Get The App

બેસ્ટ બહેનપણી સાથે ચીટિંગ? .

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
બેસ્ટ બહેનપણી સાથે ચીટિંગ?                                       . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- 'કમ ઓન, તને પેલી બાઘી મુરખ મધુરીમાં એવું શું દેખાય છે, જે મારામાં નથી?'

'આ ય હાય! આટલો હેન્ડસમ છોકરો તારો ફ્રેન્ડ ક્યારથી થઈ ગયો ? બોલ તો ખરી!'

ઉઘડતી કોલેજે જ્યારે એક રૂપાળો અને ચાર્મિંગ યુવાન પોતાની બાઇક ઉપર મધુરીને કોલેજના ગેટ આગળ ઉતારી ગયો એ જોતાં જ એની બહેનપણી આશ્લેષાએ એને પૂછી નાંખ્યું.

મધુરી પણ ક્યાં વાત છૂપાવે એવી હતી ? એણે આખો કિસ્સો પુરી ડિટેઈલમાં કહી દીધો :

વાત એમ બની હતી કે મધુરી જ્યારે વેકેશનમાં ડાંગ જિલ્લામાં એના રમણીય વતન વાંસદા ગઈ હતી ત્યારે એ, એના મમ્મી પપ્પા અને એના કાકાનું ફેમિલી ટેક્સી લઈને શીરડી દર્શન કરવા ગયું હતું. વળતાં આવતી વખતે ટેકસી ડ્રાઈવર જરા થાકેલો હતો. એમાં અચાનક સામે એક ગાય આવી જતાં એણે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો અને સામેથી આવી રહેલી બાઇક સાથે એક્સિડેન્ટ થઈ ગયો.

નસીબજોગે એ બાઈક સવારને બહુ ગંભીર ઇજા, તો નહોતી થઈ પણ પગમાં ફ્રેકચર હોય એવું તો લાગતું જ હતું. ગભરાયેલો ડ્રાયવર ટેક્સી મારી મુકવાના મૂડમાં હતો પણ મધુરીએ એને રોક્યો :

'આ રીતે કોઈ ઘાયલને રસ્તા પર છોડી દેવાતો હશે ? એને આપણે ત્યાં લઈ લો.'

મધુરીના પપ્પા ગુંચવાતા હતા પણ મધુરી મક્કમ હતી. તેણે જાતે પેલા યુવાનને બેઠો કરવામાં મદદ કરી. વાંસદા શહેર હવે ખાસ દૂર નહોતું. મધુરીએ તેના કાકાને કહ્યું : 'તમે આમની બાઈક લઈને પાછળ પાછળ આવો. પપ્પાને પણ પાછળ બેસાડજો. હું આમને લઈને સીધી હોસ્પિટલે જાઉં છું.'

મધુરીએ યુવાનને કારની પાછલી સીટ ઉપર બેસાડીને હોસ્પિટલમાં જાતે જ એડમિટ કરાવ્યો. એ યુવાન 'તમે શું કામ તકલીફ લો છો...' એમ કહેતો રહ્યો પણ મધુરીએ એનું કંઈ સાંભળ્યું જ નહીં.

હોસ્પિટલમાં ચેક-અપ પછી ખબર પડી કે તેને પગમાં હેર-લાઇન ફ્રેકચર છે. બે દિવસ હોસ્પિટલમાં રાખ્યા પછી મધુરી તેને કાકાને ઘરે લઈ આવી હતી. બરાબર દસ દિવસ તેની સારવાર પછી તે ઓકે થઈ ગયો.

એ હેન્ડસમ યુવાન હતો અનિકેત. શહેરના એક અતિ ધનાઢ્ય ઉદ્યોગપતિનો એકનો એક પુત્ર. એને બાઇકિંગનો ગાંડો શોખ હતો. એટલે જ એ વેકેશનમાં ૧૦,૦૦૦ કિલોમીટરની સોલો-ટ્રીપ ઉપર નીકળ્યો હતો.

બસ, આ દરમ્યાન મધુરી એના માટે ટિફીનમાં ભાખરી-શાક અને દાળ-ભાત ઉપરાંત જાતે બનાવેલો ગરમાગરમ શીરો તો ક્યારેક મસ્ત મજાનાં મેથી-ગોટા લઈ આવતી હતી એમાં બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ.

કાકાના ઘરે આવ્યા પછી તો અનિકેતને આ સંયુક્ત કુટુંબનું વાતાવરણ એટલું બધું ગમી ગયું હતું કે એના ડેડીએ એને શહેરની હાઈ-ફાઈ હોસ્પિટલમાં દાખલ કરવા માટે જે કાર મોકલી હતી તે પણ પાછી મોકલી આપી. અનિકેતને આ ભોળી, માસૂમ અને થોડી બાઘા જેવી મધુરી ગમી ગઈ હતી ?

'વાઉ!' આખી સ્ટોરી સાંભળીને આશ્લેષાથી રહેવાયું નહીં એટલે પૂછી જ નાંખ્યું : 'શું એણે તને આઈ લવ યુ કીધું ? શું તેં એને લવ યુ કીધું ? અરે, ફ્રેન્કલી બોલને, તું એના લવમાં છે ને ?'

મધુરીના ગાલ શરમના શેરડા પડી ગયા. 'હા, લવમાં તો છું, પણ એવું ડાયરેક્ટલી શી રીતે કહેવાય ?'

