માથું મુકીને રડવા લાગી. વિનીતે તેને થોડીવાર માટે રડી લેવા દીધી. પછી વિનીતે બે હાથ  વડે રોહિણીનો ચહેરો હાથમાં લેતાં પૂછયું 'રોહિણી વાત શું છે ?'

રોહિણીએ ડૂસકાં લેતાં કહ્યું 'ડેડીના હાથમાં મારો મોબાઈલ આવી ગયો હતો. એમાં તારી સાથેની ચેટ વાંચતાની સાથે જ એમને ચક્કર આવી ગયાં ! એમના ડોળા અધ્ધર ચડી ગયા !  અને એ પડી ગયા... કારમાં બેસાડીને હોસ્પિટલે લાવ્યા તો ડોક્ટરે કહ્યું કે મેસ્સિવ હાર્ટ એટેક છે !'

'ઓ માય ગોડ!  હવે ?' વિનીત ચિંતામાં પડી ગયો.

'હું સારો સમય જોઈને ડેડી તથા મમ્મીને તારી વાત કરવાની જ હતી પણ આ બધું અચાનક બની ગયું. હવે પ્લીઝ, થોડા દિવસ સુધી મને ફોન કે મેસેજ ના કરીશ. તું સમજી શકે છે ને ?'

'હા શ્યોર.' વિનીતે પ્રોમિસ આપ્યું કે જ્યાં સુધી રોહિણી સામેથી કોન્ટેક્ટ ના કરે ત્યાં સુધી તે ફોન કે મેસેજ નહીં કરે.

આ ઘટનાના પંદર દિવસ પછી રોહિણીનો ફોન આવ્યો : 'વિનીત, આપણે મળવું પડશે. એ સાંજે બન્ને જણા નદીને કિનાર મળ્યા ત્યારે રોહિણી ચૂપ હતી. બન્ને જણા એકબીજાના હાથમાં હાથ પરોવીને ક્યાંય લગી ડૂબતા સુરજનાં સોનેરી પ્રતિબિંબોને નદીના પાણીમાં જોતાં રહ્યાં.'

આખરે જ્યારે અંધારું ઘેરાવા લાગ્યું ત્યારે રોહિણીએ કહ્યું 'વિનીત, કદાચ આપણી આ છેલ્લી મુલાકાત છે. કેમ કે ડેડીએ મારાં લગ્ન એમના એક એનઆરઆઈ મિત્રના દિકરા સાથે નક્કી કરી દીધાં છે. જો કે એમના હાર્ટની હાલત હજી નાજુક જ છે.આવામાં જો હું કંઈ કહેવા જઈશ તો ક્યાંક એમને-'

'હું સમજી શકું છું ' વિનીત બોલ્યો.

જોકે એ પછી વિનીતે કંઈ બોલવા જેવું હતું જ નહીં. રોહિણી એના ડેડીનો નિર્ણય બદલી શકે તેમ નહોતી. અને વિનીત પણ કંઈ એવો ધનવાનનો નબીરો નહોતો કે -

બન્ને હજી ચૂપચાપ હતાં. છેવટે અંધારું ઘટ્ટ થયું અને આકાશમાં ચંદ્રનો પ્રકાશ ફેલાવા લાગ્યો ત્યારે રોહિણીએ વિનીતનો હાથ પકડીને કહ્યું 'તારી પાસેથી બીજું એક પ્રોમિસ જોઈએ છે.'

'બોલ ને'

'તારે લગ્નમાં જરૂર આવવાનું છે અને -'

રોહિણીનો અવાજ ડગમગી ગયો. 'અને કોઈને જરાય શંકા ન થાય એવું વર્તન કરવાનું છે. બોલ, થશે ?'

વિનીતે કડવો ઘૂંટડો ભરતાં કહ્યું 'આપણા પ્રેમને ખાતર એ પણ કરી લઈશ, એમાં શું મોટી વાત છે ?'દ

લગ્નનો સમારંભ ભવ્ય હતો. વિનીત એના મિત્રો સાથે ત્યાં ગયો પણ ખરો. એટલું જ નહીં, મહેમાનો માટે હાથમાં પાણીના ગ્લાસની ટ્રે લઈને ચહેરા ઉપર સ્માઈલ સાથે ફરતો પણ રહ્યો.

મહેમાનોને લાગ્યું કે આ કોઈ સ્ટાફનો માણસ હશે. એમને અવાર નવાર પાણી કે શરબત આપવા જતાં વિનીતના કાને બે છૂટી છવાઈ વાતો કાને પડી. એક પ્રૌઢ વડીલોના ગુ્રપમાં છૂટ્ટાં હાસ્યો વચ્ચે વાત ચાલી રહી હતી કે 'જોયું ? છોકરીના બાપે હાર્ટ એટેકનું નાટક કરીને દિકરીને કેવી મનાવી લીધી ?'

આ હજી ઓછું હોય તેમ રોહિણીની મમ્મી એમના મહિલા મિત્રો આગળ બોલતી સંભળાઈ 'મિડલ ક્લાસ છોકરાથી પીછો છોડાવવો હોય તો આવું બધું કરવું પડે! મેં જ રોહિણીને કહ્યું હતું કે -'

અને રોહિણીની ખાસ બહેનપણીઓમાં શું વાતો ચાલી રહી હતી ? 'જોયું ? રોહિણી કેટલી સ્માર્ટ નીકળી ? ગ્રીનકાર્ડવાળો અમેરિકન હસબન્ડ ઝડપી લીધો ને ? બાકી પેલા વિનીતમાં શું લેવાનું હતું ?'

વિનીતના હાથમાં શરબતનો છેલ્લો ગ્લાસ હતો. એ મીઠા પીણાંનો કડવો ઘુંટડો ઉતારીને ધીમેથી બહાર નીકળી ગયો....


Google NewsGoogle News