બસ, આશ્લેષાએ એ જ ઘડીથી નક્કી કર્યું કે અનિકેત જેવો હેન્ડસમ અને અમીર નબીરો આ મધુરી જેવી મામુલી છોકરીના હાથમાં તે કંઈ જવા દેવાતો હશે ? એ જ દિવસથી તેણે પોતાની ગેમ રમવા માંડી.

મધુરીની બેસ્ટ ફ્રેન્ડ હોવાને નાતે તે અનિકેત અને મધુરીની મુલાકાતો મોંઘી મોંઘી રેસ્ટોરન્ટોમાં ગોઠવવા લાગી. દર વખતે, નેચરલી, બિલ તો પોતે જ પે કરતી. એટલું જ નહીં, પોતે મધુરી કરતાં કેટલી સ્માર્ટ અને મોડર્ન છે એવું દેખાડવાની કોશિશ કરતી હતી.

જોકે મધુરીના મનમાં તો અડધા ટકા જેટલીયે શંકા નહોતી, ઉલ્ટું, પોતાની બાઘાઈ કે ખોટી મેનર્સની મજાક થાય તો તે પોતે જ બહુ ખુલ્લા દિલથી હસ્યા કરતી હતી. ઘણીવાર તો અનિકેત પણ આશ્લેષા સાથે 

મજાકમાં જોડાઈ જતો હતો. આશ્લેષાને થયું, હવે એક સ્ટેપ આગળ જવાનો સમય આવી ગયો છે.

આશ્લેષાએ પોતાના બર્થ-ડેની માટે એક ભવ્ય પાર્ટી ગોઠવી. એ પણ શહેરની બેસ્ટ ફાઇવ સ્ટાર હોટલમાં. અહીં તેનું હાઈ-ફાઈ ફ્રેન્ડ સર્કલ હતું. અનિકેતના પણ હાઈ-ફાઈ અમીર ફ્રેન્ડઝ આવ્યા હતા. પણ એમાં મધુરી બિચારીની હાલત ખરાબ થઈ ગઈ.

એક તો આશ્લેષાએ જીદ કરીને તેને એક મોંઘો ચળકતો ડ્રેસ પહેરવા માટે આપ્યો હતો, જે હકીકતમાં બે સાઇઝ મોટો હતો ! એના કારણે વારંવાર મધુરીના ખભા ખુલ્લા પડી જતા હાં, એનો ડ્રેસ વિચિત્ર રીતે નીચે સરકી જતો હતો... નેચરલી આવા ડ્રેસમાં ડાન્સ કરતાં ફાવ્યું નહીં એટલે તે દૂર જ ઊભી રહી. ઉપરથી કોઇએ એના ડ્રેસ ઉપર 'ભૂલથી' શરબતનો ગ્લાસ ઢોળી દીધો !

આ ચાન્સનો લાભ લઈને આશ્લેષાએ મધુરીને પોતાના ડ્રાયવર સાથે ઘરે મોકલી આપી ! હવે આશ્લેષા અનિકેતની સાથે ને સાથે જ હતી. છેક પાર્ટી પતી ત્યાં સુધી એને જવા દીધો નહીં. છેવટે મોડી રાત્રે પોતે જિદ કરીને અનિકેતને બંગલે તેને ડ્રોપ કરવા પોતાની કારમાં બેસાડયો.

કાર બંગલે લઈ જવાને બદલે એક સૂમસામ રસ્તે કાર ઊભી રાખીને તેણે અનિકેતને કિસ કરવાનો પ્રયાસ કર્યો. અનિકેત પાછળ ખસી ગયો. અનિકેતને પૂછયું, 'કમ ઓન, તને પેલી બાઘી મુરખ મધુરીમાં એવું શું દેખાય છે, જે મારામાં નથી ?'

અનિકેતે હવે ગળું ખોંખારીને સ્પષ્ટ જવાબ આપ્યો : 'જો આશ્લેષા, છેલ્લા છ મહિનાથી હું તારી આ રમત જોઈ રહ્યો છું. હું એ પણ જાણું છું કે જ્યારે તું રેસ્ટોરન્ટમાં મુલાકાતો ગોઠવતી હતી ત્યારે કઇ કેટલી વાર મધુરીની સ્કુટીમાં કાં તો પંચર પડી જતું હતું, કાં તો હવા નીકળી જતી હતી, કાં તો તેની બેટરી ઉતરી જતી હતી... આ બધું કંઈ જોગાનુજોગે નહોતું થઈ રહ્યું !'

'ઓકે. હું જ તને પામવા માગતી હતી ! પણ યાર, જરા સમજ, મધુરી ડફોળ છે, ઇડિયટ છે, મિડલ ક્લાસ છે ! એનામાં મેનર્સ પણ નથી !'

'મેનર્સ તારામાં નથી આશ્લેષા ! ખાસ બહેનપણી હોવાનો ઢોંગ કરીને ચીટિંગ કરવું એને મેનર્સ નહિ ડિસ-ઓનેસ્ટી કહેવાય ! અને મધુરી ડફોળ નથી, ભોળી છે ! ઇડિયટ નથી, ઇમોશનલ છે અને મિડલ ક્લાસની છે એટલે જ તારા કરતાં લાખ દરજ્જે વધુ સંસ્કારી છે... સમજી ?'

આશ્લેષા સમજી ગઈ. મધુરીએ પોતે જીત્યા વિના તેને હરાવી દીધી હતી.


Google NewsGoogle News